'13 વર્ષથી સર્જરીની રાહ જોઈ રહ્યા હતા' - દિલ્હી એઇમ્સમાં 15 વર્ષની તન્વીના મૃત્યુ પછી પરિવારે શું આરોપો લગાવ્યા?

હ્રદયમાં કાણું હોવાને કારણે તન્વીનું દિલ્હી ઍઇમ્સમાં નિધન થયું હતું. ફોનમાં દીકરીની તસવીર દેખાડી રહેલાં માતા

ઇમેજ સ્રોત, Mohar Singh Meena

ઇમેજ કૅપ્શન, હૃદયમાં કાણું હોવાને કારણે તન્વીનું દિલ્હી ઍઇમ્સમાં નિધન થયું હતું. ફોનમાં દીકરીની તસવીર દેખાડી રહેલાં માતા
    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી માટે, રાજસ્થાનના કોટાથી
    • દ્વારા રિપોર્ટિંગ, कोटा, राजस्थान
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા પણ મારી દીકરીનું ઑપરેશન ન થઈ શક્યું. 31 ઑગસ્ટની રાત્રે સાડા ત્રણ વાગ્યે, મારી દીકરીએ મારી સામે જ દમ તોડી દીધો."

15 વર્ષનાં તન્વીનું હૃદયમાં કાણું હોવાથી દિલ્હીની એઇમ્સમાં અવસાન થયું. તેમનાં માતાપિતાનો આરોપ છે કે ઍઇમ્સે તેમની પુત્રીની સર્જરી 13 વર્ષ સુધી ન કરી અને તેમને તારીખ ઉપર તારીખ આપવામાં આવતી રહી.

તેમનો આરોપ છે કે તેમની પુત્રી 2012 થી ઍઇમ્સમાં સારવાર લઈ રહી હતી અને તેમને ઘણી વખત સર્જરીનું વચન આપવામાં આવ્યું હતું. એક વખત તેમણે પૈસા પણ જમા કરાવ્યા હતા અને પછી સર્જરી મુલતવી રાખવામાં આવી હતી.

દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) એ ગત બીજી સપ્ટેમ્બરના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સના આધારે, આ મામલાને ગંભીરતાથી લેતા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

વધુમાં ઍઇમ્સે જણાવ્યું હતું કે "દર્દી તન્વીનાં ઘણાં વ્યાપક પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે સર્જરી શક્ય નથી, તેથી મેડિકલ મૅનેજમેન્ટ અને નિયમિત ફૉલોઅપની સલાહ આપવામાં આવી હતી."

તન્વીના પિતા મુકેશ કુમારે તેમની પુત્રીની સારવાર માટે કરેલા સંઘર્ષ વિશે બીબીસી ન્યૂઝ હિન્દી સાથે વાત કરી હતી.

તેમણે એમ પણ કહ્યું, "એઇમ્સના લોકો પણ ઑપરેશન માટે હા પાડી રહ્યા હતા, તેથી અમે તેમના ભરોસે રહ્યા."

તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે તેમની પુત્રીની સારવાર એઇમ્સ સિવાય બીજે ક્યાંય કરાવવાનો પ્રયાસ કર્યો છે?

તો તન્વીના પિતાએ કહ્યું, "2013માં અમે દિલ્હીની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તન્વીની તપાસ કરાવી હતી. પરંતુ તેમણે અમને કહ્યું કે તેમાં ત્રણ ઑપરેશનની જરૂર પડશે અને ઘણો ખર્ચ થશે. તેથી, અમે એઇમ્સ પર આધાર રાખ્યો."

દીકરીના પિતાનું કહેવું છે કે તેમણે આનાથી વ્યથિત થઈને 2016 માં વડા પ્રધાન કાર્યાલયને સર્જરીની વિનંતી કરીને તેમની પહેલી ફરિયાદ મોકલી હતી. તેમણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને પણ ઇ-મેઇલ કર્યો હતો, પરંતુ તેમને દરેક જગ્યાએ નિરાશા હાથ લાગી હતી.

તન્વીના પિતાએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં એઇમ્સ વિરુદ્ધ કેસ દાખલ કરશે.

તન્વી બે વર્ષનાં હતાં ત્યારથી જ એઇમ્સમાં ચાલી રહી હતી સારવાર

પોતાની દીકરીનો વીડિયો દેખાડતાં માતા ભાવિકા વારંવાર ભાવુક થઈ જાય છે

ઇમેજ સ્રોત, Mohar Singh Meena

ઇમેજ કૅપ્શન, પોતાની દીકરીનો વીડિયો દેખાડતાં માતા ભાવિકા વારંવાર ભાવુક થઈ જાય છે

તન્વીનો પરિવાર રાજસ્થાનના કોટાના ગુમાનપુરા વિસ્તારનો છે.

તેમના પિતા મુકેશ કુમાર પરિયાની અને માતા ભાવિકા પરિયાની દિલ્હીના એઇમ્સમાં તેમની પુત્રીની સારવાર કરાવી રહ્યાં હતાં.

મુકેશ એક કપડાંની દુકાનમાં સેલ્સમેન છે અને તેમનાં પત્ની ભાવિકા ગૃહિણી છે. તેમને બે બાળકો છે, જેમાં સૌથી નાનાં તન્વી છે.

તેમનો મોટો દીકરો જયપુરની એક કૉલેજમાંથી બી.ટેક કરી રહ્યો છે.

ભાવિકા પોતાની દીકરી તન્વીને યાદ કરીને સતત રડી રહ્યાં છે.

તન્વીના ઘરના જે રૂમમાં તેમનાં માતાએ અમારી સાથે વાત કરી રહી હતી તેની પાછળ તન્વીનું સ્ટડી ટેબલ હતું, જેની સામેની દીવાલ પર લખ્યું હતું, "આઇ કેન ઍન્ડ આઇ વિલ (હું કરી શકું છું, અને હું કરીશ)"

બે વર્ષની હતી ત્યારથી જ બીમાર

તન્વીનું પુસ્તક

ઇમેજ સ્રોત, Mohar Singh Meena

મુકેશનું કહેવું છે કે, "તન્વી લગભગ બે વર્ષની હતી ત્યારે જ તે બીમાર પડી હતી."

15 ઑગસ્ટ, 2012 ના રોજ કોટામાં થયેલા એક પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે છોકરીના હૃદયમાં કાણું છે.

તેમનું કહેવું છે કે સારી સારવાર માટે સ્થાનિક ડૉક્ટરે તેમને એઇમ્સ જવાની સલાહ આપી.

તેમણે કહ્યું, "હું મારી દીકરીને 2012 માં પહેલી વાર દિલ્હીની એઇમ્સમાં લઈ ગયો. તેની સારવાર ચાલુ રહી. 2013 માં ટેસ્ટ કરવામાં આવ્યા અને પછી 2014 માં સર્જરી સૂચવવામાં આવી, તેથી અમે પૈસા જમા કરાવ્યા અને બાકીના ટેસ્ટ પણ કરવામાં આવ્યા. પરંતુ પછી તે મુલતવી રાખવામાં આવ્યું."

મુકેશે એઇમ્સમાં 1.25 લાખ રૂપિયા જમા કરાવવાની સ્લિપ પણ બતાવી.

મુકેશ દાવો કરતાં કહે છે કે, "પછી ઑપરેશન માટે તારીખ 2 સપ્ટેમ્બર, 2015 આપવામાં આવી. જ્યારે હું મારી દીકરીને ઑપરેશન માટે લઈ ગયો, ત્યારે તેમણે ફરી તેને મુલતવી રાખ્યું. પછી તન્વીને 16 ડિસેમ્બરે દાખલ કરવામાં આવી, અને ઑપરેશન ફરીથી મુલતવી રાખવામાં આવ્યું."

"મેં ઘણી ફરિયાદો કરી હતી"

મુકેશે વર્ષ 2014માં જમા કરાવવામાં આવેલી રકમની રસીદ પણ દેખાડી

ઇમેજ સ્રોત, Mohar Singh Meena

ઇમેજ કૅપ્શન, મુકેશે વર્ષ 2014માં જમા કરાવવામાં આવેલી રકમની રસીદ પણ દેખાડી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2012થી આજ સુધી એઇમ્સ, દિલ્હીમાં થયેલી સારવારના કાગળો, 2013માં ઑપરેશનના નામે જમા કરાયેલા 1.25 લાખ રૂપિયાની રસીદ સહિત અનેક ડૉક્યુમેન્ટ્સ તેઓ બતાવે છે.

તેઓ કહે છે કે, "મેં ઘણી ફરિયાદો કરી હતી પરંતુ વાત ક્યાંય સાંભળવામાં આવી ન હતી."

તેઓ કોટાના સાંસદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળ્યા અને તેમને તેમની પુત્રીની હૃદયની સર્જરી શક્ય તેટલી વહેલી તકે દિલ્હીની એઇમ્સમાં કરાવવા વિનંતી કરી.

તેમણે એમ પણ કહ્યું કે ઓમ બિરલાના અંગત સહાયકે એઇમ્સને ફોન કરીને સર્જરીની વિનંતી પણ કરી હતી, પરંતુ એ પછી પણ ઑપરેશન થયું ન હતું.

અમે આ આરોપો અંગે એઇમ્સના ડૉ. સચીન તલવારનો ઈ-મેઇલ દ્વારા સંપર્ક કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

મુકેશનું કહેવું છે કે તેમને આ પછી 2026 સુધી સતત તારીખો આપવામાં આવી, પરંતુ તેમની પુત્રીનું ઑપરેશન થયું નહીં.

તન્વીનાં માતા કહે છે કે હૉસ્પિટલમાં દાખલ થયા પછી પણ તેમની પુત્રીની હાલત સારી હતી પરંતુ પછી આવું બની ગયું.

જોકે, એઇમ્સ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં, તન્વીના મૃત્યુનું કારણ હાયપૉક્સિયાને કારણે હૃદયરોગનો હુમલો હોવાનું જણાવાયું છે.

આનો અર્થ એ થયો કે શરીરમાં ઑક્સિજનની તીવ્ર અછતને કારણે હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું.

તન્વીના પિતા મુકેશ તેની પ્રતિભા વિશે વાત કરતાં આ પુસ્તક બતાવે છે જેનું કવર પેજ તન્વીએ ડિઝાઇન કર્યું હતું

ઇમેજ સ્રોત, Mohar Singh Meena

ઇમેજ કૅપ્શન, તન્વીના પિતા મુકેશ તેમની પ્રતિભા વિશે વાત કરતાં આ પુસ્તક બતાવે છે જેનું કવર પેજ તન્વીએ ડિઝાઇન કર્યું હતું

તેઓ કહે છે, "હું ત્યાં એ આશા સાથે ગઈ હતી કે ત્યાં સારા ડૉક્ટરો હશે પણ જુઓ અમારી સાથે શું થયું. અમને નિરાશા જ હાથ લાગી."

મુકેશનું કહેવું છે કે તેમની પુત્રીના મૃત્યુ પછી, તેમણે 112 નંબર લગાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી.

તેઓ કહે છે, "એ સમયે ફક્ત હું અને મારી પત્ની જ હૉસ્પિટલમાં હતા. અમે ડરી ગયા હતા અને અમારી પુત્રીનો મૃતદેહ લેવો પડ્યો, તેથી અમે પોસ્ટમોર્ટમ કરાવ્યું અને મૃતદેહ લાવ્યા. મને દિલ્હીની એઇમ્સમાં કોઈ વિશ્વાસ નથી."

તેમનું કહેવું છે કે એફઆઈઆર નોંધાવવાનો સમય અમને નછી મળ્યો, પરંતુ હવે તેઓ એફઆઈઆર નોંધાવશે.

મુકેશ અને તેમનાં પત્નીનું કહેવું છે કે, "અમારી દીકરી હવે પાછી ફરી શકશે નહીં, પરંતુ ગુનેગારોને સજા મળવી જ જોઈએ."

"અમારી દીકરીનું મોત થયું નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. ગુનેગારોને સજા થશે તો જ અમને ન્યાય મળશે."

એઇમ્સ દ્વારા તપાસ માટે સમિતિની રચનાની જાહેરાત અંગે મુકેશનું કહેવું છે કે સમિતિ બનાવવાથી કંઈ થતું નથી, તે ફક્ત લીપાપોતી કરવાનો એક રસ્તો છે.

તેમનું કહેવું છે કે જો ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણું બધું પ્રકાશમાં આવશે.

દિલ્હી એઇમ્સે શું કહ્યું?

દિલ્હી ઍઇમ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી એઇમ્સ

એઇમ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, "તન્વીની તબિયત બગડ્યા બાદ 24 ઑગસ્ટના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી."

"આ વખતે, હૃદય-ફેફસાં ટ્રાન્સપ્લાન્ટની શક્યતાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું."

"31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરની રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તેની હાલત ગંભીર બની ગઈ હતી."

"પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગે તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. "

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે તન્વીને અચાનક ખૂબ જ થાક અને નબળાઈ લાગવા માંડી.

ત્યારબાદ તેને ગંભીર સાયનોસિસ (ઑક્સિજનના અભાવે ત્વચાનો વાદળી રંગ) થયો અને તેનું ઑક્સિજન સેચ્યુરેશન ઘટીને લગભગ 48 ટકા રહી ગયું.

ઑક્સિજન સપોર્ટ પછી પણ તેમને ગંભીર હાયપૉક્સિક સ્પેલ ચાલુ રહ્યો, જેના કારણે હૃદયરોગનો હુમલો થયો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક અને સતત રેસસિટેશનના પ્રયાસો છતાં, બાળકની સ્થિતિ અત્યંત નાજુક રહી અને તેને સવારે પાંચ વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યાં.

ઍઇમ્સે એમ પણ કહ્યું કે, "તન્વીને પહેલી વાર 10 ઑક્ટોબર, 2012 ના રોજ AIIMS ના કાર્ડિયોલૉજી ઓપીડીમાં સારવાર માટે લાવવામાં આવી હતી."

તપાસમાં વીએસડી (હૃદયમાં છિદ્ર) સાથે પલ્મોનરી એટ્રેસિયા હોવાનું બહાર આવ્યું.

2013માં, તન્વીએ હૃદયની શસ્ત્રક્રિયાની શક્યતા માટે વિગતવાર મૂલ્યાંકન કરાવ્યું હતું જેમાં સીટી એન્જીયોગ્રાફી, એન્જીયોગ્રાફી અને કાર્ડિયાક કેથેટરાઇઝેશન જેવાં પરીક્ષણોનો સમાવેશ થતો હતો.

એઇમ્સના જણાવ્યા અનુસાર, "તન્વીના હૃદયની જટિલ શરીરરચના અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, 2017માં કરવામાં આવેલા મૂલ્યાંકનમાં એવું તારણ નીકળ્યું કે એ સમયે સુધારાત્મક સર્જરી શક્ય નહોતી."

"તેમને નિયમિત ફૉલો-અપ અને દવાની સારવારની સલાહ આપવામાં આવી હતી."

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ પછી પણ દર્દીના પરિવાર અમારી સાથે સંપર્કમાં રહ્યા અને ફરીથી સર્જરી અંગે સલાહ માગી."

"પછી ગયા વર્ષે, કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જરી વિભાગના વડાની સલાહ લેવામાં આવી, જેમણે પણ મેડિકલ મૅનેજમેન્ટની જ સલાહ આપી."

એઇમ્સે હવે સમગ્ર મામલાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. તે તબીબી રેકૉર્ડ, સારવારની સમગ્ર ટાઇમલાઇન અને મૃત્યુ સાથે જોડાયેલી પરિસ્થિતિઓની સમીક્ષા કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન