48 ડિગ્રી ગરમી અને એક ડોલ પાણી માટે કલાકોની રાહ, દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જ્યાં પાણી ભરવામાં પણ જ્ઞાતિભેદ થાય છે

ઇમેજ સ્રોત, Seraj Ali
- લેેખક, સુમેધા પાલ અને સેરાજ અલી
- પદ, બીબીસી હિન્દી
- દ્વારા રિપોર્ટિંગ, બુંદેલખંડ, ઉત્તર પ્રદેશ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
થોડા મહિના પહેલાંની વાત છે. સૂર્યોદય પછી તરત જ 40 વર્ષનાં મમતા પાણી ભરવાની એ દિવસની પહેલી સફરે નીકળ્યાં હતાં. આવી સફર તેમને એ દિવસે દસ વખત ખેડવાની હતી.
પ્લાસ્ટિકની ત્રણ ખાલી ડોલ લઈને મમતા પોતાના ગામની નજીકના હૅન્ડપમ્પ તરફ નીકળ્યાં. હૅન્ડપમ્પ તેમના ઘરથી થોડાક સો મીટર દૂર હતો. તેમનું ગામ ઉત્તર ભારતના દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડ વિસ્તારમાં આવેલા જાલૌન જિલ્લામાં છે.
મમતા કહે છે કે, પીવાના પાણીની સરકારની યોજના અંતર્ગત લગાવવામાં આવેલા નળ બે વર્ષથી સૂકા પડ્યા છે. તેથી ગામના લગભગ 1,000 રહેવાસીઓએ ગણ્યાંગાંઠ્યા હૅન્ડપમ્પ પર આધાર રાખવો પડે છે.
મમતા કહે છે કે પોતાના 11 સભ્યોના પરિવાર અને પશુઓ માટે પૂરતું પાણી ભરવામાં તેમને કલાકો લાગી જાય છે. પરંતુ ગરમી સિવાય પણ તેમને બીજી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
મમતા વાલ્મીકિ સમુદાયનાં છે. આ સમુદાય દલિતોમાં આવે છે. ભારતની સદીઓ જૂની જાતિ વ્યવસ્થામાં દલિતોને એક સમયે 'અસ્પૃશ્ય' ગણવામાં આવતા હતા અને આજે પણ તેઓ વ્યાપક ભેદભાવનો સામનો કરી રહ્યા છે.
મમતાના જણાવ્યા મુજબ, ગામની પ્રભાવશાળી જ્ઞાતિના લોકો હૅન્ડપમ્પનો ઉપયોગ કરી લે ત્યાં સુધી પોતે રાહ જુએ છે.
તેઓ કહે છે, "તેઓ ત્યાં ઊભા હોય તો અમે પાણી ભરી શકતાં નથી. તેઓ ત્યાંથી નીકળે એની રાહ જોવી પડે છે."
તેમના કહેવા પ્રમાણે, પછી ઉચ્ચ જ્ઞાતિના કેટલાક લોકો હૅન્ડપમ્પ પર પાણી રેડીને તેને 'શુદ્ધ' કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દાયકાઓથી આવું જ ચાલતું આવ્યું છે."
બુંદેલખંડ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ફેલાયેલો અર્ધશુષ્ક વિસ્તાર છે અને વારંવાર પડતા દુષ્કાળ માટે તે જાણીતો છે. 2002થી 2016 દરમિયાન અહીં અનેક મોટા દુષ્કાળ પડ્યા હતા. આથી, દેશના બીજા અનેક વિસ્તારો પણ આવી જ મુશ્કેલીનો સામનો કરતા હોવા છતાં, બુંદેલખંડ પાણીની અછતનું જાણે પ્રતીક બની ગયો છે.
બુંદેલખંડના ઉચ્ચપ્રદેશની જમીન ખડકાળ હોવાથી તેમાં ભૂગર્ભજળનો સંગ્રહ બહુ ઓછો થઈ શકે છે. વરસાદ અનિયમિત બન્યો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે. પરિણામે, સરકાર અને સ્થાનિક સમુદાયોએ પાણીના સંરક્ષણ માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં પાણી ક્યારે અને કેટલું મળશે તે નક્કી નથી.
એક સદી કરતાં પણ વધુ સમયગાળાના હવામાનના આંકડાના અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ સમગ્ર વિસ્તારમાં તાપમાન વધ્યું છે. તાજેતરના ઉનાળામાં બુંદેલખંડના કેટલાક વિસ્તારોમાં તાપમાન 48 અંશ સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું.

ઇમેજ સ્રોત, Seraj Ali
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રહેવાસીઓ અને સંશોધકોનું કહેવું છે કે વધતી જતી ગરમી અને પાણીની તંગી જૂના ભેદભાવને વધુ ઘેરો બનાવી રહી છે.
પાણીના મર્યાદિત સામૂહિક સ્રોતો માટે વધુ ને વધુ પરિવારો વચ્ચે સ્પર્ધા વધી રહી છે. લાંબા સમયથી પાણી મેળવવામાં ભેદભાવનો સામનો કરતા દલિતોને હવે આ અસમાનતાનો વધુ વાર સામનો કરવો પડે છે.
"પાણી માટેનો સંઘર્ષ કંઈ નવો નથી." એમ સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયર્નમેન્ટનાં મિતાશી સિંહે કહ્યું.
"હવે ઉનાળો વધુ આકરો બન્યો છે, પાણીની તંગી વધી છે અને તેને કારણે પહેલેથી રહેલા તણાવ પણ વધુ ઘેરા બન્યા છે."
સ્થાનિક અધિકારીઓ આ વિસ્તારમાં પાણીની અછત હોવાના કે પાણીના જાહેર સ્રોતો પર જાતિના આધારે ભેદભાવ થતો હોવાના દાવાને નકારે છે.
બીબીસી સાથેની વાતચીતમાં, પ્રભુત્વ ધરાવતી ગામની જ્ઞાતિના લોકોએ પણ બીજા લોકો સાથે ભેદભાવ આચરતા હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે, તેમણે સ્વીકાર્યું હતું કે પાણીના પુરવઠા પર દબાણ વધી રહ્યું છે.
50ની આસપાસની ઉંમરના રામગોપાલ સિંહે ગામના અનેક વપરાશવિહોણા કૂવા તરફ ધ્યાન દોર્યું.
"આ કૂવા લગભગ 20 વર્ષથી સૂકાયેલા છે." તેમણે કહ્યું. પાણીના બીજા કેટલાક સ્રોત સુકાઈ ગયા હતા કે પ્રદૂષિત થઈ ગયા હતા. બીજી તરફ, નળનાં અનિયમિત જોડાણોને કારણે વધુ ને વધુ પરિવારો હૅન્ડપમ્પ પર નિર્ભર બન્યા હતા.
તેમણે કહ્યું કે સૌ કોઈ સવારના ઠંડા પહોરે પાણી ભરવાનો પ્રયાસ કરતા હતા. તેથી કોનો વારો પહેલાં અને દરેક પરિવારે કેટલું પાણી ભરવું એ મુદ્દે અવારનવાર ઝઘડા થતા હતા.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, "પરંતુ આ હૅન્ડપમ્પ પર જાતિના આધારે કોઈ વિવાદ નથી."

ઇમેજ સ્રોત, Seraj Ali
બીબીસી સાથે વાત કરનારા દલિત રહેવાસીઓએ કંઈક જુદું જ ચિત્ર રજૂ કર્યું.
તેમણે કહ્યું કે હૅન્ડપમ્પ પર પાણી ભરવા માટે કોઈ વ્યવસ્થિત કતાર નથી. તેના બદલે, સામસામા થઈ જવાની સ્થિતિ ટાળવા માટે પરિવારો અલગ-અલગ સમયે પાણી ભરવા જાય છે.
મમતાએ કહ્યું કે તેઓ સામાન્ય રીતે વહેલી સવારે અથવા બપોર પછી મોડી સાંજે પાણી ભરવા જતાં.
તેમણે કહ્યું હતું કે, "કોઈ મને નિશાન બનાવશે એવો ભય મને સતત રહે છે."
તેનાથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા શાહજહાંપુરમાં શિવે પણ આવો જ અનુભવ વર્ણવ્યો.
તેમણે કહ્યું કે વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના પરિવારો હૅન્ડપમ્પ પર પાણી ભરતા હોય ત્યારે પોતાના સમુદાયના લોકો ત્યાં જતા નથી.
તેમણે કહ્યું કે,"ગમે તેટલી ગરમી હોય, પીવાના પાણીની એક ડોલ માટે કલાકો સુધી રાહ જોવી પડે તો પણ અમે રાહ જોઈએ છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."
ઉનાળામાં તેમના પરિવારને વધુ પાણીની જરૂર પડતી હોવાથી આવી રાહ જોવાની સ્થિતિ પણ વધુ વાર ઊભી થતી.
"મારાં માતા-પિતા તરસ્યાં હોય તો પણ ક્યારેક અમારે પાણી પીવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે."

ઇમેજ સ્રોત, Seraj Ali
ત્રણ વર્ષ પહેલાં શિવનાં માતા પરમી દેવીએ જણાવ્યું હતું કે વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના એક સભ્ય સાથે ગામના એક હૅન્ડપમ્પ પર બોલાચાલી થયા પછી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો કે, "મને માર મારવામાં આવ્યો, ધક્કા મારીને જમીન પર પછાડવામાં આવી અને ત્રણ વખત જમીન પર પટકવામાં આવી."
"વાત માત્ર પાણીની નહોતી. અમારી જ્ઞાતિને કારણે આમ કરાયેલું."
દેવીએ હુમલો થયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જો કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ઉત્તર પ્રદેશની બિનનફાકારક સંસ્થા દલિત ડિગ્નિટી ઍન્ડ જસ્ટિસ સેન્ટર (ડી.ડી.જે.સી.) દ્વારા નોંધાયેલી ફરિયાદોમાં આવા વિવાદો વારંવાર જોવા મળ્યા છે.
સંસ્થાના જણાવ્યા મુજબ, 2025માં આ વિસ્તારમાં જ્ઞાતિના આધારે અત્યાચાર વિરુદ્ધના ભારતના કાયદા હેઠળ પોલીસે 113 કેસ નોંધ્યા હતા.
ડીડીજેસીના કુલદીપ સિંહ બૌધે બીબીસી હિન્દીને જણાવ્યું કે સંસ્થાએ મે અને જૂનના સૌથી ગરમ મહિનાઓ દરમિયાન નોંધેલી મોટા ભાગની ફરિયાદો પાણી સંબંધિત હતી. જો કે, સંસ્થા દ્વારા આ ફરિયાદોનું વિગતવાર વર્ગીકરણ જાહેર કરાયું નથી.
તેમણે કહ્યું, "ગરમીની અસર ખરેખરી કેવી થઈ રહી છે તે સમજવા માટે સૌથી વધુ વંચિત સમુદાયોના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને જોવી પડશે."
જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશકુમાર પાંડેની કચેરીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા.
એક નિવેદનમાં તેમણે જણાવ્યું, "આ વિસ્તારમાં પાણી મેળવવાની બાબતમાં જ્ઞાતિના આધારે ભેદભાવ થયો હોવાની એક પણ ઘટના બની નથી."

ઇમેજ સ્રોત, Seraj Ali
નિવેદનમાં પાણીની અછતના દાવાને પણ નકારવામાં આવ્યો હતો. તેમાં કેન્દ્ર સરકારની જલ જીવન મિશન યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ દરેક ગ્રામીણ પરિવારને પાઇપ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો છે. આ ઉપરાંત, તળાવો પુનઃજીવિત કરવા અને ભૂગર્ભજળના સ્તરને ફરી ઊંચું લાવવા માટે સ્થાનિક સ્તરે થઈ રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બુંદેલખંડની પાણીની કટોકટીનો સામનો કરવા માટે મોટા પાયે પ્રયાસો પણ થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તળાવો અને ચેકડૅમ સહિતના પરંપરાગત જળસ્રોતોને પુનઃજીવિત કરવામાં આવ્યા છે. બીજી તરફ, જલ સહેલી તરીકે ઓળખાતાં મહિલાઓનાં જૂથો ગામોમાં પાણીના પુરવઠા પર નજર રાખે છે અને જળસંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરે છે.
જ્ઞાતિ અને પર્યાવરણના રાજકારણનો અભ્યાસ કરતા સંશોધક મુકુલ શર્માએ કહ્યું કે પાણીનો પુરવઠો વધારવો એ ઉકેલનો કેવળ એક ભાગ છે.
તેમણે ઉમેર્યું કે, "આ અન્યાયનું મૂળ કારણ જળવાયુ પરિવર્તન નથી, પણ તે આ અન્યાયને વધુ ગંભીર બનાવનાર પરિબળ છે."
શર્માએ કહ્યું કે પાણીનો ઉપયોગ કોણ કરી શકે એ નક્કી કરવામાં હજુ પણ જ્ઞાતિની ભૂમિકા રહેશે, તો ફક્ત પાણીનો જથ્થો વધારવાથી સમસ્યા ઉકેલાશે નહીં.
મે મહિનાની એ સવારે મમતા હૅન્ડપમ્પ પાસે ઊભાં રહીને બીજા પરિવારોને પોતાની ડોલ ભરતાં જોઈ રહ્યાં હતાં. તેમના પગ પાસે પ્લાસ્ટિકની ત્રણ ખાલી ડોલ પડી હતી.
તેમણે કહ્યું કે ઠંડા મહિનાઓમાં તે દિવસમાં માત્ર થોડો વખત પાણી ભરવા આવતાં. પરંતુ ઉનાળામાં તેમને આ સફર આઠ કે દસ વખત પણ ખેડવી પડતી. દરેક વખતે હૅન્ડપમ્પ પર પહેલેથી કોણ ઊભું છે તેના આધારે તેમનો વારો નક્કી થતો.
તેમનો વારો આવ્યો ત્યારે તેમણે પોતાની ડોલ ભરી અને ઘરે લઈ ગયાં. એ જ દિવસે થોડા સમય પછી તેમને ફરી પાછા આવવાનું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















