દિલ્હીમાં હવા આટલી ઝેરી થઈ ગઈ હોવા છતાં ભારત પ્રદૂષણનું રેટિંગ 500ની મર્યાદામાં જ કેમ રાખે છે?

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
- લેેખક, નિકિતા યાદવ
- પદ, બીબીસી ન્યૂઝ
- દ્વારા રિપોર્ટિંગ, દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઉત્તર ભારતમાં લાખો લોકો માટે નવેમ્બર માસની હવા ધુમાડા જેવી અનુભવાય છે, આકાશમાં ઝાંખપવાળું દેખાય છે અને માત્ર ઘરની બહાર પગ મૂકવો એ એક પડકારસમું લાગે છે.
ઘણા માટે, તેમની સવાર એક્યૂઆઇ કેટલી છે એ તપાસથી જ પડે છે. પરંતુ, તેમને સ્ક્રીન પર શું દેખાય છે તેનો આધાર તેઓ કયા મૉનિટરનો ઉપયોગ કરે છે એના પર છે.
SAFAR અને SAMEER જેવી સરકાર દ્વારા સમર્થિત ઍપ્સ પર ભારતની એક્યૂઆઇ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ)ની મર્યાદા 500 સુધી જ રાખવામાં આવી છે. નોંધનીય છે કે એક્યૂઆઇ હવામાં રહેલાં પીએમ2.5, પીએમ10, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને ઓઝોન જેવા જુદાં જુદાં પ્રદૂષકોનો જટીલ ડેટા એક સિંગલ નંબરમાં કન્વર્ટ કરે છે.
પરંતુ IQAir અને ઓપન સોર્સ મૉનિટરિંગ પ્લૅટફૉર્મ AQI જેવા ખાનગી અને આંતરરાષ્ટ્રીય ટ્રૅકરો ઘણી વાર એક્યૂઆઇનું સ્તર ખૂબ વધુ હોવાનું બતાવે છે, ઘણી વાર આ આંકડો 600 અને 1000 કરતાં પણ વધુ હોય છે.
આ વિરોધાભાસ લોકોના મનમાં દર વર્ષે એક જેવો જ પ્રશ્ન ઊભો કરે છે: તેમણે કયા આંકડા પર વિશ્વાસ કરવો? અને ભારત આધિકારિકપણે 500 કરતાં વધુનો એક્યૂઆઇ કેમ રિપોર્ટ નથી કરતું?

ભારતના આધિકારિક ઍર-ક્વૉલિટી સ્કેલ પ્રમાણે 200 કરતાં વધુનું લેવલ લાંબા ગાળા સુધી સંપર્કમાં રહેવાના કિસ્સામાં મોટા ભાગના લોકો માટે શ્વાસ સંબંધિત તકલીફો પેદા કરનારું હોય છે.
તેમજ 400થી 600 સુધીના લેવલને 'ગંભીર' તરીકે વર્ગીકૃત કરાયું છે, જે સ્વસ્થ અને પહેલાંથી બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકો પર ગંભીર અસરો જન્માવી શકે છે.
પરંતુ સ્કેલ 500 કરતાં આગળનું રીડિંગ બતાવતું જ નથી, આ મર્યાદા એક દાયકા પહેલાં જ્યારે નૅશનલ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ લૉન્ચ કરાઈ હતી ત્યારે નક્કી કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ આ મર્યાદા કેમ નક્કી કરવામાં આવી હતી?
SAFARના ફાઉન્ડર ડિરેક્ટર ગુફરાન બેગ કહે છે, "એવું માની લેવાયું હતું કે સ્તર ભલે ગમે તેટલું વધે, પરંતુ તેની સ્વાસ્થ્ય પરની અસરો તો સમાન જ રહેશે, કારણ કે આપણે પહેલાંથી સૌથી ખરાબ સ્તરને અડકી આવ્યા હોઈશું."
તેમણે સ્વીકાર્યું કે 500ની મર્યાદા મૂળ રીતે ગભરાટ ફેલાવાનું ટાળવા માટે નક્કી કરવામાં આવી હતી, કારણકે તે સ્તરને પાર કરવાથી તાત્કાલિક પગલાં લેવાનીની જરૂર પડે તેવી ચિંતાજનક પરિસ્થિતિનો સંકેત મળે છે.
પરંતુ આ અભિગમ અસરકારક રીતે ડેટાને એકસમાન બનાવી દે છે - 500થી ઉપરની કોઈ રીડિંગને સત્તાવાર મૉનિટર પર સમાન ગણવામાં આવે છે, પછી ભલે ખરી સાંદ્રતા ખૂબ વધારે હોય.
બેગ કહે છે, "આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને પૉર્ટલ આવી મર્યાદા લાદતાં નથી, તેથી જ આપણને વૈશ્વિક પ્લૅટફૉર્મ પર આ આંકડો ખૂબ વધુ જોવા મળી રહ્યો છે."
બીબીસીએ ભારતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સંપર્ક કરીને આ મામલે તેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કૃત્રિમ રીતે લાદવામાં આવેલી મર્યાદા ઉપરાંત, જોખમી હવાને વ્યાખ્યાયિત કરવામાં પણ તફાવત છે.
ઉદાહરણ તરીકે, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યૂએચઓ)ની માર્ગદર્શિકા PM2.5 સ્તર - 2.5 માઇક્રોમીટરથી નાના કણો - 24 કલાકના સમયગાળામાં પ્રતિ ઘન મીટર 15 માઇક્રોગ્રામથી વધુને જોખમી તરીકે વર્ગીકૃત કરે છે, જ્યારે ભારતમાં, મર્યાદા 60 માઇક્રોગ્રામ છે.
નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક સ્તરે, કોઈ સાર્વત્રિક એક્યૂઆઇ ફૉર્મ્યુલા નથી. યુએસ, ચીન અને યુરોપિયન યુનિયન બધા પોતપોતાની પ્રદૂષક મર્યાદા લાગુ કરે છે.
બેગ કહે છે, "ડબ્લ્યૂએચઓ માર્ગદર્શિકા પૂરી પાડે છે અને દરેક દેશે તેની પોતાની અનુકૂલનક્ષમતા, હવામાન અને સ્થાનિક વાતાવરણના આધારે તેનો સૂચકાંક બનાવ્યો છે."
આમ, ભારતના એક્યૂઆઇની સરખામણી ડબ્લ્યૂએચઓ અથવા અમેરિકન ધોરણો સાથે કરવી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે.
આ ઉપરાંત, ઉપયોગમાં લેવાતાં સાધનોમાં પણ તફાવત છે.
ભારતીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બીટા એટેન્યુએશન મોનિટર (બીએએમ) નો ઉપયોગ કરે છે, જે હવામાં રહેલા કણોના સમૂહને ભૌતિક રીતે માપે છે અને દરેક રીડિંગ માટે કડક, પ્રમાણિત મેટ્રિક્સ અનુસાર માપ અંકિત કરવામાં આવે છે.
ભારતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે અગાઉ કામ કરતા વૈજ્ઞાનિક અભિજિત પાઠક કહે છે, આનાથી વિપરીત, IQAir જેવાં પૉર્ટલ સેન્સર-આધારિત મૉનિટર પર આધાર રાખે છે.

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
સેન્સર-આધારિત મૉનિટર હવામાં લટકાવેલા કણોની સંખ્યાનો અંદાજ કાઢવા માટે લેસર સ્કેટરિંગ અને ઇલેક્ટ્રોકેમિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
પાઠક કહે છે, "સેન્સર એક અલગ સાધન છે અને દરેક તબક્કા માટે તેનું કૅલિબરેશન કરવું શક્ય નથી. હવા ગુણવત્તાની સેન્સર-આધારિત દેખરેખને હજુ સુધી ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી."
તેમના મતે, 2009થી ભારતના ઍર ક્વૉલિટી ફ્રેમવર્કના માળખામાં વ્યાપક સુધારો કરવામાં આવ્યો નથી, અને તેમણે અન્ય પર્યાવરણીય વૈજ્ઞાનિકો અને કાર્યકરો સાથે મળીને નવીનતમ ટૅકનૉલૉજીના આધારે સ્કેલને ફરીથી કૅલિબરેટ કરવાની હાકલ કરી છે.
પાઠક આગળ કહે છે, "જો આપણે સેન્સર-આધારિત ડેટાનો સમાવેશ કરવા માંગતા હોઈએ તો નૅશનલ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં સુધારો કરવાની જરૂર પડશે."
શ્રી બેગ કહે છે કે ઉપલી મર્યાદાને દૂર કરવું પણ મહત્ત્વપૂર્ણ છે, "હવે ઉપલબ્ધ મોટાં ભાગનાં સાહિત્ય દર્શાવે છે કે પ્રદૂષણનું સ્તર વધવાની સાથે સ્વાસ્થ્ય વધુ ખરાબ થતું જાય છે."
અંતે, ભારતનો એક્યૂઆઇ 500 પર અટકતો નથી, કારણકે પ્રદૂષણ ત્યાં અટકે છે. તે 500 પર અટકે છે, કારણકે સિસ્ટમ એક ટોચમર્યાદા સાથે બનાવવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























