ઘરમાં મેડામાં વરસોથી સંગ્રહી રાખેલાં પૉકેમૉન કાર્ડ વેચીને આ માણસ રાતોરાત કરોડપતિ કેવી રીતે થઈ ગયો?

ઇમેજ સ્રોત, Ewbank's
- લેેખક, જોશુઆ આસ્ક્યૂ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ઇંગ્લૅન્ડના વૉકિંગ શહેરના એક નિવૃત્ત ડેકોરેટર પૉકેમૉન કાર્ડ્સનો સંગ્રહ હરાજીમાં વેચીને એકાએક કરોડપતિ બની ગયા છે.
તેમને જરાય અંદાજ નહોતો કે તેમની પાસે રહેલાં પૉકેમૉન કાર્ડ્સ આટલાં કિંમતી હોઈ શકે.
સ્થાનિક અખબારમાં તેમણે વાંચ્યું કે એક પૉકેમૉન કાર્ડ હરાજીમાં 6,000 પાઉન્ડથી વધુ કિંમતે વેચાયું હતું. ત્યાર બાદ તેમને પોતાના સંગ્રહનું મૂલ્ય સમજાયું હતું.
તેમનો આ સંગ્રહ છેલ્લાં 15 વર્ષથી ઘરના મેડામાં (એટિકમાં) રાખેલો હતો. બુધવારે ઇવબેન્ક્સ હરાજી સંસ્થામાં તેનું વેચાણ 15 લાખ પાઉન્ડ (ભારતીય ચલણ અનુસાર અંદાજે 19.8 કરોડ રૂપિયા)માં થયું.
સરીસ્થિત આ હરાજી કરનાર સંસ્થાએ દાવો કર્યો કે, ટ્રેડિંગ કાર્ડ્સની આ બ્રિટનની અત્યાર સુધીની સૌથી મોટી હરાજી છે અને શક્ય છે કે તે યુરોપિયન રેકૉર્ડ પણ હોય.
પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું, "લોકો મેડામાં ખજાનો મળ્યાની વાત કરે છે, પરંતુ મારા કિસ્સામાં આ વાત ખરેખર સાચી નીકળી."
તેમણે કહ્યું, "1990ના દાયકાના અંતમાં મારો દીકરો નાનો હતો ત્યારે પૉકેમૉન કાર્ડ્સ એકત્ર કરવા લાગ્યો અને શાળામાં મિત્રો સાથે તેની અદલાબદલી કરતો હતો."
"મને આ કાર્ડ્સ ખૂબ ગમતાં હતાં અને લાગતું હતું કે કદાચ તે એક સારું રોકાણ બની શકે. મારા દીકરાનાં પોતાનાં કાર્ડ્સ હતાં, પરંતુ મારા સંગ્રહને તેણે ક્યારેય હાથ લગાવ્યો નહોતો. હવે મને તેનો આનંદ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૉકેમૉન જાપાનની એક લોકપ્રિય ફ્રેન્ચાઇઝી છે, જે તેના ટ્રેડિંગ કાર્ડ્સ, વીડિયો ગેમ્સ અને ઍનિમેટેડ ટેલિવિઝન શ્રેણીઓ માટે જાણીતી છે.
તેમણે જણાવ્યું કે ઇ-બે મારફતે તેમણે મલેશિયાની એક વ્યક્તિ પાસેથી પૉકેમૉન કાર્ડ્સના કેટલાક આખા સેટ ખરીદ્યા હતા.
જે સેટ માટે તેમણે તે સમયે 300 પાઉન્ડ ચૂકવ્યા હતા, તે જ સેટ બુધવારની હરાજીમાં 75,000 પાઉન્ડમાં વેચાયો.
તેમનું કહેવું છે કે બધાં કાર્ડ્સ ખાસ બનાવેલા પૉકેમૉન બાઇન્ડરમાં સીલબંધ રાખવામાં આવ્યાં હતાં. દીકરાનો પૉકેમૉન પ્રત્યેનો રસ ઘટી ગયા પછી આ કાર્ડ્સ મેડામાં મૂકી દેવાયાં હતાં.
વિશ્વભરના ખરીદદારોનો રસ
ઇવબેન્ક્સના જણાવ્યા અનુસાર, જ્યારે આ વ્યક્તિ 42 સેટ લઈને તેમની પાસે આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કંપનીના ટ્રેડિંગ કાર્ડ વિભાગના વડા જેમ્સ સ્પૂનરે જણાવ્યું, "અમને વિશ્વાસ જ નહોતો થતો કે તેમની પાસે આટલાં ઉત્તમ કાર્ડ્સ હશે. બધાં કાર્ડ્સ લગભગ નવાં જેવાં અને ખૂબ જ સારી સ્થિતિમાં હતાં."
હરાજી સંસ્થાએ જણાવ્યું કે 30 વર્ષથી વધુના તેમના વ્યવસાયમાં આ સૌથી સફળ હરાજી હતી.
હરાજીમાં સૌથી વધુ કિંમત મેળવનાર સેટ 'લેજેન્ડરી કલેક્શન કમ્પ્લિટ માસ્ટર સેટ' હતો, જેમાં લગભગ નવી હાલતમાં એક ચારિઝાર્ડ કાર્ડ પણ સામેલ હતું.
આ સેટની શરૂઆતમાં 15,000થી 20,000 પાઉન્ડ વચ્ચેની કિંમત મળવાની આશા હતી, પરંતુ અંતે તે 100,000 પાઉન્ડમાં વેચાયો.
જૂની યાદો પણ ક્યારે કામ લાગી જાય

ઇમેજ સ્રોત, Ewbank's
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇવબેન્ક્સના સંચાલક ઍન્ડ્ર્યૂ ઇવબેન્કે જાતે આ હરાજીનું સંચાલન કર્યું હતું.
પછી તેમણે કહ્યું, "આ હરાજી અંગે પહેલેથી જ ભારે ઉત્સાહ હતો અને હરાજીના દિવસે પણ લોકોની અપેક્ષા મુજબ જ ઉત્સાહ જોવા મળ્યો."
તેમણે વધુમાં કહ્યું, "વિશ્વના અનેક દેશોના ખરીદદારો આ હરાજીમાં જોડાયા હતા. સમગ્ર હરાજી દરમિયાન ભારે ઉત્સાહનો માહોલ રહ્યો હતો. સંગ્રાહકો ખાસ કરીને આ વિશાળ સંગ્રહ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સંપૂર્ણ સેટ, અત્યંત દુર્લભ કાર્ડ્સ અને એક સંગ્રાહકને જે કંઈ જોઈએ તે લગભગ બધું જ આમાં હતું."
તેમણે બીબીસીને કહ્યું, "આ આખી સફર ખૂબ જ રોમાંચક રહી."
ઍન્ડ્ર્યૂ ઇવબેન્કે જણાવ્યું કે હાલ પૉકેમૉનની લોકપ્રિયતા ખૂબ વધી રહી છે.
તેમના જણાવ્યા મુજબ, જ્યારે પૉકેમૉન પ્રથમ વખત બજારમાં આવ્યું હતું ત્યારે જે લોકો યુવાન હતા, તેઓ આજે 30 અને 40 વર્ષની ઉંમરના છે અને પોતાના શોખ માટે ખર્ચ કરી શકે તેવી સ્થિતિમાં છે.
તેમણે કહ્યું, "જૂની યાદો પણ તેમાં મોટો ભાગ ભજવે છે. લોકો પોતાના બાળપણની યાદો ફરી જીવવા માગે છે."
તેમણે સલાહ આપી કે જેને લાગે કે તેમના માળિયા કે મેડામાં કોઈ કિંમતી વસ્તુ હોઈ શકે છે, તેમણે તેને બહાર કાઢીને નિષ્ણાતો પાસે તપાસ કરાવવી જોઈએ.
તેમણે કહ્યું, "જો તમે તમારા બાળક માટે કંઈક ખરીદો અને તેને તેની જરૂર ન રહે, તો તેને સાચવી રાખો. ભવિષ્યમાં તેની કિંમત કેટલી વધી શકે તે કોઈ કહી શકતું નથી."
ઇવબેન્ક્સના જણાવ્યા મુજબ, પૉકેમૉન કાર્ડ્સના આ સંગ્રહે અગાઉનો હરાજી રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.
આ પહેલાં 9 ઑક્ટોબરે લંડનમાં સ્ટેનલી ગિબન્સ દ્વારા યોજાયેલી હરાજીમાં કુલ 8.72 લાખ પાઉન્ડની વેચાણ રકમ પ્રાપ્ત થઈ હતી. તે અત્યાર સુધીનો સૌથી મોટો રેકૉર્ડ હતો, પરંતુ પૉકેમૉન કાર્ડ્સની આ નવી હરાજીએ તે રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























