બગલમાંથી દુર્ગંધ શા માટે આવે છે, શું લેવામાં આવતો ખોરાક આ દુર્ગંધનું કારણ બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે. શુભગુણમ
- પદ, બીબીસી તામિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
લગભગ બધાએ આનો અનુભવ કોઈને કોઈ સમયે કર્યો જ હશે, કસરત કર્યા પછી, ભીડવાળી બસ કે ટ્રેનની મુસાફરીના અંતે ભીડમાંથી બહાર નીકળ્યા પછી કે ઉનાળાના તડકામાં લાંબો સમય કામ કર્યા પછી.
આવી પરિસ્થિતિઓમાં આપણને અચાનક આપણી બગલમાંથી એક અપ્રિય દુર્ગંધ અનુભવાય છે. ઘણા લોકો એવું માનતા હશે કે આનું કારણ આપણો પરસેવો છે. પરંતુ વૈજ્ઞાનિકોના મતે શરીરમાંથી નીકળતો પરસેવો મોટે ભાગે ગંધહીન હોય છે.
બીજી બાજુ, નિષ્ણાતો કહે છે કે શરીરની દુર્ગંધ સાથે સંકળાયેલ ચોક્કસ દુર્ગંધ પરસેવો, ત્વચા પરના બૅક્ટેરિયા અને બગલના વિસ્તારના અનોખા વાતાવરણ વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયાનું પરિણામ છે.
બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા જણાવે છે કે, "શરીરની દુર્ગંધ પરસેવાથી નહીં, પરંતુ ત્વચા પર રહેલા બૅક્ટેરિયાની ક્રિયા-પ્રક્રિયાને લીધે આવે છે."
સંશોધકો દાયકાઓથી અભ્યાસ કરી રહ્યા છે કે શરીરના અમુક ભાગો, જેમકે બગલ અને જનનાંગવાળા ભાગમાંથી અન્ય ભાગો કરતાં વધુ તીવ્ર ગંધ કેમ આવે છે?
આવા અભ્યાસોનાં તારણો માનવશરીરની વિશિષ્ટ પરસેવાની ગ્રંથિઓ, સૂક્ષ્મજીવાણુઓ અને ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલી એક રસપ્રદ કથા ઉજાગર કરે છે.
શરીરના અન્ય ભાગોની તુલનામાં બગલ કઈ રીતે અલગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાર્વર્ડ મેડિકલ સ્કૂલની વેબસાઇટ અનુસાર માનવશરીરમાં બે પ્રકારની પરસેવાની ગ્રંથિઓ હોય છે.
તેમાં પહેલો પ્રકાર છે ઍક્રાઇન ગ્રંથિઓ. આ ગ્રંથિઓ શરીરના મોટાભાગના ભાગોમાં જોવા મળે છે. તેઓ પાણીયુક્ત પરસેવો ઉત્પન્ન કરે છે, જે મુખ્યત્વે પાણી અને ક્ષારથી બનેલો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ગ્રંથિઓનું મુખ્ય કામ શરીરના તાપમાનને નિયંત્રિત કરવાનું છે. આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતો પરસેવો જ્યારે બાષ્પીભવન થાય ત્યારે શરીર ઠંડું થાય છે.
બીજા પ્રકારની ગ્રંથિને ઍપૉક્રાઇન કહેવામાં આવે છે. આ ગ્રંથિઓ બગલ અને પેટના નીચેના ભાગમાં જોવા મળે છે. આ ગ્રંથીઓ તરુણાવસ્થા દરમિયાન સક્રિય બને છે અને પ્રોટીન, ચરબી અને અન્ય કાર્બનિક સંયોજનોથી ભરપૂર જાડા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે.
ગૉર્ડન જૅમ્સ અને તેમની ટીમ દ્વારા ફેમ્સ માઇક્રોબાયૉલૉજી ઇકૉલૉજી જર્નલમાં પ્રકાશિત 2013ના અભ્યાસ મુજબ ઍપૉક્રાઇન ગ્રંથીઓ શરૂઆતમાં ગંધહીન હોય છે.
જોકે ત્વચા પરના બૅક્ટેરિયા આ સંયોજનોને અસ્થિર રસાયણોમાં રૂપાંતરિત કરે છે, જેને માણસો શરીરની ગંધ તરીકે અનુભવે છે.
આના પરથી સમજાય છે કે સામાન્ય રીતે કપાળ, હાથ અથવા પીઠમાંથી નીકળતા પરસેવાની તુલનામાં બગલમાંથી નીકળતો પરસેવો વધુ દુર્ગંધયુક્ત કેમ હોય છે.
ફેમ્સ માઇક્રોબાયૉલૉજી ઇકૉલૉજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જ્યારે બૅક્ટેરિયા કુદરતી રીતે ગંધહીન પ્રવાહીને અસ્થિર રસાયણોમાં રૂપાંતરિત કરે છે ત્યારે શરીરની દુર્ગંધ ઉત્પન્ન થાય છે.
આ સિવાય, સંશોધકો નોંધે છે કે બગલનો ભાગ ગરમ, ભેજવાળો અને પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી દુર્ગંધ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવાણુઓના ગાઢ સમુદાયોના વિકાસ માટે અનુકૂળ હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
માનવત્વચા અબજો સૂક્ષ્મજીવાણુઓનું ઘર છે. તે બધાને સ્કિન માઇક્રોબાયૉમ કહેવામાં આવે છે. તેમાંથી મોટાભાગના હાનિકારક નથી. જોકે કેટલાક સૂક્ષ્મજીવાણુઓ બગલની દુર્ગંધ ઉત્પન્ન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
'નેચર રિવ્યુઝ માઇક્રોબાયૉલૉજી' અને 'માઇક્રોબાયૉમ' જેવા જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસોએ કોરીનેબૅક્ટેરિયમ અને સ્ટેફાયલૉકૉક્સ નામના બૅક્ટેરિયલ જનરેશનની પ્રજાતિઓને મુખ્ય ફાળો આપનાર તરીકે ઓળખી કાઢ્યા છે.
અભ્યાસ મુજબ "આ સૂક્ષ્મજીવાણુઓ ઍપૉક્રાઇન ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા પરસેવામાં રહેલા સંયોજનોને તોડી નાખે છે અને ગંધકયુક્ત સંયોજનો, ટૂંકી સાંકળવાળા ફૅટી ઍસિડ્સ તથા સ્ટેરોઇડ રાસાયણિક પદાર્થો જેવા ઉડનશીલ અણુઓને મુક્ત કરે છે.
આ જ રસાયણો શરીરની દુર્ગંધ સાથે સંકળાયેલી તીખી, ડુંગળી જેવી, સલ્ફરયુક્ત ગંધ માટે જવાબદાર છે.
2020માં યૉર્ક યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટેફાયલૉકૉકસ હૉમિનિસ બૅક્ટેરિયા દ્વારા ઉપયોગમાં લેવાતા ચોક્કસ ઍન્ઝાઇમની ઓળખ કરી હતી. આ ઍન્ઝાઇમ ગંધરહિત પરસેવાના અણુઓને તીખી ગંધ ધરાવતા સલ્ફરનાં સંયોજનોમાં રૂપાંતરિત કરે છે.
સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલાં તારણો સૂચવે છે કે, "શરીરની ગંધ પાછળની જૈવિક પદ્ધતિઓ લાખો વર્ષો પહેલા વિકસિત થઈ હશે."
યૉર્ક યુનિવર્સિટીના માઇક્રોબાયૉલૉજિસ્ટ અને સંશોધન ટીમના એક પ્રોફેસર કૅવિન થૉમસે જણાવ્યું, "આ સંશોધન દ્વારા અમે બગલની દુર્ગંધ ઉત્પન્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખી કાઢી છે."
શરીરની ગંધ વ્યક્તિએ વ્યક્તિએ અલગ કેમ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
શરીરની ગંધનું સ્તર અને પ્રકૃતિ વ્યક્તિએ વ્યક્તિએ નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે તેમાં આનુવંશિકતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આનું એક જાણીતું ઉદાહરણ ABCC11 નામનું જનીન છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે પૂર્વ એશિયાના લોકોમાં સામાન્ય રીતે જોવા મળતા આ જનીનમાં એક ચોક્કસ પ્રકાર ધરાવતા લોકો બગલની દુર્ગંધ સાથે સંકળાયેલાં રાસાયણિક સંયોજનો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે.
ABCC11 જનીનને શરીરની ગંધ પર અસર કરતાં સૌથી મજબૂત આનુવંશિક પરિબળોમાંનું એક ગણવામાં આવે છે. 'નેચર જિનેટિક્સ જર્નલ'માં પ્રકાશિત 2006ના એક અભ્યાસમાં એક આનુવંશિક પ્રકાર ઓળખાયો હતો, જે સૂકા કાનના મેલ માટે જવાબદાર છે, જે ખાસ કરીને પૂર્વ એશિયન લોકોમાં જોવા મળે છે.
ત્યારબાદના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે આ જ આનુવંશિક પ્રકાર બગલની દુર્ગંધના ઘટાડા સાથે પણ મજબૂત રીતે સંકળાયેલો છે.
સંશોધકોના અંદાજ મુજબ ચીન, કોરિયા અને જાપાન જેવા દેશોના મોટા પ્રમાણના લોકોમાં આ પ્રકારનું જનીન જોવા મળે છે, જ્યારે યુરોપિયન અને આફ્રિકન વંશના લોકોમાં તે ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે.
તે જ રીતે નિષ્ણાતોના જણાવ્યા મુજબ હૉર્મોન્સમાં થતા ફેરફારો પણ દુર્ગંધ માટે જવાબદાર બની શકે છે. કિશોરાવસ્થાના સમયમાં ઍપૉક્રાઇન ગ્રંથિઓ પ્રથમ વખત સક્રિય થવા લાગે છે. તેથી યુવાનીના વર્ષોમાં શરીરની દુર્ગંધ સામાન્ય રીતે વધુ અનુભવાય છે.
તે ઉપરાંત ગર્ભાવસ્થા, માસિક ધર્મ અને મૅનોપૉઝ (માસિક ધર્મ બંધ થવાની અવસ્થા) દરમિયાન હૉર્મોન્સના સ્તરમાં થતા ફેરફારોને કારણે પણ શરીરની ગંધમાં પરિવર્તન આવી શકે છે.
શું ખોરાક શરીરની દુર્ગંધનું કારણ બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ખોરાક શરીરની દુર્ગંધ પર અસર કરી શકે છે, પરંતુ તેની અસર વ્યક્તિએ વ્યક્તિએ નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે.
ક્લીવલૅન્ડ ક્લિનિક વેબસાઇટ અનુસાર લસણ, ડુંગળી, બ્રૉકોલી, કોબી અને ફુલાવર જેવા સલ્ફર સંયોજનોથી ભરપૂર ખોરાક સામાન્ય રીતે શરીરની ગંધમાં થતા ફેરફાર સાથે સંકળાયેલા હોય છે.
કારણ કે ગંધકયુક્ત સંયોજનો પરસેવા દ્વારા શરીરમાંથી બહાર નીકળી શકે છે. ઉપરાંત ક્લીવલૅન્ડ ક્લિનિક અનુસાર આલ્કોહૉલ અને મસાલેદાર ખોરાક પણ પરોક્ષ રીતે ફાળો આપી શકે છે.
તેના પરિણામે શરીરની દુર્ગંધ માટે જવાબદાર બૅક્ટેરિયાની પ્રવૃત્તિને અનુકૂળ એવું વાતાવરણ ઊભું થાય છે.
તેમ છતાં નિષ્ણાતો ચેતવણી આપે છે કે સતત રહેતી શરીરની દુર્ગંધ માટે માત્ર ખોરાક જ મુખ્ય કારણ હોય એવું બહુ જ દુર્લભ છે.
મોટાભાગના કિસ્સાઓમાં શરીરની દુર્ગંધ સંપૂર્ણપણે સામાન્ય બાબત છે. પરંતુ હાર્વર્ડ મેડિકલ સ્કૂલ વેબસાઇટ અનુસાર કેટલીકવાર શરીરની વાસમાં અચાનક અથવા અસામાન્ય ફેરફાર કોઈ આંતરિક તબીબી સમસ્યાનો સંકેત હોઈ શકે છે
ઉદાહરણ તરીકે, ક્લીવલૅન્ડ ક્લિનિક અનુસાર હાઇપરહિડ્રોસિસ (વધુ પડતો પરસેવો) ડાયાબિટીસ, લીવરને નુકસાન, કિડનીને નુકસાન અને ચોક્કસ મેટાબોલિક ડિસઑર્ડર જેવી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.
ઉપરાંત ટ્રાઇમેથિલેમિન્યુરિયા નામની એક દુર્લભ વારસાગત સ્થિતિ છે, જેને "ફિશ ઑર્ડર સિન્ડ્રોમ" (માછલી જેવી ગંધ ધરાવતો રોગ) પણ કહેવામાં આવે છે.
આ સ્થિતિ ધરાવતા લોકોનું શરીર ટ્રાઇમેથિલેમિન નામના પદાર્થને અસરકારક રીતે વિઘટિત કરી શકતું નથી. બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા અનુસાર આના કારણે પરસેવો, પેશાબ અને શ્વાસમાંથી માછલી જેવી વિશિષ્ટ ગંધ આવે છે.
આથી જો શરીરની દુર્ગંધ અચાનક શરૂ થાય, સામાન્ય કરતાં ઘણી વધારે તીવ્ર હોય અથવા અન્ય લક્ષણો સાથે જોવા મળે, તો તબીબની સલાહ લેવી જોઈએ, એવી ભલામણ NHS દ્વારા કરવામાં આવી છે.
બગલની દુર્ગંધ ઘટાડવાના ઉપાયો

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસો મુજબ, દુર્ગંધ ઉત્પન્ન કરવામાં મુખ્ય ભૂમિકા બૅક્ટેરિયાની હોવાથી શરીરને નિયમિત રીતે સ્વચ્છ રાખવાથી પરસેવાનું વિઘટન કરતા સૂક્ષ્મજીવોની સંખ્યા ઘટે છે.
રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ ભલામણ કરે છે કે દરરોજ શરીરને સાફ કરવું જોઈએ, ખાસ કરીને કસરત પછી અથવા ગરમ હવામાનમાં મુસાફરી કર્યા પછી. એવું પણ કહેવાય છે કે બગલ, જાંઘની ઉપરનો ભાગ અને પગના તળિયાની સફાઈ પર ખાસ ધ્યાન આપવું લાભદાયી સાબિત થાય છે.
એ જ રીતે અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઍન્ટિપર્સપિરન્ટ્સ (પરસેવો રોકતાં ઉત્પાદનો)નો ઉપયોગ પણ અસરકારક છે. તેમાં રહેલા ઍલ્યુમિનિયમ આધારિત સંયોજનો પરસેવાની નળીઓને તાત્કાલિક રીતે અવરોધે છે, જેના કારણે પરસેવો ઓછો થાય છે.
અમેરિકન ઍકેડેમી ઑફ ડર્મેટોલૉજી અનુસાર આ રીતે પરસેવાનું પ્રમાણ ઘટાડવાથી દુર્ગંધ પેદા કરતી બૅક્ટેરિયલ પ્રક્રિયાઓ નિયંત્રિત થાય છે.
નિષ્ણાતો એવી પણ ભલામણ કરે છે કે કપડાં નિયમિતપણે બદલવા જોઈએ, કારણ કે દુર્ગંધ ઉત્પન્ન કરતા બૅક્ટેરિયા કપડાંમાં પણ ટકી રહી શકે છે.
કેટલાક અભ્યાસો સૂચવે છે કે બગલના વાળ દૂર કરવાથી અથવા ટ્રિમ કરવાથી દુર્ગંધ અમુક અંશે ઓછી થઈ શકે છે.
વાળ પરસેવો અને બૅક્ટેરિયાને એકત્રિત થવા માટે વધુ સપાટી પૂરી પાડે છે, જેના કારણે દુર્ગંધ વધવાની શક્યતા રહે છે.
જોકે, 'જર્નલ ઑફ કૉસ્મેટિક ડર્મેટોલૉજી'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસે દર્શાવ્યું છે કે બગલના વાળ દૂર કરવાથી માત્ર તે વિસ્તારને ધોવાથી મળતા લાભ કરતાં વધુ પ્રમાણમાં દુર્ગંધને નિયંત્રિત કરી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















