'માણસો નથી, માત્ર તેમનાં આદમકદનાં પૂતળાં છે!' – જૂનાં મકાનોમાં અદૃશ્ય થઈ ચૂકેલી દુનિયા સાચવીને બેઠેલા ભૂતિયા ટાપુનું રહસ્ય શું છે?

ઇમેજ સ્રોત, Barrett & MacKay
- લેેખક, જૅનિફર બૅઇન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
એક સમયે લૅબ્રાડૉરના માછીમારી ઉદ્યોગનું ધમધમતું કેન્દ્ર રહેલું બૅટલ હાર્બર હવે એકાંત ટાપુ પરના વિશ્રામસ્થાન તરીકે નવજીવન પામ્યું છે, જ્યાં આધુનિક જીવનની ભાગ્યે જ કોઈ નિશાની જોવા મળે છે.
થોડાક સ્થાનિક રહેવાસીઓ વ્હાર્ફ (વહાણ લાંગરવાનું સ્થળ) પર ભેગા થયા છે. બાંય ચડાવેલા ચાર માછીમારોની ટુકડી કૉડ માછલીના ટુકડા કરી રહી છે. તેઓ લૅબ્રાડૉરના આ દૂરના ટાપુ પર 'રહેતા' માછીમારો છે. તેમની પાછળ કોટ-પાટલૂન પહેરેલા વેપારીઓ અને બીજા કેટલાક માછીમારો ઊભા છે. તેમાંના કેટલાકે પાણીથી રક્ષણ આપતાં તેલિયાં વસ્ત્રો પહેર્યાં છે. સૌ સફેદ રંગના લાકડાના મકાનની સામે સમૂહ-તસવીર પડાવવા માટે ગોઠવાયા છે. મકાનની કિનારીઓ પર ગેરુઆ-લાલ રંગની પટ્ટીઓ છે.
પરંતુ અમારી ફેરી (નાની મુસાફર બોટ) વ્હાર્ફ તરફ આગળ વધે છે ત્યારે કંઈક અજુગતું લાગે છે. આકાશની જેમ સૌના ચહેરા પણ રાખોડી દેખાય છે અને કોઈ હલનચલન કરતું નથી.
હું માથું હલાવીને જાણે ભ્રમમાંથી બહાર આવું છું અને યાદ કરું છું કે હું એવા સ્થળે આવી રહી છું, જે ગર્વથી પોતાને 'સામાન્ય દુનિયાથી નવ માઇલ દૂર' ગણાવે છે. આ બધા લોકો 1900ની આસપાસ જીવતા હતા, જ્યારે આ સ્થળ દુનિયાભરમાં મીઠું ચડાવેલી માછલીઓના વેપારનું પાટનગર હતું. પરંતુ હવે એ લોકો માત્ર જૂની તસવીરોમાં જ જોવા મળે છે. તે જ તસવીરોના આધારે તેમનાં આદમકદનાં પૂતળાં તૈયાર કરીને અહીં ગોઠવવામાં આવ્યાં છે.
ફેરીમાંથી લાકડાના પાટિયા પર પગ મૂકીને અમે નીચે ઊતરીએ છીએ ત્યારે બૅટલ હાર્બર હિસ્ટોરિક ટ્રસ્ટના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીટર બુલ કહે છે, 'બૅટલ હાર્બરમાં આપનું સ્વાગત છે.'

ઇમેજ સ્રોત, Jennifer Bain
બુલ ઝડપથી અહીંની કેટલીક વ્યવહારુ બાબતો સમજાવી દે છે.
બપોરનું ભોજન અડધા કલાક પછી, બપોરે 12:30 વાગ્યે છે. બપોરે 1:30 વાગ્યે સ્થળદર્શન શરૂ થશે. જૂના કબ્રસ્તાનમાં આર્કટિક શિયાળનો એક પરિવાર રહે છે.
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા બે વાયરલેસ રેડિયો ટાવરોને બચાવવાની જરૂર છે. અહીં મોબાઇલ ફોનનું નેટવર્ક નથી અને વાઇ-ફાઇની સુવિધા પણ માત્ર એક જ સામૂહિક સ્થળે ઉપલબ્ધ છે. સૂર્યોદય સવારે 6:19 વાગ્યે થાય છે. વાન્ડા ફિફિલ્ડ મને મારા રૂમ સુધી લઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'માંડ અડધો માઇલ લાંબા આ નાનકડા ટાપુ પર એક સમયે માછીમારો અને વેપારીઓની ભારે ચહલપહલ રહેતી હતી, એ માનવું મુશ્કેલ છે.'
'આ કટોકટીની સ્થિતિ માટેની વ્યવસ્થા છે. તમારે બસ આ બટન દબાવવાનું છે,' ફિફિલ્ડ મારા રૂમની નજીકના હૉલવેમાં રાખેલા વૉકી-ટૉકી પાસે અટકીને કહે છે. 'રાત્રે કોઈ તકલીફ પડે, તમે બીમાર પડો, ઈજા થાય કે બીજી કોઈ મુશ્કેલી હોય તો આ ચોરસ બટન દબાવજો. પછી તમારી તકલીફ શું છે એ તેમને જણાવજો. તમે મર્ચન્ટ બિલ્ડિંગમાં રોકાયાં છો એ પણ કહેજો, જેથી તમે કઈ જગ્યાએ રહો છો અને કઈ કૉટેજમાં આવવાનું છે એ તેમને ખબર પડે.'
જીર્ણોદ્ધાર કરાયેલાં લાકડાનાં મકાનો એક સમયે માછલીઓ સાફ કરવા અને સૂકવવા માટે વપરાતાં હતાં. કાળની થપાટોથી ઘસાઈ ગયેલાં લાકડાનાં મંચ તથા ઉનાળામાં રહેવા માટેનાં 16 ખાનગી નિવાસસ્થાનોને કારણે બૅટલ હાર્બર આજે પણ આશ્ચર્યજનક રીતે સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે.
જોકે, અહીં આખું વર્ષ કાયમી વસવાટ કરનારું કોઈ રહ્યું નથી એ વાતને અડધી સદી કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. લૅબ્રાડૉરના અઘોષિત પાટનગર તરીકેની તેની ઓળખ તો તેનાથી પણ ઘણાં વર્ષો પહેલાં જ ભૂંસાઈ ગઈ હતી. સમયમાં પાછળ સરી જવા માટે મારી પાસે અહીં બે રાતનો સમય છે.

ઇમેજ સ્રોત, Battle Harbour Historic Trust
બૅટલ હાર્બર સુધી પહોંચવાનો રસ્તો જ કોઈ સાહસથી કમ નથી. સૌથી પહેલાં લૅબ્રાડૉરના મુખ્ય ભૂભાગમાં આવેલા હૅપી વૅલી-ગૂઝ બે નામના મજાના શહેર સુધી વિમાનમાં જવું પડે. ત્યારબાદ જંગલોથી ઘેરાયેલા ઍક્સપિડિશન 51° હાઇવે પર પાંચ કલાકની ડ્રાઇવ કરવી પડે. રસ્તામાં ક્યાંક મૂઝ (ઉત્તર અમેરિકાનું હરણ) જોવા મળી જાય એવી આશા રાખતા અને ક્યાંક શૌચાલયની સુવિધા મળી જાય એવી ઝંખના રાખતા પાંચ કલાકની મુસાફરી કરવી પડે છે. આ આખી મુસાફરીના મોટા ભાગના રસ્તા પર કોઈ સગવડ ઉપલબ્ધ નથી.
ત્યારબાદ મૅરીઝ હાર્બરના વ્હાર્ફ પરથી પ્રવાસીઓ માટે દરરોજ ચાલતી પૅસેન્જર 'ફેરી' પકડવાની હોય છે. જોકે, 'ફેરી' જેવું ભવ્ય નામ ધરાવતી આ હોડી એટલી નાની છે કે તમારો સામાન કદાચ તેના બાથરૂમમાં પણ ગોઠવવો પડે!
તમારી મુસાફરીનું આયોજન
મુલાકાતનો સમય: બૅટલ હાર્બર જૂનથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી જ ખુલ્લું રહે છે. બુકિંગ કરતાં પહેલાં મોસમ પ્રમાણેની તારીખોની ખાતરી કરી લેવી.
ત્યાં કેવી રીતે પહોંચવું: હૅપી વૅલી-ગૂઝ બે સુધી વિમાનમાં પહોંચ્યા પછી મૅરીઝ હાર્બર સુધી પાંચ કલાકની ડ્રાઇવ કરવી પડે. રાત્રિરોકાણ કરનારા પ્રવાસીઓ માટેની પૅસેન્જર ફેરી દરરોજ સવારે 11 વાગ્યે ઊપડે છે અને બીજા દિવસે સવારે 9 વાગ્યે પરત ફરે છે. મુસાફરીમાં 60થી 75 મિનિટ લાગે છે.
રાત્રિરોકાણ: રહેવાની વ્યવસ્થા જીર્ણોદ્ધાર કરીને તૈયાર કરાયેલી કૉટેજ અને ઐતિહાસિક 'ઇન'ના રૂમમાં છે. બે વ્યક્તિ માટેનાં બે રાતનાં પૅકેજ C$1,570 (835 પાઉન્ડ / 1,106 ડૉલર)થી શરૂ થાય છે. તેમાં રહેવાનો ખર્ચ, આવવા-જવાના ફેરીનાં ભાડાં, ભોજન અને ઐતિહાસિક સ્થળની માર્ગદર્શક સાથેની મુલાકાતનો સમાવેશ થાય છે. કરવેરા અને ટિપ અલગથી ચૂકવવાના રહે છે.
એક દિવસની મુલાકાત: ઉનાળાની મોસમ દરમિયાન એક દિવસની મુલાકાત માટેનાં અલગ પૅકેજ પણ ઉપલબ્ધ છે. હાલનું સમયપત્રક અને ભાવ જાણવા પ્રવાસ સંચાલકનો સંપર્ક કરવો.
14.5 કિલોમીટર (9 માઇલ)ની મુસાફરી દરમિયાન હોડી ખડકાળ દરિયાકિનારા અને કિનારાની નજીક આવેલા ટાપુઓ પાસેથી વળાંક લેતી આગળ વધે છે. ધુમ્મસ હોય ત્યારે આ ટાપુઓ કોઈ બીજી જ દુનિયાના હોય એવા લાગે છે, જ્યારે આકાશ વાદળછાયું અને વાતાવરણ ઉદાસ હોય ત્યારે તે વેરાન ભાસે છે. હોડીની સાથે ગલ્સ, કિટ્ટીવેક અને ગૅનેટ્સ નામનાં દરિયાઈ પક્ષીઓ ઊડતાં જોવા મળે છે. ક્યારેક હિમશિલાઓ, હમ્પબૅક વ્હેલ અને મિન્કી વ્હેલ પણ નજરે પડે છે.
આખરે જ્યારે બૅટલ આઇલૅન્ડ પરનાં મકાનો દેખાવા લાગે છે ત્યારે એ માનવું મુશ્કેલ લાગે છે કે માંડ અડધો માઇલ લાંબો આ નાનકડો ટાપુ એક સમયે માછીમારો અને વેપારીઓથી ધમધમતો હતો.
1770ના દાયકામાં અંગ્રેજ વેપારી જૉન સ્લેડે આ નાનકડા ટાપુ પર વેપારધંધો શરૂ કર્યો હતો. લૅબ્રાડૉરનાં સમૃદ્ધ માછીમારી ક્ષેત્રો સુધી પહોંચવા માટે આ ટાપુ પ્રવેશદ્વાર બની ગયો હતો. અહીં કૉડ માછલીને મીઠું ચડાવીને સાચવવાની પ્રક્રિયા થતી અને પછી તેની યુરોપ, કૅરિબિયન દેશો તથા અન્ય સ્થળોએ નિકાસ કરવામાં આવતી. બૅટલ હાર્બર તેની સમૃદ્ધિના શિખરે હતું ત્યારે અહીં હૉસ્પિટલ, શાળા, ચર્ચ અને વાયરલેસ સ્ટેશન પણ હતાં. ટાપુની કાયમી વસ્તી આશરે 300 લોકોની હતી. આ ઉપરાંત, મોસમી માછીમારોની સંખ્યા હજારોમાં હતી. તેમાં 'ફ્લૉટર્સ' કહેવાતા એવા માછીમારો પણ હતા, જેઓ સ્કૂનર નામનાં વહાણોમાં રહેતા, જ્યારે 'સ્ટેશનર્સ' કહેવાતા માછીમારો જમીન પર કામચલાઉ ઝૂંપડાં બાંધીને રહેતા હતા.
પરંતુ સમય જતાં બૅટલ હાર્બરનું મહત્ત્વ ઘટવા લાગ્યું. 1930માં લાગેલી ભયાનક આગ, માછલીઓની ઘટતી સંખ્યા અને 1960ના દાયકામાં પ્રાંતીય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પુનર્વસન યોજનાને કારણે ધીમે ધીમે ટાપુ ખાલી થવા લાગ્યો. 1970ના દાયકા સુધીમાં અહીં આખું વર્ષ રહેતા છેલ્લા રહેવાસીઓ પણ જતા રહ્યા.

ઇમેજ સ્રોત, Jennifer Bain
2 જુલાઈ, 1992ના રોજ ટાપુને આખરી ફટકો પડ્યો. એ દિવસે કેન્દ્ર સરકારે કૉડ માછીમારી પર પ્રતિબંધ મૂક્યો. તેના કારણે ન્યૂફાઉન્ડલૅન્ડ અને લૅબ્રાડૉરમાં 30,000 લોકો એકસાથે બેરોજગાર થઈ ગયા.
આજે બૅટલ હાર્બર કોઈ ભૂતિયા ટાપુ જેવું લાગે છે. અહીંનાં જીર્ણોદ્ધાર કરાયેલાં મકાનો એક એવી દુનિયાને જાળવી રહ્યાં છે, જે લગભગ અદૃશ્ય થઈ ચૂકી છે. એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ઐતિહાસિક સ્થળ પર વાહનોને પ્રવેશ નથી અને દર ઉનાળામાં લગભગ ત્રણ મહિના માટે જ તે પ્રવાસીઓ માટે ખુલ્લું રહે છે. જોકે, આ ટાપુને સૌથી સારી રીતે જાણતા લોકો માટે તેનું અસ્તિત્વ જરાય ભુલાઈ ગયું નથી.
બૅટલ હાર્બર સાથે બુલનો સંબંધ એક સદી કરતાં પણ જૂનો છે. તેમના દાદા લૅબ્રાડૉરના દરિયાકિનારે માછીમારી કરતા હતા ત્યારથી આ સંબંધ શરૂ થયો હતો. બુલ 2013થી અહીં કામ કરે છે. ઉનાળાના મોટા ભાગના દિવસો તેઓ ટાપુ પર જ રહે છે અને દર સપ્ટેમ્બરમાં સેન્ટ જૉન્સ ખાતેના પોતાના ઘરે પાછા ફરે છે. શિયાળો પસાર કરી શકાય એટલી કૉડ, સ્ક્વિડ, મેકરેલ અને બેકઍપલ તથા પાર્ટ્રિજબેરી જેવાં ફળોનો પૂરતો જથ્થો તેઓ સાથે લઈ જાય છે.
તેઓ કહે છે, 'હું મરીશ ત્યારે મારી રાખ જ્યાં હું પાર્ટ્રિજબેરી વીણું છું ત્યાં પવનમાં વેરાઈ જશે અને પછી હું પાર્ટ્રિજબેરી બનીને પાછો આવીશ.'

ઇમેજ સ્રોત, Jennifer Bain
નેલ્સન સ્મિથનો પણ બૅટલ હાર્બર સાથે આજીવન સંબંધ રહ્યો છે. અહીંના ઐતિહાસિક મકાનોના જીર્ણોદ્ધારમાં તેમણે મદદ કરી હતી અને લગભગ ત્રણ દાયકાથી તેઓ અહીં પ્રવાસીઓને સ્થળદર્શન કરાવે છે.
લૅબ્રાડૉરના લહેકા સાથે તેઓ કહે છે, 'દરેક મકાનમાંથી અલગ જ ગંધ આવશે, કારણ કે તેમાં અલગ અલગ વસ્તુઓ સંગ્રહવામાં આવતી હતી. જો મારી વાતમાં તમને કોઈ શબ્દ સમજાય નહીં તો મને પૂછજો. હું તમને એનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરીશ.'
ન્યૂફાઉન્ડલૅન્ડની અંગ્રેજીમાં આ જૂના અને ભીનાશની ગંધ ધરાવતાં મકાનોના સમૂહને 'ધ રૂમ્સ' કહેવામાં આવે છે. આ સમૂહમાંનાં દરેક મકાનોને તેમાં અગાઉ કઈ વસ્તુ સંગ્રહવામાં આવતી હતી તેના આધારે અલગ નામ આપવામાં આવ્યું છે. 'પૉર્ક સ્ટોર'માંથી ગોળની આછી ગંધ આવે છે, જ્યારે 'સૉલ્ટ સ્ટોર'માં માછલીને સાચવવા માટે વપરાતું મીઠું રાખવામાં આવે છે. સ્થળદર્શન દરમિયાન આગળ જતાં વધુ કેટલાંક જીવંત લાગતાં પૂતળાં જોવા મળે છે. એકમાં ઠાઠમાઠથી સજ્જ વેપારી ઊભો છે, બીજામાં લાકડાની હોડીમાં એક યુવાન માછીમાર ઊભો છે, જ્યારે ત્રીજામાં એક વૃદ્ધ માછીમાર કૉડ માછલી પકડવાની જાળ પાસે બેઠો છે.
સ્મિથ સમજાવે છે કે, ઊંચા લાકડાના ખુલ્લા મંચ પર કૉડ માછલીને કેવી રીતે સાફ કરીને, મીઠું ચડાવીને સૂકવવામાં આવતી હતી. આ મંચને 'ફ્લૅક્સ' કહેવામાં આવે છે. તેઓ કહે છે, 'મને તો મીઠું ચડાવીને સાચવેલી માછલી બે વર્ષ જૂની હોય તો જ સૌથી વધુ ભાવે છે.'
સૉલ્ટ સ્ટોરના મેડા પર હું એ જ સ્થળે ઊભી છું, જ્યાં 1909માં અમેરિકન ધ્રુવીય સંશોધક રૉબર્ટ ઇ. પિઅરીએ બે પત્રકાર પરિષદો યોજી હતી અને ઉત્તર ધ્રુવ સુધી પહોંચ્યાનો દાવો કર્યો હતો. તેમણે નજીકના માર્કોની સ્ટેશન પરથી પોતાના પ્રથમ અભિયાનનો અહેવાલ 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ને મોકલ્યો હતો.

ઇમેજ સ્રોત, Jennifer Bain
આ ઐતિહાસિક મકાનોમાંના કેટલાંકમાં પ્રવાસીઓ રાત્રિરોકાણ પણ કરી શકે છે. હું મર્ચન્ટ બિલ્ડિંગના 'હૅરી સ્મિથ રૂમ'માં રોકાઈ છું. ટાપુના જૂના જનરલ સ્ટોરમાં કામ કરતા હૅરી સ્મિથના નામ પરથી આ રૂમનું નામ રાખવામાં આવ્યું છે. અહીં જીર્ણોદ્ધાર કરાયેલી પાંચ કૉટેજ અને ઍટેચ્ડ બાથરૂમ ધરાવતા બીજા 12 રૂમ પણ છે.
મારા લાકડાના પલંગ પર રજાઈ પાથરેલી છે અને જીર્ણોદ્ધાર કરાયેલા આ જૂના મકાનમાં પણ ઠંડીનો ચમકારો વર્તાય છે. તેનાથી બચવા માટે એક સ્પેસ હીટર મૂકેલું છે. અહીં ટેલિવિઝન નથી અને શાંત વાતાવરણ સિવાય બીજો કોઈ અવાજ પણ સંભળાતો નથી. હું ફરતી ખુરશીમાં આરામથી ગોઠવાઈને સમુદ્ર તરફ મોં રાખીને મહેમાનોની નોંધપોથીનાં પાનાં ફેરવું છું.
'આખા ટાપુમાં સૌથી સુંદર નજારો અહીંથી દેખાય છે. અમારી બારીમાંથી હિમશિલા બરાબર દેખાતી હતી.'
'સમજાવવા કરતાં જાતે અનુભવવા જેવી જગ્યા.'
'અદ્ભુત શાંતિ.'
રાત્રિભોજનમાં લૅબ્રાડૉર ચાર માછલી, તવી પર શેકેલી કૉડ અને મૂઝના માંસની પાઇ પીરસવામાં આવે છે. સૌ એકસાથે બેસીને જમવાના ટેબલ પર ભોજન કરે છે. વાતચીતમાં નૉર્ધર્ન લાઇટ્સનો ઉલ્લેખ થાય છે. તેથી પહેલી રાત્રે હું બેચેન બનીને બારીમાંથી બહાર જોયા કરું છું અને મકાનની ચારે બાજુ આવેલા ખુલ્લા ડેક પર આંટા મારું છું. જોકે, મને વધુ સફળતા સૂર્યોદય વખતે મળે છે. હું કાચા રસ્તે ચાલીને જૂના કબ્રસ્તાનમાં પહોંચું છું, જ્યાં ખડકાળ ટેકરી પરના દરમાંથી શિયાળનાં બચ્ચાં બહાર નીકળતાં જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Jennifer Bain
કબ્રસ્તાનેથી હું બૅટલ હાર્બર ફૂટપાથ પર 1.9 કિલોમીટર (1.2 માઇલ) ચાલવા નીકળું છું. રસ્તામાં નવું કબ્રસ્તાન અને 1976માં સી-પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ પુરુષોની સ્મૃતિમાં બનાવાયેલું સ્મારક આવે છે. સ્થાનિક વિસ્તારના બે છોકરાઓને આ વિમાનનો કાટમાળ અકસ્માતે મળી આવ્યો હતો. તેનો કેટલોક ભાગ આજે પણ અહીં પડ્યો છે. એ બે છોકરાઓમાંના એક સ્મિથ હતા.
ફૂટપાથના છેડે મને માર્કોની ટાવર દેખાય છે. ઉત્તર અમેરિકામાં આ પ્રકારના માત્ર બે જ ટાવર હયાત છે અને તે બંને અહીં આવેલા છે. ઇટાલીના ગુગ્લિએલ્મો માર્કોનીએ રેડિયો તરંગો પર આધારિત વાયરલેસ ટેલિગ્રાફી પદ્ધતિ વિકસાવી હતી. એ પદ્ધતિનો ઉપયોગ કરીને 1906માં આ ટાવર બનાવવામાં આવ્યા હતા અને 1931માં ફરીથી બાંધવામાં આવ્યા હતા. એક સમયે આ ટાવર દરિયાઈ મુસાફરોને માર્ગદર્શન આપતા અને સંદેશાઓની આપ-લે કરતા હતા.
બુલ કહે છે, 'આ ટાવર ખરેખર ખાસ છે અને અહીંની આકાશી રેખાના દૃશ્યનો (સ્કાયલાઇનનો) મહત્ત્વનો હિસ્સો છે.' આ ટાવરોના સમારકામ માટે ટ્રસ્ટ C$200,000 (1,06,000 પાઉન્ડ / 1,40,000 ડૉલર) એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Jennifer Bain
તીવ્ર પવનને કારણે કૉડ માછલી પકડવા જવાનો મારો ઇરાદો પડતો મૂકવો પડે છે. જોકે, હું નાની હોડીમાં કૅપ સેન્ટ ચાર્લ્સ સુધીની ટૂંકી સફર કરી શકું છું. ત્યાં ઊભા રહીને ઉત્તર અમેરિકાના ખંડીય ભૂભાગના સૌથી પૂર્વીય છેડાને નિહાળું છું. ત્યારબાદ નાની ખાડી (ચૅનલ) પાર કરીને હું ગ્રેટ કૅરિબુ આઇલૅન્ડ પર પગપાળા ફરવા જાઉં છું. ત્યાં બ્લૂબેરીના છોડ વચ્ચે મને સ્થાનિક પૉસ્ટમિસ્ટ્રેસ અને શોખીન ફોટોગ્રાફર તાન્યા રસેલ મળે છે.
રસેલ કહે છે કે તેમને 'બૅટલ હાર્બરની શાંતિ, પાણી, દરિયાઈ હવાની ખારાશ, પક્ષીઓ, શિયાળ – અહીંનું બધું જ ગમે છે. વળી, અહીં અનેક અદ્ભુત લોકોને મળવાની તક પણ મળે છે.'
મારા છેલ્લા દિવસના નાસ્તા વખતે સહપ્રવાસીઓ અને આદમકદનાં પૂતળાંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. હું બૅટલ હાર્બરમાં એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં પાડવામાં આવેલી એક જાણીતી શ્વેત-શ્યામ તસવીર પરથી તૈયાર કરાયેલાં પૂતળાની નજીક બેસીને નાસ્તો કરી રહી છું. એ તસવીરમાં બે વિશાળ કૉડ માછલીઓની વચ્ચે એક ઉદાસ ચહેરાવાળો છોકરો ઊભો છે. આ છોકરો વિક્ટર ક્રાઉચર ટાપુના કબ્રસ્તાનમાં દફનાવાયેલો છે. પરંતુ અહીં ભોજનખંડમાં તેનું પૂતળું જાણે બીજા ભૂતની જેમ હાજર છે. આ એવી જગ્યા છે, જે પોતાનું અસ્તિત્વ ભૂંસાઈ જવા દેવા જરાય તૈયાર નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























