ગીર : સિંહણે હરણના બચ્ચાને પકડ્યું, પણ શિકાર ન કર્યો, કૅમેરામાં કેદ થયાં દૃશ્યો, અંતે બચ્ચાનું શું થયું?

બીબીસી ગુજરાતી આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું ગુજરાત ગીર સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું. આ તસવીર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલના કૅમેરામાં ગત મંગળવારે કેદ થઈ ગઈ હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રાણીઓની દુનિયા માત્ર 'સુંદર' જ નહીં, પરંતુ એટલી જ 'રહસ્યમય' પણ ખરી, આ વાતની સાબિતી પૂરે તેવી ઘટના સાસણગીરમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવામાં વ્યસ્ત મિહિર પટેલના કૅમેરામાં ગત મંગળવારે કેદ થઈ ગઈ હતી.

મિહિર પટેલ આને એક 'દુર્લભ દૃશ્ય' ગણાવે છે અને કહે છે કે તેઓ સાત-આઠ વર્ષથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરે છે, પરંતુ તેમણે પહેલાં ક્યારેય આવું દૃશ્ય પોતાની આંખે જોયું નથી.

આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું, જેનો સિંહણ શિકાર નથી કરતી અને 'બચ્ચાને બચાવી લે છે.'

શિકારી પ્રાણીની પ્રકૃતિથી વિપરીત આ દૃશ્ય જોઈને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલ 'આશ્ચર્યચકિત' થઈ ગયા હતા.

તેઓ કહે છે કે આ દૃશ્ય જોઈને તેમને લાગ્યું હતું કે, કદાચ 'સિંહણનું માતૃત્વ જાગૃત થઈ ગયું હશે, તેથી તેણે આ બચ્ચાનો શિકાર ન કર્યો અને તેને બીજા સિંહોથી પણ બચાવ્યું.'

જોકે, સામે પક્ષે વનવિભાગના અધિકારી અને પ્રાણીજગતના નિષ્ણાતનું કહેવું છે કે, "આવું અર્થઘટન કરવું યોગ્ય નથી, સિંહણ હરણના બચ્ચાને જડબામાં જીવતું પકડીને ફરી રહી હતી, તેથી તેનો શિકાર નહીં કર્યો હોય એવું ન માની શકાય. આવાં દૃશ્યો પહેલાં પણ જોવા મળ્યાં છે, પોતાના શિકારને શિકારી જીવતું લઈને ફરે એ માટે અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે. 99 ટકા કિસ્સામાં શિકારી પ્રાણી પોતાના શિકારને આવી પરિસ્થિતિમાં મારી જ નાખતું હોય છે."

એ દિવસે શું થયું હતું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું ગુજરાત ગીર સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બાયૉમેડિકલ એન્જિનિયર મિહિર પટેલ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના શોખીન છે.

તેઓ કહે છે, "વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે વર્ષમાં ત્રણ-ચાર વખત સાસણગીર અને ગુજરાતનાં અન્ય વન્ય અભયારણ્યો પણ મુલાકાત લઉં છું."

"હું ગત 27 ઑક્ટોબરના રોજ સાસણગીરની સફારી પર ગયો હતો. એ સફારીમાં મારો રૂટ નંબર 13 હતો. એ દરમિયાન હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતો અને અચાનક મારી નજર એક સિંહણ પર પડી, જે જંગલમાંથી બહાર નીકળી રહી હતી અને તેના મોંમાં એક બચ્ચું દેખાયું. પહેલાં તો મને એવું લાગ્યું કે આ સિંહણ કદાચ પોતાનું બચ્ચું લઈને આવી રહી છે, પણ પછી મેં કૅમેરામાંથી ઝૂમ કરીને જોયું તો ખબર પડી કે તેના મોંમાં હરણનું બચ્ચું છે."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું ગુજરાત ગીર સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

"એ સિંહણે એનો શિકાર નહોતો કર્યો, એ બચ્ચું જીવિત હતું. એ બચ્ચું આંખો પણ પટપટાવી રહ્યું હતું અને અવાજ પણ કરી રહ્યું હતું. એ દૃશ્ય જોઈને હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયેલો."

તેઓ આગળ કહે છે, "આ દરમિયાન આ સિંહણ સતત મારી તરફ આવી રહી હતી, ત્યારે તેની સાથે બીજો પણ એક સિંહ હતો. એ સિંહણ તેનાથી પણ આ બચ્ચાને દૂર રાખી રહી હતી. એ તેના તરફ જઈ પણ નહોતી રહી. "

"મેં બીજી એક એ વસ્તુ પણ જોઈ કે સિંહણ સાથે એક આખો સિંહ પરિવાર હતો, જેમાં ચાર મોટી સિંહણો અને તેના છ-સાત માસનાં બચ્ચાં પણ હતાં, પણ હરણનું બચ્ચું જે સિંહણના મોંમાં હતું એ આ આખા સમૂહથી અલગ ચાલી રહી હતી. સમૂહના બીજાં સિંહ-સિંહણો વૉટર બૉડીમાં પાણી પીવા પણ ગયાં, પરંતુ આ સિંહણ તેમની સાથે ન જોડાઈ ને બચ્ચાને આખા ઝૂંડથી અલગ એક સલામત જગ્યા પર લઈ જતી દેખાઈ."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી આ દૃશ્ય છે એક સિંહણના મોઢામાં રહેલા જીવિત હરણના બચ્ચાનું ગુજરાત ગીર સિંહ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના શોખીન મિહિર પટેલે 27 ઑક્ટોબરના આ 'દુર્લભ દૃશ્ય'ના સાક્ષી બન્યા હતા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"સિંહણને ક્યાંક એવું લાગ્યું હતું કે હું જો ક્યાંક આ બચ્ચાને વચ્ચે ક્યાંય મૂકી દઈશ તો અન્ય સિંહણો કે તેનાં બચ્ચાં આ હરણના બચ્ચાનો શિકાર કરી દેશે. તેથી તે આ બચ્ચાને લઈને આખા ઝૂંડથી અલગ જ ચાલી રહી હતી. આ સિંહણ હરણના બચ્ચાને લઈને જંગલની અંદર એક સલામત જગ્યાએ જતી રહી. એ દરમિયાન મેં જોયું કે સિંહણ બચ્ચાને લઈને જંગલમાં બેસી ગઈ. આ દરમિયાન સિંહણ બચ્ચાને લઈને જંગલમાં બેસેલી દેખાઈ હતી. જોકે, બાદમાં તે ગાઢ જંગલમાં જતી રહી હતી, જેથી તે મારા કૅમેરાના વિઝનમાં પણ એ દૃશ્ય કૅપ્ચર નહોતું થયું. પણ એણે બચ્ચાને બચાવી લીધું હતું, તેણે બચ્ચાનો શિકાર નહોતો કર્યો."

"સામાન્ય રીતે માંસાહારી પ્રાણી પોતાના શિકારને પોતાના જડબાથી ખૂબ મજબૂતીથી પકડતા હોય છે, પરંતુ આ દૃશ્ય જોઈને મને એવું ન લાગ્યું કે, આ સિંહણને હરણના બચ્ચાનો શિકાર કરવો છે. કેમકે, તેણે હરણના આ બચ્ચાને ખૂબ જ નજાકતથી પકડેલું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન સિંહણે આ બચ્ચાને એકાદ સેકન્ડ માટે જમીન પર પણ મૂકેલું,પરંતુ બાદમાં તેણે તેને ફરીથી યોગ્ય રીતે પકડ્યું અને જંગલમાં જવા લાગી હતી."

તેઓ પોતાના અનુભવ અને આ દૃશ્ય કેટલું દુર્લભ હતું એ અંગે વાત કરતાં કહે છે, "પાછલાં સાત-આઠ વર્ષથી હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું, પરંતુ મેં ક્યારેય આવું દૃશ્ય પહેલાં નથી જોયું. આ દૃશ્ય જોઈને મને ક્યાંક એવું લાગ્યું કે કદાચ સિંહણના મનમાં માતૃત્વ જાગ્યું હશે. જેથી તેણે હરણના બચ્ચાનો શિકાર ન કર્યો અને તેને જંગલમાં એક સલામત જગ્યાએ લઈ ગઈ."

"આ ઘટનામાં સિંહણમાં માતૃત્વની ભાવના જાગી એવું અર્થઘટન કરવું યોગ્ય નથી"

સાસણ ગીરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (ડીસીએફ) અગ્નિશ્વર વ્યાસે બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે, તેવું સિંહ કે બિલાડી કુળનાં પ્રાણીઓમાં ઘણી વાર જોવા મળે છે. સિંહણે આ હરણના બચ્ચાનો શિકાર નહોતો કર્યો કે સિંહણમાં માતૃત્વનાં દર્શન થયાં તેવું અર્થઘટન કરવું યોગ્ય નથી. સિંહ સર્વોચ્ચ માંસાહારી પ્રાણી છે અને આ જીવો તેના શિકાર છે. ખરેખર તો જૈવિક રીતે સિંહ અને હરણ વચ્ચે શિકાર અને શિકારીનો સંબંધ છે. આ શિકારી પ્રાણીઓ જ્યારે આવાં નાનાં બચ્ચાંને જીવતાં પકડે ત્યારે જરૂરી નથી હોતું કે તેનું તરત જ મારણ કરી દે. અહીં આ પહેલાં પણ આવાં દૃશ્યો ઘણી વાર જોવા મળ્યાં છે. આવું થવા પાછળનાં ઘણાં કારણો હોય છે."

"તો ઘણી વાર સિંહણ આવા નાના બચ્ચાને જીવતું જ જડબામાં પકડી જઈને સિંહ બાળ કે પાઠડાની વચ્ચે છોડી દે છે. આવું કરવાથી આ સિંહ બાળ કે પાઠડા શિકાર કરવાનું શીખે છે. પ્રાણીએ પ્રાણીએ આ વર્તનમાં તફાવત જોવા મળે છે."

તેઓ આ દૃશ્યનું બીજું અર્થઘટન સમજાવતાં કહે છે, "ક્યારેક એવું બનતું હોય છે કે શિકારી તેને અન્ય શિકારી પ્રાણીઓથી દૂર લઈ જઈને તેનું મારણ કરે છે. આ હરણનું બચ્ચું હોવાથી તેમાં અન્ય સિંહો ભાગ ન પાડે તે માટે તેને દૂર લઈ જવાયું હોવાની પણ એક શક્યતા હોઈ શકે."

તેઓ આગળ કહે છે કે, "જોકે, શિકારી તેના શિકારનું મારણ કરે જ છે. બની શકે કે સહેલાણીઓ સામે હોવાથી સિંહણે હરણ બાળનો ત્યાં શિકાર ના કર્યો હોય, પણ પછી તેનું મારણ કર્યું હોય. આ બચ્ચું નાનું હોવાથી તેને જીવતું પકડીને આગળ વધવું આસાન હતું એ પણ એક શક્યતા છે. આ પહેલાં અમારા એક ટ્રેકરે આવો જ નજારો જોયો હતો. સિંહ કે સિંહણ જ્યારે શિકારને પકડીને ઝાડીઓમાં લઈ જાય ત્યારે વનવિભાગની ટીમ તેમાં બહુ ખલેલ નથી પહોંચાડતી. કેમકે, ઘણી વાર આજુબાજુ ખલેલ થવાથી શિકારને છોડી દે છે."

તેઓ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના શોખીન મિહિર પટેલની વાતથી વિપરીત મત વ્યક્ત કરતાં કહે છે કે, "27 ઑક્ટોબરની ઘટનામાં એ હરણના બચ્ચાનું શું થયું એ કંઈ કહી શકાય નહીં. વનવિભાગની ટીમ સિંહના શિકાર સમયે દખલ કરતી નથી અને તેનો પીછો પણ નથી કરતી. 99 ટકા કિસ્સાઓમાં એક વાર શિકારને પકડ્યા પછી આવાં પ્રાણીઓ તેને જીવતું છોડતાં નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન