સુરત બાદ હવે વડોદરા જિલ્લાના મેરાકુવા ગામે મકાનો તોડી પડાયાં, પ્રશાસનને ખબર સુધ્ધાં નહીં

ગુજરાત, વડોદરા, ડિમોલિશન, બીબીસી 'ભૂતિયા ડિમોલિશન' પાર્ટ-2 : સુરત બાદ હવે વડોદરા જિલ્લાના મેરાકુવા ગામે મકાનો તોડી પડાયાં, પ્રશાસનને ખબર સુદ્ધા નહીં

ઇમેજ સ્રોત, HARDIK

ઇમેજ કૅપ્શન, વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામે રાતડીયા નજીક સરદાર આવાસ યોજના અંતર્ગત બનેલાં 19 મકાનો 'જાણબહાર' તોડી પાડવામાં આવ્યાં હતાં.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સુરત બાદ હવે વડોદરા જિલ્લામાં 'વિવાદાસ્પદ ડિમોલિશન'નો મામલો સામે આવ્યો છે. સુરતમાં 100 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં અને અહીં વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામે રાતડીયા નજીક સરદાર આવાસ યોજના અંતર્ગત બનેલાં 19 મકાનો 'જાણબહાર' તોડી પાડવામાં આવ્યાં હતાં.

સૌથી નવાઈની વાત તો એ છે કે સરકારી અધિકારીઓને પણ ખબર જ નથી કે આ મકાનો કોણ તોડી ગયું. સુરતમાં જેવો વિવાદ થયો તેવો જ વિવાદ હવે વડોદરા જિલ્લાના મેરાકુવા ગામે થયો છે.

સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓનો આરોપ છે કે તેમને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વિના આ મકાનો તોડવામાં આવ્યાં છે. તો બીજી તરફ વગર નોટિસે તેમનાં મકાનોનું ડિમોલિશન થતાં લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ આ 'ડિમોલિશન' મામલે તપાસ શરૂ કરી છે.

જેમનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે તે પીડિતોની માગ છે કે તેમને 'ન્યાય' મળવો જોઈએ અને જે 'દોષિત' છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

બીબીસી ગુજરાતીના વડોદરા ખાતેના સહયોગી હાર્દિક જણાવે છે, "આ મકાનો 15 વર્ષ પહેલાં લાભાર્થીઓને મળ્યાં હતાં."

જોકે, તેમના જણાવ્યા પ્રમાણે તેઓ ત્યાં રહેતા નહોતા.

લાભાર્થીઓનું કહેવું છે કે "શરૂઆતના સમયમાં તેઓ ત્યાં રહેવા માટે ગયા હતા પરંતુ ત્યાં વીજળી કે પાણી જેવી કોઈ સગવડ ન હોવાને કારણે તેઓ ઘણા સમય પહેલાં અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા."

ભલે તેઓ અન્ય જગ્યાએ રહેતા હતા પરંતુ તેમની નજર તેમનાં આ મકાનો પર રહેતી હતી. પરંતુ બે-ત્રણ દિવસ પહેલાં અચાનક તેમને ખબર પડી કે તેમનાં બંધ પડેલાં આવાસો કોઈએ તોડી નાખ્યાં છે.

ઘટનાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

લાભાર્થીઓનું કહેવું છે, તંત્ર તરફથી મકાનો તોડવા મામલે કોઈપણ જાતની નોટિસ આપવામાં આવી નથી.

તેમને એ પણ ખબર નથી કે કોણ આવીને તેમનાં ઘરોને તોડી ગયું?

વડોદરાના મેરાકુવામાં શું થયું હતું ?

ભૂતિયા ડિમોલિશન, વડોદરા, 'ભૂતિયા ડિમોલિશન' પાર્ટ-2 : સુરત બાદ હવે વડોદરા જિલ્લાના મેરાકુવા ગામે મકાનો તોડી પડાયાં, પ્રશાસનને ખબર સુદ્ધા નહીં

ઇમેજ સ્રોત, HARDIK

મેરાકુવા ગામના સરપંચ આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી. બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિકે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પંરતુ તેમનો ફોન બંધ આવતો હતો.

બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિકના જણાવ્યા અનુસાર, લાભાર્થીઓ પાસે આવાસ માટે ‌જમીન ન હોવાથી સરકારી પડતર જમીનમાં પ્લોટીંગ કરીને તેમને ઘર માટેની જમીનો ફાળવવામાં આવી હતી અને 19 મકાનો બનાવવામાં આવ્યાં હતાં.

લાભાર્થીઓનું કહેવું છે કે "બે વર્ષ સુધી વીજળી કે પાણી અથવા રસ્તાની સુવિધા વગર અમે અહીં રહ્યા પરંતુ અગવડ વધતા અમે તેને બંધ કરીને બીજે જતા રહ્યા. આ મકાનો બંધ હાલતમાં હતાં."

19 આવાસોના લાભાર્થીઓ પૈકી કેટલાક મૃત્યુ પામ્યાં છે. તેમના વારસદારોને પણ હવે મકાનો ખોવાનો વારો આવ્યો છે.

મેરાકુવાના પીડિતોનું શું કહેવું છે?

ગુજરાત, વડોદરા, ડિમોલિશન, બીબીસી 'ભૂતિયા ડિમોલિશન' પાર્ટ-2 : સુરત બાદ હવે વડોદરા જિલ્લાના મેરાકુવા ગામે મકાનો તોડી પડાયાં, પ્રશાસનને ખબર સુદ્ધા નહીં

ઇમેજ સ્રોત, HARDIK

મેરાકુવા ગામમાં જેમનું ઘર પડી ગયું છે તેવા સંજયભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે કે "અમારાં કુલ 19 આવાસ હતાં. અમને જાણ કર્યા વગર આ આવાસ તોડી પાડવામાં આવ્યાં હતાં."

તેમણે માગ કરી છે કે તેમને તેમનાં મકાનો ફરી આપવામાં આવે.

સંજયભાઈ આરોપ લગાવે છે, "કોઈ નોટિસ પણ આપવામાં આવી ન હતી, ના અમને કોઈએ જાણ કરી, અમારી જોડે કોઈ માહિતી પણ નથી કે આ આવાસ કોણે તોડયાં?"

અન્ય એક પીડિત રમેશભાઈ પરમાર જણાવે છે કે "અમે સરદાર આવાસ યોજના મંજૂર કરાવેલી હતી. હવે અહીં મકાનો નહીં પરંતુ કાટમાળ છે. કશું બાકી રહ્યું નથી."

તેમનું પણ કહેવું છે કે તેમનાં મકાનો એટલા માટે બંધ હતાં કારણકે અહીં કોઈ સુવિધા નહોતી તેથી તેમને અગવડ પડતી હતી.

અન્ય એક પીડિત ઉદયભાઈ જણાવે છે, "કોઈ સુવિધા આપે તો અમે બીજે કેમ જઈએ? અમારાં મકાનોમાં જ ન રહીએ?"

ત્યાં ઉપસ્થિત એક મહિલા સ્થાનિક લક્ષ્મીબહેન જણાવે છે, "એક ઓરડી મળી હતી તે પણ તોડી પાડી, શું કામ?"

લક્ષ્મીબહેને પણ માગ કરી છે કે જે દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને તેમનું મકાન ફરી બનાવી આપવામાં આવે.

'ડિમોલિશન' મામલે વડોદરાનું સરકારી તંત્ર શું કહે છે?

ગુજરાત, વડોદરા, ડિમોલિશન, બીબીસી 'ભૂતિયા ડિમોલિશન' પાર્ટ-2 : સુરત બાદ હવે વડોદરા જિલ્લાના મેરાકુવા ગામે મકાનો તોડી પડાયાં, પ્રશાસનને ખબર સુદ્ધા નહીં

ઇમેજ સ્રોત, HARDIK

ઇમેજ કૅપ્શન, ડેસર તાલુકાના વિકાસ અધિકારી દિનેશ પટેલ ઘટનાની તપાસ કરવા મેરકુવા ગામે પહોંચ્યા હતા ત્યારની તસવીર

મકાનોના લાભાર્થીઓએ જ્યારે ડેસર તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલને રજૂઆત કરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણકે તેમને પણ ખબર નહોતી કે આ મકાનો કોણે તોડી પાડવાનો આદેશ કોણે આપ્યો? અથવા તો કોણે વગર આદેશે તોડી પાડ્યાં?

ગ્રામવાસીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે મેરાકુવા ગામે જઈને સ્થળ પર તપાસ કરી હતી. તેમણે સ્થાનિક ગ્રામજનોને સાથે રાખી ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ગ્રામવાસીઓને ખાતરી આપી હતી કે આ મામલે 'તપાસ' કરવામાં આવશે.

દિનેશ પટેલે બીબીસી સહયોગી હાર્દિકને જણાવ્યું કે "જેમનાં આવાસો તોડવામાં આવ્યાં છે, તે તમામનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે."

"અંદાજિત 19 આવાસ અહીં હતાં. તલાટી કમ મંત્રીના રેકૉર્ડમાં કેટલાં આવાસ છે તેની પણ તપાસ કરવામાં આવશે."

"જે પણ દોષિતોએ આ ગેરકાયદેસર રીતે તોડી પાડયાં છે. એની સામે કાર્યવાહી કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન