You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેશોદ તાલુકા પંચાયતમાં પરિણામ જાહેર કરતાં પહેલાં ચિઠ્ઠી કેમ ઉછાળવી પડી, 'આપ'ના ઉમેદવાર કેવી રીતે વિજેતા થયા?
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો આજે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં આવેલાં પરિણામો પરથી એ જણાઈ રહ્યું છે કે મોટા ભાગે ભાજપના ખાતામાં મોટી સંખ્યામાં બેઠકો જઈ રહી છે.
આ વખતની ચૂંટણી કૉંગ્રેસ, આપ અને સત્તાધારી પક્ષ ભાજપ માટે ખાસ મનાઈ રહી છે, કેમ કે આગામી સમયમાં 2027માં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. તો આ ચૂંટણીને એક 'સેમિફાઇનલ' તરીકે પણ જોવાઈ રહી છે.
આ ચૂંટણીમાં ખાસ વાત એ પણ રહી કે એક ઉમેદવાર નસીબના જોરે ચૂંટણી જીતી ગયા, એટલે કે બે ઉમેદવારને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળાઈ હતી અને જેમનું નામ આવ્યું એ ઉમેદવારને વિજેતા જાહેર કર્યા હતા.
એક ચિઠ્ઠીએ ઉમેદવારનું ભાવિ ખોલ્યું
હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, તો અહીં કેશોદ તાલુકા પંચાયતમાં હારજીત એક ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવી હતી.
તો કેશોદ તાલુકા પંચાયતમાં 18 બેઠકો પર ચૂંટણી લડાઈ હતી અને 10 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. જ્યારે કૉંગ્રેસના ફાળે 6 અને આમ આદમી પાર્ટીના ફાળે એક બેઠક ગઈ છે.
જ્યારે અપક્ષને એક બેઠક મળી હતી.
આમ જોઈએ તો કેશોદ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. પણ કેશોદના મોટી ઘસારી બેઠક પર ટાઇ પડી હતી.
એ પછી ઉમેદવારોની હાજરીમાં એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી અને વિજેતા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના ઉમેદવાર રમેશભાઈ મોહનભાઈ ગરેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશવંતસિંહ ભરતસિંહ રાયજાદાને એકસરખા 1191 મત મળ્યા હતા. એ પછી ચિઠ્ઠી ઉછાળતા યશવંતસિંહનું નામ નીકળ્યું હતું અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી રજની ઠુંમરે જણાવ્યું કે "એક બેઠક પર ટાઈ પડતા ફરી મતગણતરી કરાઈ હતી અને પછી એક ચિઠ્ઠી ઉછાળી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે." આમ, એક મત વધી જતા યશવંતસિંહને કુલ 1192 મત મળ્યા હતા.
આ બેઠક પર જાદવભાઈ બચુભાઈ ચુડાસમા કૉંગ્રેસના ઉમેદવાર હતા, તેમને કુલ 477 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 3153 મત પડ્યા હતા.
ટાઈ પડે તો નિયમ શું છે?
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી વીએચ મકવાણાએ કહ્યું કે "જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે બંને ઉમેદવારોની સહમતી લેવાય છે અને ત્રીજી વ્યક્તિ દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે અને જેનું નામ નીકળે તેને ઉમેદવાર જાહેર કરાય છે. ગુજરાત પંચાયતી જોગવાઈ અનુસાર, આ પ્રક્રિયા કરવામાં આવે છે."
ચૂંટણી અધિકારીની હૅન્ડબુકમાં આ જોગવાઈ હોય છે, જે પ્રમાણે "મતોની ગણતરી પૂરી થયા પછી કોઈ ઉમેદવારને મતો સરખા મળ્યા હોય અને તે પૈકી કોઈ એક ઉમેદવારને એક મત વધુ ઉમેરવાથી તે ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થવાને પાત્ર બને, તો ચૂંટણી અધિકારીએ તરત તે ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખીને નિર્ણય કરવો જોઈશે અને જે ઉમેદવારની તરફેણમાં ચિઠ્ઠી નીકળી હોય તેને વધારોનો મત મળ્યો છે તેમ ગણીને તેણે આગળ કાર્યવાહી કરવી જોઈશે."
ગુજરાતના ભૂતપૂર્વ ચૂંટણી નિયામક વી.એમ. શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરખા વોટ આવે તો ટૉસ ( ચીઠ્ઠી ઉછાળી ) કરી વિજેતા જાહેર કરાય છે. આ જોગવાઈ જૂની છે અને અમે ભૂતકાળમાં આવું કર્યું છે. આ ઉપરાંત મદ્રાસ હાઇકોર્ટે પણ એક ચુકદો આપી આ જોગવાઈને યોગ્ય ગણાવી છે એટલે આ પરંપરા યોગ્ય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન