આજે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો
તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા
અનુસાર મહાનગરપાલિકાઓમાં સરેરાશ 55.1 ટકા મતદાન નોંધાયું હતું.
કુલ 15 મહાનગરપાલિકાઓમાંથી નવ
મહાનગરપાલિકાઓ નવી બનેલી છે અને તેમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી
વાર મતદાન થયું છે.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર- આ છ જૂની
મહાનગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે.
આ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે 2021ની
ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી હતી.
આ વખતે આ છ મહાનગરપાલિકાઓ સિવાય નવી
અસ્તિત્વમાં આવેલી નવ મહાનગરપાલિકામાં પણ પહેલી વાર ચૂંટણી છે. આથી, આ
મહાનગરપાલિકાઓમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે.
અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ભાજપને મોટા
માર્જિનથી જીત મળી હોવાથી એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ આટલું મોટું જીતનું અંતર
જાળવી શકે છે કે પછી વિપક્ષો ટક્કર આપશે.
ગત ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીની
જબરદસ્ત ઍન્ટ્રી થઈ હતી અને પહેલી જ વારમાં તેણે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે
કૉંગ્રેસની જગ્યા લઈ લીધી હતી. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેકઠેકાણે
સત્તાધારી પક્ષ ભાજપનો થયેલો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ભાજપના ઉમેદવારોના વિરોધના અનેક વીડિયો
સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ
ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા
સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર
થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
એટલે કે ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી
ભાજપે ચૂંટણી પહેલાં જ જીતી લીધી હતી.