You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધંધુકા હત્યા કેસ : આરોપીનાં મકાન સહિત 15 'ગેરકાયદે દબાણ' પણ તોડી પડાયાં, બનાવના સ્થળે હજુ પણ કર્ફ્યૂ જેવો માહોલ
અમદાવાદ જિલ્લાનો ધંધુકા તાલુકો વર્ષ 2022માં નોંધાયેલા કિશન ભરવાડની હત્યા કેસ બાદ ફરી એક વાર નજીવી બાબતે હત્યા થયા મામલે ચર્ચામાં આવ્યો છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગત શનિવારે 'બાઇક અથડાવા મામલે યુવાનો વચ્ચે થયેલી નજીવી બોલાચાલી'ની ઘટનાએ હત્યાના ગુનાનું સ્વરૂપ લઈ લીધું હતું.
આ ઘટનામાં એક 35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાની છરીનો ઘા મારી હત્યા નિપજાવી દેવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.
આ બનાવ બાદ વિસ્તારમાં બે જૂથો વચ્ચે તણાવ પ્રસરેલો જોવા મળ્યો હતો અને હુલ્લડ ફાટી નીકળ્યું હતું. તણાવભર્યા માહોલ વચ્ચે આગચંપીના બનાવો બન્યા હતા અને માલ-મિલકતને ભારે નુકસાન થયું હતું.
આ મામલાની તપાસ માટે રાજ્ય સરકારે ડીવાયએસપીના નેતૃત્વમાં બે પીઆઇ અને એક પીએસઆઇની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે.
બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યાનુસાર, આ કેસમાં બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને પોલીસે ધંધુકા કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માગ કરવામાં આવી નહોતી. બંને આરોપીને અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ ઘટના બાદ હવે સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટનાના એક આરોપી સહિત વિસ્તારમાં આવેલાં અન્ય કથિત 'ગેરકાયદેસર દબાણો' સામે 'કડક કાર્યવાહી' હાથ ધરી છે.
ડિમોલિશનની કાર્યવાહી
બીબીસી ગુજરાતીના સ્થાનિક સહયોગી સચીન પીઠવાએ સ્થાનિક તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહી અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, "મંગળવારે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કુલ પાંચ જેટલાં કથિત ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યાં હતાં. ધંધુકા-ભાવનગર હાઇવે ઉપર આવેલાં અંદાજે કથિત 15 જેટલાં દબાણોને અગાઉથી નોટિસ અપાઈ હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કથિત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ જણાવ્યું હતું કે, "તેમજ ખાટકીવાડ વિસ્તારમાં ચાર જેટલાં કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં છે, જ્યારે નસીબ સોસાયટીમાં આ ઘટનાના એક આરોપીના મકાન ઉપર તંત્રે બુલડોઝર ફેરવીને દબાણ હઠાવ્યું છે."
તેમણે આગળ કહ્યું કે, "આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રે કડક સુરક્ષા વચ્ચે કામગીરી હાથ ધરી હતી. "
વિસ્તારમાં કેવી છે સ્થિતિ?
બીબીસીના સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું હતું કે બુધવારે પણ હત્યાનો બનાવ બન્યો એ વિસ્તાર એટલે કે નસીબ સોસાયટીની આસપાસ કર્ફ્યૂ જેવો માહોલ જ જોવા મળ્યો હતો.
તેઓ કહે છે કે, "અહીંના લોકો સ્વયંભૂ બહાર બહાર નથી નીકળી રહ્યા. આ ઘટના બાદથી લોકોના મનમાં હજુ પણ બીક જોવા મળી રહી છે. અહીં તમામ દુકાનો હજુ પણ બંધ છે. ઘરના પુરુષોને કામે પણ નથી જઈ રહ્યા."
તેમણે આગળ જણાવ્યું હતું કે, "જોકે. અન્ય વિસ્તારોમાં આજે થોડી ચહલપહલ જોવા મળી રહી છે. દુકાનો ખૂલી છે અને લોકો સામાન લેવા અને કામસર જ બહાર નીકળી રહ્યા છે."
મંગળવારે બીબીસીના સહયોગી સચીન પીઠવાએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘણા લોકોએ કૅમેરા સામે બોલવાનો ઇન્કાર કર્યો હતો. મહિલાઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, "સાંજના પાંચ વાગ્યા પછી ઘરમાં રહેતા પણ ડર લાગે છે અને બાળકોની સુરક્ષાની ચિંતા થઈ રહી છે."
આ ઘટનાથી વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. આગમાં દુકાનો બળી જતાં કેટલાય પરિવારોની રોજીરોટી ખોરવાઈ ગઈ છે.
એક વેપારીએ વ્યથા ઠાલવતા કહ્યું કે, "લોન પર ચાલતી દુકાનનો તમામ માલ બળી ગયો છે."
અન્ય એક દુકાનદારે જણાવ્યું કે, "દુકાનની વસ્તુઓ સાથે તેની મહેનતની કમાણીના રોકડ રૂપિયા પણ બળી ગયા છે, હવે પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે."
બીબીસીએ આ હિંસામાં ભોગ બનેલા સ્થાનિક દુકાનદારો સાથે વાતચીત કરી હતી.
ઇમરાનભાઈ શેખ નામના દુકાનદારે જણાવ્યું કે શનિવારે હત્યાની ઘટના બાદ તોફાની તત્ત્વોએ વિસ્તારમાં આગચંપી કરી હતી, જેમાં તેમની ચાર ગાડીઓ અને એક વર્કશૉપને ભારે નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું, "જે પણ ઘટના બની તે યોગ્ય નથી. કોઈ પણ વિવાદના નિવારણ અને ન્યાય માટે પોલીસ છે, કોઈએ કાયદો હાથમાં લેવો જોઈએ નહીં."
બાજરડા ગામના રહેવાસી બળવંતસિંહે જણાવ્યું કે, "ઘટના બાદ નિર્દોષ લોકોને નુકસાન થયું તે ખૂબ ખોટું છે. આ વિસ્તારમાં આશરે 10થી 15 દુકાનોને નુકસાન પહોંચ્યું છે."
દુકાનદાર રવજીભાઈ પ્રજાપતિ, જેમની દુકાનમાં 80 હજાર રૂપિયા રોકડા બળી ગયા છે, તેઓ કહે છે: "બે યુવકોની વ્યક્તિગત માથાકૂટનું આ ભયાનક પરિણામ આવ્યું છે. હું બૅન્કમાંથી 80 હજાર ઉપાડીને આવ્યો હતો અને ગલ્લામાં 5 હજારનો વકરો હતો, તે બધું જ બળી ગયું. દુકાનમાં રિપેરિંગ ચાલતું હોવાથી ફ્રીજ, ટેબલ, ખુરશી વગેરે બહાર કાઢ્યાં હતાં, તે પણ સળગી ગયાં. કુલ 7 લાખનું નુકસાન થયું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "મેં ટોળાને વિનંતી કરી હતી પણ તેમણે મને ધમકી આપી અને પેટ્રોલ છાંટીને બધું સળગાવી દીધું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન