'મારી પાસે 40 કિલો સોનું છે, મારા પતિ દર વર્ષે મારા માટે ત્રણ કિલો સોનું ખરીદે છે' - કોણ છે આ 'ગોલ્ડન ક્વીન'?

તાબિંદા સનપાલ, 40 કિલો સોનું, ગોલ્ડન ક્વીન

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, તાબિંદા સનપાલ
    • લેેખક, વંદના
    • પદ, ન્યૂઝ એડિટર, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"મેં જ્યારથી મારા પતિ સતીશ સાથે રહેવાનું શરૂ કર્યું, ત્યારથી હું રોજ સવારે તેમના પગની માલિશ કરું છું. તેઓ એક રાજકુમારની માફક ઊઠે છે. હિંદુ માન્યતા પ્રમાણે, જો કોઈ પત્ની રોજ સવારે તેના પતિના ચરણ સ્પર્શ કરે અને તેમની પૂજા કરે, તો કહેવાય છે કે, ત્યાં લક્ષ્મીદેવીનો વાસ થાય છે."

નેટફ્લિક્સ પરના નવા રિયાલિટી શો 'દેસી બ્લિંગ'ની શરૂઆતમાં દેખાતું એ દૃશ્ય જોઈને દર્શકોને ચોંકી જાય છે, જેમાં દુબઈ સ્થિત ભારતીય અબજોપતિ બિઝનેસમૅન સતીશ સનપાલનાં પત્ની સવારે તેમના પતિના પગની માલિશ કરે છે.

'દેસી બ્લિંગ' એક રિયાલિટી શો છે, જેમાં દુબઈમાં રહેતા ધનાઢ્ય ભારતીયોના વૈભવી જીવન, તેમના સંબંધો, વ્યવસાય, સામાજિક મેળાવડા, રાજનીતિ અને તેની સાથે જોડાયેલી જટિલતાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

શોમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા જેવાં ટીવી સ્ટાર્સની સાથે જબલપુર સ્થિત બિઝનેસમૅન સતીશ સનપાલ અને તેમનાં પત્ની તાબિંદા છે.

તાબિંદા પાકિસ્તાની-બ્રિટિશ મૂળનાં છે અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે.

કેટલાક લોકો તેમને કેવળ એક બિઝનેસમૅનનાં પત્ની તરીકે જુએ છે, તો અન્ય લોકો તેમને સફળ બિઝનેસવુમન તરીકે બિરદાવે છે.

વળી, તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સામાજિક કાર્યકર પણ છે.

જોકે, શોમાં તેમણે કરેલી ટિપ્પણીની ઘણા લોકોએ ભારે ટીકા કરતાં કહ્યું હતું કે, તેઓ પિતૃસત્તાક માનસિકતા ધરાવે છે.

શોમાં જ્યારે તાબિંદાનાં મિત્રોએ તેમનું ધ્યાન દોર્યું કે, તેમના પતિ ઘણી મહિલાઓ સાથે સમય પસાર કરે છે, ત્યારે તાબિંદાએ એકદમ શાંતિથી પ્રતિભાવ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "સતીશને મહિલાઓ સાથે સમય પસાર કરવો ગમે છે. જોકે, અમુક વખત મને ઈર્ષ્યા આવતી હોય છે, છતાં મને તેમના પર પૂરો વિશ્વાસ છે."

"દરેક પાર્ટીમાં તેઓ જુદી-જુદી મહિલાઓ સાથે હોય છે, તેની સામે મને કોઈ વાંધો નથી."

"પણ હા, જો તેઓ અવાર-નવાર એક જ મહિલા સાથે હશે, તો મને જરૂર વાંધો પડશે."

"કારણ કે, જ્યારે તમે એકની એક જ વ્યક્તિને મળતાં રહો છો, ત્યારે પ્રેમમાં પડવાની શક્યતા રહે છે."

દેસી બ્લિંગ શો પર કેવા આક્ષેપો થઈ રહ્યા છે?

તાબિંદા સનપાલ, 40 કિલો સોનું, ગોલ્ડન ક્વીન

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, કેટલાક લોકો 'દેસી બ્લિંગ' શોને વખોડી રહ્યા છે, તો કેટલાક લોકો શોનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિયાલિટી શોનાં સ્પર્ધકો સાથે કામ કરી ચૂકેલાં કૉર્પોરેટ મનોવિજ્ઞાની અને મૅરેજ કાઉન્સેલર નિશા ખન્ના કહે છે, "આ બાબત દર્શાવે છે કે, તાબિંદામાં આત્મવિશ્વાસનો અભાવ વર્તાય છે. તેમણે પિતૃસત્તાક માનસિકતા અને તેની વાસ્તવિકતાઓને સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે."

"શું શોએ તાબિંદાને એવું પૂછવું નહોતું જોઈતું કે, જો તેઓ આ રીતે પાર્ટીઓમાં જતાં હોત અને જુદા-જુદા પુરુષોને મળતાં હોત, તો શું તેમના પતિ તે સ્વીકારત?"

ફિલ્મસર્જક લક્ષ્મી અય્યરે શો વિશે ટિપ્પણી કરી હતી, "મેં એક રિયાલિટી શોમાં જોયું હતું કે, પતિ પત્નીને છેતરી રહ્યો હોય, તો પણ પત્નીને તેની કોઈ પરવા ન હોય અને પતિ બીજી મહિલા સાથે હોય, તેની સામે તેને કશો વાંધો પણ હોય."

વધુમાં તેમણે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું, "આ પ્રકારની વ્યર્થ ટિપ્પણીઓને સામાન્ય ન ગણવી જોઈએ."

"વિશ્વાસ અને પ્રામાણિકતા આજે પણ ઘણા મહત્ત્વના ગુણ છે. આ પ્રકારની ટિપ્પણીઓ ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર સ્વીકાર્ય હોવાનું દર્શાવવામાં આવે છે, તેના પરથી જાણી શકાય છે કે, આપણા સમાજનું સ્તર કેટલું કથળી ગયું છે."

જે રીતે 'દેસી બ્લિંગ' શોના આલોચકો છે, એ જ રીતે એક વર્ગ એવો પણ છે, જે તેની મજા માણી રહ્યો છે.

દુબઈ રહેતાં અનીલી બ્રિજલાલે તેમના ફેસબુક પેજ પર લખ્યું હતું, "મારે સ્વીકારવું જોઈએ કે, મને આ શો જોવાની મજા આવી. તેમાં ઘણો ડ્રામા રહેલો છે."

"સૌકોઈ એકબીજાને દગો દઈ રહ્યાં છે. હું આગામી સિઝનની રાહ જોઈ રહી છું."

મનોરંજન ઉદ્યોગનાં બ્લૉગર મારિયા મોટ્ઝે પણ ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, એક વખત આ શો જોવાનું ચાલુ કર્યા પછી તમે તેને અંત સુધી જોયા વિના રહી નહીં શકો.

આ શો જોયા પછી નિશા ખન્નાએ કહ્યું હતું, "'દેસી બ્લિંગ' ખુલ્લેઆમ પિતૃસત્તાક પ્રવાહ, પારિવારિક રાજકારણ અને માત્રને માત્ર પૈસા અને સ્વાર્થના પાયા પર બંધાયેલા સંબંધો દર્શાવે છે."

તેઓ કહે છે કે, "જોકે, આ શોમાં મનોરંજનનું પાસું પણ રહેલું છે. લોકોને એ જાણવામાં રસ છે કે, આટલા સંપત્તિવાન લોકો કેવી રીતે જીવે છે, તેઓ શું પહેરે છે અને તેમની પાર્ટી કેવી હોય છે."

"આથી, લોકો તે જોવાનું ચાલુ રાખશે."

તાબિંદા કેમ 'ગોલ્ડન ક્વીન' અને 'ગોલ્ડ હંટ' કહેવાય છે?

તાબિંદા સનપાલ, 40 કિલો સોનું, ગોલ્ડન ક્વીન

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, તાબિંદા તેમના પતિ સતીશ સનપાલ સાથે

'દેસી બ્લિંગ' શોનાં મહિલા પાત્રોની ઘણી ચર્ચા થઈ રહી છે, ત્યારે બીજી તરફ, પુરુષ પાત્રો સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

ઉદાહરણ તરીકે, જ્યારે તાબિંદાએ કરણ કુંદ્રાને એવી સલાહ આપી કે, 'તેજસ્વી તમારા માટે યોગ્ય પાર્ટનર નથી,' ત્યારે તેમની ગેરહાજરીમાં કરણ કહે છે, "હું માત્ર એવા લોકો પાસેથી જ સલાહ લઉં છું, જેમણે જીવનમાં કોઈક સિદ્ધિ મેળવી હોય. તાબિંદા પાસે સતીશનાં પત્ની હોવા સિવાય શું છે?"

કરણની ટિપ્પણીથી એ સવાલ ઊઠે છે કે, વ્યવસાયનું આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરવામાં પતિને મદદ કરવી, પોતાની ખુદની કંપની ચલાવવી, ઘરની દેખરેખ રાખવી અને પુત્રીની સંભાળ લેવી, એ શું તાબિંદાની સિદ્ધિ નથી? જોકે, સહ-સ્પર્ધકોએ તેજસ્વીનો વિરોધ કર્યો હોવા છતાં કરણ આખરે તેજસ્વીની પડખે ઊભા રહે છે.

શોમાં 'બિંદા' તરીકે જાણીતાં તાબિંદા કદાચ આ શોનું સૌથી મહત્ત્વનું પાત્ર બની ચૂક્યાં છે. જેવી રીતે 'ફૅબ્યુલસ લાઇવ્ઝ વર્સિઝ બોલિવૂડ વાઇવ્ઝ' પછી શાલિની પાસ્સી તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું, બરાબર એવી જ રીતે તાબિંદાએ પણ લોકપ્રિયતા મેળવી છે.

આ શોમાં તાબિંદાને મોટાભાગે મોટા બિઝનેસમૅનનાં પત્ની તરીકે દર્શાવવામાં આવ્યાં છે, તેમને પાર્ટીઓમાં જતાં અને સંપત્તિનું પ્રદર્શન કરતાં જોઈ શકાય છે.

તેજસ્વી પ્રકાશ સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં તાબિંદા કહે છે, "તમે માનશો નહીં, મારી પાસે 40 કિલો સોનું છે."

"મારી પુત્રીનો જન્મ થયો, તે પહેલાં મારા પતિએ મને તેના (પુત્રી) માટે સોનાનાં વાસણ બનાવવા કહ્યું હતું. તેની પાસે બધું જ છે - સોનાની પ્લેટ, સોનાની ચમચી અને સોનાનો ગ્લાસ."

આગળ તેમણે કહ્યું હતું, "તે દુબઈની સૌથી એશોઆરામમાં રહેતી બાળકી છે. તેના પ્રથમ જન્મદિવસ પર અમે તેને 24 કૅરેટ સોનાનો ડ્રેસ પહેરાવ્યો હતો."

તેઓ ગર્વભેર જણાવે છે કે, "સતીશ દર વર્ષે મારા માટે ત્રણ કિલો સોનું ખરીદે છે."

તાબિંદાના પતિ તેમને 'ગોલ્ડન ક્વીન' કહે છે, પણ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તાબિંદાની 'ગોલ્ડ ડિગર' (પૈસા માટે લગ્ન કરનાર) તરીકે ટીકા કરી રહ્યા છે.

તાબિંદા કોણ છે?

તાબિંદાના સોશિયલ મીડિયા પેજીઝ પર નજર કરતાં ત્યાં તમને સાવ અલગ જ તાબિંદા જોવા મળશે.

લિંક્ડઇન પર તાબિંદા ANAX કૅપિટલ ફાયનાન્સ માર્કેટ્સનાં સ્થાપક અને ડિરેક્ટર તરીકે સૂચિબદ્ધ છે, જેને 2025માં 'નાણાંકીય બજારમાં સૌથી ઝડપથી વિસ્તરી રહેલી કંપની' તરીકે નામાંકિત કરવામાં આવી હતી. ત્યાં તેઓ વ્યવસાયમાં નેતૃત્વ અને મહિલા ઉદ્યોગસાહસિકતા વિશે વાત કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર તેઓ સ્વયંનો પરિચય 'મોમપ્રિન્યૉર' (માતા અને ઉદ્યોગસાહસિક) તેમજ દૂરદર્શી નેતા તરીકે આપે છે.

'દેસી બ્લિંગ'માં બધું જ છે - ડ્રામા, સંઘર્ષ, ગૉસિપ, ગ્લૅમર અને કાવતરાં.

કદાચ બીજા બધા શોની સરખામણીમાં તે દસ ગણો વધુ ભવ્ય છે. પણ તેની સાથે જ, 'દેસી બ્લિંગ' આપણી સમક્ષ ઘણા અસહજ સવાલો છોડી જાય છે.

નિશા ખન્ના કહે છે, "ઘણી જગ્યાએ તાબિંદા પિતૃસત્તાક વિચારોને વેગ આપે છે અને તેની સાથે જ તેઓ તે વિચારનાં પીડિતા પણ છે."

આ એપિસોડમાં તાબિંદા તેઓ આઠ વર્ષ સુધી માતા નહોતાં બની શક્યાં, તે સમયના તેમના સંઘર્ષો વિશે વાત કરે છે.

તેઓ સવાલ કરે છે કે, "સંતાનવિહોણા હોવું ઘણું મુશ્કેલ છે. શું તમે જાણો છો કે, ભારતીય પરિવારોમાં તેના કારણે કેવી સ્થિતિ સર્જાય છે?"

તાબિંદાએ લંડનમાં તેમનાં ઍગ્સ ફ્રીઝ કરાવી રાખ્યાં છે અને તેઓ આઇવીએફ સારવાર થકી ફરીથી માતા બનવા માગે છે.

તાબિંદા સનપાલ, 40 કિલો સોનું, ગોલ્ડન ક્વીન

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

ઇમેજ કૅપ્શન, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ શોનું હોસ્ટિંગ કરી રહ્યાં છે.

તાબિંદા માટે, શું બીજી વખત મા બનવું પતિને ફરી પોતાના કરવા માટેનો છેલ્લો પ્રયત્ન હશે?

તેઓ હંમેશાં જણાવે છે તેમ, "જો બીજું બાળક અમારા જીવનમાં આવ્યું, તો સતીશ પાર્ટીઓમાં જવાનું બંધ કરી દેશે અને અમારી સમસ્યાઓ પણ ઉકેલાઈ જશે."

જો તમે આખો શો જોશો, તો 'દેસી બ્લિંગ' શોની ભવ્યતા - લખલૂંટ દોલત, મોંઘી વૈભવી કાર, આલિશાન ઘરો અને દુબઈની ભવ્ય પાર્ટીઓ દર્શકોને ક્ષણભર માટે અચંબામાં નાખી દેશે.

આ તમામ મોંઘી બ્રાન્ડ્ઝ આપણાં ઘરનાં ડુંગળી અને બટેટા જેટલી સામાન્ય છે. 'બ્લિંગ' એટલે ચળકતી, મોંઘી, વૈભવી ચીજો.

'દેસી બ્લિંગ' એ કેવળ દેખાડો કરવા માટેનો શો નથી, તે એકલતા, ખાલીપણા અને લઘુતાગ્રંથિની ભાવનાનું પ્રતીક છે. ભાવનાઓ મોંઘી ચીજો, સોનાનાં આભૂષણો અને રત્નો પાછળ છૂપાયેલી છે.

આ શો કેવળ મનોરંજ માટે નથી, બલ્કે તમે ઇચ્છો, તો તેમાંથી ઘણું બધું શીખી પણ શકો છો. 'દેસી બ્લિંગ'માં શું સાચું છે અને શું બનાવટી, તેનો નિર્ણય દર્શકોએ કરવાનો છે.

સતીશ સનપાલ જણાવે છે તેમ, "હું મોટાભાગે હિંદીમાં વાત કરું છું, કારણ કે, મને અંગ્રેજી નથી આવડતું, પણ મારા પૈસા બોલે છે."

આ દરમિયાન તાબિંદા સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચાસ્પદ હસ્તી બની ચૂક્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન