રાજકોટનાં ડૉલીને 23 વર્ષે ખબર પડી કે તેઓ દુનિયાનાં એકેય દેશનાં નાગરિક નથી, પછી શું થયું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજકોટમાં એક હૉસ્પિટલમાં ડાયેટિશિયન એટલે કે આહારશાસ્ત્રી તરીકે કામ કરતાં ડૉલી બરાઈ નામનાં 23 વર્ષનાં મહિલાનાં લગ્ન ખીલન વડાલિયા નામના યુવક સાથે થયાં. ખીલન કૅનેડાના કૅલગરી શહેરમાં નોકરી કરે છે.
લગ્ન સમારંભો અને ઉજાણીઓ પૂરી થયા બાદ વડાલિયા પરિવારે ડૉલીને પણ તેમના પતિ સાથે કૅનેડા મોકલવાનું નક્કી કર્યું. પરંતુ તેમને આઘાત લાગ્યો.
તેમને જાણકારી મળી કે ડૉલી તો દુનિયાના કોઈ પણ દેશનાં નાગરિક જ નથી.
તેથી ડૉલીનો કૅનેડા જવાનો પ્લાન હવામાં ઊડી ગયો.
તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ઑફિસોનો સંપર્ક કરી અધિકારીઓ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી કે તેઓ 25 દિવસનાં હતાં ત્યારથી રાજકોટ જ રહ્યાં છે, રાજકોટમાં જ ભણ્યાં છે અને રાજકોટમાં જ કામ કરે છે અને માટે તેઓ ભારતનાં જ નાગરિક છે.
અધિકારીઓએ વિવિધ કાયદાઓનો હવાલો આપીને ડૉલી વડાલિયાની રજૂઆતો ગ્રાહ્ય ન રાખી. તેથી, તેમણે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. પરંતુ કોર્ટમાંથી પણ કોઈ રાહત ન મળી.
પરિવાર તણાવમાં હતો, લગ્નનાં ત્રણ વર્ષ બાદ પણ પત્ની રાજકોટમાં અને પતિ કૅનેડામાં એમ પૃથ્વીના બે અલગ-અલગ ખંડોમાં મજબૂરીવશ જીવી રહ્યાં છે. લગ્નને ત્રણ વર્ષ પસાર થઈ ચૂક્યાં છે અને તેમની ઉંમર 26ની થઈ છે.
જોકે, તેમના કેસ બાબતે સ્થાનિક રાજકારણીઓએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતાં ડૉલી વડાલિયાને હવે આશાનું એક કિરણ દેખાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેપાર કરવા ગયેલા બરાઈ પરિવારે કેમ રાતોરાત મોઝામ્બિક છોડ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથે વાત કરતાં ડૉલી વડાલિયા જણાવે છે કે, તેમના પિતા કેતન બરાઈ વેપાર કરવા માટે 1995માં આફ્રિકા ખંડના પૂર્વ ભાગમાં આવેલા દેશ મોઝામ્બિક ગયા હતા. ત્યાં તેમના પરિવારના કેટલાક સભ્યો પહેલાંથી જ સ્થાયી થયા હતા.
ડૉલીના પિતાએ મોઝામ્બિકના દરિયાકિનારે આવેલા શાઈ-શાઈ શહેરમાં કરિયાણાની એક દુકાન ખોલી.
ત્યાર બાદ તેમનાં પત્ની આરતી બારાઈ પણ મોઝામ્બિક ગયાં. દંપતીને ત્યાં ફેબ્રુઆરી, 2000માં એક દીકરીનો જન્મ થયો અને તેમણે તેને ડૉલી નામ આપ્યું.
માતા-પિતાએ ડૉલીના જન્મનું પ્રમાણપત્ર પણ મોઝામ્બિક સરકાર પાસેથી મેળવી લીધું.
ડૉલી વડાલિયા કહે છે કે, "પરંતુ મારા જન્મના થોડાક દિવસ બાદ મોઝામ્બિક પર એક વાવાઝોડું ત્રાટક્યું. તેના કારણે શાઈ-શાઈમાં ખૂબ વરસાદ થયો અને ભયંકર પૂર આવ્યું. તેમાં મારાં માતાપિતાએ ઊભું કરેલું બધું નાશ પામ્યું."
"અઢારેક દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અમને બચાવી લેવાયાં. પૂરમાં મારાં માતાપિતાએ બધું ગુમાવ્યું હોવાથી તેઓ મને લઈને રાજકોટ પાછાં આવી ગયાં."
ડૉલીના જન્મ બાદ થોડાક જ દિવસોની અંદર શાઈ-શાઈમાં પ્રાકૃતિક વિપત્તિ આવી જતાં કેતનભાઈ અને આરતીબહેન ડૉલી માટે મોઝામ્બિકની સરકાર કે ભારત સરકાર પાસેથી કોઈ પાસપૉર્ટ મેળવી ન શક્યાં.
પરિવાર જણાવે છે કે તે સમયે મોઝામ્બિકમાં ભારતીય કૉન્સ્યુલેટે આપેલા એક ઇમર્જન્સી સર્ટિફિકેટના આધારે આ દંપતીને તેમની દીકરી સાથે મોઝામ્બિક છોડવાની અને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી.
તે ઇમર્જન્સી સર્ટિફિકેટના આધારે બરાઈ દંપતી તેમની નવજાત દીકરી ડૉલીને લઈને 14 માર્ચ, 2000ના રોજ ભારત પાછું ફર્યું.
તેઓ ફરી પાછા ક્યારેય મોઝામ્બિક ન ગયાં અને રાજકોટમાં જ સ્થાયી થઈ ગયાં.
ડૉલીને શાળામાં પ્રવેશ કેવી રીતે મળી ગયો?
રાજકોટમાં પાછા ફર્યા બાદ દીકરી મોટી થઈ એટલે દંપતી શહેરની એક શાળામાં તેમનું નામ નોંધાવવા ગયા.
ડૉલી કહે છે કે, "મોઝામ્બિક સરકાર દ્વારા આપવામાં આવેલું મારા જન્મનું પ્રમાણપત્ર પોર્ટુગીઝ ભાષામાં હતું. તેના આધારે મને શાળામાં પ્રવેશ મળી ગયો અને મારું નામ શાળાના જનરલ રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું."
"શાળાનું શિક્ષણ પૂરું થતાં મને શાળાએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) આપ્યું."
"તેમાં પણ મારો જન્મ મોઝામ્બિકમાં થયો છે તેવું નોંધવામાં આવ્યું. તેથી, મારી પાસે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના સ્વરૂપમાં જન્મ નોંધણીનો બીજો પુરાવો આવી ગયો."
ડૉલી કહે છે કે જન્મ પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે તેને કૉલેજમાં પણ ઍડમિશન મળી ગયું અને તેમણે વિજ્ઞાન પ્રવાહમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે હોમ સાયન્સ(ફૂડ ઍન્ડ ન્યુટ્રીશન)માં માસ્ટર ડિગ્રી પણ મેળવી.
તેમને ભારત સરકારે આધારકાર્ડ, મતદાતા તરીકેનું ઓળખકાર્ડ તેમ જ પાનકાર્ડ પણ કાઢી આપ્યાં.
ડૉલી કહે છે કે તેમનું જીવન અન્ય છોકરીઓ અને યુવતીઓ જેમ સામાન્ય રીતે વ્યતીત થઈ રહ્યું હતું. પરંતુ લગ્ન પછી તેમના જીવનમાં આનંદ છવાઈ જવાને બદલે જાણે ભૂકંપ આવી ગયો.
જયારે લગ્ન બાદ ડૉલીને કહેવામાં આવ્યું કે તે દુનિયાના કોઈ દેશનાં નાગરિક નથી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ડૉલી કહે છે કે તેઓ એવી માન્યતા સાથે મોટાં થયાં કે તેઓ એક ભારતીય નાગરિક છે.
જુલાઈ 2023માં તેમનાં લગ્ન ખીલન વડાલિયા સાથે થયાં. મૂળ રાજકોટના આ ખીલન કૅનેડાની વર્ક પરમિટ ધરાવે છે અને તે દેશના કૅલગરી શહેરમાં કામ કરે છે. લગ્ન બાદ પરિવારે ડૉલીને પણ તેમના પતિ સાથે રહેવા માટે કૅનેડા મોકલવાનો નિર્ણય કર્યો.
વિઝા માટે તેવી જ વ્યક્તિ અરજી કરી જેની પાસે કોઈ દેશનો માન્ય પાસપૉર્ટ હોય.
તેથી, ડૉલીએ ભારતીય પાસપૉર્ટ મેળવવા માટે સપ્ટેમ્બર, 2023માં એક અરજી કરી અને અમદાવાદમાં આવેલી રિજનલ પાસપૉર્ટ ઑફિસનો સંપર્ક કર્યો.
ડૉલીના જેઠ રોનક વડાલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, "પાસપૉર્ટ ઑફિસના અધિકારીઓએ ડૉલીનું બર્થ સર્ટિફિકેટ(જન્મનું પ્રમાણપત્ર) માંગ્યું. અમે મોઝામ્બિક સરકારે આપેલું સર્ટિફિકેટ રજૂ કર્યું."
"પરંતુ પાસપૉર્ટ ઑફિસના અધિકારીઓએ તેને માન્ય ન ગણાવ્યું અને અમારી અરજી અમાન્ય રાખી. તેમણે અમને કહ્યું કે ડૉલીએ એ પુરવાર કરવું પડશે કે તેઓ ભારતીય નાગરિક છે."
તેથી, ડૉલીએ તેમના બર્થ સર્ટિફિકેટને મોઝામ્બિકમાં આવેલા ભારતીય કૉન્સ્યુલેટના અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરાવીને તે અને કેટલાક વધારાના દસ્તાવેજો જોડીને પાસપૉર્ટ મેળવવા માટે માર્ચ, 2025માં ફરી એક વાર અરજી કરી. જોકે પાસપૉર્ટ ઑફિસે તે પણ માન્ય ન રાખી અને કહ્યું કે તે ભારતીય નાગરિકત્વ પુરવાર કરી શક્યાં નથી.
રાજકોટ પરત ફરીને ડૉલીએ ભારતીય નાગરિક હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે રાજકોટ કલેક્ટર ઑફિસનો સંપર્ક કર્યો. "અધિકારીઓએ મને કહ્યું કે ભારતીય નાગરિક બનવા માટે મારે અન્ય કોઈ દેશનો પાસપૉર્ટ હોય તે જમા કરાવવો પડશે અને ત્યાર બાદ મને ભારતીય નાગરિકતા મળશે."
"અમે દિલ્હીમાં આવેલા મોઝામ્બિકના હાઇકમિશનનો સંપર્ક કર્યો."
"પરંતુ તેમણે મને જણાવી દીધું કે હું મોઝામ્બિક દેશની નાગરિક નથી. આમ પણ મારી પાસે તો મોઝામ્બિક દેશનો પાસપૉર્ટ ક્યારેય હતો જ નહીં. તેથી, હું શું જમા કરાવું? હું તો સ્ટેટલેસ (કોઈ પણ દેશના નાગરિક ન હોય તેવી વિસ્થાપિત વ્યક્તિ) બની ગઈ. મારું તો ટેન્શન વધી ગયું."
હાઇકોર્ટનું શરણ લીધું પણ રાહત કેમ ન મળી?

ઇમેજ સ્રોત, Parshottam Rupala/FB
રોનક વડાલિયા કહે છે કે, ડૉલી કાગળ પર એક સ્ટેટલેસ મહિલા બની જતાં વડાલિયા અને બારાઈ પરિવાર તણાવમાં આવી ગયા.
રોનક વડાલિયા કહે છે, "અમે બધા ભારે મૂંઝવણમાં મૂકાયા. અમને કશી ખબર જ પડતી ન હતી કે હવે શું કરવું, કોને મળવું અને કોની પાસે કેવાં પ્રમાણપત્રોની મેળવવા અરજી કરવી. નિયમ એવો છે કે જો કોઈ વિદેશમાં રહેતા ભારતીયને ત્યાં સંતાન જન્મે તો તેના એક વર્ષની અંદર તે સંતાનના જન્મની નોંધણી તે દેશમાં આવેલા ભારતના હાઇ કમિશન કે કૉન્સ્યુલેટમાં કરાવી દેવામાં આવે તો તે બાળકને ભારતીય નાગરિકતા વારસામાં મળે."
"પરંતુ ડૉલીનાં માતાપિતાએ પૂરમાં બધું ગુમાવ્યા બાદ ક્યારેય મોઝામ્બિક પાછા ન ફરી શક્યાં. તે જમાનામાં સંદેશા વ્યવહારની આટલી સુવિધા ન હતી એટલે અન્ય કોઈ રીતે પણ તેની જાણ તેઓ કૉનસ્યુલેટને ન કરી શક્યાં."
જો કોઈ વિદેશી નાગરિક સતત સાત વર્ષ સુધી ભારતમાં રહે તો ભારતીય સમાજમાં ભળી જવાની પ્રક્રિયાને કારણે તે ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે.
પરંતુ ડૉલી માટે આ રસ્તો પણ બંધ હતો કારણ કે મોઝામ્બિક દેશના નાગરિક હોવાના તેમની પાસે પૂરતા પુરાવા ન હતા.
તેથી, ડૉલીએ જુલાઈ 2025માં ગુજરાત હાઇ કોર્ટમાં એક અરજી કરી અને દાદ માંગી કે પાસપૉર્ટ ઑફિસ અને રાજકોટ કલેક્ટર ઑફિસના અધિકારીઓએ આપેલા જવાબોને રદ કરવામાં આવે અને તેમને ભારતીય પાસપૉર્ટ આપવામાં આવે.
હાઇકોર્ટે એપ્રિલ 2026માં ચુકાદો આપતા ડૉલીની અરજી અમાન્ય રાખી અને અવલોકન કર્યું કે, ભારતીય પાસપૉર્ટ મેળવવા માટે તેમણે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવું પડશે અને મોઝામ્બિકમાં આવેલા ભારતીય કૉન્યુલેટમાં જન્મની નોંધણી આકસ્મિક સંજોગોને કારણે ન થઈ શકી હોય તો મોડેથી નોંધણી કરવા માટે થયેલી અરજીને માન્ય રાખવાની સત્તા ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે તે દેશ માટે નિમણૂક કરવામાં આવેલ મુખ્ય અધિકારીને છે.
ડૉલીને લાંબી લડતના અંતે અજવાળું કેમ દેખાય છે?

ઇમેજ સ્રોત, Vadalia family
રોનક વડાલિયા કહે છે કે, ભારતમાં વિવિધ સરકારી ઑફિસો અને કોર્ટમાંથી રાહત ન મળતા પરિવારે પોરબંદર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને રાજકોટ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ પરસોત્તમ રૂપાલાની મદદ માંગી.
"અમે તેમની પાસે ગયા, અમારી મુશ્કેલી વર્ણવી અને તેમનું માર્ગદર્શન માગ્યું. અમે રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયાનો પણ સંપર્ક કર્યો. આ સાંસદોએ અમારા કેસને સાંભળ્યો અને સમજ્યો. ત્યાર બાદ રમેશભાઈ અને પરસોત્તમભાઈએ અમને ભલામણપત્રો લખી આપ્યા અને અમને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં મોકલ્યા."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા પરસોતમ રૂપાલાએ કહ્યું, "એ બહેન હાલ એકેય દેશના નાગરિક નથી. તેમનો કેસ બહુ યોગ્ય લાગ્યો. તેથી, મેં તેમની અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલય સુધી પહોંચાડી છે અને ભલામણ કરી છે કે તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવે."
રોનક વડાલિયા કહે છે કે સાંસદોની ભલામણ બાદ તે દિલ્હીમાં અધિકારીઓએ સલાહ આપી કે ડૉલીના જન્મની મોઝામ્બિકમાં આવેલા ભારતીય કૉન્સ્યુલેટ વિલંબ છતાં નોંધણી કરે તેવી વિનંતી કરતી એક અરજી અમે આપીએ.
તેથી, ડૉલીએ અધિકારીઓએ સૂચવ્યા મુજબની અરજી ભારત સરકારને કરી. છેવટે વિદેશ મંત્રાલયે મોઝામ્બિકમાં ભારતીય કૉન્સ્યુલેટને આદેશ કર્યો કે વિલંબ છતાં ડૉલીના જન્મની નોંધણી કરવામાં આવે.
રોનક વડાલિયા કહે છે કે, "આ હુકમો બાદ કૉન્સ્યુલેટે વિલંબને માફ કરી ડૉલીના જન્મની નોંધણી કરી અને તેનું પ્રમાણપત્ર અમને આપ્યું. તે પ્રમાણપત્ર અમે પાસપૉર્ટ ઑફિસના અધિકારીઓ સમક્ષ રજૂ કરતાં તેમણે પાસપૉર્ટ માટેની ડૉલીની અરજી સ્વીકારી લીધી."

ઇમેજ સ્રોત, Vadalia family
ત્યાર બાદ દિવાળીના તહેવારો દરમિયાન ડૉલીને તેમના ફોનમાં એસએમએસ ઍલર્ટ મળ્યા કે તેમની પાસપૉર્ટની અરજી માન્ય કરવામાં આવી છે.
ડૉલી કહે છે, "મને મૅસેજ મળ્યો કે પોસ્ટમૅન 11 નવેમ્બરના રોજ મારા ઘરે પાસપૉર્ટ આપી જશે. 11 નવેમ્બરે હું સવારથી જ તેની રાહ જોવા લાગી. મને ઘણું ટેન્શન હતું કે ખરેખર પાસપૉર્ટ આવશે કે નહીં કારણ કે મારા ઘણા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા."
"ટૅન્શનના કારણે મેં ઘરના સભ્યોને વિનંતી કરી કે મને બોલાવતા નહીં. છેવટે પોસ્ટમૅન અમારા ઘરે આવ્યા અને એક પીળા કલરનું કવર મારા હાથમાં મૂક્યું. તેના પર મારું સરનામું હતું."
"તે ખોલીને જોયું તો તેમાં ખરેખર મારા નામનો ભારતીય પાસપૉર્ટ હતો. હું માની નહોતી શકતી કે તે ખરેખર મારો જ પાસપૉર્ટ છે."
"એ પાસપૉર્ટે મને એક સ્ટેટલેસ વ્યક્તિમાંથી ભારતીય નાગરિક બનાવી દીધી."
ડૉલી કહે છે કે કૅનેડામાં તેમના પતિ પાસે જવા માટે તેઓ ઝંખી રહ્યાં છે.
તેઓ કહે છે,"હવે પાસપૉર્ટ આવી ગયો છે એટલે કૅનેડાના વિઝા મેળવવાની તૈયારી કરી રહ્યા છીએ. આશા છે કે હું જલદી કૅનેડા મારા પતિ પાસે જઈ શકીશ."
બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























