ભાવનગર જેલમાં આરોપીનું મોત થતાં 'આક્રોશ', પરિવારે મૃતદેહ સ્વીકારવાની કેમ ના પાડી?

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
ભાવનગર જેલમાં બુધવારે સવારે પથુભા ગોહિલ નામના એક આરોપીનું અચાનક મૃત્યુ થયાના આરોપ બાદ પરિવારજનો અને સમાજના લોકોએ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ અને નાર્કો ટેસ્ટની માગ કરી છે. જ્યાં સુધી માગણી ન સ્વીકારાય પરિવારજનોએ ત્યાં સુધી મૃતદેહ પણ ન સ્વીકારવાની વાત કરી છે.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર,પથુભા ગોહિલ વર્ષ 2024થી 'જમીનના બનાવટી દસ્તાવેજ' અને 'ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (ગુજસીટોક)'ની કાર્યવાહી અંતર્ગત ભાવનગર જેલમાં બંધ હતા.
સ્થાનિક તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, પથુભા ગોહિલ સોમવારે અચાનક જેલમાં જ બેભાન થઈ ગયા હતા, જે બાદ તેમને હૉસ્પિટલે ખસેડાતાં ત્યાં તબીબોએ 'મૃત' જાહેર કર્યા હતા.
પરિવાજનોનો આક્ષેપ છે કે, પથુભા ગોહિલ સામે 'રાજકીય દ્વેષ' રાખી ખોટી ફરિયાદ નોંધાવી અને આ કાર્વયાહી કરવામાં આવી હતી.
હવે, 'જેલમાં આરોપીનું મૃત્યુ' થતાં આ ઘટનાના વિરોધમાં ન્યાયની માગણી સાથે ક્ષત્રિય સમાજ, કરણી સેના, તેમજ અન્ય સમાજના લોકો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ અને જિલ્લા કલેક્ટર અને રેન્જ આઇજી કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને આ મુદ્દે આવેદન પાઠવી 'ઉગ્ર રજૂઆત' કરી હતી.
નોંધનીય છે કે આ મામલામાં સમાજના આગેવાનો અને પરિવાજનો 'કસ્ટોડિયલ ડેથ' મામલે નિયમ મુજબ ન્યાયિક તપાસ કરવાની અને જે કેસમાં આરોપી પથુભા જેલમાં હતા તે કેસ કરનારા અને તેની તપાસ કરનારા અધિકારીઓ સામે કાર્વયાહીની માગ કરી રહ્યા છે.
આ મામલે, હવે પોલીસે પણ 'સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ'ની ખાતરી આપી છે.
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીના ભાવનગરસ્થિત સહયોગી અલ્પેશ ડાભીએ આ કેસની વિગતો આપતાં જણાવ્યું હતું કે, "વર્ષ 2024માં પથુભા ગોહિલ સહિત અન્ય બે લોકો સામે ભાવનગરમાં લૅન્ડગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પથુભા અને અન્ય આરોપીઓની ગણતરી સ્થાનિક કક્ષાએ મોટા આગેવાનો અને ધનિકોમાં થાય છે. જમીનના બનાવટી દસ્તાવેજ કરી અને વેચી મારવા સંબંધિત આ કેસ હતો. આ સિવાય આવા જ અન્ય ગુના પણ દાખલ કરાયા હતા. આ બાદ ભાવનગરના તત્કાલીન એએસપીએ પણ આ લોકો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "ત્યારથી આ લોકો જેલમાં જ છે. જેલમાં ગયા બાદથી આરોપીઓના પરિવારજનોનો આક્ષેપ છે કે આ સમગ્ર મામલો અને કેસો 'રાજકીય દબાણથી પ્રેરિત' છે. આ સિવાય પરિવાજનો આ સમગ્ર કેસમાં પથુભા સહિત તમામ આરોપીઓ 'નિર્દોષ' હોવાનો અને રાજકીય દબાણને વશ થઈને કરાયેલી કાર્યવાહીના ભોગ બન્યા હોવાનો દાવો કરી રહ્યા હતા."
પરિવારજનો અને રાજકીય આગેવાનોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃતકના ભત્રીજા ક્રિપાલસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમને કલેક્ટરસાહેબે સારી રીતે સાંભળ્યા છે અને ઝડપથી આ સમગ્ર મામલાનો નીવેડો આવે, ન્યાય મળે અને એફઆઇઆર થાય એ માટે પગલાં લેવાની ખાતરી આપી છે."
"કલેક્ટરસાહેબે અમને ખાતરી આપી છે કે - તમારા સમાજ સાથે અમે અન્યાય નહીં થાવા દઈએ. તેમજ આની પાછળ રહેલી કાવતરાખોર ટોળકીને અમે બહાર કાઢશું. આ મામલે એસઆઇટીની રચના, એફઆઇઆર લેવાય એ માટેનાં પગલાં લેવાશે."
ક્રિપાલસિંહ આગળ જણાવે છે કે, "હાલ અમે એસપી, કલેક્ટરસાહેબ અને માનવાધિકાર પંચને આવેદનપત્ર આપવાના છીએ. જો આ મામલે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો અમારા સમાજ દ્વારા દરેક તાલુકામાં ધરણાપ્રદર્શન કરાશે. જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આ પ્રદર્શન ચાલુ રાખશું."
ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ ધરમવીરસિંહ ગોહિલે આ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "પરિવાર અને સમાજની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય. યોગ્ય પગલાં લેવાય અને ફરિયાદ દાખલ થાય."
"અમારી માગ સ્પષ્ટ છે, (આ કેસમાં) તપાસ અધિકારી, ખોટી ફરિયાદ કરનાર ફરિયાદી અને આમાં સામેલ તમામ રાજકીય હાથાઓ સામે આ સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ સમગ્ર ઘટના પાછળ કોઈ રાજકીય નેતાનો હાથ હોવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈનું ખૂલીને નામ કેમ નથી લેવામાં આવી રહ્યું? આ સવાલના જવાબમાં ધરમવીરસિંહ ગોહિલે જણાવ્યું કે, "આ મામલે અમે એક પ્રેસ કૉન્ફરન્સ કરવાના છીએ."
આ સમગ્ર મુદ્દે ભાવનગરના રેન્જ આઇજી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું:
"પથુભા ગુજસીટોકના ગુના હેઠળ ન્યાયિક કસ્ટડીમાં હતા. એમનું મરણ થતાં ક્ષત્રિય સમાજના આગેવાનો વિવિધ મુદ્દા સાથે કચેરીએ આવ્યા છે. એમનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું છે. આ એક ન્યાયિક બાબત છે, તેથી આ આવેદનપત્રને જે-તે લાગતીવળગતી એજન્સીને મોકલીને આગળની તપાસ કરવામાં આવશે."
ખોટી ફરિયાદ અને તેના ક્ષત્રિય સમાજને તેનો ટાર્ગેટ બનાવાઈ રહ્યો હોવાના આક્ષેપ અંગે તેમણે કહ્યું કે, "એવું કંઈ ચોક્કસ નથી. જો કોઈ આવી ફરિયાદ દાખલ થતી હશે અને આવું કંઈક હશે તો એના પર પણ ધ્યાન આપવામાં આવશે. જો કોઈ ખોટી ફરિયાદ આપે તો સિનિયર અધિકારી તેના પર ધ્યાન આપીને એ મુજબ તેનું નિકાલ કરવામાં આવશે."
લૅન્ડગ્રેબિંગના ગુના અંગે થયેલી તપાસ અને તપાસ અધિકારીએ કરેલી કાર્યવાહી અંગે રેન્જ આઇજીને પુછાતાં તેમણે કહ્યું કે, "તપાસ અધિકારી સામે કોઈ તપાસ થશે કે કેમ એ બાબતે હાલ કંઈ ન કહી શકાય. મેં કહ્યું એમ, સમગ્ર તપાસ મૅજિસ્ટ્રેટ લેવલથી થશે. જેમાં સામેલ આવેલા મુદ્દા આધારે આગળની કાર્યવાહી કરાશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























