ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, 'અમેરિકાએ ભારતીય જહાજો પર ઈરાની ડ્રૉનના હુમલાઓ નિષ્ફળ બનાવ્યા' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Image
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે 'અમેરિકાની સેનાએ ભારતીય જહાજો પર ઈરાનના ડ્રૉન હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.'
શુક્રવારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું , "ગઈ રાત્રે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં ભારતીય જહાજો પર તેમના (ઈરાનના) ડ્રૉન હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે તાત્કાલિક પોતાની આ સ્થિતિ સુધારવી જોઈએ."
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે અમેરિકન નેવીએ ઓમાનના અખાતમાં ભારતીય ખલાસીઓને લઈ જતાં ત્રણ જહાજો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ બુધવારે એક વીડિયો જાહેર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પલાઉ-ધ્વજવાળા ઑઇલ ટૅન્કર સેટેબેલોના ઍન્જિનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ એ જ જહાજ છે જેમાં હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા.
આ અંગે, ભારતે નવી દિલ્હી સ્થિત અમેરિકાના દૂતાવાસના રાજદ્વારી સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો.
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ઘટનાનો વિરોધ કરવા માટે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી હતી. તેમણે શુક્રવારે કહ્યું હતું કે તેમણે આ ઘટના અંગે તેમની સાથે વાત કરી છે.
બીજી તરફ, ઈરાને પણ ભારતીય ખલાસીઓના મૃત્યુ માટે અમેરિકાની નિંદા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઇએ ઍક્સ પર લખ્યું "ભારતીય કૉમર્શિયલ જહાજો પર અમેરિકાના ક્રૂર હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોનાં મોત થયાં છે. આ હુમલાઓ અમેરિકાની સશસ્ત્ર લૂંટ અને રાજ્ય પ્રાયોજિત ચાંચિયાગીરીની નીતિનો સ્પષ્ટ પુરાવો છે"
રાજકોટ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં ચારનાં મોત, પાંચ ઘાયલ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટી રામપર ગામ નજીક એક ટૅન્કર, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે મોડી સાંજે થયેલા આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં હોવાની જાણકારી મળી છે.
રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યું હતું, "રાજકોટ પોલીસના જણાવ્યા પ્રમાણે, ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે જ્યારે કે અન્ય પાંચ ઘાયલોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."
કુવાવડા પોલીસ અને રાજકોટ ઍરપૉર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ મોકલવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક રૉંગ સાઇડ પરથી આવી હતી અને કાર સાથે ભટકાઈ હતી અને તેની સાથે ટૅન્કરને પણ અકસ્માત નડ્યો હતો.
કારમાં એકજ પરિવારના છ સભ્યો સહિત નવ જણા સવાર હતા. ઈજાગ્રસ્ત રમેશ ડાભીના જણાવ્યા પ્રમાણે તેઓ કાર ભાડે કરીને તેમના ગામ મોલ્ડી ગામ જઈ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો.
ઈજાગ્રસ્ત રમેશ ડાભીએ મીડિયાને જણાવ્યું હતું કે "રૉંગ સાઇડથી ગાડી આવી અને અમારી સાથે ભટકાઈ હતી."
હૉંગકૉંગ ખાતે આયોજિત ટ્રેમ્પોલીન જિમ્નેસ્ટિક્સ એશિયન ચૅમ્પિયનશિપમાં રાજપીપળાની યુવતીએ મેળવ્યું પાંચમું સ્થાન

ઇમેજ સ્રોત, Information department, Gujarat Goverment
23થી 24 મે 2026 દરમિયાન હૉંગકૉંગ ખાતે આયોજિત ટ્રેમ્પોલીન જિમ્નેસ્ટિક્સ એશિયન ચૅમ્પિયનશિપ યોજાઇ હતી.
આ ચૅમ્પિયનશિપમાં નર્મદા જિલ્લાના રાજપીપળાની યુવતી ફલકે વસાવાએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
તેમણે જુનિયર એજ ગ્રૂપની ઇન્ડિવિઝ્યુઅલ વિમૅન્સ કૅટેગરીમાં ભાગ લીધો હતો જેમાં તેમણે સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે
ગુજરાત માહિતી ખાતાની પ્રેસનોટ અનુસાર, ફલક વસાવાએ જણાવ્યું કે માતા-પિતા તેમજ કોચ ડૉ. હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સહયોગથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યાં છે.
"હવે તેમનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે," એમ ફલકે જણાવ્યું હતું.
અબ્બાસ અરાઘચીએ કહ્યું- અમેરિકા સાથે સમજૂતી ખૂબ જ નજીક, પાકિસ્તાની PMએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે 'ઇસ્લામાબાદ સમજૂતી' હવે ખૂબ નજીક છે.
તેમણે ઍક્સ પર લખ્યું. " ઇસ્લામાબાદ સમજૂતી ખૂબ નજીક છે, તેનું અંતિમ સ્વરૂપ આવવા સુધીમાં મીડિયાએ તેના વિશે અટકળો લગાવવાથી બચવું જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "અમારા જવાબદાર અને પારદર્શક અભિગમને અનુરૂપ, યોગ્ય સમયે તમામ માહિતી લોકો સાથે શૅર કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. બંને દેશો વચ્ચેની વાતચીત પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થઈ હતી, તેથી તેને ઇસ્લામાબાદ કરાર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર અબ્બાસ અરાઘચીની પોસ્ટનો સ્ક્રિનશૉટ શૅર કર્યો.

ઇમેજ સ્રોત, Photo: realDonaldTrump
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "શાંતિ કરારમાં મધ્યસ્થી કરવાના પાકિસ્તાનના પ્રયાસો ચાલુ છે. અમે તે લોકો દ્વારા ચલાવવામાં આવી રહેલા ખોટી જાણકારી ફેલાવવાના અભિયાન વિશે જાણીએ છીએ. જે આ શાંતિ સમજૂતીને નિષ્ફળ કરવા માગે છે"
તેમણે આગળ લખ્યું, "આ બધી બાબતોને બાજુ પર રાખીને, અમે ખાતરી કરી શકીએ છીએ કે શાંતિ સમજૂતીના ડ્રાફ્ટ પર સહમતિ થઈ ગઈ છે. પાકિસ્તાન હવે બંને પક્ષો સાથે મળીને કામ કરી રહ્યું છે. પહેલાં બંને પક્ષો શાંતિ કરાર પર એટલા નજીક નહોતા જેટલા હવે છે."
જયશંકરે કહ્યું - અમે માર્કો રુબિયો સાથે વાત કરીને સખત વિરોધ નોંધાવ્યો

ઇમેજ સ્રોત, Kayla Bartkowski/Getty Images
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ઓમાન નજીક અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોના મામલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી છે.
જયશંકરે કહ્યું કે તેમણે ગલ્ફમાં "અમેરિકાના નૌકાદળના હુમલાઓનો સખત વિરોધ" કર્યો છે.
ફોન પર થયેલી આ વાતચીત અંગે ભારતીય વિદેશ મંત્રીએ ઍક્સ પર કહ્યું , "મેં આજે (શુક્રવારે) સાંજે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી. મેં ગલ્ફમાં અમેરિકાના નૌકાદળના હુમલાઓને લઈને ભારતનો સખત વિરોધનો નોંધાવ્યો, જેને કારણે ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા."
તેમણે કહ્યું, "કૉમર્શિયલ શિપિંગને લક્ષ્યાંક બનાવતી આવી ઘાતક કાર્યવાહી કોઈપણ રીતે વ્યાજબી નથી"
આ અઠવાડિયે બુધવારે ઓમાન નજીક ઈરાન સામે અમેરિકાના નાકાબંધી કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા.
આ અઠવાડિયે, ઓમાનના અખાતમાં અમેરિકન સૈન્યએ ભારતીય ક્રૂ સાથેના ત્રણ ઑઇલ ટૅન્કરો પર હુમલો કર્યો હતો. ભારતે વિરોધ નોંધાવતા એક વરિષ્ઠ અમેરિકન ઉચ્ચ અધિકારીને હાજર થવા માટે કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















