'બોસ્નિયાનો કસાઈ', જેણે મુસ્લિમોને ઘેરીઘેરીને નરસંહાર કર્યો હતો

ઇમેજ સ્રોત, Gamma-Rapho via Getty Images
- લેેખક, સેમ વૂડહાઉસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
84 વર્ષની વયે રાત્કો મ્લાદિચનું અવસાન થયું છે. બળદ જેવી મજબૂત ગરદન ધરાવતા રાત્કો મ્લાદિચને "બોસ્નિયાનો કસાઈ" કહેવામાં આવતો હતો.
1990ના દાયકામાં યુગોસ્લાવિયાનું વિઘટન થઈ રહ્યું હતું ત્યારે તેણે બોસ્નિયન સર્બ સેનાના કમાન્ડર તરીકે "વંશીય સફાયો કરવાના" એક ઘાતકી અભિયાનની આગેવાની લીધી હતી.
રાત્કો મ્લાદિચ તેને ગ્રેટર સર્બિયાના 'ઐતિહાસિક ભાગ્ય'ને સાકાર કરવાની તક તરીકે જોતો હતો.
આ દરમિયાન હજારો પુરુષો, મહિલાઓ અને બાળકોની કત્લેઆમ કરવામાં આવી.
ગ્રેટર સર્બિયાના આ લક્ષ્યને હાંસલ કરવા રાત્કો મ્લાદિચે અડગ નિર્ધાર અને ગણતરીપૂર્વકની ક્રૂરતાનો સહારો લીધો.
આ જ કારણસર તે હિટલરના થર્ડ રાઇખ પછી યુરોપમાં થયેલા આ સૌથી લોહિયાળ અત્યાચાર માટે જવાબદાર બન્યો.
પરંતુ તેની કટ્ટરતાએ તેને પોતાના લોકોનો હીરો બનાવી દીધો. મ્લાદિચે સર્બ લોકોને કહ્યું કે તેમના મુસ્લિમ પડોશીઓ "સર્બોને વધસ્તંભે જડવાની, જીવતા સળગાવવાની, ક્રોસ પર ચડાવવાની અને તેમની આંખો કાઢી લેવાની" યોજના ઘડી રહ્યા છે.
તેણે સારાયેવોની લાંબી અને લોહિયાળ ઘેરાબંધીનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન બૉમ્બમારો, સ્નાઇપરોના ગોળીબાર અને હુમલાઓમાં દરરોજ લોકો માર્યા જતા અને ઘાયલ થતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના સૈન્યે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા સુરક્ષિત વિસ્તાર સ્રેબ્રેનિત્સા પર કબજો કરી લીધો, ત્યારે તેણે ત્યાંના લોકોની સુરક્ષાની ખાતરી આપી. પછી 8,000 પુરુષો અને યુવાનોને એવી કબરોમાં દફનાવી દેવામાં આવ્યા, જેના પર કોઈ નિશાની નહોતી.
તેણે અને તેમના રાજકીય સમકક્ષ રાડોવન કરાડઝિચે નરસંહાર અને માનવતા વિરુદ્ધના અપરાધો દ્વારા બોસ્નિયાને બરબાદ કરી નાખ્યું.
પરંતુ મજબૂત બાંધાના આ લશ્કરી નેતા મ્લાદિચને તેનો કોઈ અફસોસ નહોતો. હેગમાં તેની સામે ચાલી રહેલી સુનવણી દરમિયાન તેણે પીડિતોના પરિવારજનો તરફ સ્મિત સાથે અંગૂઠો ઊંચો કરીને ઈશારો કર્યો હતો.
તેણે કથિત રીતે કહ્યું હતું, "સરહદો લોહીથી દોરાય છે અને રાજ્યોને કબરો દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે."
યુગોસ્લાવિયામાં ઉછેર

ઇમેજ સ્રોત, Sygma via Getty Images
રાત્કો મ્લાદિચનો જન્મ 12 માર્ચ, 1942ના રોજ સારાયેવો નજીક આવેલા એક નાના પહાડી ગામમાં થયો હતો. એ સમયે આ ગામ જર્મન તાબા હેઠળના સ્વતંત્ર ક્રોએશિયા રાજ્યનો ભાગ હતું.
જો કે, મ્લાદિચ હંમેશાં પોતાની ઉંમર એક વર્ષ ઓછી જણાવતો.
મ્લાદિચના જન્મનાં બે વર્ષ પછી તેના પિતા માર્યા ગયા. તેઓ ટીટોના ગેરિલા દળમાં રહીને નાઝી સમર્થિત ક્રોએશિયન રાષ્ટ્રવાદીઓ સામે લડી રહ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી નવા રચાયેલા યુગોસ્લાવિયામાં મ્લાદિચનો ઉછેર થયો. ટીનના કારીગર તરીકે થોડા સમયની તાલીમ લીધા પછી તેણે લશ્કરી કારકિર્દી પસંદ કરી.
1965માં તેણે ઑફિસર સ્કૂલમાંથી સ્નાતકની પદવી મેળવી.
મહત્ત્વાકાંક્ષી અને સક્ષમ સૈનિક તરીકે તેમણે લશ્કરમાં ઝડપથી બઢતી મેળવી. ત્યાર પછી મેસેડોનિયા અને કોસોવોમાં તેમણે લશ્કરી એકમોની કમાન સંભાળી.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
1980માં ટીટોનું મૃત્યુ યુગોસ્લાવિયાના અંતનો આરંભ હતો. યુગોસ્લાવિયા હંમેશાં એક અસ્થિર સંઘરાજ્ય રહ્યું હતું. તેમાં પરસ્પર વિરોધી જૂથો અને એકબીજા સાથે સ્પર્ધા કરતા રાષ્ટ્રવાદીઓ હતા. તેમની વચ્ચે અંદરખાને નફરત સળગતી રહેતી હતી.
જૂન, 1991માં ક્રોએશિયાએ સ્વતંત્રતાની જાહેરાત કરી. ફરીથી નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવા માટે મ્લાદિચને યુગોસ્લાવ સૈન્ય સાથે ત્યાં મોકલવામાં આવ્યો.
મ્લાદિચે તેની બેશરમ બહાદુરી માટે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તે હંમેશાં મોરચા પરની ખાઈઓમાં હાજર રહેતો. જમીનમાં દાટેલી સુરંગો દૂર કરવાના અભિયાનનું નેતૃત્વ પણ તે પોતે કરતો.
મ્લાદિચના સૈનિકો તેને ખૂબ ચાહતા હતા, એટલું જ નહીં, તેના પ્રત્યેની ભક્તિ ધાર્મિક સ્તર સુધી પહોંચી ગઈ હતી.
યુદ્ધ બોસ્નિયામાં પ્રસર્યું, ત્યારે તેના સૈન્યે ગણવેશ બદલી નાખ્યો. ત્યાર પછી તેણે યુગોસ્લાવિયાથી અલગ થઈને રચાયેલા સ્વઘોષિત રિપબ્લિકા સર્પ્સ્કાને સમર્થન આપ્યું. તેમણે બોસ્નિયાના મુસ્લિમોને વિદેશી આક્રમણકાર તરીકે જોયા. તેમના મતે, આ મુસ્લિમો ઓટોમન તુર્કોના કબજાનું પરિણામ હતા.
સૌથી લાંબી ઘેરાબંધી

ઇમેજ સ્રોત, Corbis/Getty Images
મ્લાદિચ આને ઐતિહાસિક અન્યાય માનતો હતો અને તેને સુધારવાનો પોતાનો અધિકાર માનતા હતા. તેણે ઘૂસણખોરોને બહાર કાઢીને પછી પોતાના સ્વપ્નનું વંશીય રીતે શુદ્ધ રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અને પછી બોસ્નિયાની રાજધાની સારાયેવોની ઘેરાબંધી શરૂ થઈ. શહેરની રક્ષા સર્બ, ક્રોએટ અને બોસ્નિયન (બોસ્નિયન મુસ્લિમ) લોકોની બનેલી એક અવ્યવસ્થિત બહુરાષ્ટ્રીય સેના કરી રહી હતી.
મ્લાદિચના સૈનિકોએ આસપાસની ટેકરીઓ પર મોરચા માંડી દીધા અને આ ઘેરાબંધી 1,425 દિવસ સુધી ચાલી.
આધુનિક યુદ્ધોના ક્રૂર ઇતિહાસમાં કોઈ પણ શહેરની આ સૌથી લાંબી ઘેરાબંધી હતી.
22 જુલાઈ, 1993ના રોજ સારાયેવોની ભયભીત વસ્તી પર લગભગ 4,000 તોપગોળા વરસાવવામાં આવ્યા.
આ ક્રૂર ઘેરાબંધી પૂરી થઈ, ત્યાં સુધીમાં શહેરના 13 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. શહેરની લગભગ દરેક ઇમારત કાં નષ્ટ થઈ ગઈ હતી કે ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી.
'મુસ્લિમ વિસ્તારોને નિશાન બનાવો'

ઇમેજ સ્રોત, Corbis/Getty Images
સારાયેવોની આસપાસનાં ગામોમાં મોટી સંખ્યામાં પુરુષોને કાં મારી નાખવામાં આવ્યા અથવા જેલના શિબિરોમાં મોકલી દેવામાં આવ્યા. હજારો મહિલાઓ પર નિર્દયતાથી બળાત્કાર કરવામાં આવ્યો.
જનરલ મ્લાદિચના મુખ્યાલયમાંથી મોકલવામાં આવેલા એક સંદેશામાં તેમનું વલણ સ્પષ્ટ જોવા મળે છે. તેમાં લખ્યું હતું, "હું અટકવાનો આદેશ ન આપું ત્યાં સુધી ધીમી ગતિએ ગોળીબાર કરતા રહો."
"મુસ્લિમ વિસ્તારોને નિશાન બનાવો, ત્યાં બહુ ઓછા સર્બો રહે છે. તેઓ ગાંડપણની હદે પહોંચી ન જાય ત્યાં સુધી તેમના પર ગોળીબાર કરતા રહો."
પોતાની તાકાતના નશામાં તેમણે રેડિયો મારફતે આદેશો આપ્યા. આ સંદેશાઓને જાણી જોઈને એનક્રિપ્ટ કરવામાં આવ્યા નહોતા, જેથી તેમને પકડી શકાય અને પછી દુનિયાભરમાં પ્રસારિત કરી શકાય.
મ્લાદિચના સૈનિકોએ એક ઇમારતને ઘેરી લીધી હતી ત્યારે તેમણે બૂમ પાડીને કહ્યું, "તેમનાં માથાં ઉડાવી દો."
તે પોતાના સૈનિકોને આદેશનું પાલન કરવાનું એવી રીતે કહેતા હતા, જાણે આદેશ ખુદ ભગવાને આપ્યો હોય.
દીકરીએ આત્મહત્યા કરી

ઇમેજ સ્રોત, Sygma via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મ્લાદિચનાં બે બાળકો અને પત્ની બેલગ્રેડમાં સુરક્ષિત હતાં. તેમને મળવા માટે તે દર સપ્તાહના અંતે ત્યાં જતો હતો.
તેઓ સાથે બોર્ડ ગેમ રમતાં અને વાતચીતમાં જાણી જોઈને રાજકારણની વાત ટાળતા.
પરંતુ તેની 23 વર્ષની દીકરી આનાને એક યુવાન ડૉક્ટર અને માનવાધિકાર કાર્યકર સાથે પ્રેમ થઈ ગયો હતો.
ડૉક્ટરે મ્લાદિચની દીકરીને આખરી ચેતવણી આપી હતી: કાં તારા પિતાનો ત્યાગ કર, નહીં તો ફરી ક્યારેય મને મળતી નહીં.
પ્રેમનાં સપનાં અને પારિવારિક સંબંધો વચ્ચે ફસાયેલી આનાએ તેના પિતાની પ્રિય બંદૂક તેના ડિસ્પ્લે કેસમાંથી બહાર કાઢી. થોડી જ ક્ષણો પછી તેણે ટ્રિગર દબાવી દીધું.
દીકરીની આત્મહત્યાના આઘાતમાંથી બહાર આવવા માટે મ્લાદિચે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. આ દુર્ઘટના માટે તે પોતાના સિવાયના બાકીના સૌને જવાબદાર માનતો હતો.
અને પછી, 1995માં નેટોનો ધીરજનો અંત આવ્યો.
નેટોએ સારાયેવોની આસપાસ મ્લાદિચનાં મથકો પર લડાયક વિમાનો અને ક્રૂઝ મિસાઇલોથી હુમલા કર્યા. આ હુમલાઓમાંના મોટા ભાગના અત્યંત વિનાશક સાબિત થયા.
નેટોની કાર્યવાહીથી સારાયેવોની ઘેરાબંધી તૂટી ગઈ, પરંતુ મ્લાદિચનું લોહિયાળ વંશીય સફાઈનું અભિયાન હજુ પૂરું થયું નહોતું.
એ ઉનાળામાં, પૂર્વ બોસ્નિયાના એક નાના પહાડી શહેર સ્રેબ્રેનિત્સામાં હજારો બોસ્નિયન નાગરિકો એકઠા થયા હતા.
તેઓ સંયુક્ત રાષ્ટ્રના રક્ષણ હેઠળ હતા, જેણે સ્રેબ્રેનિત્સાને "સુરક્ષિત વિસ્તાર" જાહેર કર્યો હતો.
બોસ્નિયન સર્બ સૈનિકોએ તેમના પર ભારે તોપગોળા અને રોકેટ વરસાવ્યાં. પાંચ દિવસ પછી ટીવી કૅમેરા ક્રૂથી ઘેરાયેલો મ્લાદિચ એ શહેરમાં પ્રવેશ્યો.

ઇમેજ સ્રોત, Sygma via Getty Images
શહેરના મુખ્ય ચોકમાં મ્લાદિચે બાળકોને મીઠાઈ વહેંચી, તેમના માથે હાથ ફેરવ્યો અને તેમને આશ્વાસન આપ્યું કે બધું બરાબર થઈ જશે. પરંતુ બાળકો તેની વાતમાં આવ્યાં નહીં.
પુરુષોને ગોળી મારી દેવામાં આવી, મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. આ બધું ચાલતું રહ્યું ત્યારે મુઠ્ઠીભર ડચ શાંતિસૈનિકો કંઈ કરી શક્યા નહીં.
અને ત્યાર પછી યુરોપની ધરતી પર બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી જઘન્ય અપરાધ થયો.
મ્લાદિચના સૈનિકોના હાથમાં જે પણ બોસ્નિયન પુરુષ આવ્યો, તેને પકડી લેવામાં આવ્યો, દૂરનાં સ્થળોએ લઈ જઈને મારી નાખવામાં આવ્યો. આ મોટા પાયે કરવામાં આવેલી હત્યાઓ હતી.
થોડા જ દિવસોમાં 8,000 પુરુષો અને છોકરાઓને આંખે પાટા બાંધીને ગોળીએ દેવામાં આવ્યા. તેમાંના કેટલાકની ઉંમર માત્ર બાર વર્ષ હતી, જ્યારે માર્યા ગયેલાઓમાં ઘણા એવા પણ હતા કે જે સિત્તેર વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા. બાળકો, વૃદ્ધો કે યુવાનો—કોઈને છોડવામાં આવ્યા નહોતા.
માર્યા ગયેલા તમામ લોકોને નિર્દયતાથી સામૂહિક કબરોમાં દફનાવી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમની કોઈ ઓળખ કે નિશાની નહોતી.
આ એક નરસંહાર હતો


ઇમેજ સ્રોત, Gamma-Rapho Images via Getty Images
યુરોપના ઇતિહાસનું એક કાળું પ્રકરણ અને સંયુક્ત રાષ્ટ્રનો સૌથી ખરાબ સમયગાળો.
આ એક એવો ગુનો હતો, જેની પાછળ ઉચ્ચ સ્તરે કરવામાં આવેલું સુવ્યવસ્થિત આયોજન હતું.
લોકોને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ સંયુક્ત રાષ્ટ્રની હાજરીમાં જ આ બધું બની ગયું.
પછી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોફી અન્નાને લખ્યું હતું કે આ નરસંહાર માટે "સૌથી પહેલાં અને મુખ્યત્વે તેની યોજના ઘડનારા અને તેને અંજામ આપનારા લોકો જ જવાબદાર છે."
જો કે, તેમણે આગળ એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે "નિષ્પક્ષતાના સિદ્ધાંતને આધારે નિર્ણય લેવામાં ગંભીર ભૂલો કરી હતી."
મ્લાદિચ પર યુદ્ધ અપરાધોના આરોપ મૂકવામાં આવ્યા હતા.
અમેરિકાએ તેની ધરપકડમાં મદદરૂપ થઈ શકે એવી માહિતી આપનારને 50 લાખ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
એક વર્ષ પછી, બોસ્નિયાના પ્રમુખ બિલજાના પ્લાવશિચે આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકીને તેને પદ પરથી હટાવી દીધો.
પરંતુ હેગમાં તેના પર મુકદ્દમો ચલાવવામાં 14 વર્ષ લાગી ગયાં.
તે બેલગ્રેડ પાછો ફર્યો અને તેને પ્રમુખ સ્લોબોદાન મિલોશેવિચનું સમર્થન અને રક્ષણ મળતું રહ્યું.
મ્લાદિચ ખુલ્લંખુલ્લું જીવન જીવતો હતો. તે મિત્રો સાથે હરણનો શિકાર કરતો, ભવ્ય રેસ્ટોરાંમાં જમતો અને ફૂટબૉલની મૅચો જોવા પણ જતો.
તે પોતાના દેશવાસીઓના એક મોટા વર્ગ માટે હીરો બની રહ્યો હતો. એ સૌ મ્લાદિચમાં સર્બ રાષ્ટ્રની લડાયક ભાવના અને પોતાના રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવની ઝલક જોતા હતા. તેઓ મ્લાદિચને આંતરરાષ્ટ્રીય અદાલતને હવાલે ન કરવા માટે મક્કમ હતા.
પ્રમુખે મ્લાદિચની વ્યક્તિગત સુરક્ષા માટે એક લશ્કરી દળ પણ ઊભું કર્યું હતું.
આખરે 69 વર્ષની વયે પકડાયો

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર, 2000માં સ્લોબોદાન મિલોસેવિચની જ ધરપકડ કરી લેવામાં આવી અને પછી તેમને હેગ મોકલી આપવામાં આવ્યો. ત્યારે મામલો વધુ ગૂંચવાવા લાગ્યો.
આંતરરાષ્ટ્રીય રાજકારણની અસર જણાવા લાગી હતી અને ભાગેડુઓને શરણ આપવાને કારણે સર્બિયા યુરોપિયન યુનિયનમાં સામેલ થઈ શકતું નહોતું.
સ્લોબોદાનની ધરપકડ કરવામાં આવી, એ જ રાત્રે મ્લાદિચ ભાગી ગયો. તેને પોતાના દેશમાં સુરક્ષાની ખાત્રી નહોતી.
મ્લાદિચે પછીનો દાયકો એક સુરક્ષિત સ્થાનથી બીજા સુરક્ષિત સ્થાને ભાગતા રહેવામાં વિતાવ્યો. શરૂઆતમાં તેની પાસે વફાદાર અંગરક્ષકો હતા, પછી તે ઘટતા ગયા હતા અને તેના પરિવારે તેમની સુરક્ષા કરી હતી.
તેના પૂર્વ રાજકીય સહયોગી, રાદોવાન કરાદજિચની જુલાઈ, 2008માં, બેલગ્રેડમાં એક બસમાંથી ધરપકડ કરી લેવામાં આવી. તે હવે લાંબી દાઢીવાળા એક આધ્યાત્મિક ચિકિત્સક હતા.
હકીકતમાં, સર્બિયાની નવી સરકારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય સાથે ઔપચારિક સહયોગ સ્થાપિત કર્યો હતો અને કરાદજિચને તેને હવાલે કરી દીધા હતા.
ત્યાર પછી જનરલ મ્લાદિચનો વારો હતો. ત્રણ વર્ષ પછી, મ્લાદિચ પણ મળી ગયો.
મ્લાદિચનાં બાળકોનો પીછો કરતાં કરતાં પોલીસ એક અવાવરૂ, જર્જરિત ફાર્મહાઉસ સુધી પહોંચી. પોલીસો કોઈ દેખીતા કારણ વગર આંગણામાં એકલા ઊભા હતા.
તેમને મળવાની મ્લાદિચમાં હિંમત નહોતી. તે બારીમાંથી બધું જોઈ રહ્યો હતો. સુરક્ષા દળો અંદર ગયાં તો તેમને 69 વર્ષનો એક બેહાલ માણસ મળ્યો. તેને અનેક વાર સ્ટ્રોક આવી ચૂક્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
કેસની સુનવણીમાં જ ચાર વર્ષ લાગી ગયાં.
અદાલત 500થી વધુ દિવસો સુધી ચાલી. આ દરમિયાન લગભગ 600 સાક્ષીઓનાં નિવેદનો સાંભળવામાં આવ્યાં અને લગભગ 10,000 પુરાવાઓની તપાસ કરવામાં આવી.
યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું. જો કે, ચુકાદા બાબતે બહુ ઓછા લોકોને શંકા હતી.
રાત્કો મ્લાદિચને સેબ્રેનિત્સા નરસંહારની બરાબર પહેલાં પોતાની સેનાને આદેશ આપતો બતાવવામાં આવ્યો હતો.
તેને નરસંહાર, માનવતા વિરુદ્ધના અપરાધ અને "યુદ્ધની આચારસંહિતા"ના ઉલ્લંઘન બદલ અપરાધી ઠેરવવામાં આવ્યો હતો.
તે હસતાં હસતાં અને કૅમેરા તરફ અંગૂઠો દેખાડતાં અદાલતમાં દાખલ થયો, પરંતુ ચુકાદો સાંભળતાં તે ગુસ્સાથી ભડકી ઊઠ્યો.
મ્લાદિચ બૂમો પાડવા લાગ્યો કે આ બધું ખોટું છે. તેને બળજબરીથી અદાલતમાંથી કાઢવામાં આવ્યો.
તેની સજાનો અર્થ એ હતો કે તેમને મોત જેલમાં જ મળશે.
જે થોડા ઘણા પીડિતો અને તેમનાં સગાંસંબંધીઓ આ કેસની સુનવણી દરમિયાન હાજર હતા તેમાંના એક ફિકરેટ એલિક પણ હતા. 1992માં બોસ્નિયાઈ સર્બ યાતના શિબિરમાં કેદ દરમિયાન તેમનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. તેમાં તેઓ હાડપિંજર જેવા દેખાઈ રહ્યા હતા. આ વીડિયો ખૂબ ચર્ચાસ્પદ બની રહેલો.
ચુકાદા પછી ફિકરેટ એલિકે કહ્યું, "યોગ્ય ન્યાય થયો છે. યુદ્ધના અપરાધીને દોષી ઠેરવવામાં આવ્યો છે."
ત્યાં હાજર બાકીના લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પરંતુ આ ચુકાદાઓથી દુનિયાભરમાં સૌ કોઈ ખુશ નહોતું.
કેટલાક બોસ્નિયનો એ બાબતે નિરાશ હતા કે મ્લાદિચને સારાયેવો અને સ્રેબ્રેનિત્સાની બહાર કરવામાં આવેલા ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો નહોતો.
અને ઘણા સર્બોએ આ ચુકાદા બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
રિપબ્લિકા સર્પ્સ્કાના એક અગ્રણી રાજકારણીએ આ ખટલાની નિંદા કરતાં તેને પોતાના લોકોને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે શાળાનાં ઇતિહાસનાં પુસ્તકોમાંથી અદાલતી કાર્યવાહીના "તમામ પ્રકારના ઉલ્લેખને ભૂંસી નાખવા" આહ્વાન કર્યું હતું.
મ્લાદિચે 2024માં પોતાની બાકીની સજા સર્બિયામાં ભોગવવાની અરજી કરી હતી, જેને અદાલતે ફગાવી દીધી હતી. હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનો ભોગ બનેલા મ્લાદિચે દલીલ કરી હતી કે પોતાના વતનના દેશમાં પોતાના સ્વાસ્થ્યની વધુ સારી રીતે સંભાળ રાખી શકાય તેમ છે.
તેના વકીલોએ વારંવાર તેમને મુક્ત કરવાની માગણી કરતી અરજીઓ કરી હતી, પરંતુ તે તમામ નિષ્ફળ રહી હતી. તેમની દલીલ હતી કે મ્લાદિચ પાસે જીવવા માટે હવે માત્ર થોડા મહિના જ બચ્યા છે.
સર્બિયા અને રશિયા બંનેએ તેમની કાનૂની અપીલોને સમર્થન આપ્યું હતું.
બીજી તરફ, બોસ્નિયામાં જાન્યુઆરી 2026માં એક વિપક્ષી રાજકારણીને કરાડઝિચ અને મ્લાદિચનું "મહિમામંડન" કરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ઘણા લોકો માટે, "બોસ્નિયાનો કસાઈ" માત્ર એક સામાન્ય સૈનિક હતો, જે પોતાના લોકોની જીવનશૈલીનું રક્ષણ કરી રહ્યો હતો.
પરંતુ બોસ્નિયનો અને મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય સમુદાય તેને એવા હત્યારા અને ગુંડા તરીકે યાદ રાખશે, જેણે યુરોપની ધરતીને કલંકિત કરી હતી.
બોસ્નિયામાં મુસ્લિમો અને સર્બો આજે પણ તણાવભર્યા માહોલમાં એકમેકની સાથે રહે છે.
1990ના દાયકામાં મ્લાદિચ અને રાડોવન કરાડઝિચે શરૂ કરેલું હિંસક રાષ્ટ્રવાદી યુદ્ધ ભલે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























