નેપાળને 'સમયસર ઍલર્ટ ન કરવાના' આરોપ પર ચીને શું જવાબ આપ્યો? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે આવેલા અચાનક પૂરે ત્રણ જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.
આ આપત્તિમાં અત્યાર સુધી 160થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે સુરક્ષા દળોના જવાનો અને વિદેશી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હજુ ગુમ છે.
નેપાળ અને ચીન વચ્ચે હવામાન સંબંધિત માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થા હોવા છતાં આ ઘટનાની અગાઉથી કોઈ જાણકારી મળી નહોતી. નેપાળના જળ અને હવામાન વિજ્ઞાન વિભાગે આ માહિતી આપી છે.
જોકે, નેપાળમાં આવેલા ચીનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા તે દાવાને ફગાવ્યા છે, જેમાં કહેવાયું હતું કે ચીને નેપાળને આ આપત્તિ વિશે અગાઉથી ચેતવણી આપી નહોતી, જેના કારણે આટલી મોટી તબાહી સર્જાઈ.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરાયેલી એક પોસ્ટમાં ચીની દૂતાવાસે આ સમાચારને ખોટા ગણાવ્યા અને લખ્યું, "26 ઑગસ્ટે નેપાળમાં ભૂકંપ અથવા હિમનદી ધસી પડવાના કારણે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ, જેના પરિણામે ભૂસ્ખલન થયું અને અનેક લોકોનાં મોત થયાં. આ ઘટનાના કારણે નેપાળ અને ચીન બંને તરફના ઘણા લોકો ગુમ થયા છે."
બુધવારની આ ઘટનાના થોડા કલાકો બાદ ચીનના વડા પ્રધાન લી ચિયાંયે તિબેટમાં થયેલી આ આપત્તિમાં ભારે નુકસાન થયાની વાત કહી હતી અને રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
નેપાળમાં પૂર શા માટે આવ્યું તે અંગે હવામાન વિભાગ પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ આપી શક્યો નથી.
ચીની દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું, "રસુવા-ગ્યિરોંગ સીમા વિસ્તારમાં આવેલા અચાનક પૂર પર ચીનને અત્યંત દુઃખ છે અને તે નેપાળને શક્ય તમામ સહાય પૂરી પાડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્રારંભિક માહિતી અનુસાર, નેપાળ તરફ આવેલા ભૂકંપના કારણે હિમસ્ખલન અને કાટમાળનો પ્રવાહ સર્જાયો હતો, જેના પરિણામે સરહદની બંને બાજુ લોકોનાં મોત થયાં અને ઘણા લોકો ગુમ થયા છે."
ચીની દૂતાવાસે વધુમાં જણાવ્યું, "ભવિષ્યમાં હવામાન, જળવિજ્ઞાન અને ભૂગર્ભીય જોખમો સંબંધિત માહિતીના વધુ અસરકારક આદાન-પ્રદાન માટે, ખાસ કરીને સરહદ પાર થતી આપત્તિઓના સંદર્ભમાં બંને દેશો વચ્ચેનો સમન્વય વધુ મજબૂત કરાશે."
"નેપાળ અને ચીન પડોશી દેશો છે અને ભૌગોલિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે."
"તેથી આ આપત્તિમાંથી પાઠ લઈને બંને દેશોએ પોતાની તૈયારી વધુ મજબૂત કરવી જોઈએ, જેથી સરહદની બંને બાજુના લોકોના જીવન અને સંપત્તિનું વધુ સારું રક્ષણ થઈ શકે."
અમેરિકામાં મોહન ભાગવતના વિઝા રદ કરવાની માગ કોણે અને શા માટે કરી?

ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ)એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ આયોગે બુધવારે અમેરિકી સરકારને મોહન ભાગવતનો વિઝા રદ કરવાની અને ભવિષ્યમાં તેમને અમેરિકા પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે.
યુએસસીઆઇઆરએફે પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે "આરએસએસ સાથે સંકળાયેલાં સંગઠનોના સભ્યોએ ભારતમાં ખ્રિસ્તીઓ, દલિતો, મુસ્લિમો અને શીખો સહિતના ધાર્મિક લઘુમતી સમુદાયો વિરુદ્ધ હિંસક હુમલા કર્યા છે."
આયોગ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિઓ આરએસએસની હિંદુત્વ વિચારધારા સાથે નજીકથી જોડાયેલી છે અને તેની અસર ધાર્મિક લઘુમતી સમુદાયો પર 'ભેદભાવપૂર્ણ' રીતે પડે છે.
યુએસસીઆઇઆરએફના ચેરપર્સન આસિફ મહમૂદે કહ્યું, "ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સતત બગડી રહી છે અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવા માટે હિંસા તેમજ ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે."
તેમણે અમેરિકન સરકારને આરએસએસના સભ્યો અને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય અધિકારીઓ પર લક્ષિત પ્રતિબંધો (ટાર્ગેટેડ સેન્ક્શન) લાદવાની અપીલ પણ કરી હતી.
આયોગે ભારત સરકાર પર ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ થતી ટોળાશાહી હિંસાને રોકવામાં, તેની તપાસ કરવામાં અને દોષિતોને સજા અપાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે.
યુએસસીઆઇઆરએફે એવો પણ આરોપ લગાવ્યો છે કે આસામમાં એનઆરસી અને સીએએ હેઠળ 'મુસ્લિમ નાગરિકોને બળજબરીપૂર્વક બહાર કરાઈ' રહ્યા છે.
યુએસસીઆઇઆરએફનાં વાઇસ ચેરપર્સન સી.સી. હેલે જણાવ્યું, "અમેરિકન સરકાર પાસે ભારતને જવાબદાર ઠેરવવાની અને એ સંદેશ આપવાની તક છે કે અમેરિકા ભારતના લોકોની ધાર્મિક સ્વતંત્રતાના સમર્થનમાં ઊભું છે."
આયોગે પોતાની 2026ના વાર્ષિક અહેવાલમાં અમેરિકાના વિદેશ વિભાગને ભારતને 'કન્ટ્રી ઑફ પાર્ટિક્યુલર કન્સર્ન' (એવો દેશ જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનાં ગંભીર ઉલ્લંઘન થતાં હોય) તરીકે જાહેર કરવાની ભલામણ પણ કરી છે.
નેપાળમાં પૂરને લીધે અબજો રૂપિયાનું નુકસાન

ઇમેજ સ્રોત, Sunil Pradhan/Anadolu via Getty Images
નેપાળમાં બુધવારે આવેલા ભયાનક પૂરના લીધે માર્ગો અને પુલોને ભારે નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ, આ પૂરના કારણે આશરે 15 અબજ નેપાળી રૂપિયાનું નુકસાન થયું છે.
માર્ગ વિભાગના મહાનિદેશક વિજય જૈસીએ બીબીસી નેપાળી સાથે વાતચીત દરમિયાન આ માહિતીની પુષ્ટિ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે પૂરના કારણે અત્યાર સુધીમાં 19 પુલ અને લગભગ 40 કિલોમીટર માર્ગને નુકસાન થયું છે. તેમના જણાવ્યા મુજબ, નુકસાનનો અંદાજ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.
પુલોને નુકસાન પહોંચતાં અનેક વિસ્તારોમાં માર્ગ-સંપર્ક ખોરવાઈ ગયો છે. સંપર્ક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરુવારથી બેલી બ્રિજ (સ્ટીલથી બનેલો હંગામી અને મૉડ્યુલર પુલ) સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
વિજય જૈસીએ જણાવ્યું કે નેપાળ પાસે બેલી બ્રિજ ઉપલબ્ધ છે. ઉપરાંત, ભારત અને ચીનને પણ બેલી બ્રિજ ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પૂરના કારણે દેશના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે તબાહી થઈ છે.
નેપાળમાં સરકારી અધિકારીઓ અનુસાર પૂરમાં ઓછામાં ઓછા 157 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ગુમ છે.
રાહત અને બચાવકાર્ય ચાલુ છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
અત્યાર સુધી વહીવટી તંત્ર અનુસાર 404 લોકો ગુમ છે જેમાંથી 341 વિદેશી નાગરિકો છે. ગુમ થયેલા લોકોમાં અનેક ભારતીયો પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















