ગુલશનકુમારની જ્યારે ધોળા દિવસે હત્યા કરાઈ એ સમયે બૉલીવુડમાં અંડરવર્લ્ડની કેવી ધાક હતી?

12 ઑગસ્ટ, 1997ની સવારે ટી-સિરીઝ કંપનીના માલિક ગુલશન કુમાર પર ગોળીઓ ચલાવાઈ આવી.
ઇમેજ કૅપ્શન, 12 ઑગસ્ટ, 1997ની સવારે ટી-સિરીઝ કંપનીના માલિક ગુલશનકુમાર પર ગોળીઓ ચલાવાઈ હતી
    • લેેખક, અમૃતા કદમ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

12 ઑગસ્ટ, 1997ની સવારે ટી-સિરીઝ કંપનીના માલિક ગુલશનકુમાર હંમેશની જેમ અંધેરીના એક મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને તેઓ બહાર આવ્યા કે તેમના પર ગોળીઓ ચલાવાઈ હતી.

તેમને ગોળી વાગી. પોતાનો જીવ બચાવવા તેઓ દોડવા લાગ્યા. નજીકમાં આવેલા એક જાહેર શૌચાલયમાં તેઓ ઘૂસી ગયા. હુમલાખોરો પણ તેમની પાછળ અંદર આવ્યા. તેમણે ગુલશનકુમાર પર 15 ગોળીઓ ચલાવી.

ગુલશનકુમાર પર કુલ 16 ગોળીઓ ચલાવાઈ હતી અને તેમનું મૃત્યુ થયું.

આ ગોળીબાર દરમિયાન હુમલાખોરે પોતાનો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. સામેની વ્યક્તિને બધું સંભળાતું હતું. તેને બધું સંભળાય એ માટે હુમલાખોરને આદેશ જ આપવામાં આવ્યો હતો. આ આદેશ આપનાર વ્યક્તિ ગૅન્ગસ્ટર અબુ સાલેમ હતો.

હુસૈન ઝૈદીના 'ડોંગરી ટુ દુબઈ' પુસ્તકમાં આ સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન છે.

15થી 20 મિનિટ સુધી ચાલેલી આ ભયાનક ઘટનાએ મુંબઈ અને ફિલ્મજગતને હચમચાવી દીધાં હતાં. ખંડણી આપવાનો ઇનકાર કરવાને કારણે કરાવવામાં આવેલી આ હત્યા કંપારી છૂટી જાય એવી અને ફિલ્મજગતમાં ભય ફેલાવનારી હતી.

એ પહેલાં પણ માર્ચ 1997માં નિર્માતા મુકેશ દુગ્ગલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં પણ અંડરવર્લ્ડની સંડોવણી હોવાનું મનાતું હતું.

આ એ જ સમય હતો, જ્યારે ગુનાખોરીની દુનિયાએ બૉલીવૂડમાં 'વ્યાવસાયિક' રસ લેવાનું શરૂ કર્યું હતું. એમાંથી જ આ ઉદ્યોગ પર પોતાની ધાક બેસાડવાના પ્રયાસરૂપે ધમકીઓ અને હુમલાઓનો સિલસિલો શરૂ થયો હતો.

રવિવારે (18 ઑક્ટોબરે) બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની ગાડી પર જુહુ વિસ્તારમાં ગોળીબાર થયો હતો
ઇમેજ કૅપ્શન, રવિવારે (18 ઑક્ટોબરે) બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની ગાડી પર જુહુ વિસ્તારમાં ગોળીબાર થયો હતો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબાર પછી ફિલ્મજગતમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર આ સમય ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.

રવિવારે (18 ઑક્ટોબરે) બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની ગાડી પર જુહુ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ મામલે અલગ-અલગ સમાચારો પ્રકાશિત થઈ રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 10 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે અથવા તેમની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન અનેક રાજ્યોમાંથી હથિયારોની કથિત હેરફેર કેવી રીતે થઈ, તેમજ હુમલાખોરોને કથિત રીતે નાણાં કેવી રીતે પહોંચાડવામાં આવ્યાં તેની પણ તપાસ થઈ રહી છે.

આ ગોળીબારના પ્રયાસને કારણે ભારતના કુખ્યાત ગુંડાઓમાંના એક લૉરેન્સ બિશ્નોઈનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. હુમલા પછી તરત જ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટનો સ્ક્રીનશૉટ ઑનલાઇન પ્રસારિત થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિશ્નોઈ ગૅન્ગના કથિત સાથીદારે આ પોસ્ટ કરી હતી અને તેમાં હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.

ત્યાર પછી એક ઑડિયો રેકૉર્ડિંગ પણ જાહેર થયું હતું. તેમાં અનિલ પંડિત તરીકે પોતાની ઓળખ આપનાર એક વ્યક્તિએ ફરીથી હુમલાની જવાબદારી સ્વીકારવાનો દાવો કર્યો હતો. અભિનેતા સલમાન ખાન સાથે કથિત સંબંધો હોવાને કારણે ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પણ તેણે કહ્યું હતું.

જોકે, મુંબઈ પોલીસે આ દાવાઓની પુષ્ટિ કરી નથી. આ ગોળીબારના પ્રયાસ પાછળ બિશ્નોઈ ગૅન્ગ જ હતી કે કેમ, એ પણ હજી સ્પષ્ટ થયું નથી. હુમલાનો આદેશ કોણે આપ્યો અને એની પાછળનું કારણ શું હતું, એની તપાસ પોલીસ કરી રહી છે.

ટાઇગર શ્રોફ પર ગોળીબારની આ ઘટના બૉલીવુડની જાણીતી હસ્તીઓને ધમકીઓ મળવા અને તેમના પર હુમલા થવાની અગાઉની ઘટનાઓ પછી બની છે.

2024માં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર થયો હતો, જ્યારે આ જ વર્ષના પ્રારંભે ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર પણ ગોળીબાર થયો હતો.

આ ઘટનાઓને કારણે ફિલ્મજગતમાં સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક કેટલું ઊંડે સુધી પહોંચ્યું છે, એ અંગે ફરી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ મુંબઈના ઇતિહાસના ગુનાખોરીના એક કાળા અધ્યાયની યાદો પણ તાજી થઈ છે.

શો હતો બૉલીવુડ અને ગુનાખોરીની ટોળકીઓ વચ્ચેના સંબંધોનો ઇતિહાસ?

હાજી મસ્તાન અને બૉલીવુડ

અનેક હસ્તીઓ સાથે હાજી મસ્તાનના બૉલીવુડની સારા સંબંધો હતા
ઇમેજ કૅપ્શન, અનેક હસ્તીઓ સાથે હાજી મસ્તાનના બૉલીવુડની સારા સંબંધો હતા

ફિલ્મજગત અને અંડરવર્લ્ડ વચ્ચેની નિકટતાની ચર્ચાઓ હાજી મસ્તાનથી શરૂ થઈ હતી.

હાજી મસ્તાનને મુંબઈની ફિલ્મસૃષ્ટિનું ઘણું આકર્ષણ હતું. તેણે અનેક ફિલ્મોનું નિર્માણ તો કર્યું જ હતું, ઉપરાંત એક 'સ્ટ્રગલર' અભિનેત્રી સાથે લગ્ન પણ કર્યાં હતાં.

પત્રકાર અને લેખક હુસૈન ઝૈદીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું, "મસ્તાન યુવાન હતો ત્યારે મધુબાલાનો ચાહક હતો અને તેની સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા હતી, પરંતુ મધુબાલાનું વહેલું અવસાન થયું. વળી, તે જીવતી હોત તો પણ મસ્તાન તેની સાથે ક્યારેય લગ્ન કરી શક્યો ન હોત."

"એ સમયે મુંબઈમાં મધુબાલા જેવી દેખાતી એક અભિનેત્રી કામ કરતી હતી. તેનું નામ વીણા શર્મા ઉર્ફે સોના હતું. મસ્તાને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સોનાએ તે તરત જ સ્વીકારી લીધો. મસ્તાને સોના માટે જુહુમાં એક ઘર ખરીદ્યું અને ત્યાં તેની સાથે રહેવા લાગ્યો."

ધીમે ધીમે મુંબઈના 'વીઆઇપી' લોકોના વર્તુળમાં મસ્તાનનું સ્થાન મજબૂત થવા લાગ્યું અને લોકો તેની દાણચોરીના સમયગાળાને ભૂલવા લાગ્યા. હાજી મસ્તાનને પહેલી પત્નીથી ત્રણ દીકરીઓ હતી. ત્યાર પછી તેણે સુંદર શેખર નામના એક છોકરાને દત્તક લીધો.

સુંદર શેખરે કહ્યું હતું, "ફિલ્મજગતના ઘણા લોકો બાબાની નજીક હતા. રાજ કપૂર, દિલીપકુમાર અને સંજીવકુમાર તેમાંના મુખ્ય હતા. 'દીવાર' ફિલ્મ બની રહી હતી ત્યારે તેના લેખક સલીમ અને અમિતાભ બચ્ચન ઘણી વાર બાબાને મળવા આવતા હતા, જેથી એ પાત્રને ઊંડાણથી સમજી શકે. બાબા હંમેશાં પોતાના વાળ પાછળની તરફ ઓળતા હતા. કોઈ તેમની સાથે અંગ્રેજીમાં વાત કરવા લાગતું તો તેઓ વારંવાર 'યા-યા' કહેતા રહેતા."

સિનેમામાં અંડરવર્લ્ડનો 'વ્યાવસાયિક' રસ

મુંબઈમાં અંડરવર્લ્ડ

હાજી મસ્તાનને ફિલ્મજગતનું આકર્ષણ હતું, પરંતુ 1990 પછી અંડરવર્લ્ડને સિનેમામાં વ્યાવસાયિક રસ પડવા લાગ્યો. આ વ્યવસાયમાં પૈસા હતા અને એ જ ઘણા ગૅન્ગસ્ટરોને આકર્ષતા હતા.

1999માં એક સ્પૉટબૉય ફિલ્મનિર્માતા બન્યો. તેની ફિલ્મમાં એ સમયના સુપરસ્ટાર સલમાન ખાને નાયકની ભૂમિકા ભજવી હતી. આ સ્પૉટબૉય ભારતનો ફરાર ગૅન્ગસ્ટર અને દાઉદ ઇબ્રાહીમના વિશ્વાસુ છોટા શકીલનો વિશ્વાસુ માણસ નઝીમ રિઝવી હતો. ફિલ્મનું નામ હતું 'ચોરી ચોરી ચુપકે ચુપકે'.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ડી. શિવાનંદને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી હતી. તેમણે પોતાના પુસ્તક 'ધ બ્રહ્માસ્ત્ર અનલીશ્ડ'માં આ કેસ વિશે વિગતવાર લખ્યું છે.

1999માં શિવાનંદનને પોતાના બાતમીદાર પાસેથી માહિતી મળી હતી. આ માહિતી અનુસાર, શકીલ આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલા પૈસાથી એક હિન્દી ફિલ્મ બનાવવા માગતો હતો. આ નાણાં હવાલા મારફતે એક કરોડપતિ હીરાના વેપારી અને ઉદ્યોગપતિ સુધી પહોંચાડવામાં આવશે. આ વેપારી ફિલ્મનિર્માતાઓ સુધી નાણાં પહોંચાડશે, એવી માહિતી હતી. આ વેપારી એટલે ભરત શાહ.

આ માહિતી મળ્યા પછી શિવાનંદને તત્કાલીન અધિક મુખ્ય સચિવ (ગૃહ)ને મળીને રિઝવીનો ફોન ટેપ કરવાની પરવાનગી મેળવી હતી. તેમને પરવાનગી મળી ગઈ.

શકીલ રિઝવીના સતત સંપર્કમાં રહેતો હોવાનું ધ્યાનમાં આવ્યું. આ ફોનકૉલ્સમાંથી અન્ય અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા. તેમાં ખંડણીની માગણીનો સ્વીકાર ન કરવા બદલ નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન પર હુમલો કરવાની યોજનાનો પણ સમાવેશ થતો હતો.

દરમિયાન, શકીલ અને રિઝવી પોતાની ફિલ્મના પ્રચાર અને તેના પ્રદર્શનના આયોજન વિશે પણ ચર્ચા કરતા હતા.

આ સમગ્ર પ્રકરણમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2000માં એફઆઇઆર નોંધાવી હતી. નઝીમ રિઝવી અને અબ્દુલ રહીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ભરત શાહની પણ જાન્યુઆરી 2001માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 'મકોકા', ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય શસ્ત્ર અધિનિયમની કલમો હેઠળ બે કરતાં વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ખટલા દરમિયાન તપાસવામાં આવેલા 76 સાક્ષીઓમાંથી 14 બૉલીવુડના કલાકારો હતા. પરંતુ પ્રીતિ ઝિન્ટાને બાદ કરતાં બાકીના તમામ સાક્ષીઓ ફરી ગયા હતા. તેમણે ગુનાખોરીની દુનિયા વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો, એવું શિવાનંદને પોતાના પુસ્તકમાં લખ્યું છે.

બે વર્ષ સુધી આ ખટલો ચાલ્યો. વિશેષ અદાલતના ન્યાયાધીશ એ. પી. બંગાળેએ ભરત શાહને દોષિત ઠેરવ્યા હતા. નઝીમ રિઝવી અને અબ્દુલ રહીમને છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગુલશનકુમારની હત્યા અને બૉલીવુડની અન્ય હસ્તીઓ પરના હુમલા

અબુ સાલેમ
ઇમેજ કૅપ્શન, અબુ સાલેમ

લેખના આરંભે ઉલ્લેખાયેલી ગુલશનકુમારની હત્યાની ઘટના ગુનાખોરીની દુનિયામાં ભય ફેલાવવાનો એક આત્યંતિક પ્રયાસ હતો.

આ હુમલામાં જે નામ જાહેર થયું તે અબુ સાલેમનું હતું.

મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી સાલેમ 1993ના બૉમ્બવિસ્ફોટો પહેલાં દાઉદ ઇબ્રાહીમના ભાઈ અનીસ ઇબ્રાહીમ માટે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને વસ્તુઓ પહોંચાડવાનું કામ પણ કરતો હતો.

અનીસ ફોન પર અબુ સાલેમને અવારનવાર કંઈક ને કંઈક સૂચનાઓ આપતો રહેતો. તેમનો દાઉદ સાથે સીધો સંપર્ક નહોતો, પરંતુ પોતે હવે કોઈ 'મોટી હસ્તી' બની ગયો છે એમ તેને લાગવા માંડ્યું હતું.

હુસૈન ઝૈદીના જણાવ્યા અનુસાર, 1993માં ફિલ્મ અભિનેતા સંજય દત્તે અનીસને ફોન કરીને કહ્યું હતું કે તેને ધમકીઓ મળી રહી છે અને પોતાની સુરક્ષા માટે કેટલીક બંદૂકો જોઈએ છે.

ત્યાર પછી અનીસે અબુ સાલેમને ફોન કરીને કહ્યું, "જા, સંજુને મશીનગન પહોંચાડી આવ." અબુ સાલેમના જીવનમાં પહેલી વાર કોઈ ફિલ્મ અભિનેતા સાથે મુલાકાત થઈ હતી.

મુંબઈ બૉમ્બવિસ્ફોટો પછી નોંધવામાં આવેલા નિવેદનમાં અબુ સાલેમે કહ્યું હતું કે અભિનેતાને પ્રત્યક્ષ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે સંજય દત્તને ઓછામાં ઓછી ત્રણ વાર ભેટી પડ્યો હતો.

જોકે, પછી સંજય દત્તે કહ્યું કે તેને આટલી બધી બંદૂકોની જરૂર નથી અને એક બંદૂક પૂરતી છે. તેથી સાલેમે બંદૂક લઈને પાછા ફરવું પડ્યું.

માધ્યમોએ તેને 'ડૉન' કહ્યો, પરંતુ એ સમયે તેની સામે બહુ મોટા ગુનાઓ નહોતા. બંદૂક પહોંચાડવી એ જ તેનો સૌથી મોટો ગુનો હતો. પરંતુ દુબઈ ગયા પછી અનીસ હેઠળ કામ કરતી વખતે તે ફોન પર લોકોને ધમકીઓ આપવા લાગ્યો. તેથી લોકો તેને 'ડૉન' માનવા લાગ્યા.

ત્યાર પછી અબુ સાલેમે ફિલ્મનિર્માતા ગુલશનકુમારની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેમની હત્યા કરાવી. આ ઘટના પછી તે કુખ્યાત બન્યો.

વરિષ્ઠ પત્રકાર ચંદ્રમોહન પુપ્પાલાએ ગુલશનકુમારની હત્યાના સમાચારનું રિપોર્ટિંગ કર્યું હતું.

આ સમગ્ર ઘટના વિશે બીબીસી હિન્દીને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું, "એ પ્રકરણમાં આવી ઘટના બની શકે છે, એવી શક્યતા દર્શાવતી માહિતી મુંબઈ પોલીસને અગાઉથી મળી હતી. એ સમયે અખબારોની કચેરીઓમાં ગુંડાઓના ફોન આવતા હતા. તેઓ પત્રકારો મારફતે પોતાની વાત અથવા નિવેદન લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હતા."

પુપ્પાલાના જણાવ્યા અનુસાર, ગુનાખોરીના સમાચાર આપતા પત્રકારો પોલીસ અધિકારીઓ અને ગુનાખોરીની દુનિયામાં રહેલા બાતમીદારોના સંપર્કમાં રહેતા હતા. જુદા જુદા સ્રોત પાસેથી મળતી માહિતીના આધારે તેઓ સમાચાર લખતા હતા.

ગુલશનકુમારની હત્યાનો ઉલ્લેખ કરતાં પુપ્પાલાએ કહ્યું હતું કે તેમને ધમકીઓ મળી રહી હોવાની માહિતી મળી હતી.

"એ સમયે કેટલાક લોકોએ આ ધમકીઓને ગંભીરતાથી લઈને પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. તે સમયે ગુંડાઓ કોઈના પર હુમલો કરીને પોતાની દહેશત અને પ્રભાવ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા હતા."

રાકેશ રોશન અને હૃતિક રોશન
ઇમેજ કૅપ્શન, રાકેશ રોશન અને હૃતિક રોશન

નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા હૃતિક રોશનના પિતા રાકેશ રોશન પર 21 જાન્યુઆરી, 2000ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. ગૅન્ગસ્ટરની ખંડણીની માગણીઓ ન સ્વીકારવાને કારણે આ હુમલો થયો હતો.

'ગુપ્ત' જેવી સફળ ફિલ્મના દિગ્દર્શક રાજીવ રાય પર પણ 1997માં હુમલો થયો હતો. અબુ સાલેમની ટોળકી સાથે કથિત રીતે સંકળાયેલા પાંચ હુમલાખોરોએ મધ્ય મુંબઈમાં રાજીવ રાય પર હુમલો કર્યો હતો.

રાય પોતાની ઑફિસમાંથી નીકળ્યા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાયને અગાઉ પણ ધમકીઓ મળી હતી.

તેથી તેમને સુરક્ષા વ્યવસ્થા અને અંગરક્ષકો પૂરા પાડવામાં આવ્યા હતા. આ અંગરક્ષકોએ જ હુમલાખોરોને અટકાવ્યા હતા. અથડામણ દરમિયાન એક હુમલાખોર ઘાયલ થયો હોવાનું પણ કહેવાય છે.

ફિલ્મજગતમાં ગૅન્ગસ્ટરોને રસ શા માટે હતો?

ફિલ્મજગતમાં અંડરવર્લ્ડ તરફથી કથિત ભંડોળ પૂરું પાડવા અને રોકાણ કરવા બાબતે ચંદ્રમોહન પુપ્પાલાએ કહ્યું હતું કે ફિલ્મના વ્યવસાયમાંથી પૈસા કમાવાની શક્યતા જોતાં ગૅન્ગસ્ટરોને લાગતું હતું કે તેમાં રોકડ નાણાંનું રોકાણ કરીને નફો મેળવી શકાય છે.

ફિલ્મ કલાકારો સાથે સંપર્ક સ્થાપિત કરવો એ પણ ગુંડાઓ માટે આકર્ષણનું એક કારણ હતું, એમ પુપ્પાલા જણાવે છે.

કોઈ જાણીતી હસ્તી સાથે ગાઢ સંબંધો હોવાનું બતાવવાથી પોતાની ઓળખ વધી શકે છે અને ગુનાખોરીની દુનિયામાં પોતાનું સ્થાન તથા પ્રભાવ વધુ મજબૂત થઈ શકે છે, એમ પણ તેમને લાગતું હતું.

પુપ્પાલાના જણાવ્યા અનુસાર, કેટલાક ગૅન્ગસ્ટરો ફિલ્મ કલાકારોને પાર્ટીઓ અને કાર્યક્રમોમાં આમંત્રણ આપતા હતા. તેમણે ફિલ્મોમાં રોકાણ કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અબુ સાલેમનું ઉદાહરણ આપતાં પુપ્પાલાએ કહ્યું હતું કે એ સમયે ફિલ્મજગતમાં રોકાણ કરવું, કથિત રક્ષણ પૂરું પાડવું અને વિવિધ માગણીઓ સાથે સંકળાયેલા મામલાઓમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાના પ્રયાસો થતા હતા.

પુપ્પાલાના જણાવ્યા અનુસાર, કેટલાક ગુંડાઓ એવો દાવો કરતા હતા કે તેઓ ફિલ્મજગતમાં રોકાણ અથવા રક્ષણ સાથે સંકળાયેલા મામલા સંભાળી શકે છે. આવા દાવાઓ અને આક્ષેપો દ્વારા પણ તેઓ પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયાસ કરતા હતા.

બૉલીવુડ ફરી એક વાર અંડરવર્લ્ડના ભયના ઓથાર હેઠળ?

લૉરેન્સ બિશ્નોઈ
ઇમેજ કૅપ્શન, લૉરેન્સ બિશ્નોઈ

ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા પછી બૉલીવુડમાં ફરી એક વાર ભયનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે કે કેમ, એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.

બીબીસી હિન્દીએ આ જ પ્રશ્ન ચંદ્રમોહન પુપ્પાલાને પૂછ્યો હતો. તેમણે કહ્યું, "ફરી એક વાર એમ કહેવું યોગ્ય નહીં ગણાય. ચોક્કસ સમયાંતરે આવી ઘટનાઓ બનતી જોવા મળે છે."

ફેબ્રુઆરી 2026માં દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુસ્થિત ઘરની નજીક ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો શુભમ લોણકર ગૅન્ગે કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલાનો હેતુ ખંડણી વસૂલવાનો અને ભય ફેલાવવાનો હતો.

સપ્ટેમ્બર 2025માં ઉત્તર પ્રદેશના બરેલીમાં અભિનેત્રી દિશા પાટનીના પિતા જગદીશ પાટનીના ઘરની બહાર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો.

આ હુમલાની જવાબદારી ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા ગૅન્ગે સ્વીકારી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેમણે આ હુમલો પોતે કર્યો હોવાનું જણાવ્યું હતું.

ડી. શિવાનંદનને એમ લાગતું નથી કે ભયનો એ જૂનો સમય પાછો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે જે ગુનેગારોનો પીછો કર્યો હતો તેમાં દાઉદ ઇબ્રાહીમ, છોટા શકીલ, અરુણ ગવળી અને અન્ય લોકોનો સમાવેશ થતો હતો. આ ગુનેગારોના સરદારો વિદેશમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવતા હોવા છતાં, તેમનાં મૂળિયાં મુંબઈની ગુનાખોર ટોળકીઓમાં ઊંડે સુધી પ્રસરેલાં હતાં.

"છેલ્લાં 60 વર્ષમાં મુંબઈમાં આપણે જે માફિયાઓ જોયા છે, આ એ માફિયાઓ નથી. આ કંઈક અલગ જ છે."

ગુનાખોરીની આ નવી દુનિયા સાથે જોડાયેલું એક નામ લૉરેન્સ બિશ્નોઈનું છે. ઉત્તર ભારતમાં મૂળિયાં ધરાવતા અને વર્ષોથી જેલમાં બંધ બિશ્નોઈની આસપાસ લોકકથાના ખલનાયક જેવું આભામંડળ ઊભું થયું છે.

એવી ચર્ચા છે કે જેલમાં હોવા છતાં તે જુદા જુદા દેશોમાં રહેલા શૂટરોને આદેશ આપે છે. ધમકીઓ આપતી વખતે અને હુમલાની જવાબદારી સ્વીકારવાના દાવા કરતી વખતે તેનું નામ લેવામાં આવે છે. આવા દાવાઓ ઘણી વાર ઑનલાઇન ફેલાતા રહે છે.

કાળિયારના શિકારના કેસને લઈને લૉરેન્સ બિશ્નોઈએ જાહેરમાં સલમાન ખાનને ધમકીઓ આપી હતી. 1998ના આ કેસમાં ખાન પર ચિંકારા હરણનો શિકાર કરવાનો આરોપ હતો. ચિંકારા હરણની એક પ્રજાતિ છે અને બિશ્નોઈ સમુદાયમાં તેને પવિત્ર માનવામાં આવે છે.

એપ્રિલ 2024માં સલમાન ખાનના મુંબઈસ્થિત ઘરની બહાર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. એના છ મહિના પછી સલમાન ખાન અને ફિલ્મજગતની અન્ય હસ્તીઓ સાથે ગાઢ સંબંધો ધરાવતા રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસે આ બંને હુમલાઓને બિશ્નોઈ ગૅન્ગ સાથે સાંકળ્યા હતા. જોકે, સિદ્દીકીની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈની વ્યક્તિગત સંડોવણી હજી સુધી સાબિત થઈ નથી.

બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા કેટલાક આરોપોને પોલીસની તપાસનો આધાર છે, જ્યારે કેટલાક આરોપોની હજી સુધી ખરાઈ થઈ નથી. જોકે, આ ગૅન્ગે ખરેખર કરેલા ગુનાઓ અને તેના નામે કરવામાં આવતા દાવાઓ વચ્ચેનો તફાવત ઘણી વાર લોકોના મનમાં સ્પષ્ટ રહેતો નથી. પરિણામે, આ નવી ગૅન્ગનો ભય પણ વધુ ફેલાતો જોવા મળે છે.

સંદર્ભ-

ડૉંગરી ટુ દુબઈ- હુસૈન ઝૈદી

ધ બ્રહ્માસ્ત્ર અનલીશ્ડ- ડી. શિવાનંદન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન