બે નવી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના કયા વિસ્તારોમાં હજી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી?
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં કોંકણ કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાત પર નાની સિસ્ટમ બનવા ઉપરાંત હરિયાણા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે.
આ મિશ્ર હવામાન પરિસ્થિતિઓને કારણે આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
જોકે, ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી. બે નવેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ત્રણથી ચાર નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને પાંચ નવેમ્બરથી સિસ્ટમ વિખેરાઈ જશે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, જામકંડોરણામાં પણ ગઈ કાલે માવઠું થયું છે. પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



