'ખંડણી આપો અથવા કિડની' : યુકે ગેરકાયદે જવા નીકળેલા 300 લોકોનું અપહરણ કરીને ત્રાસ ગુજાર્યો

ઇમેજ સ્રોત, Kurdish Regional Government
- લેેખક, સૂ મિશેલ અને બેન મિલેન
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
બીબીસીને જાણવા મળ્યું છે કે ગયા ઉનાળામાં 300થી વધુ યુકે સ્થળાંતર કરનારા લોકોનું અપહરણ કરાયું હતું, તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને બળજબરીથી અંગ કાઢી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
ઇરાકી કુર્દીસ્તાનના આ યુવાનોને લીબિયામાં એક ટોળકીએ પકડી લીધા હતા, જેમણે તેમના દરેક પરિવાર પાસેથી 5,000 અમેરિકન ડૉલરની ખંડણી માગી હતી, અને જો તાત્કાલિક ચુકવણી નહીં કરવામાં આવે તો બંધકોની કિડની કાઢી લેવામાં આવશે એવી ધમકી પણ આપી હતી.
અમે ત્યાંથી મુક્ત થયેલા કેટલાક બંધકો સાથે વાત કરી અને અમને એવા ફોટોગ્રાફિક પુરાવા પણ મળ્યા છે કે જે સૂચવે છે કે ખરેખર બળજબરીપૂર્વક સર્જરીઓ કરવામાં આવી હશે.
બંધક રહેલા લોકોએ ત્રાસ આપ્યાના પુરાવા બતાવ્યા અને જણાવ્યું કે તેમને અત્યંત સાંકડી જગ્યામાં રાખવામાં આવતા હતા. એક જ નાની ઓરડીમાં લગભગ 180 લોકોને રાખવામાં આવ્યા હતા.
એવું જાણવા મળ્યું છે કે લગભગ એકાદ બંધકનું મૃત્યુ થયું છે અને હજી કેટલા કેદમાં છે તે વિશે પણ સ્પષ્ટ માહિતી નથી.
આ ટોળકીનું કામ સ્થળાંતર કરનારા લોકોને લીબિયા થઈને ભૂમધ્ય સમુદ્રના કિનારે લઈ જવાનું હતું. જોકે, સ્થળાંતરકારોની સમગ્ર મુસાફરીનું આયોજન કરનાર ઇરાકી કુર્દ માનવતસ્કર નોઆ એરોન અને ટોળકી વચ્ચે પૈસાની ચુકવણીને લઈને વિવાદ થયો હતો.
એરોન હવે અલગ-અલગ મની લૉન્ડરિંગ અને દાણચોરીના ગુનાઓ માટે ફ્રાન્સમાં 10 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
તાજેતરમાં બીબીસીએ કરેલી તપાસ દરમિયાન બીજા એક તસ્કર કાર્ડો જાફની અપહરણ અંગેની વિગતો બહાર આવી હતી, જેના કારણે ગયા મહિને તેની ધરપકડ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું માનવામાં આવે છે કે બંને દાણચોરો ભૂતકાળમાં સાથે કામ કરતા હતા. યુકે થિંક ટેન્ક, ચેથમ હાઉસના અહેવાલ મુજબ બંને ઇરાકી કુર્દિસ્તાનના રાન્યા શહેરના છે, રાન્યા એટલે એક પ્રદેશ જે સક્રિય દાણચોરીના નેટવર્કથી ભરેલો છે.
ફેબ્રુઆરીમાં બીબીસીની તપાસટીમ રાન્યામાં જાફ વિશે પૂછપરછ કરી રહી હતી, ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેમનો પુત્ર પણ પકડાયેલા લોકોમાં સામેલ હતો.
તે વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે એરોનની દાણચોરી કરતી ગૅંગે યુકેની યાત્રાનું આયોજન કરવા માટે તેમના પરિવાર પાસેથી હજારો ડૉલર વસૂલ્યા હતા, આ યાત્રામાં ઉત્તર આફ્રિકા થઈને પછી ભૂમધ્ય સમુદ્ર પાર કરીને યુરોપ જવાનો પ્લાન હતો.
માનવતસ્કરીની તપાસ કરનારા યુએન સલાહકાર એન્થોની ડંકરલીના જણાવ્યા અનુસાર આ માર્ગ લીબિયામાંથી પસાર થાય છે અને ત્યાં સરકારની સંતર્કતાનો બિલકુલ અભાવ છે.
લીબિયાનો મોટા ભાગનો ભાગ હરીફ લશ્કર દ્વારા નિયંત્રિત છે અને દાણચોરીનું નેટવર્ક્સ તેમના સહયોગ પર આધાર રાખે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમને જાણવા મળ્યું કે 2025ના ઉનાળા દરમિયાન ઇરાકી કુર્દિસ્તાનથી વિમાન મારફતે લીબિયા પહોંચેલા સ્થળાંતરકારોના એક પછી એક જૂથોને સુરક્ષિત કમ્પાઉન્ડમાં લઈ જઈને કેદ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ટોળકીએ દરેક બંધક માટે 5,000 અમેરિકન ડૉલરની માગણી કરી હતી, અને એવો દાવો કર્યો હતો કે અગાઉના એક સોદામાં એરોને તેમને આ રકમ ચૂકવી નહોતી. બંધકોના પરિવારને એવી ધમકી આપવામાં આવી હતી કે જો પૈસા સમયસર પહોંચાડવામાં નહીં આવે તો તેની કિડની કાઢીને ચુકવણી વસૂલવામાં આવશે.
લીબિયાવાસીઓએ બંધકોના ફોટા અને વીડિયો પણ મોકલ્યા હતા, જેમાંથી ઘણા વ્યથાજનક અથવા હિંસક હતા. એક વીડિયોમાં એક યુવાનને ફિલ્માવાયો હતો, જેને કહેવાઈ રહ્યું હતું કે તેની કિડની કાઢી લેવા માટે તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ રહ્યો છે.
રાન્યામાં અમારો સંપર્ક કરનાર સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમણે ખંડણીની રકમ ચૂકવી દીધી હતી. જાન્યુઆરીમાં ઇરાકી સરકાર દ્વારા આયોજિત વિમાનમાં વતન પર લાવવામાં આવેલા 110 બંધકોમાં તેમનો પુત્ર પણ હતો. તેમણે એક ફોટો બતાવ્યો, જે તેમના કહ્યા મુજબ તેમના દીકરાએ કેદમાં હતો ત્યારે મોકલ્યો હતો. તેમાં એક તાજા ઘાવનું નિશાન દેખાતું હતું, અને તેમને શંકા હતી કે તે નિશાન બળજબરીથી અંગ કાઢવાના કારણે થયું હોઈ શકે છે.
આ માણસ સાથે વાત કર્યાના થોડા જ સમયમાં ડઝનબંધ લોકો આગળ આવ્યા, જેમાંથી ઘણાએ પોતાના ફોનમાં આવા જ ફોટા બતાવ્યા.

ઇમેજ સ્રોત, INSTAGRAM
પછી અમે આ ફોટાઓમાંથી એક ફોટો યુકેના એક નિષ્ણાત તબીબને બતાવ્યો. તેમણે જણાવ્યું કે આ ઘાનાં નિશાન કિડનીના ઑપરેશન દરમિયાન કરવામાં આવતા ચીરાઓ સાથે સુસંગત લાગે છે. જોકે, અંગ ખરેખર કાઢી લેવામાં આવ્યું હતું કે નહીં તેની અમે પુષ્ટિ કરી શક્યા નથી.
લીબિયામાંથી પસાર થતા સ્થળાંતર માર્ગ પર ખંડણી માટે કરવામાં આવતા અપહરણના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. ડંકરલીએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં રાજ્યનું નિયંત્રણ ખૂબ જ મર્યાદિત હોવાને લીધે ગુનાહિત જૂથો તેનો લાભ લઈ શકે છે. અને તપાસ અને કાનૂની કાર્યવાહી કરવી મુશ્કેલ બની જાય છે.
ઘણા બંધકોને હવે મુક્ત કરાયા છે. કેટલાક પરિવારોએ તાત્કાલિક ખંડણી ચૂકવી દીધી હતી, પરંતુ કુર્દિશ અધિકારીઓને શંકા છે કે કેટલાક બંધકોનાં આંતરિક અંગો કાઢીને ચુકવણીની વસૂલવામાં આવી હોય તેવું પણ બની શકે.
બીબીસીએ રાન્યા પરત ફરેલા કેટલાક લોકો સાથે વાત કરી હતી.
એક યુવકે જણાવ્યું કે તેના પગને બાળીને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. પોતાનું પેન્ટ ઊંચું કરીને તેણે ઘાવ બતાવ્યો.
એક 16 વર્ષના છોકરાએ કહ્યું કે તેને 178 લોકો સાથે એક નાની ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. "અમે છ મહિના સુધી સૂર્ય પણ જોયો નહોતો."
તેણે જણાવ્યું કે એ જગા એટલી બધી સાંકડી હતી કે બધાએ બેઠા બેઠા જ ઊંઘવું પડતું હતું. બધા કેદીઓ માટે માત્ર એક જ શૌચાલય હતું, અને જો કોઈ વધારે સમય લે તો તેને ઢોર માર મારવામાં આવતો હતો.
બંધકોના પરિવારોએ બીબીસીને જણાવ્યું કે, ભોજનમાં દરરોજ માત્ર એક બ્રેડનો ટુકડો મળતો હતો, અને તે પણ ત્યારે જ, જ્યારે તેઓ અપહરણકારોને વધારાના પૈસા ચૂકવે.
કુર્દિસ્તાનના પ્રાદેશિક સરકારના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી હેમન મેરાનીના જણાવ્યા અનુસાર, ભારે જોખમો હોવા છતાં ઇરાકી કુર્દિસ્તાનથી યુરોપમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓનો પ્રવાહ અટકતો નથી.
તેમણે પાછા ફરેલા બંધકોને વિનંતી કરી છે કે તેઓ તેમના મિત્રો અને પરિવારજનોને તેમના ભયાનક અનુભવો વિશે જણાવે, જેથી તેમને આ યાત્રા પર જતા અટકાવી શકાય.
તેમણે એક એવા પિતાની વાત કરી કે જેમના પુત્રનું લીબિયામાં અવસાન થયું હતું. તેમને શંકા છે કે બળજબરી તેના શરીરનાં અંગો કાઢી લેવામાં આવ્યાં હતાં. રાન્યામાં અંતિમ સંસ્કાર સમયે તેમને ખબર પડી કે તેમના પુત્રના બે પિતરાઈ ભાઈઓ તાજેતરમાં જ યુરોપ જવા માટે નીકળ્યા છે.
મેરાની કહે છે કે, "આ સમગ્ર બાબતમાં સૌથી દુઃખદાયક વાત એ છે કે આપણે આમાંથી કશું શીખતા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















