બે ભાઈ વચ્ચે 'ટુ-વ્હીલર કોણ વાપરશે' તેને લઈને ઝઘડો થયો અને એક ઘર છોડી ગયો, 23 વર્ષે કેવી રીતે પાછો મળ્યો

- લેેખક, ઝેવિયર સેલ્વકુમાર
- પદ, રિપોર્ટર, બીબીસી તામિલ
- લેેખક, હરમનદીપસિંહ
- પદ, રિપોર્ટર, બીબીસી પંજાબી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
"હું વર્ષો સુધી મારા પુત્રની શોધમાં ભટકતી રહી અને રડતી રહી. મારા ભગવાને તેને બચાવી લીધો. પણ મેં જ્યારે તેના સાંકળોથી બાંધેલા પગ જોયા અને તેના પર થયેલો અત્યાચાર જોયો, ત્યારે હું કંઈ ખાઈ શકતી નહોતી."
"મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. હવે 23 વર્ષો પછી તેને જોઈને હું ખુશ છું."
આ શબ્દો એક માતાએ 25મી જુલાઈની સવારે કોઇમ્બતુર રેલવે જંક્શન પર બીબીસી સાથેની વાતચીતમાં કહ્યાં હતાં.
તે સમયે તેઓ (સુંદરી) પાકિસ્તાનની સરહદ પર પંજાબ રાજ્યમાં વર્ષો સુધી બંધક બનાવીને રાખવામાં આવેલા પોતાના પુત્રને સત્તાવાર રીતે પાછો મેળવવા માટે ટ્રેનમાં રવાના થઈ રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Handout
સુંદરીની સફર સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. સુંદરીને તેમના પુત્રની શોધ કરવામાં મુત્તૈયાએ મદદ કરી હતી. મુત્તૈયાની મદદથી ટ્રેન દ્વારા પંજાબની મુસાફરી ખેડનારાં સુંદરી 23 વર્ષ પછી 28મી જુલાઈના રોજ તેમના પુત્રને જોઈને આનંદવિભોર થઈ ગયાં હતાં, તેમની આંખોમાંથી હર્ષાશ્રુ વહ્યાં હતાં અને તેમણે પોતાના હાથે પુત્રને જમાડ્યો હતો.
વિરુધુનગર જિલ્લામાં રહેતાં સુંદરી અને તેમના પતિ રામમૂર્તિ 30 વર્ષ પહેલાં રોજીરોટી રળવા માટે તેમના બે પુત્રો સાથે કોઇમ્બતુર આવ્યાં હતાં. અહીં આવીને તેઓ પહેલાં કૌંડમપાલયમના એરુકમ્પેની વિસ્તારમાં વસ્યાં હતાં.
સુંદરીએ બીબીસીને આપેલી જાણકારી અનુસાર, તેમના મોટા પુત્ર પ્રકાશમ ચોથા ધોરણથી આગળ ભણ્યા નહોતા. 2003માં જ્યારે પ્રકાશમ 16 વર્ષના થયા, ત્યારે પ્રકાશમ અને તેમના નાના ભાઈ વચ્ચે ટુ-વ્હીલર કોણ વાપરશે, તેને લઈને ઝઘડો થતાં પ્રકાશમ આવેશમાં આવીને ઘર છોડીને જતા રહ્યા હતા.
એ પછી તેમણે ઘણી જગ્યાએ તેમને શોધ્યા, પણ ક્યાંય પ્રકાશમ મળ્યા નહીં. આખરે, માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ પ્રકાશમનો ક્યાંય પતો લાગ્યો નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડાં વર્ષો પછી તેઓ નિલામ્બુરમાં અચનકુલમ ખાતે રહેવા જતાં રહ્યાં. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને વૉચમૅન તરીકે કામ કરતા રામમૂર્તિનું 2021માં કૅન્સરને કારણે અવસાન થયું.
સુંદરી અને તેમના નાના પુત્ર પ્રભુ એક ભાડાના ઘરમાં રહે છે અને ભાડાની જમીન પર શાકભાજી ઉગાડીને તથા ગાયો ચરાવીને તેમનું ગુજરાન ચલાવે છે.
પ્રકાશમ, જેમણે પંજાબમાં 15 વર્ષ કરતાં વધુ સમય ગુલામીમાં વીતાવ્યો!

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂનના અંતમાં, તિરુપ્પુરના એક પત્રકાર - જે સુંદરીને શોધી રહ્યા હતા - તેમણે સુંદરીને માહિતી આપી કે, પ્રકાશમ પંજાબના એક આશ્રયસ્થાનમાં છે.
તેમણે સુંદરીને પ્રકાશમનો ફોટો બતાવ્યો અને તેમને પ્રકાશમ સાથે ફોન પર અને વીડિયો કૉલ પર વાત કરાવી. તે સમયે સુંદરીને જાણ થઈ કે, તેમનો પુત્ર હયાત છે.
પ્રકાશમને મુક્ત કરાવનારા સંગઠને જણાવ્યું હતું કે, પ્રકાશમને પાકિસ્તાનની સરહદ પર પંજાબના અમૃતસર જિલ્લામાં આવેલા અજનાલા નામના નગરના એક ફાર્મ પર 15 વર્ષ કરતાં વધુ સમયથી ગુલામ તરીકે રાખવામાં આવ્યા હતા.
પટિયાલાની 'અપના ફર્ઝ સેવા સોસાયટી' તરીકે ઓળખાતી એક સ્વૈચ્છિક સંસ્થાએ 2022માં પ્રકાશમને ઉગારી લીધા હતા અને અને તેમને એક આશ્રયસ્થાનમાં રક્ષણ આપ્યું હતું.
બીબીસી પંજાબી સાથે વાત કરતાં આ સંગઠને જણાવ્યું હતું કે, પ્રકાશમને ત્યાં 15 વર્ષ કરતાં વધુ સમય સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.
તેમને પૂરતો ખોરાક કે કપડાં, આશ્રય કે મજૂરી આપવામાં આવતાં ન હતાં.
ત્યાં તેમની પાસે પશુધનને ચરાવવાનું અને તેમની સંભાળ રાખવાનું કામ કરાવવામાં આવતું હતું.
રાતના સમયે તેમને એક લોખંડના પલંગ સાથે સાંકળોથી બાંધી દેવામાં આવતા હતા, જેથી તેઓ ભાગી ન શકે.
પ્રકાશમને કેવી રીતે મારવામાં આવતા હતા અને તેમના પર કેવો અત્યાચાર ગુજારવામાં આવતો હતો, તેનું પણ સંગઠને વિસ્તૃત વર્ણન કર્યું હતું અને સાથે જ તે સમયે પ્રકાશની જે હાલત હતી, તેના ફોટા અને વીડિયો પણ ઉતાર્યા હતા. તે તસવીરો પંજાબના રહીશ સુભાષ ચંદરે મુત્તૈયા મારફત બીબીસી તામિલને પહોંચાડી હતી.
હરિયાણા વિધાનસભાના સચિવ તરીકે નિવૃત્ત થયેલા સુભાષ ચંદર 2023માં આર્કાઇવ્ઝની મુલાકાત તથા વાટાઘાટો કરવા દરમિયાન પ્રકાશમને મળ્યા હતા.
તે સમયે પ્રકાશમ અમુક શબ્દો જ બોલી શક્યા હતા. પ્રકાશમે પહેલાં પોતે તામિલનાડુના વતની હોવાનું કહ્યું હતું, પણ પછી પોતે મુંબઈના હોવાનું કહ્યું હતું.

પરિણામે, તે શોધવું શક્ય નહોતું કે, તેઓ ક્યાંના હતા. માનસિક અને શારીરિક સારવાર મેળવ્યા પછી પ્રકાશમે થોડું-થોડું બોલવાનું શરૂ કર્યું, તે પછી તેમણે કહ્યું કે, તેમનું વતન કોઇમ્બતુર છે.
સુભાષે ચેન્નઈના સચિવાલયમાં કામ કરતા તેમના મિત્ર બાલાકિશનને પ્રકાશમ વિશે જણાવ્યું અને તેમનો પરિવાર શોધી આપવા માટે મદદ માગી.
બાલાકિશને તિરુપ્પુરના પલાડમમાં રહેતા પોતાના ભાઈ મુત્તૈયાને આ વિશે વાત કરી.
મુત્તૈયા એક સ્થાનિક અખબાર માટે રિપોર્ટર તરીકે કામ કરે છે. તેમણે તેમની પાસે રહેલી વિગતોના આધારે એરુકામ્પેની વિસ્તારમાં રુબરુ જઈને તપાસ કરી, પણ કોઈ માહિતી મળી નહીં.
થોડા મહિનાઓ પછી પ્રકાશમે કહ્યું કે, તેમનું વતન અરુપ્પુકોટ્ટાઈ નજીક પૂમલાઈપટ્ટી હતું.
તે માહિતીના આધારે મુત્તૈયાએ કેટલાક મહિનાઓ સુધી ઘણા લોકોની પૂછપરછ કરી અને ગયા જૂન માસમાં પૂમલાઈપટ્ટીમાં વાસુકી સાથે વાત કરી.
સુંદરીનાં ભત્રીજી વાસુકીએ એવો દાવો કર્યો કે, પ્રકાશમ તેમના ભાઈ છે અને તેમણે સુંદરી અત્યારે ક્યાં છે તે જણાવ્યું. ત્રણ વર્ષોની શોધખોળ પછી આખરે ગત જૂન મહિનામાં મુત્તૈયા સુંદરીને મળ્યા અને તેમને પ્રકાશમ વિશે જાણકારી આપી.
તે પછી, જુલાઈના પહેલા અઠવાડિયે, મુત્તૈયા, પ્રકાશમના નાના ભાઈ તથા તેમના પાડોશી સુંદરલિંગમ અપના ફર્ઝ સેવા સોસાયટી ખાતે પ્રકાશમને રુબરુ મળવા માટે પંજાબના પટિયાલા ગયા. પણ તે સમયે સેવા સોસાયટીના વહીવટકર્તાઓએ કહ્યું કે, જો પ્રકાશમનાં માતા યોગ્ય દસ્તાવેજો લઈને આવે, તો જ તેઓ તેમને પ્રકાશમની સોંપણી કરી શકશે.
પ્રકાશમનું નામ 2005ના રૅશન કાર્ડમાં હતું, તે સિવાય સુંદરી પાસે બીજા કોઈ દસ્તાવેજ નહોતા.
આથી, સુંદરીએ તેમના પુત્રને છોડાવવામાં મદદ કરવા માટે કોઈમ્બતુર જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી.
તે અરજી વાંચ્યા પછી કોઇમ્બતુર જિલ્લા કલેક્ટર પવનકુમાર કિરિયાપ્પનવરે તાકીદે પંજાબના મુખ્ય સરકારી અધિકારીઓ સાથે વાત કરી અને વિવિધ વિભાગીય અધિકારીઓને પ્રકાશમ માટે જરૂરી દસ્તાવેજો શોધવા માટે આદેશ આપ્યો.
પુત્ર મારા પગે પડ્યો અને મને ભેટી પડ્યો

ઇમેજ સ્રોત, Handout
પ્રકાશમે જે શાળામાં અભ્યાસ કર્યો હતો ત્યાંથી અને વિરુધુનગર જિલ્લામાંથી માત્ર બે જ દિવસની અંદર કેટલાક દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા. કોઈમ્બતુરના કલેક્ટર પવનકુમારે તે દસ્તાવેજો તૈયાર કરીને એક પત્ર મારફત પટિયાલાના નાયબ કમિશનર હિમાંશુ અગરવાલને સોંપ્યા.
તેમાં તેમણે જણાવ્યું હતું કે, તામિલનાડુ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે, પ્રકાશમ સુંદરીના પુત્ર છે અને તેમને તેમનાં માતાને સોંપી દેવાની ભલામણ કરી.
પત્રમાં તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, બંધક બનાવીને રાખવામાં આવેલા પ્રકાશમ કાયદા અનુસાર જે વળતર મેળવવા માટે હકદાર હોય, તે તેમને મળે, તે સુનિશ્ચિત કરવામાં આવે.
આ પત્ર લઈને મુત્તૈયા સુંદરીને લઈને ટ્રેન મારફત પંજાબ ગયા. ત્યાં પહોંચ્યા પછી ચંદીગઢ તામિલ સંઘના જનરલ સેક્રેટરી રાજશેખર સહિતના વહીવટકર્તાઓ તેમની મદદે આવ્યા.
28મી જુલાઈના રોજ તમામ લોકો પટિયાલા જિલ્લાના અજનાલા ખાતે આવેલી અપના ફર્ઝ સેવા સોસાયટી પર જઈ પહોંચ્યાં.
ત્યાં, સેવા સોસાયટીના વહીવટદારોએ પ્રકાશમને ઔપચારિક રીતે સોંપવા માટેના દસ્તાવેજો પર સહી કરી. 23 વર્ષ પછી માતા અને પુત્રના પુનઃમિલનની હૃદયસ્પર્શી ઘટના સર્જાઈ.
શીખ પાઘડી પહેરેલા પ્રકાશમને માતા સમક્ષ લાવવામાં આવ્યા.
પુત્રને જોઈને સુંદરી તેમને ભેટી પડ્યાં અને ધ્રુસકેને ધ્રુસકે રડવાં લાગ્યાં... "તું અહીં શું કામ આવ્યો... તેં આટલાં વર્ષો સુધી અમને શા માટે રડાવ્યાં? મારા ભગવાને અમારા માટે તને બચાવી લીધો... ન તર, તું અહીંને અહીં જ રહ્યો હોત અને હું કદીયે તને જોઈ ન શકી હોત," તેઓ ચોધાર આંસુએ રડતાં હતાં.
માતાને જોઈને એક શબ્દ પણ ન બોલી શકનારા પ્રકાશમ તેમના પગે પડી ગયા અને તેમને ભેટી પડ્યા. પોતાના પુત્રને બચાવનારા સેવા સોસાયટીના વહીવટદારોને પ્રણામ કરતાં સુંદરીએ કહ્યું, "તમે અમારા માટે ભગવાન સમાન છો."
ત્યાં જ્યારે તેમને ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે સુંદરીએ ભારે સ્નેહપૂર્વક વર્ષો પછી તેમના પુત્રને નાના બાળકની જેમ પોતાના હાથે જમાડ્યા.
તે પછી તેમને પટિયાલા જિલ્લા નાયબ કમિશનરની ઑફિસે લઈ જવામાં આવ્યાં, જ્યાં તેઓ જિલ્લા નાયબ કમિશનર હિમાંશુ અગરવાલને મળ્યાં અને તેમણે આ વર્ષોથી વિખૂટાં પડી ગયેલાં માતા-પુત્ર સાથે વાત કરી.
બીબીસી પંજાબી સાથે વાત કરતાં પટિયાલાના નાયબ કમિશનર હિમાંશુ અગરવાલે કહ્યું હતું, "મને એ જણાવતાં આનંદ થાય છે કે, તામિલનાડુના પ્રકાશમનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન થયું છે."
"તાજેતરમાં જ ખબર પડી હતી કે, તેઓ 23 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા અને કોઈક રીતે પંજાબ પહોંચી ગયા હતા."
નાયબ કમિશનરે જણાવ્યું હતું કે, "એવી માહિતી મળી છે કે, તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. મેં શ્રમ કલ્યાણ વિભાગ તથા સામાજિક કલ્યાણ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે કે, પીડિતને નિયમ પ્રમાણેનું વળતર મળે એ સુનિશ્ચિત કરવામાં આવે અને તેમને બંધક બનાવીને રાખનારા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે."

માતા-પુત્રને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હરિયાણા વિધાનસભાના નિવૃત્ત સચિવ સુભાષ ચંદરે જણાવ્યું હતું, "હું દેશના જુદા-જુદા ભાગોમાં કાર્યરત 22 સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સાથે કામ કરું છું. આ સંગઠનો દ્વારા હું ઉગારવામાં આવેલા અજ્ઞાત તથા ત્યજાયેલા લોકોનું તેમના પરિવારો સાથે મિલન કરાવવાનું કામ કરું છું."
"પ્રકાશમ મે, 2022માં આ આશ્રયસ્થાનમાં આવ્યા હતા. તે સમયે તેઓ બે કે ત્રણ શબ્દો જ બોલી શકતા હતા અને હું જે શબ્દો બોલતો, તે જ શબ્દોનું તેઓ પુનરાવર્તન કરતા હતા. છેલ્લાં ત્રણ વર્ષોથી હું પ્રકાશમને તેમના પરિવાર વિશે પૂછી રહ્યો હતો. આ વર્ષે મે મહિનામાં તેમણે 'અરુપ્પુકોટ્ટાઈ', 'પૂમલાઈપટ્ટી' તથા 'અનાઈકુલમ' જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા," એમ સુભાષ ચંદરે બીબીસી પંજાબીને જણાવ્યું હતું.
જ્યારે તેમણે પ્રકાશમે ઉચ્ચારેલાં સ્થળોનાં નામ ગૂગલ પર સર્ચ કર્યાં, ત્યારે માલૂમ પડ્યું કે, તે જગ્યાઓ વિરુધુનગર જિલ્લામાં આવેલી હતી. જ્યારે સુભાષે વિરુધુનગર કહ્યું, ત્યારે પ્રકાશમે હકારમાં ડોકું હલાવ્યું હતું. તે પછી સુભાષ ચંદરે તેમના એક મિત્ર થકી મુત્તૈયાનો સંપર્ક સાધ્યો હતો અને મુત્તૈયાએ સુંદરીનું સરનામું શોધી કાઢ્યું હતું.

ઇમેજ સ્રોત, Handout
પંજાબમાં પત્રકારો દ્વારા સુંદરીને જે સવાલો પૂછવામાં આવ્યા હતા, તેનો ચંદીગઢ તામિલ સંઘના હોદ્દેદારોએ અનુવાદ કરીને બંને પક્ષોને સમજૂતી આપી હતી. તે સમયે વાત કરતાં સુંદરીએ કહ્યું હતું, "મારો પુત્ર અમારી સાથે હતો, ત્યારે એકદમ સ્વસ્થ હતો. નાના ભાઈ સાથે તકરાર થતાં તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે મેં તેને બંધક હાલતમાં જોયો, ત્યારે તેને આ રીતે રાખનારા માણસ ઉપર મને ઘણો ક્રોધ આવ્યો હતો."
"મારા પતિ તેમના મૃત્યુ સુધી પુત્રના ગૂમ થવાથી દુઃખી હતા. પણ તેમને વિશ્વાસ હતો કે, તે જીવતો હશે. તેઓ વારંવાર કહેતા કે, સૂર્ય એટલે પ્રકાશ અને પ્રકાશ કદી મરતો નથી. હું પણ ત્યાં સુધી એમ જ માનતી હતી. પણ જ્યારે કોરોના કાળ દરમિયાન ઘણાં લોકોનાં મોત નીપજ્યાં, ત્યારે મેં વિચાર્યું કે, તે પણ મરી ગયો હશે. જે ક્ષણે મને જાણ થઈ કે, તે જીવતો છે, ત્યારે હું સમજી ગઈ કે ભગવાને જ તેને બચાવ્યો છે," એમ સુંદરીએ કહ્યું હતું.
સુંદરીએ આગળ જણાવ્યું હતું, "હું મારા દીકરાને ગામડે લઈ જઈશ અને બરાબર ખવડાવીશ. હું તેના માટે છોકરી જોઈને તેને પરણાવીશ. અને નહીં તો, હું આખી જિંદગી તેનું ધ્યાન રાખીશ. જો મુત્તૈયા, સુભાષ અને સેવા સોસયાટીના લોકો ન હોત, તો મને મારો દીકરો કદીયે ન મળ્યો હોત. હું તે સૌની ઋણી છું."
બીબીસી પંજાબી સાથે વાત કરતાં મુત્તૈયાએ કહ્યું હતું, "પ્રકાશમના પરિવારને શોધવા માટે અમે ઘણો પ્રયત્ન કર્યો હતો. હવે માતા અને પુત્રનું મિલન થતાં મને ભારે સંતોષ થઈ રહ્યો છે કે અમે જીવનમાં પુણ્યનું કામ કર્યું છે."
"ભગવાને પ્રકાશમ અને તેમનાં માતાને મેળવી આપવામાં અમને નિમિત બનાવ્યા છે. ચંદીગઢ તામિલ સંઘે અમને ઘણી મદદ કરી છે. જ્યારે સેવા સોસાયટીના વહીવટદારોએ જણાવ્યું કે, પંજાબમાં પ્રકાશમ જેવા ઘણા બંધુઆ મજૂરો છે, ત્યારે તેમણે વેઠેલી યાતનાઓ વિશે જાણીને ઘણું દુઃખ થયું હતું. દરેક વ્યક્તિએ બંધુઆ મજૂરો વિનાની દુનિયાનું નિર્માણ કરવા માટે સાથે મળીને આગળ આવવું જોઈએ. પ્રકાશમની માફક દરેક વ્યક્તિને બચાવી લેવી જોઈએ," એમ મુત્તૈયાએ કહ્યું હતું.
બે રાજ્યના આઇએએસ અધિકારીઓએ માતા-પુત્રને મળાવી આપવામાં મદદ કરી!

બીબીસી તામિલ સાથે વાત કરતાં ચંદીગઢ તામિલ સંઘના જનરલ સેક્રેટરી રાજશેખરે કહ્યું હતું, "આ માનવતાની જીત છે. મને આનંદ છે કે, તામિલ સંઘે તેમાં ભાગ લીધો. પ્રકાશમનું કાનૂની રીતે તેમનાં માતા સાથે મિલન કરાવવામાં કોઈમ્બતુર જિલ્લા કલેક્ટર પવનકુમારનું મોટું યોગદાન છે. સુંદરીએ યાચિકા દાખલ કરી, તે સાથે જ તેમણે અહીંના તામિલ આઇએએસ અધિકારી અરવિંદકુમાર સાથે વાત કરી હતી. તેઓ પંજાબમાં ઉચ્ચતર શિક્ષણના ડિરેક્ટર છે. તેમણે પટિયાલાના નાયબ કમિશનર સાથે વાત કરી હતી અને આ માટે આવશ્યક સહાય પૂરી પાડવાની ભલામણ કરી હતી."
રાજશેખરે જણાવ્યું હતું કે, પટિયાલાના નાયબ કમિશનર હિમાંશુ અગરવાલે તે પછી શ્રમ વિભાગ અને સામાજિક કલ્યાણ વિભાગના અધિકારીઓને ઔપચારિક પત્ર પાઠવ્યો હતો અને તેનાથી કેસ સોંપવાની પ્રક્રિયા ઝડપી બની હતી.
તેમણે જણાવ્યું હતું કે, અધિકારીઓએ તેમને કહ્યું હતું કે, પ્રકાશમને બંધક બનાવીને રાખનારા ખેતરના માલિક વળતરપેટે સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવવા માટે સંમત થયા છે. આ ઉપરાંત પ્રકાશમને સરકારી વળતર પણ મળશે. જોકે, બીબીસી વળતર અંગેની આ માહિતીની સ્વતંત્રપણે ખરાઈ કરી શક્યું ન હતું.
25મી જુલાઈના રોજ જ્યારે સુંદરી તેમના પુત્રને મળવા માટે કોઈમ્બતુર રેલવે સ્ટેશનથી પંજાબ જવા માટે રવાના થયા, ત્યારે બીબીસી તામિલે તેમની સાથે વાતચીત કરી હતી. તે સમયે સુંદરીએ કહ્યું હતું, "હું મારા પુત્રને જોવા માટે આતુર છું. મેં કદી ટ્રેન દ્વારા આટલા લાંબા અંતરની મુસાફરી ખેડી નથી. પણ મને તેનાથી કશો ફર્ક પડતો નથી, કારણ કે હું મારા દીકરાને બચાવવા માટે જઈ રહી છું."
પ્રકાશમને મળ્યા પછી બીબીસી તામિલ સાથે વાત કરતાં સુંદરીએ જણાવ્યું હતું, "હું મારા પુત્રને મળી છું. હું અત્યંત ખુશ છું. જાણે કે મારો પુનર્જન્મ થયો હોય! તે હજી એવોને એવો જ છે, જેવો મેં 23 વર્ષ ફહેલાં તેને જોયો હતો. મને ચિંતા થતી હતી કે, તે તામિલ બોલશે કે નહીં, પણ તેણે મારી સાથે તામિલમાં સરસ રીતે વાત કરી."
"તેણે કહ્યું છે કે, તે હવે કદીયે મને છોડીને નહીં જાય. તેની બહેનો (સુંદરીની બહેનની દીકરીઓ) પ્રકાશમને જોવા માટે અમારા કરતાંયે વધારે આતુર છે. અમારે તેને ગામ લઈ જવો છે. મારા દીકરાએ ઘણું સહન કર્યું છે. હવે મારું એકમાત્ર કામ તેની સારી કાળજી લેવાનું છે," એમ સુંદરીએ કહ્યું હતું.
જ્યારે બીબીસી તામિલે પ્રકાશમ સાથે વાત કરી, ત્યારે એ સ્પષ્ટ વર્તાઈ આવતું હતું કે, તેઓ બરાબર રીતે બોલી શકતા નથી. પ્રશ્ન પૂછવામાં આવે, તો તેનો જવાબ આપવા પૂરતું જ બોલતા પ્રકાશે કહ્યું હતું, "મેં મારાં માતાને જોયાં. હું ઘણો ખુશ થયો છું. મને એમ લાગતું હતું કે, હું કદીયે મારા પરિવારને ફરી જોઈ શકીશ નહીં. હું કોઈમ્બતુર આવી રહ્યો છું. હું ત્યાં આવીને વાત કરીશ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























