અમેરિકા મિડટર્મ ચૂંટણી : રિપબ્લિકન પાર્ટીના ઐતિહાસિક પરાજય બાદ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી આશાવાદી ડેમૉક્રેટિક સમર્થકે પણ કદાચ આવા નાટકીય પરિણામોની કલ્પના કરી નહોતી. ડેમૉક્રેટ્સે લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં નોંધપાત્ર જીત મેળવીને કૉંગ્રેસનાં બંને ગૃહો પર નિયંત્રણ મેળવી લીધું છે.
એવું લાગતું હતું કે સેનેટ પર કોનું નિયંત્રણ રહેશે તે જાણવા માટે કદાચ કેટલાક દિવસો સુધી રાહ જોવી પડશે. પરંતુ ડેમૉક્રેટ્સની જીતનું પ્રમાણ એટલું મોટું હતું કે અમેરિકામાં મધરાત પહેલાં જ તેમની જીત જાહેર થઈ ગઈ.
ડેમૉક્રેટ્સ માટે આયોવા અથવા ઓહાયોમાંથી કોઈ એક રાજ્યમાં જીત મેળવવી પણ વિશેષ ગણાઈ શકી હોત. કદાચ ટૅક્સાસ અથવા કૅન્સાસમાં જીતની શક્યતા હતી. પરંતુ આ ચારેય રાજ્યોમાં જીત મેળવવી ખરેખર ચોંકાવનારી બાબત છે.
આવું કેમ થયું તે કોઈ રહસ્ય નથી. સમગ્ર અમેરિકામાં મતદારો જીવનનિર્વાહના વધતા ખર્ચથી નારાજ છે અને તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માને છે. ઘણા મતદારોનું માનવું છે કે ઈરાન સામે યુદ્ધ કરવાનો તેમનો નિર્ણય અને તેમની વેપાર શુલ્ક (ટેરિફ) નીતિઓએ કિંમતોમાં વધારો કર્યો.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે, "હું મતપત્રકમાં ઉમેદવાર તરીકે નહોતો અને જો હોત તો અમે ભારે બહુમતીથી જીત્યા હોત!"
છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી તેઓ પોતાના સમર્થકોને એવો સંદેશ આપી રહ્યા હતા કે જાણે તેઓ જ ચૂંટણી લડી રહ્યા હોય. તેમની લોકપ્રિયતા ઐતિહાસિક નીચા સ્તરે હોવા છતાં રિપબ્લિકન અભિયાનનું કેન્દ્રબિંદુ પોતાને બનાવવું જોખમી સાબિત થયું. હવે એવું લાગે છે કે આ વ્યૂહરચના તેમના માટે ઉલટી પડી છે.
હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે તેઓ "મિસ્ટર વીટો" બની જશે. તેઓ રાષ્ટ્રપતિ તરીકે મળેલી વીટો સત્તાનો ઉપયોગ કરીને ડેમૉક્રેટિક કૉંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવતાં કાયદા બનતા અટકાવી શકે છે. પરંતુ બીજી તરફ, ડેમૉક્રેટ્સ પણ હવે તેઓ પસાર કરવા માગતા કોઈપણ કાયદાકીય પ્રસ્તાવને અટકાવી શકે છે.
ડેમૉક્રેટ્સ હવે કૉંગ્રેસીય તપાસો પણ શરૂ કરી શકશે. આ તપાસો ટ્રમ્પના કેટલાક સૌથી વિવાદાસ્પદ નિર્ણયો અને તેઓ તથા તેમના પરિવારજનોએ વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા પછી જે રીતે 'આર્થિક લાભ' મેળવ્યો છે તેની રીતો પર કેન્દ્રિત હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા
રિપબ્લિકન પાર્ટીના ખરાબ દેખાવ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
તેમણે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે લખ્યું હતું કે, "હું બૅલેટ પર નહોતો. (હું ચૂંટણી મેદાનમાં નહોતો) જો હું બૅલેટ પર હોત તો અમારી લૅન્ડસ્લાઇડ જીત થઈ હોત."
વિશ્લેષકો ટ્રમ્પનાં આ નિવેદનને પાર્ટીના નિવેદનથી અલગ રીતે જુએ છે.
ન્યૂ યૉર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ પરિણામોને સ્વીકારવા તૈયાર છે અને ડેમૉક્રેટિક પાર્ટી સાથે મળીને કામ કરવા તૈયાર છે.
તેમણે કહ્યું હતું કે, "અમે તેમની સાથે કામ કરવા જઈ રહ્યા છીએ. અમે કંઈક કરીશું."
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે માન્યું કે મિડટર્મ ચૂંટણી દરમિયાન ઈંધણના વધેલા ભાવોથી રિપબ્લિકન પાર્ટીને નુકસાન થયું. તેમણે કહ્યું કે જ્યારે લોકોએ ઈંધણ માટે વધારે ડૉલર ચુકવવાના થયા, તો તે લોકોને પસંદ ન પડ્યું.
ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ચૂંટણી પરિણામોને તેઓ પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ સામેનો ઝાટકો નથી માનતા.
ટ્રમ્પની આર્થિક નીતિઓને લઈને અમેરિકન મતદાતાઓમાં નારાજગી હતી : મતદાર સર્વે
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ પહેલાં કરવામાં આવેલા મતદાર સર્વેક્ષણનાં પ્રાથમિક પરિણામો અનુસાર, લગભગ બે-તૃતીયાંશ મતદાતાઓનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ અમેરિકાની આર્થિક સ્થિતિને વધુ ખરાબ બનાવી છે.
તેના વિરુદ્ધ, 28 ટકા મતદાતાઓએ માન્યું કે ટ્રમ્પની નીતિઓના કારણે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો છે, જ્યારે માત્ર 8 ટકા મતદાતાઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિની નીતિઓનો અર્થવ્યવસ્થા પર કોઈ નોંધપાત્ર અસર પડી નથી.
સર્વેક્ષણમાં મતદાતાઓને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તેમના મતદાન પાછળનું એક કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે સમર્થન અથવા વિરોધ વ્યક્ત કરવાનું હતું.
આ પ્રશ્નના જવાબમાં 43 ટકા મતદાતાઓએ કહ્યું કે તેમણે પોતાના મત દ્વારા રાષ્ટ્રપતિ પ્રત્યેનો વિરોધ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, 41 ટકા લોકોએ જણાવ્યું કે તેમના મતદાનના નિર્ણયમાં ટ્રમ્પ કોઈ મહત્ત્વપૂર્ણ પરિબળ નહોતા.
માત્ર 16 ટકા મતદાતાઓએ કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે મતદાન કર્યું હતું.
જોકે, સર્વેક્ષણના આ આંકડા હજુ પ્રાથમિક છે અને રાત્રિ દરમિયાન વધુ માહિતી ઉપલબ્ધ થતાં તેમાં ફેરફાર થઈ શકે છે.
રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પક્ષના મતદાતાઓ વચ્ચેના મતભેદ અને મતદાનના વલણ અંગેની વિગતવાર માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.
ભારતીય મૂળનાં પિયા ડાંડિયાની જીત

ઇમેજ સ્રોત, @PiaforCongress
બીબીસીની પાર્ટનર ચૅનલ સીબીએસ અનુસાર, ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર અને ભારતીય મૂળનાં પિયા ડાંડિયાએ ફ્લૉરિડાની 22મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની બેઠક જીતી લીધી છે.
તેમણે દક્ષિણ ફ્લૉરિડાની સૌથી હાઇ-પ્રોફાઇલ ચૂંટણી મુકાબલામાંથી એક મનાતા જંગમાં રિપબ્લિકન ઉમેદવાર કેસી એસ્કરને હરાવી દીધાં છે.
ડાંડિયાનો વિજય ડેમૉક્રેટિક પાર્ટી માટે એક નવા ચૂંટણી ક્ષેત્રમાં જીત દર્શાવે છે. આ વિસ્તારનું પરિસીમન થયું હતું.
પિયા ડાંડિયા અગાઉ હાર્લેમમાં શિક્ષિકા અને હાઇસ્કૂલના પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. તેમણે વ્હાઇટ હાઉસ ફેલો તરીકે પણ સેવા આપી છે અને ઍપલમાં પણ કામ કર્યું છે.
પામ બીચ કાઉન્ટીમાં ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાના ઘરમાં જન્મેલાં અને ઉછરેલાં પિયાએ તેમના પ્રચારમાં શિક્ષણ, મોંઘવારી સાથે જોડાયેલા પડકારો અને આર્થિક તકોને મુખ્ય મુદ્દાઓ બનાવ્યા.
પિયા ડાંડિયાએ ઑગસ્ટમાં ડેમૉક્રેટિક પ્રાઇમરી ચૂંટણી પણ જીતી હતી.
ડેમૉક્રેટિક પાર્ટી જ્યૉર્જિયાની મહત્ત્વની બેઠક પણ જીતવા જઈ રહી છે.
આ ચૂંટણી શેની છે અને બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની કૉંગ્રેસ(સંસદ) એ બે ગૃહથી બનેલી છે. જેમાં નીચલું ગૃહ એ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ ગણાય છે અને ઉચ્ચ ગૃહ તરીકે સેનેટ હોય છે.
મિડટર્મ ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવની તમામ 435 બેઠકો પર ચૂંટણી થઈ હતી.
આ સિવાય સેનેટની 100માંથી 35 બેઠકો પર ચૂંટણી હતી. રાજ્યસ્તરનાં અનેક પદ માટે પણ ચૂંટણીઓ હતી જેમાં ગવર્નર પદ પણ સામેલ હતાં.
અત્યારની પરિસ્થિતિ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ બંનેમાં બહુમતી છે.
પરિણામો આ સ્થિતિને બદલી શકે છે એવાં અનુમાનો પૉલમાં દર્શાવવામાં આવ્યા છે.
હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં બહુમતી માટે 218 બેઠકો જરૂરી છે જ્યારે સેનેટમાં બહુમતી માટે 51 બેઠકો જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























