સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર કવિ-લેખક 'વેશ બદલી'ને ફરી ભારત કેમ આવતા રહ્યા?

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, સાહિર લુધિયાનવીનું સાચું નામ અબ્દુલ હઈ હતું.
    • લેેખક, અકીલ અબ્બાસ જાફરી
    • પદ, સંશોધક અને ઇતિહાસકાર, કરાચી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સાહિર લુધિયાનવી એક અગ્રગણ્ય લેખક અને કવિ હતા. 1947માં વિભાજન પછી તેઓ ભારતમાંથી પાકિસ્તાન જતા રહ્યા હતા.

હમીદ અખ્તરે તેમના પુસ્તક 'આશનાઇયાં ક્યા ક્યા'માં સાહિર લુધિયાનવી વિશે લખ્યું છે, "પાકિસ્તાનની સ્થાપના પછી હું એક શરણાર્થી કૅમ્પ મારફત અને સાહિર વિમાન દ્વારા લાહોર પહોંચ્યા. તે જૂન, 1948 સુધી લાહોરમાં રહ્યા. અમને અબોટ રોડ પર એક ઘર ફાળવાયું અને સાહિર, તેમનાં અમ્મી અને હું સાથે રહેવા માંડ્યાં."

આગળ તેઓ લખે છે, "હું લગભગ ત્રણેક મહિના કૅમ્પમાં રહ્યો. હું નવેમ્બરમાં લાહોર પહોંચ્યો અને સાહિર સપ્ટેમ્બર, 1947માં ત્યાં આવ્યા. એ સમગ્ર સમય દરમિયાન સાહિર ઠરીઠામ નહોતા થયા. મારા આગમનથી તેમને થોડી હિંમત બંધાઈ, પણ તેઓ પહેલાં કરતાં ઘણા વધારે અસુરક્ષિત જણાઈ રહ્યા હતા. 'સવેરા'ના સંપાદનથી હું મહિને 40-50 રૂપિયા કમાઈ લેતો હતો, પણ એ રકમ પૂરતી નહોતી અને આ આવક વધવાની કોઈ આશા નહોતી."

હમીદ અખ્તર લખે છે કે, જૂન, 1948માં તેમણે કોઈ કામસર એક અઠવાડિયા માટે કરાચી જવું પડ્યું અને તે એક મહિના સુધી કોઈ પત્રવ્યવહાર થઈ શક્યો નહીં.

સાહિરને ડરાવવાનો પ્રયત્ન

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, સાહિરનાં માતા, સરદાર બેગમ

"તે દિવસોમાં ટેલિફોન સામાન્ય નહોતા. પછી કોઈએ સાહિરને જણાવ્યું કે, કરાચીમાં મારી ધરપકડ થઈ છે અને સિંધ પોલીસે મને જેલમાં કેદ કરી દીધો છે અને હવે ત્યાંથી મારા બચવાની આશા નહિવત્ છે."

"છૂપી પોલીસ સાહિરને ઘણો જોખમી માણસ માનતી હતી. આથી તેમણે તેમને અહીંથી ભગાવવા માટે એક રાજકીય બાતમીદારની મદદ લીધી. તે રોજ આવીને સાહિરને બીવડાવતો હતો અને કહેતો હતો કે, પોલીસ તેમની ધરપકડ કરીને શાહી કિલ્લામાં લઈ જશે. ત્યાં મોટા-મોટા સાપ અને વીંછી હોય છે, યાતના આપવા માટે ચિત્ર-વિચિત્ર પદ્ધતિઓ અપનાવાય છે, વગેરે."

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, સાહિર લુધિયાનવી મુંબઈમાં મિત્રો સાથે

હમીદ અખ્તર લખે છે, "આ ચાલ કામ કરી ગઈ. જો હું ત્યાં હોત, તો કદાચ સાહિરને થોડી હિંમત મળી હોત. પણ મારા મિત્રોએ પહેલેથી જ મને પોલીસને હવાલે કરી દીધો હતો. સાહિર એટલા ડરી ગયા હતા કે, એક દિવસ તેમણે અચાનક જ દિલ્હી જવાનું નક્કી કરી દીધું. તે દિવસોમાં પાસપૉર્ટ અને વિઝાની જરૂર નહોતી. આથી તેઓ નકલી નામથી ટિકિટ ખરીદીને પ્લેનમાં બેસી ગયા."

"તેમના જણાવ્યા મુજબ, તેમણે ગૂપચૂપ રીતે આ યાત્રા કરી. જૂનની બળબળતી બપોરે તેઓ લાંબો કોટ અને ટોપી પહેરીને ઍરપૉર્ટ પર પહોંચ્યા. કહેવાય છે કે, જે લોકોથી સંતાઈને તેઓ ઍરપૉર્ટ ગયા હતા, એ લોકોએ ઍરપૉર્ટ સુધી તેમનો પીછો કર્યો અને પરત ફરીને રિપોર્ટ લખ્યોઃ 'સાહિર લુધિયાનવી દેશ છોડીને જતા રહ્યા છે.'"

સાહિરને પોલીસથી ડરાવનારા મિત્ર કોણ હતા?

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, ડાબેથી જમણેઃ સાહિર લુધિયાનવી, યશ ચોપરા અને સંગીતકાર રવિ

અહમદ રાહીએ આ રહસ્ય ઉકેલ્યું.

આ ઘટનાના ઘણા સમય પછી 1995માં, જ્યારે સાહિરનો કાવ્ય-સંગ્રહ 'કુલ્લિયત-એ-સાહિર' પ્રકાશિત થયો, ત્યારે તેમણે તેની પ્રસ્તાવનામાં લખ્યું કે, "સાહિરને સીઆઇડીની બીક બતાવનારા આગા શોરિશ કાશ્મીરી હતા. શોરિશ સાહિરના સાચા શુભચિંતક હતા અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. તેઓ સહાનુભૂતિથી પ્રેરાઈને સાહિરને આવનારી મુશ્કેલીઓથી વાકેફ કરતા હતા, પણ સાહિર અંદરથી હચમચી ગયા હતા."

અહમદ રાહી વધુમાં લખે છે, "સાહિર તેમની કવિતાઓમાં જેટલા નિડર દેખાતા હતા, વ્યવહારુ જીવનમાં તેઓ એટલા જ ગભરુ હતા. તેમને શરૂઆતથી જ કોઈપણ સમયે એક બૉડીગાર્ડની જરૂર રહેતી હતી. લુધિયાણામાં ચૌધરી ફૈઝુલ હસન, અનવર મુર્તઝા, ઇબ્ન ઇન્શા અને હમીદ અખ્તર વગેરે તેમની સાથે રહેતા. જ્યારે સાહિર અમૃતસરના એમએઓ કૉલેજમાં મુશાયરામાં આવ્યા, ત્યારે તેમની સાથે તેમના એક મિત્ર જય દેવ પણ આવ્યા હતા, જેમને તેમણે સંગીતકાર બનાવ્યા હતા."

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, સાહિર અને જાંનિસાર અખ્તર
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ આગળ લખે છે, "જ્યારે સાહિર બૉમ્બે (આજનું મુંબઈ) ગયા, ત્યારે હમીદ અખ્તરને પોતાની સાથે લેતા ગયા અને ત્યાં એક ફિલ્મ કંપનીમાં તેમને નોકરી અપાવી દીધી. પાકિસ્તાન બન્યા પછી જ્યારે તેઓ લાહોર આવ્યા, ત્યારે હું અને ચૌધરી નઝીર તેમની સાથે રહ્યા. તેઓ ભારત પરત ફર્યા, એ પછી પ્રકાશ પંડિત તેમના રક્ષક બન્યા. બની શકે કે, સાહિરે શોરિશ સાથેનો સંબંધ એટલે જ જાળવી રાખ્યો હોય, કારણ કે, શોરિશ ઘણા શક્તિશાળી અને બહાદુર હતા.

સાહિર લુધિયાનવી તેમની આત્મકથા 'મૈં સાહિર હૂં'માં લખે છે, "મને સમાચાર મળ્યા કે, કરાચીમાં હમીદની ધરપકડ થઈ હતી. હવે મને અસુરક્ષિતતા અને એકલતાની લાગણી સતાવવા માંડી. મને કશું સમજાતું નહોતું. એક દિવસ, જૂન, 1948ની આગ ઝરતી ગરમીમાં, શેરલોક હોમ્સનો વેશ ધારણ કરીને (મફલર, ઓવરકોટ, કાળાં ચશ્માં અને અંગ્રેજી ટોપી પહેરીને) હું ભારત જવા માટે નીકળી પડ્યો."

"એટલી તીવ્ર ગરમી હતી કે, સમડીઓ તેમનાં ઈંડાં છોડીને જતી રહી હતી. મારા માથાથી પગ સુધી પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા અને ગરમીને લીધે હું શ્વાસ નહોતો લઈ શકતો. સ્વાભાવિક છે કે, આટલી ગરમીમાં ઓવરકોટ પહેરેલો, એક નાની સૂટકેસ લઈને ટાંગામાં જઈ રહેલો હું બીજા લોકોને ઘણો અજીબ લાગી રહ્યો હતો. હું એટલો ડરી ગયો હતો અને એટલો નર્વસ હતો કે, બીકના માર્યા થોડી-થોડી વારે આમ-તેમ જોઈ રહ્યો હતો. દેખીતી રીતે, હું શાંત અને બિન્દાસ્ત દેખાવાની કોશીશ કરી રહ્યો હતો."

સાહિર લખે છે, "મારા સદ્નસીબે એ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવાસ કરતી વખતે વિઝા કે પાસપૉર્ટની જરૂર પડતી નહોતી. આથી, હું લાહોરના વૉલ્ટન ઍરપૉર્ટથી ચૂપચાપ દિલ્હી જવા માટે રવાના થઈ ગયો. એક મહિના પછી જ્યારે હમીદ અખ્તર લાહોર પરત ફર્યા, ત્યારે ખાલીખમ ઘર જોઈને તે ચોંકી ઊઠ્યા. મારાં માતા અને હું ત્યાં નહોતાં. હમીદના મતે, મારાં માતાએ અને મેં તે મકાનને ઘરનો દરજ્જો આપ્યો હતો અને અમારા તમામ મિત્રોની આગતા-સ્વાગતા કરી હતી."

સાહિર દિલ્હી પહોંચ્યા

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, ડાબેથી જમણેઃ મહેન્દ્ર કપૂર, યશ ચોપરા, એન દત્તા અને સાહિર

જ્યારે સાહિર દિલ્હી પહોંચ્યા, ત્યારે તેમને પ્રગતિશીલ સાહિત્યિક સામયિક "શાહરાહ"ના સંપાદનનું કામ સોંપાયું. પ્રકાશ પંડિતે આ સામયિકમાં તેમના સહાયક સંપાદક તરીકે કામ કર્યું. ત્યાં તેમણે આ સામયિકના બે અંક પ્રકાશિત કર્યા. આ દરમિયાન જ તેમણે સરદાર ગૌર બખ્શના સામયિક "પ્રીત લડી"નું સંપાદન પણ કર્યું.

દિલ્હીમાં તેઓ જોશ મલિહાબાદી, કુંવર મહેન્દ્રસિંહ બેદી, અર્શ મુલસિયાની, બલવંતસિંહ, બિસ્મલ સઈદી, જગન્નાથ આઝાદ અને કશ્મીરીલાલ ઝાકીરને મળ્યા, પણ થોડા જ મહિનાઓ પછી મે, 1949માં તેઓ બોમ્બે જતા રહ્યા, જ્યાં એક ઉજ્જ્વળ ભવિષ્ય તેમની રાહ જોઈ રહ્યું હતું.

ફિલ્મી સફર

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં લખાયેલી સાહિરની છેલ્લી રચના

બૉમ્બેમાં સાહિરે ઘણા સંઘર્ષ પછી ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવી અને તેઓ ભારતના સૌથી લોકપ્રિય ફિલ્મી શાયર બન્યા. તેમણે ઘણી ફિલ્મો માટે ગીતો રચ્યાં, જેમાં "આઝાદી કી રાહ પર", "નૌજવાન", "બાઝી," "પ્યાસા", "મિલન", "સાધના", "જાલ", "અંગારે", "અલીફ લૈલા", "શહેનશાહ", "ધૂલ કા ફૂલ", "તાજ મહલ", "ફિર સુબહ હોગી", "અંદાઝ", "દાગ", "કભી કભી" અને "ઈન્સાફ કા તરાઝુ" સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.

ફિલ્મ 'તાજ મહલ' અને 'કભી કભી' માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડ એનાયત થયો હતો.

સાહિર લુધિયાનવીના ઘણા કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા, જેમાં 'તલ્ખિયાં', 'પરછાઈયાં', 'ગાતા જાયે બનજારા' અને 'આઓ કી કોઈ ખ્વાબ બનેં' સામેલ છે.

બીબીસી ગુજરાતી સાહિર લુધિયાનવી : 1947માં વિભાજન વખતે પાકિસ્તાન જતા રહેલા આ મશહૂર શાયર વેશ બદલીને ફરી ભારત કેમ આવતા રહ્યા?
ઇમેજ કૅપ્શન, 2013માં ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી.

1970માં ભારત સરકાર દ્વારે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 1972માં સોવિયેટ લૅન્ડ નહેરુ એવૉર્ડથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 2013માં ભારતીય ટપાલ વિભાગે તેમના નામની એક સ્મારક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી.

25મી ઑક્ટોબર, 1980ના રોજ મુંબઈમાં સાહિર લુધિયાનવીનું નિધન થયું હતું. તેમનું સાચું નામ અબ્દુલ હઈ હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન