જહાંગીરઃ શરાબ અને અફીણના વ્યસની એ મુઘલ સમ્રાટ જે એક દિવસમાં 20 પ્યાલા દારૂ પી જતા

જહાંગીરઃ એ મુઘલ સમ્રાટ, જેણે પોતાનાં વ્યસનો વિના સંકોચે સ્વીકાર્યાં

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર, સંશોધક
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

"મેં સામ્રાજ્ય બેગમ નૂરજહાંને સોંપી દીધું છે. મારે એક પ્યાલો શરાબ અને માંસ ભરેલી અડધી થાળી સિવાય કશું જોઈતું નથી."

આ શબ્દો છે મુઘલ સામ્રાજ્યના ચોથા શાસક નુરુદ્દીન મહમ્મદ જહાંગીરના, જે મિર્ઝા મહમ્મદ હાદીએ તેમના પુસ્તક "તઝક-એ-જહાંગીરી"ની પ્રસ્તાવનામાં લખ્યા છે.

અલબત્ત, જહાંગીરે રોજિંદા ઘટનાક્રમો પર આધારિત તેમના પુસ્તક "જહાંગીરનામા"માં શાસન, ન્યાય, કળા તથા પ્રકૃતિ વિશેના તેમના અવલોકનની સાથે શરાબ અને અન્ય નશીલાં દ્રવ્યોને લગતી બાબતો છૂપાવવાને બદલે તે વિશે પણ નોંધ કરી છે.

બેની પ્રસાદ તેમના પુસ્તક "હિસ્ટ્રી ઑફ જહાંગીર"માં લખે છે કે, "અનેક પ્રાર્થનાઓ, માનતા અને જાત્રાઓ પછી 31મી ઑગસ્ટ, 1569ના રોજ જન્મેલા, તે યુગના સૌથી ધનાઢ્ય અને ગૌરવશાળી રાજાના સૌથી મોટા પુત્ર આકર્ષક શાહી નગર ફતેહપુર સિક્રીના પ્રિય શાહજાદા હતા."

જહાંગીરનો જીવન પથ તેમના પૂર્વજોની તુલનામાં જાણે ફૂલોથી સજાવેલો હતો.

"પણ આ એશો-આરામને કારણે જહાંગીર જીવનભર સંકલ્પબળ અને નિર્ણય લેવાની અક્ષમતાની કમજોરીથી પીડાતા રહ્યા."

"તેઓ તેમના કરતાં વધુ પ્રતિભાશાળી અથવા ચાલાક લોકોની સામે સ્વયંને નિઃસહાય માનતા હતા."

"વ્યક્તિત્વની આ ખામીઓનાં મૂળ યુવાનીમાં તેમણે અપનાવેલી શરાબ પીવાની આદતને કારણે વધુ ઊંડાં ગયાં હતાં."

બેની પ્રસાદના જણાવ્યા પ્રમાણે, મદ્યપાન એ મુઘલ રાજવંશની લાંબા સમયથી ચાલી આવતી કમજોરી હતી.

બાબરે તેમની આત્મકથામાં એવી સભાઓનું વર્ણન કર્યું છે, જેમાં શરાબ દુઃખો અને ચિંતાઓને ભૂલાવવાનું સાધન બનતો હતો.

હુમાયૂંએ દારૂ અને અફીણનું સેવન કરીને તેમની શારીરિક શક્તિ ક્ષીણ કરી નાખી હતી. તેમના પુત્ર મહમ્મદ હકીમને પણ શરાબની લત લાગી હતી અને ફક્ત 31 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

આ પરંપરામાં અકબર અપવાદરૂપ રહ્યા હતા, જોકે, તેમનાં પ્રારંભિક વર્ષોમાં તેમનું શરાબનું સેવન અસામાન્ય ન હતું અને ક્યારેક તેમનું મદ્યપાન હદ વટાવી જતું હતું. તેમના બે નાના પુત્રો, મુરાદ અને દાનિયાલના જીવનનો અંત પણ શરાબની લતને કારણે જ આવ્યો હતો.

જહાંગીરે તેમની 17મી વર્ષગાંઠ સુધી શરાબનો સ્વાદ સુદ્ધાં ચાખ્યો ન હતો, સિવાય કે, નાનપણમાં અમુક દવાની સાથે થોડો દારૂ આપવામાં આવ્યો હોય.

જહાંગીર અને નૂરજહાંની પ્રેમકથા આ ઉપખંડની પ્રખ્યાત ઐતિહાસિક પરંપરાનો એક ભાગ છે. જહાંગીરના શાસનકાળ દરમિયાન, દારૂ અને અફીણની તેમની લતને લીધે રાજ્યના કારભારમાં નૂરજહાંની ભૂમિકા વધી ગઈ અને તેઓ વ્યવહારુ રીતે દરબારનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયાં. આ કારણસર, તેમને ઘણી વખત “રાજગાદી પાછળની ખરી શક્તિ” તરકે ઓળખવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જહાંગીર અને નૂરજહાંની પ્રેમકથા આ ઉપખંડની પ્રખ્યાત ઐતિહાસિક પરંપરાનો એક ભાગ છે. જહાંગીરના શાસનકાળ દરમિયાન, દારૂ અને અફીણની તેમની લતને લીધે રાજ્યના કારભારમાં નૂરજહાંની ભૂમિકા વધી ગઈ અને તેઓ વ્યવહારુ રીતે દરબારની સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયાં. આ કારણસર, તેમને ઘણી વખત "રાજગાદી પાછળની ખરી શક્તિ" તરકે ઓળખવામાં આવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1605થી 1627 સુધી ભારત પર શાસન કરનારા જહાંગીરે તેમના શાસનકાળનો અડધા કરતાં વધુ સમય સમગ્ર સામ્રાજ્યનો પ્રવાસ ખેડવામાં વીતાવ્યો હતો.

અંશિકા જૈન તેમના પુસ્તક "એમ્પેરર જહાંગીરઃ ધ નેચરલિસ્ટ"માં લખે છે કે, નાની વયથી જ જહાંગીર તેમની આસપાસના વિશ્વનું અસાધારણ ઉત્સુકતાથી અવલોકન કરતા હતા, ભારત તથા વિદેશમાંથી ભેટ તરીકે મળેલાં પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કરતા હતા તથા તેમની તસવીરો બનાવડાવતા હતા.

અંશિકા જૈનના જણાવ્યા મુજબ, જહાંગીરે માર્ખોર (પર્વતીય વિસ્તારના બકરા) અને બાર્બરી બકરીઓનું ઇન્ટરબ્રીડ (સંકરણ) પણ કરાવ્યું હતું અને તેમનાં બચ્ચાંઓની ગતિવિધિ તથા વર્તણૂકનું તેઓ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતા હતા.

પ્રાણીઓમાં જહાંગીરની રુચિને લીધે તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં તેમનામાં ખોરાક પ્રત્યે એક અસાધારણ સજાગતા જોવા મળી હતી.

"તેઓ એવો આદેશ આપતા હતા કે, તેમણે શિકાર કરેલાં પ્રાણીઓનો તેમની હાજરીમાં સફાઈ કરવામાં આવે અને તે પ્રાણીઓએ શું ખાધું છે, તે જાણવા માટે તેઓ સ્વયં તેમનાં પેટની તપાસ કરતા. જો તેમને પ્રાણીના પેટમાંથી કશુંક અરુચિકર મળી આવતું, તો તેઓ પ્રાણીની તે પ્રજાતિને તેમના આહારમાંથી બાકાત કરી દેતા હતા."

અંશિકા જૈનના જણાવ્યા પ્રમાણે, જહાંગીરનું વ્યક્તિત્વ વિરોધાભાસોથી ભરેલું હતું, એક તરફ તેઓ ભોગ-વિલાસમાં ડૂબેલા રાજા હતા, તો બીજી તરફ તેઓ દુનિયાને અસાધારણ ઉત્સુકતાથી જોનારા એક નિરીક્ષક હતા.

ઇતિહાસકાર હેન્રી બેવરિજે તો એમ સુદ્ધાં લખ્યું હતું કે, જો જહાંગીર મહાન મુગલ શાસનના શાસકને બદલે કોઈ નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના વડા હોત, તો તેઓ કદાચ "વધુ બહેતર અને ખુશ" વ્યક્તિ હોત.

લિસા બાલાબાન-લિલર તેમના સંશોધનપત્ર "ધ એમ્પેરર જહાંગીર એન્ડ ધ પર્સ્યૂટ ઓફ પ્લેઝર"માં લખે છે કે, જહાંગીરે ભાગ્યે જ સેનાનું નેતૃત્વ કર્યું હતું. મોટાભાગે તેઓ તેમના પુત્રોને અનુસરતા કે પછી વ્યક્તિગત આનંદની શોધમાં કોઈ ધ્યેય વગર ભટકતા રહેતા.

"તેમના ભ્રમણ, શિકાર પ્રત્યેના વળગણ, નશીલાં દ્રવ્યોના ખુલ્લેઆમ ઉપયોગ અને લગભગ અવિરત પ્રવાસ છતાં શાહી સેવકો અને ઉમરાવોએ એકંદરે તેમનો સ્વીકાર કર્યો હતો."

બાદશાહ જહાંગીરે તેમની આત્મકથા "તઝક-એ-જહાંગીરી"માં તેમના વિજય, દરબાર અને સામ્રાજ્યનું વર્ણન કરવાની સાથે-સાથે તેમની પોતાની નબળાઈઓ પણ છતી કરી છે.

તઝક પરથી જાણવા મળે છે કે, શરાબ પ્રત્યે તેમની આસક્તિની કહાણી એક મામૂલી ઘટના સાથે શરૂ થાય છે.

નુરુદ્દીન મહમ્મદ જહાંગીરનો જન્મ 20મી સપ્ટેમ્બર, 1569ના રોજ થયો હતો, જ્યારે તેમનું અવસાન આઠમી નવેમ્બર, 1627ના રોજ થયું હતું. તેઓ 1605થી મૃત્યુ સુધી મુઘલ સામ્રાજ્યના શાસક રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નુરુદ્દીન મહમ્મદ જહાંગીરનો જન્મ 20મી સપ્ટેમ્બર, 1569ના રોજ થયો હતો, જ્યારે તેમનું અવસાન આઠમી નવેમ્બર, 1627ના રોજ થયું હતું. તેઓ 1605થી મૃત્યુ સુધી મુઘલ સામ્રાજ્યના શાસક રહ્યા હતા.

યુવરાજ જહાંગીર તેમના પિતા અકબરના સૈન્ય સાથે સિંધુ નદીના કાંઠે અટોક નજીક હતા. એક દિવસ, શિકાર પરથી પાછા ફર્યા બાદ તેઓ થાકી ગયા હતા, ત્યારે તોપચી ઉસ્તાદ શાહ કુલીએ તેમને એક પ્યાલો શરાબ પીવાની સલાહ આપી.

જહાંગીરે તેમના સાકી (મદિરા પીરસનાર) મહમૂદને હકીમ અલીના ઘરેથી કોઈ નશીલું પીણું લઈ આવવાનો હુકમ કર્યો. તેના જવાબરૂપે, એક નાની બાટલીમાં આશરે દોઢ કપ સ્વાદમાં મીઠાશભર્યો, પીળો શરાબ આવી પહોંચ્યો.

જહાંગીર શરાબ પી ગયા, તેમને તેનો સ્વાદ પસંદ પડ્યો અને એ પછી તેમના પોતાના જ શબ્દોમાં, તેઓ તેની માત્રા "દિવસે-દિવસે વધારતા ગયા."

એક તબક્કો એવો આવ્યો કે, તેઓ કહે છે કે, તેઓ રોજે-રોજ દારૂ પીતા હતા, પણ ગુરુવારે અને શુક્રવારની રાતે તેનું સેવન કરવાથી દૂર રહેતા હતા. ગુરુવાર તેમના રાજ્યાભિષેકનો દિવસ હતો અને શુક્રવાર પવિત્ર દિવસ હતો. આ દિવસોમાં દારૂથી દૂર રહેવું એ ધાર્મિક તથા શાહી પરંપરા સાથે જોડાયેલું હતું.

જ્યારે દ્રાક્ષના આસવનો નશો તેમના પર બેઅસર થવા માંડ્યો, ત્યારે તેઓ અર્ક (ડિસ્ટિલ્ડ - કડક દારૂ) તરફ વળ્યા. નવ વર્ષમાં તો, પરિસ્થિતિ એવી થઈ ગઈ કે, તેઓ દિવસે ચૌદ અને રાતે છ એમ કુલ મળીને રોજના 20 પ્યાલા અર્ક ગટગટાવી જતા હતા. દરેક પ્યાલામાં 82 ગ્રામ અથવા તો આશરે 85 મિલીલિટર દારૂ રહેતો હતો.

નશાનું આ પ્રમાણ માત્ર એક આંકડો નહોતો, બલ્કે જહાંગીરનું ખુદનું લખાણ પણ તેની શારીરિક અસરોનું ભયાનક ચિત્ર ખડું કરે છે.

તેઓ લખે છે કે, તેમના હાથ એટલા બધા ધ્રૂજતા હતા કે, તેઓ તેમના પ્યાલામાંથી ખુદ પી શકતા ન હતા અને સેવકો તેમને પીવડાવવા માટે તહેનાત રહેતા હતા.

એ પછી હકીમ હમામે બાદશાહને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, જો તેમણે આ જ રીતે મદિરાપાન ચાલુ રાખ્યું, તો આગામી થોડા મહિનાઓમાં તેમની સારવાર સુદ્ધાં થઈ શકશે નહીં.

જહાંગીર લખે છે કે, આ સલાહની તેમના પર અસર થઈ, કારણ કે, તેમને "જીવન વહાલું હતું" અને તેઓ શરાબની માત્રા ઘટાડવા લાગ્યા. પણ તેની સાથે જ તેઓ એક લતમાંથી બીજી લત તરફ વળ્યા.

જહાંગીરનો જેડ પથ્થરનો શરાબનો પ્યાલો.

ઇમેજ સ્રોત, Museum of Art & Photography, India

ઇમેજ કૅપ્શન, જહાંગીરનો જેડ પથ્થરનો શરાબનો પ્યાલો.

જહાંગીરના જણાવ્યા અનુસાર, તમણે ફેલોનિયા (એક પ્રકારના માદક દ્રવ્ય)ના પ્રમાણમાં જેટલો વધારો કર્યો, તે માત્રા તેમણે ઘટાડી દીધેલા દારૂના સમપ્રમાણમાં હતી.

અને તે પછી આ કહાણીમાં અફીણનો પ્રવેશ થાય છે.

જહાંગીર લખે છે કે, 46 વર્ષ અને ચાર મહિનાની વયે, તેમણે તેમના રોજિંદા સેવનનો રેકૉર્ડ રાખ્યો હતોઃ દિવસના પાંચ કલાક પછી આઠ રત્તી (એક ગ્રામ) અને રાતના એક કલાક પછી બીજી છ રત્તી. તેનો અર્થ એ કે, તેઓ તેમના અફીણના સેવનનો નિયમિત દૈનિક રેકૉર્ડ રાખતા હતા.

જહાંગીર લખે છે કે, તેઓ 18 વર્ષની વયથી શરાબ પી રહ્યા હતા અને આ માત્રા કેટલીક વખત 20 પ્યાલા સુધી પહોંચી જતી હતી. તે પછી તેમણે માત્રા ઘટાડી દીધી અને 30 વર્ષ પછી તેઓ ફક્ત રાત્રિના સમયે જ પીતા હતા. અંતમાં તેઓ એ જ દલીલનું પુનરાવર્તન કરે છેઃ હવે માત્ર પાચન માટે જ શરાબ લઉં છું.

તેમના શાસનકાળના 13મા વર્ષે, ગુજરાતની આબોહવા તેમને માફક ન આવી અને તેમનું સ્વાસ્થ્ય કથળ્યું. વૈદ-હકીમોએ તેમને શરાબ અને અફીણ, બંને ઘટાડી દેવાની સલાહ આપી.

જહાંગીરના જણાવ્યા પ્રમાણે, તેમણે એક જ દિવસમાં બંનેનું સેવન ઓછું કરી નાખ્યું અને પ્રથમ દિવસથી જ તેમને તેમના આરોગ્યમાં "નોંધપાત્ર સુધારો" અનુભવાયો હતો.

પણ આદત હંમેશાં તર્કને આધીન નથી હોતી.

એ જ બીમારી દરમિયાન માથાના તીવ્ર દુખાવા અને તાવ છતાં તેઓ થોડા જ સમયમાં તેમના સામાન્ય પ્યાલા તરફ પાછા વળ્યા.

પાછલાં વર્ષોમાં પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ.

જહાંગીર લખે છે કે, ગંભીર બીમારી દરમિયાન, દારૂ પીવાથી તેમને કામચલાઉ રાહત મળતી હોવાથી તેમણે આદત ન હોવા છતાં દિવસ દરમિયાન પણ પીવા માંડ્યું.

એ પછી તેઓ સ્વીકારે છે કે, ધીમે-ધીમે દારૂની માત્રા હદ વટાવી ગઈ. ગરમ હવામાને હાનિકારક અસરો વધારી દીધી અને કમજોરીની સાથે હવે તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડવા માંડી.

આ જ સમયથી નૂરજહાંની ભૂમિકા મહત્ત્વની બની જાય છે.

જહાંગીર લખે છે કે, નૂરજહાં બેગમે ધીમે-ધીમે તેમની પીવાની આદત ઓછી કરાવી, બેગમે તેમને પ્રતિકૂળ ચીજો અને આહાર ખાતા અટકાવ્યા અને તેમની સારવારની વ્યવસ્થા કરી.

જહાંગીરે બેગમના કૌશલ્ય તથા અનુભવને વૈદ-હકીમો કરતાંયે વધુ અસરકારક ગણાવ્યા છે, તેમના મતે, તેમાં પ્રેમ અને કરુણા પણ સામેલ હતાં.

'તઝક-એ-જહાંગીરી'નો આ અહેવાલ નૂરજહાંને માત્ર એક પ્રભાવશાળી બેગમ તરીકે જ નહીં, બલ્કે પોતાના બીમાર પતિની કાળજી લેનાર અને તેમના શરાબના વ્યસનને મર્યાદિત કરી દેનાર વ્યક્તિત્વ તરીકે દર્શાવે છે.

બેગમ નૂરજહાં મુઘલ સામ્રાજ્યનાં પ્રભાવશાળી બેગમ હતાં, જેમણે ઉપખંડના એક મોટા ભાગ પર શાસન કર્યું હતું. તેઓ બેગમ મુમતાઝ મહલનાં ભત્રીજી હતાં, જેમના માટે બાદશાહ શાહજહાંએ તાજમહાલ બંધાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેગમ નૂરજહાં મુઘલ સામ્રાજ્યનાં પ્રભાવશાળી બેગમ હતાં, જેમણે ઉપખંડના એક મોટા ભાગ પર શાસન કર્યું હતું. તેઓ બેગમ મુમતાઝ મહલનાં ભત્રીજી હતાં, જેમના માટે બાદશાહ શાહજહાંએ તાજમહાલ બંધાવ્યો હતો.

પરંતુ મુનીલાલ તેમના પુસ્તક "જહાંગીર"માં લખે છે કે, જહાંગીરની લાચારી લગભગ દયાજનક સ્તર પર પહોંચી ગઈ હતી. નૂરજહાં પ્રત્યેના મોહે તેમની બચેલી સમજ અને ઇચ્છાશક્તિ પણ છિનવી લીધી હતી.

લાંબી માંદગી, શરાબનું વ્યસન અને તીવ્ર શારીરિક ઇચ્છાઓ - આ મુખ્ય પરિબળોને કારણે જહાંગીર નૂરજહાં પર સાવ નિર્ભર થઈ ગયા હતા. કેટલીક વખત, તીવ્ર ભાવનાત્મક દબાણને કારણે બાદશાહ વ્યાકુળ થઈ જતા હતા.

જોકે, લીસા બલબન-લાર "એનસાઇક્લોપીડિયા ઇરાનિકા"માં લખે છે કે, કેટલાક નિરીક્ષકોને એવું લાગે છે કે, બાદશાહ જહાંગીરે સામ્રાજ્યની બાગડોર તેમનાં પત્નીને સોંપી દીધી હતી, પણ વાસ્તવમાં તેમણે તેમના શાસનનાં છેલ્લાં પાંચ વર્ષોમાં સામ્રાજ્યની રાજકીય બાબતોમાં ઊંડો રસ લીધો હતો અને તેમાં સક્રિયપણે ભાગ પણ લીધો હતો.

નૂરજહાં વાસ્તવમાં એક એવા રાજાનાં સહ-શાસક હતાં, જેમણે પોતાની શક્તિની ઉપેક્ષા કરવાને બદલે સરકારની અમુક જવાબદારીઓ પોતાનાં વિશ્વાસુ અને પ્રતિભાસંપન્ન સહયોગીને સોંપી દીધી હતી.

તઝક અંગે લીસા લખે છે કે, જહાંગીરને રમત-ગમત અને શિકારનો ભારે શોખ હતો અને નૂરજહાં ઘણી વખત આ અભિયાનોમાં તેમની સાથે જતાં હતાં.

"આવા જ એક અભિયાન દરમિયાન નૂરજહાંએ માત્ર છ બુલેટથી ચાર સિંહ મારી નાખ્યા હતા. પોતાની પત્નીના આ અસાધારણ કૌશલ્યથી ગૌરવ અનુભવતા જહાંગીરે નૂરજહાં પર 1,000 અશર્ફી વરસાવી હતી અને સાથે જ તેમનાં પત્નીને મોતી અને હીરાની જોડ ધરાવતું એક લાખ રૂપિયાનું ઘરેણું ભેટમાં આપ્યું હતું."

"પરંતુ, તેમના શાસનનાં આવાં પ્રમાણમાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વર્ષોમાં પણ જ્યારે કોઈ રાજસી વિદ્રોહે રાજાની શાંતિ ડહોળી નહોતી, એવા વખતે પણ જહાંગીર શરાબ અને નશીલા પદાર્થો પરના તેમના અવલંબનમાંથી બહાર નીકળી શક્યા નહોતા."

"તેમણે તેમના દરબારમાં એક એવા અધિકારીની નિમણૂક પણ કરી હતી, જેમનું કામ રાજવી માદક પદાર્થોની જાળવણી કરવાનું હતું."

આ આત્મકથામાં સૌથી મોટો વિરોધાભાસ કદાચ ત્યારે પ્રકાશમાં આવે છે, જ્યારે, બાદશાહ બન્યા બાદ જહાંગીરે એક તરફ, તેમની પ્રજા માટે દારૂ અને અન્ય નશીલા પદાર્થોના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, પણ બીજી તરફ તે જ ફરમાનમાં તેઓ પોતે દારૂ પીતા હોવાની કબૂલાત પણ કરે છે.

જહાંગીર આ આત્મકથામાં અન્ય લોકોના શરાબ અને અફીણના વ્યસનનાં પરિણામો પણ નોંધે છે.

તેઓ ઇનાયત ખાન વિશે લખે છે કે, 'તેઓ અફીણના બંધાણી હતા અને દારૂ પણ પીતા હતા.'

'એક તબક્કે આ દારૂને કારણે તેમની સ્થિતિ કથળી ગઈ હતી.'

'અન્ય લોકો વિશે લખતી વખતે જહાંગીર નશાની વિનાશક અસરો જોઈ શકતા હતા, પણ તેઓ પોતાના મદ્યપાનને સંયમ, દવા કે પાચનની આવશ્યકતા તરીકે વર્ણવે છે.'

કદાચ આ વિરોધાભાસનું એક ઉદાહરણ તેમના પુત્ર ખુર્રમનો કિસ્સો છે, જેઓ આગળ જતાં બાદશાહ શાહજહાં બન્યા.

જહાંગીર લખે છે કે, ખુર્રમ 24 વર્ષના થયા, ત્યાં સુધી દારૂથી દૂર રહ્યા હતા. એક પ્રસંગે, જહાંગીરે તેમને શરાબ આપીને તેમને સંયમ જાળવવાની સલાહ આપી. તેમણે ઇબ્ન સીનાની કહેવત ટાંકીને કહ્યું કે, થોડો દારૂ દવાસમાન છે, પણ તેનો અતિરેક સાપના વિષસમાન છે.

બાદશાહ દરબારમાં નિયમિતપણે દારૂની મહેફિલોનું આયોજન કરતા હતા. ખુદ જહાંગીરના જણાવ્યા મુજબ, આ મહેફિલોમાં તેમના દરબારીઓ "વફાદારીના શરાબથી નશામાં ધૂત બની જતા હતા."

નવરોઝ નિમિત્તે બાદશાહે ફરમાન કર્યું હતું કે, શાહી ઉજવણી કરનારાઓ તેમની ઇચ્છા પ્રમાણે કોઈપણ નશીલા પદાર્થનો ઉપયોગ કરી શકે છે અને તેમણે કોઈપણ પ્રકારના પ્રતિબંધ કે અવરોધની પરવા કરવી જોઈએ નહીં.

જહાંગીરનો મકબરો લાહોરમાં સ્થાનિકો અને વિદેશી પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય ઐતિહાસિક ઈમારતોમાં સ્થાન ધરાવે છે અને રોજ સેંકડો મુલાકાતીઓ અને ઈતિહાસપ્રેમીઓ તેની મુલાકાત લે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જહાંગીરનો મકબરો લાહોરમાં સ્થાનિકો અને વિદેશી પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય ઐતિહાસિક ઈમારતોમાં સ્થાન ધરાવે છે અને રોજ સેંકડો મુલાકાતીઓ અને ઈતિહાસપ્રેમીઓ તેની મુલાકાત લે છે.

રામચંદ્ર પ્રસાદ તેમના પુસ્તક "અર્લી ઇંગ્લિશ ટ્રાવેલર્સ ઇન ઇન્ડિયા"માં લખે છે કે, 1616માં જહાંગીરે નશાની હાલતમાં તેમના કેટલાક દરબારીઓને પોતાની સાથે બેસીને મદિરાપાન કરવાનો આદેશ આપ્યો હતો.

બીજા દિવસે, કોઈએ આકસ્મિક રીતે કે પછી ઇરાદાપૂર્વક આગલી રાતના બનાવનો ઉલ્લેખ કર્યો.

રાજાને પોતાનો આદેશ યાદ નહોતો, આથી તેમણે પૂછ્યું કે, તેમના દરબારીઓને દારૂ પીવાની પરવાનગી કોણે આપી હતી?

જહાંગીર માટે, નશો માત્ર શરાબ અને અફીણ પૂરતો સીમિત નહોતો.

કાશ્મીરના પ્રવાસ દરમિયાન, તેઓ એક સ્થાનિક નશીલા પીણાનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં તેમના મતે ગાંજો પણ ભેળવવામાં આવ્યો હતો. તેઓ તેના નશા અને શારીરિક અસરોનો ઉલ્લેખ કરીને કહે છે કે, જો દારૂ ઉપલબ્ધ ન હોય, તો તેવા સમયે તેના વિકલ્પ સ્વરૂપે તે પદાર્થનો ઉપયોગ કરી શકાય છે.

નરસિંહા પી. સિલના જણાવ્યા પ્રમાણે, જહાંગીરને વિલાસમાં ડૂબેલા શાસક માનવામાં આવતા હોવા છતાં, તેમણે ન્યાય પૂરો પાડવા માટે એક નિયમિત વ્યવસ્થા પ્રસ્થાપિત કરી હતી.

આ વ્યવસ્થાનું સૌથી મોટું ઉદાહરણ 'ન્યાયની સાંકળ' હતું, જે પ્રજાની ફરિયાદો અને અપીલો બાદશાહ સુધી સીધી પહોંચી શકે, તેવા દૃઢ સંકલ્પનું પ્રતીક હતું.

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથેના વ્યાપારી સંબંધો જહાંગીરના શાસન દરમિયાન જ પ્રસ્થાપિત થયા હતા.

આમ, જહાંગીરનો વારસો મુઘલ ઇતિહાસના વ્યાપક સંદર્ભમાં કળાના સંરક્ષણ, વહીવટી પગલાં તથા જટિલ પારિવારિક સંબંધોનું સંયોજન દર્શાવે છે, જે તેમના વ્યક્તિત્વનાં ઘણાં વિરોધાભાસી પાસાંઓ સામે લાવે છે.

લીસા લખે છે કે, તેમનાં અંતિમ વર્ષોમાં, દારૂના અતિશય સેવન અને નશીલા પદાર્થોના વપરાશે જહાંગીરના શરીરને એટલું અશક્ત કરી નાખ્યું હતું કે, બીજા પુત્રના બળવાને કચડી નાખવાના એક સફળ પણ થકવી નાખનારા અભિયાન પછી તેઓ લગભગ અસમર્થ થઈ ગયા હતા.

તેઓ ચાલી પણ નહોતા શકતા કે ન તો અફીણ લઈ શકતા હતા. બસ, દારૂના ઘૂંટ જ ભરી શકતા હતા.

તેમ છતાં તેમણે તેમની યાત્રા છોડી નહીં.

1627ના આકરા ઊનાળામાં જહાંગીર શાંતિ અને હળવાશ માટે તમના પ્રિય સ્થળ એવા કાશ્મીર જવા રવાના થયા, પણ ત્યાં પહોંચ્યાના થોડા જ દિવસોમાં જહાંગીર સ્વયં અને તેમની સાથે આવેલા તેમના સૌથી નાના પુત્ર શાહજાદા શહેરયાર બીમાર પડ્યા અને બંનેની હાલત નાજુક થઈ ગઈ.

આથી, તેઓ લાહોર પરત ફરવા નીકળ્યા, પણ મુસાફરી દરમિયાન 28મી ઑક્ટોબર, 1627ના રોજ ચાંગરા શ્રી ખાતે તેમનું અવસાન થયું.

તે સમયે તેઓ 58 વર્ષના હતા અને 21 વર્ષ કરતાં થોડા વધુ સમય સુધી તેમણે શાસન કર્યું હતું.

જહાંગીરના શાસનના 17 વર્ષ પછી બીમારી અને અશક્તિને લીધે તેમની આત્મકથાનું લેખનકાર્ય અટકી ગયું હતું, જ્યારે પછીનું લેખનકાર્ય દરબારના ઇતિહાસકારો, મુખ્યત્વે મોતમીદ ખાન અને મહમ્મદ હાદી દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું.

લીસાના જણાવ્યા પ્રમાણે, જહાંગીર પછીના મુઘલ શાસકોએ તેમના પૂરોગામીઓની ભ્રમણશીલ અને સક્રિય જીવનશૈલી ત્યાં સુધી ચાલુ રાખી, જ્યાં સુધી તેમની પાસે આમ કરવાની આર્થિક અને રાજકીય સત્તા હતી. આ પરંપરા તે પછી આશરે બીજાં 100 વર્ષ સુધી ચાલુ રહી.

જોકે, જહાંગીર પહેલાં કે તેમના પછી ભાગ્યે જ કોઈ એવો મુઘલ શાસક થયો હશે, જેણે આનંદની શોધમાં અવિરત પ્રવાસને પોતાના જીવનનો ભાગ બનાવ્યો હોય.

જહાંગીરે દારૂ પીવાની પોતાની ટેવ અને તેના પર કાબૂ મેળવવાના સંઘર્ષનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો.

ખુદ જહાંગીરના જણાવ્યા પ્રમાણે, તેમના દરબારી કવિ તાલીબ આમલીએ આ સ્થિતિને કવિતામાં આ પ્રમાણે વર્ણવી હતીઃ

"મારા બે હોઠ છે, જેમાંથી એકને મદિરાનો શોખ છે,

અને બીજો પીધેલા હોવા બદલ માફી માગે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન