અફઘાનિસ્તાનની સામે વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલનો સમાવેશ કેમ થયો? – ન્યૂઝ અપડેટ

અફઘાનિસ્તાનની સામે વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલનો સમાવેશ કેમ થયો? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી રમાનારી વન-ડે સિરીઝમાંથી વિરાટ કોહલી બહાર થઈ ગયા છે. કારણકે તેમને ઈજા થઈ હોવાની જાણકારી મળી છે.

બીબીસીઆઈએ શનિવારે ઍક્સ પર એક પોસ્ટ કરીને તેની જાણકારી આપી.

બીસીસીઆઈએ લખ્યું, "બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું છે કે ઈજાગ્રસ્ત વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે."

ત્રણ મૅચોની આ સિરીઝ 13, 17 અને 20 જૂનના રોજ રમાશે. આ સિરીઝમાં શુભમન ગિલ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે.

નૉર્વે ચેસ ટાઇટલ જીતનારા પહેલા ભારતીય બન્યા પ્રજ્ઞાનાનંદ

નૉર્વે ચેસ ટાઇટલ જીતનારા પહેલા ભારતીય બન્યા પ્રજ્ઞાનાનંદ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images

ભારતના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદે નૉર્વે ચેસનો ખિતાબ જીતી લીધો છે. તેઓ આમ કરનારા પહેલા ભારતીય ખેલાડી બન્યા છે.

તેમની આ ઉપલબ્ધિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર તેમને અભિનંદન પાઠવ્યાં છે.

વડા પ્રધાને ઍક્સ પર લખ્યું, "પ્રજ્ઞાનાનંદે આ શાનદાર ઉપલબ્ધિ માટે અભિનંદન, આ ખરેખર એક શાનદાર ઉપલબ્ધિ છે. જે તેમના સતત બહેતરીન પ્રદર્શનને દર્શાવે છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામના."

પ્રજ્ઞાનાનંદે ફાઇનલ રાઉન્ડમાં જર્મનીના વિન્સેંટ કીમરને હરાવ્યા. તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.

આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલી વાર ભારતીય ટી-20 ટીમમાં સામેલ કરાયા છે

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલી વાર ભારતીય ટી-20 ટીમમાં સામેલ કરાયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026 માટે ટી-20 ટીમની જાહેરાત કરી.

તાજેતરના ટી20 વર્લ્ડકપ ભારતને જીત અપાવનાર કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરાયા છે. શ્રેયસ અય્યર હવે ટી-20 ટીમનું નેતૃત્વ કરશે.

આઇપીએલની 19મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલી વાર ભારતીય ટી-20 ટીમમાં સામેલ કરાયા છે.

તિલક વર્માને ટીમના ઉપ-કપ્તાન બનાવાયા છે. હાર્દિક પંડ્યા ત્રણેય ટુર્નામેન્ટમાં ટીમમાં નહીં હોય.

સિલેક્શન સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને બીસીસીઆઇ સચિવ દેવજિત સૈકિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ

શ્રેયસ અય્યર, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશકુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી

ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ

શ્રેયસ ઐયર, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશકુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી

સહરાના રણમાં ગાડી બગડી જતાં લોકો ફસાયા, તરસથી 50 લોકોનાં મોત

અધિકારીઓએ જણાવ્યું કે ફસાયેલા મુસાફરોમાં માત્ર બે જીવિત બચી શક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અધિકારીઓએ જણાવ્યું કે ફસાયેલા મુસાફરોમાં માત્ર બે જીવિત બચી શક્યા છે (પ્રતીકાત્મક તસવીર)

ઉત્તર નાઇઝરના સહરાના રણમાં એક દૂરના વિસ્તારમાં પાણી ન મળવાથી 50 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને લઈ જતી ટ્રક રસ્તામાં બગડી હતી.

બીબીસી ઉર્દૂ અનુસાર, આ જૂથ માલીથી પાછું ફરતું હતું, તેઓ ઈદ-અલ-અધાની ઉજવણીમાં સામેલ થવા ગયા હતા, પરંતુ રસ્તામાં તેમની પાસે પાણી ખૂટી ગયું અને તેઓ નાઇઝર અને અલ્જિરિયા વચ્ચે ફસાઈ ગયા.

આ વિસ્તારમાં મોજૂદ અગાડેઝના ગવર્નરે કહ્યું, "મુસાફરો એક ખતરનાક વિસ્તારમાં ફસાઈ ગયા હતા, જ્યાં બહુ ગરમી અને સુવિધાના અભાવે જીવિત રહેવું ખૂબ મુશ્કેલ હતું."

અધિકારીઓએ જણાવ્યું કે ફસાયેલા મુસાફરોમાં માત્ર બે જીવિત બચી શક્યા છે.

ડ્રાઇવર અને મુસાફરોએ અનેક દિવસો સુધી વાહન ઠીક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ નિષ્ફળ રહ્યા.

બધા મૃતકો નાઇઝરના નાગરિક હતા. સ્થાનિક અધિકારીઓએ તરફથી મોકલેલી ટીમે તેમને સામૂહિક કબરોમાં દફનાવ્યા છે.

અમેરિકન સેનાએ કહ્યું કે ઈરાનનાં ચાર ડ્રોન તોડી પાડ્યાં, રડાર ઠેકાણાં પર હુમલા કર્યા

અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે

ઇમેજ સ્રોત, U.S. Navy via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે

અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે, જે હોર્મુઝ સામુદ્રધુની તરફ મોકલાયાં હતાં. યુએસ સૅન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ આ માહિતી શનિવારે સવારે આપી હતી.

સેન્ટકૉમે ઍક્સ પર લખ્યું, "થોડા સમય પહેલાં અમેરિકન દળોએ ઈરાનનાં ચાર રન-વે ઍટેક ડ્રોન તોડી પાડ્યાં છે, જે હોર્મુઝ સામુદ્રધુની તરફ મોકલાયાં હતાં. આ ડ્રોન વિસ્તારમાં દરિયાઈ અવરજવર માટે જોખમી હતાં."

વધુમાં જણાવાયું કે "અમેરિકન દળોએ આગામી હુમલાથી બચવા માટે ગોરુક અને કેશમ દ્વીપ પર બનેલા ઈરાનનાં રડાર ઠેકાણાં પર હુમલો કર્યો છે."

ઈરાન આ ઘટના પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ અગાઉ કુવૈતના ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

જોકે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ આ હુમલાની જવાબદારીથી ઇનકાર કર્યો અને કહ્યું કે નુકસાન અમેરિકન મિસાઇલ ઇન્ટરસેપ્ટરની ભૂલને કારણે થયું.

ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ.

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ દિલ્હી પહોંચીને સમર્થકોને શું કહ્યું?

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે.

ઇમેજ સ્રોત, X/Cockroachisback

ઇમેજ કૅપ્શન, ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે.

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે. તેમણે સીજેપીના સમર્થકોને કહ્યું કે 'આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે.'

અભિજિત દીપકેએ ઍક્સ પર લખ્યું, "લૅન્ડ કરી ચૂક્યો છું. જલદી તમને બધાને જંતરમંતર મળવાનો ઇંતેજાર છે. પુસ્તક અને આપણો તિરંગો સાથે લાવવાનું ન ભૂલતા."

તેમણે વધુમાં લખ્યું, "પોલીસકર્મીઓને ફૂલ આપો, આ કરુણા અને આભારનું પ્રતીક હશે. આપણે આ આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે."

ઉલ્લેખનીય છે કે અભિજિત દીપકેના આગમન પહેલાં દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર સુરક્ષા વધારી દેવાઈ છે.

સીજેપીએ જાહેરાત કરી હતી કે 6 જૂને દિલ્હીના જંતરમંતર પર પ્રદર્શન કરવાની યોજના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન