'ઉત્તરમાં શાકાહારી, દક્ષિણમાં માંસાહારી' - ભારતના વિવિધ ભાગોમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી તમિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતીય પરિવારોમાં દિવાળી એક ખૂબ અગત્યનો અને અભિન્ન તહેવાર છે. દિવાળીના ઉત્સાહીઓ કહે છે કે, દિવાળી પર દક્ષિણ ભારતીય અને ઉત્તર ભારતીય વાનગીઓમાં પણ તફાવત છે. ત્યારે શું છે આ તફાવત?
અમે જ્યારે દિવાળી વિશે વિચારીએ છીએ, ત્યારે અમને બૌદ્ધ ધર્મ અને ફળોનો વિચાર આવે છે. ભારતનાં બધાં રાજ્યોમાં દિવાળી અલગ-અલગ સ્વરૂપે ઉજવવામાં આવે છે. આ માટે વિવિધ પૌરાણિક ઉદાહરણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતમાં, દિવાળી એ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો.
તે જ સમયે, ઉત્તર ભારતમાં એવું કહેવામાં આવે છે કે, જે દિવસે ભગવાન રામે પોતાનો વનવાસ સમાપ્ત કર્યા પછી અયોધ્યામાં પગ મૂક્યો, તે દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ઘરોને દીવાઓથી શણગારવામાં આવે છે.
આ ઉપરાંત, જૈનો મહાવીરસ્વામીના મોક્ષપ્રાપ્તિના દિવસ અને શીખોના ગુરુ, ગુરુ નાનકના જન્મદિવસને દિવાળી તરીકે ઉજવે છે. આ ઉપરાંત, વિદેશમાં રહેતા ભારતીયો પણ ઉત્સાહ અને આનંદથી દિવાળી ઉજવે છે.
ઈડલી અને મટન દિવાળીમાં કેમ ખાસ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમિલનાડુમાં સવારે વહેલા ઊઠીને તેલ-સ્નાન કરીને નવાં કપડાં પહેરવાનો અને ફટાકડા ફોડવાનો રિવાજ છે. આ પછી, તેઓ સગા-સંબંધીઓ અને પડોશીઓને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓ આપીને તેનો આનંદ માણે છે.
આ પછી, નાસ્તામાં ઇડલી અને મટન ખાવાનો રિવાજ છે. દક્ષિણ ભારતના જિલ્લાઓમાં પણ મટન કરી અને માછલીની વાનગીઓની જયાફત ઉડાવવામાં આવે છે.
"ઉત્તર ભારતમાં, દિવાળીને દેવી લક્ષ્મી માટે શુભ માનવામાં આવે છે. મોટા ભાગના પરિવારો તે દિવસે માંસાહારી ખોરાક ખાતા નથી. તેઓ આ દિવસને ભગવાન રામના અયોધ્યા પાછા આવવાના દિવસ તરીકે ઉજવે છે. સાથે જ લક્ષ્મી દેવીની પૂજા પણ કરતા હોય છે. ભગવાન રામ અયોધ્યામાં પ્રવેશ્યા તે દિવસે લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેની અભિવ્યક્તિ તરીકે તેઓ દીવા પ્રગટાવીને ઉજવણી કરે છે."
પશ્ચિમ બંગાળ રાજ્યમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપનારા નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી જી. બાલચંદ્રન કહે છે, "અમારા ગામમાં દિવાળીને નરકાસુરનો તહેવાર માનવામાં આવે છે. બીજી બાજુ, પશ્ચિમ બંગાળ અને આસામ જેવાં પૂર્વીય રાજ્યોમાં લોકો દિવાળી પર મટન, ચિકન અને માછલી ખાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવાળી પર તેલ-સ્નાન શેના માટે કરવામાં આવે છે?
"દક્ષિણ ભારતમાં મૃત્યુ પામેલા પૂર્વજો માટે ધાર્મિક વિધિઓ કર્યા પછી તેલ-સ્નાન કરવાનો રિવાજ છે. એટલે કે શોક વ્યક્ત કરવા માટે તેલ-સ્નાનનો એક રિવાજ છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં તેલ-સ્નાનનું એટલું ચલણ નથી દેખાતું. પૂર્વનાં રાજ્યો જેવાં કે પશ્ચિમ બંગાળ અને આસામમાં કાલીપૂજાના નામે ઉજવણી કરવામાં આવે છે. મહિષાસુરનો વધ કાલી માતાએ કર્યો હતો, તે પૌરાણિક કથાના આધારે આ ઉજવણી થાય છે. તે દૃષ્ટિએ દીપાવલી દરેક જગ્યાએ એકસરખી રીતે નથી ઉજવાતી."
"ઉત્તર ભારતમાં દીપાવલીના દિવસે દીવાઓ પ્રગટાવવામાં આવે છે. પૂર્વનાં રાજ્યોમાં ફટાકડા ફોડવામાં આવે છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લાના ખડગપુરમાં ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય વસ્તી વધારે છે. ત્યાં રાવણનું મોટું પૂતળું બનાવીને તેમાં ફટાકડા ભરીને અગ્નિબાણ છોડીને તેનું દહન કરવામાં આવે છે. ખાસ કરીને, કાર્તક મહિનાને લોકો મૂંઝવણોમાંથી મુક્તિ મળવાનો સમય માને છે. આ કારણસર જ જુદાં-જુદાં સ્વરૂપોમાં દીપાવલી ઉજવવામાં આવે છે," તેમ બાલચંદ્રન જણાવે છે.
"એક સારો દિવસ માંસ અને ભાતથી ભરેલો હોય છે"
ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય દિવાળી વિશે બીબીસી તમિલ સાથે વાત કરતાં લેખક એ. મુથુકૃષ્ણને કહ્યું, "આપણી સંસ્કૃતિમાં દિવાળી નામનો કોઈ તહેવાર નથી. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં સૌથી મોટો તહેવાર પોંગલ છે. છેલ્લાં 20 વર્ષમાં જ તમિલોને દિવાળીનો પરિચય થયો છે અને તે પણ ટેલિવિઝનના આગમન પછી દિવાળી અહીં દરેક દ્વારા ઉજવવામાં આવતો તહેવાર બની ગયો. વ્યાપારે તેને અહીં એક મોટો તહેવાર બનાવ્યો. નહીંતર જો આપણે તેને આસ્થા કે માન્યતાની દૃષ્ટિએ જોઈએ તો તમિલોને દિવાળી સાથે કોઈ સંબંધ નથી."
આગળ તેમણે કહ્યું, "ગ્રામીણ વિસ્તારોમાં કોઈ સારો દિવસ એટલે માંસ અને ભાત જ હોય છે. મુંડન કરાવવાથી માંડીને કાન વીંધાવવા અને લગ્ન સુધી માંસાહારી ભોજન વગર ત્યાં કોઈ કાર્ય થતું નથી. અહીં જ માત્ર 'શુક્રવાર છે એટલે ખાવું નહીં, પુરટાશી મહિનો (તમિલ કૅલેન્ડર અનુસાર) છે એટલે ખાવું નહીં' જેવા નવા-નવા નિયમો થોપવામાં આવે છે. અહીં ઉજવણી એટલે માંસાહારી ભોજન જ છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "અમારા તહેવારોના સમયમાં શાકાહાર જેવું કશું હોતું નથી. શિકાર કરનાર આદિમ માનવ માટે શિકાર કરેલું પ્રાણી જ ખોરાક હતો. ઉત્તર ભારતમાં પણ અસંખ્ય માંસાહારી વાનગીઓ છે. ત્યાં માંસાહાર નથી, તે એક ખોટી સમજ છે. આપણી પાસે જેમ ઇડલી અને મટન છે, તેમ તેઓ ચોખાની રોટલી, મટન, અને માછલી ખાય છે."
લેખક એસ. રામકૃષ્ણન જણાવે છે, "દિવાળી ઉજવનાર એક વર્ગ માત્ર શાકાહારી ખોરાક જ લે છે. તે દિવસે અમાસ હોવાથી ઘણા લોકો ખાતા પણ નથી. તમે કયા વર્ગમાંથી આવો છો, તેના પર જ ખોરાક આધાર રાખે છે. નિમ્ન વર્ગમાંથી આવતા લોકો આખું વર્ષ પોતાની પસંદગીનો ખોરાક લે છે. મેં જોયું છે ત્યાં સુધી, શહેરી જીવન જીવતા લોકોમાં મટન અને ઇડલી ખાવાનો રિવાજ હવે નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























