દિલ્હી જંતર-મંતર પ્રદર્શન : ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું મોદી સરકાર માટે મુશ્કેલ છે?

અભિજિત દીપકે, સોનમ વાંગચુક, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્હી જંતર મંતર પ્રદર્શન, સીજેપી

ઇમેજ સ્રોત, Yasbant Negi/The India Today Group via Getty Images

    • લેેખક, ગણેશ પોલ
    • પદ, બીબીસી મરાઠી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

વર્તમાન સમયમાં અભિજિત દીપકે, સોનમ વાંગચુક, હજ્જારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો અને ઘણા રાજકીય પક્ષોના નેતાઓ દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે.

હવે વિરોધ પક્ષો પણ આ આંદોલન સાથે જોડાયા છે.

આ તમામની એક મુખ્ય માગણી છે - કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.

ગત 20મી જુલાઈના રોજ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું એક પ્રતિનિધિમંડળ પહેલી વખત કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાને મળ્યું હતું અને પોતાની માગણીઓનો પત્ર તેમને સુપરત કર્યો હતો.

સરકાર વતી જેપી નડ્ડા દેખાવકારો સાથે આ મુદ્દા વિશે ચર્ચા કરી રહ્યા છે.

તેનો અર્થ એ કે, દેખાવકારો અને સરકાર વચ્ચે સંવાદનાં દ્વાર ખુલ્લાં છે.

તેની સાથે જ, મોદી સરકારે સંસદના હાલના ચોમાસુ સત્રમાં આ મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચા કરવા વિશે પણ વાત કરી છે.

કૉંગ્રેસ કહી રહ્યું છે કે, પહેલાં શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને એ પછી જ સંસદમાં ચર્ચા થશે.

બીજી તરફ, સીજેપીના પ્રવક્તા આશુતોષ રાન્કાએ પણ એવી જાહેરાત કરી દીધી છે કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી તેઓ જંતર મંતર છોડશે નહીં.

આ પરિસ્થિતિમાં મોદી સરકાર માટે સ્થિતિ એટલી સરળ જણાતી નથી.

આ તમામ રાજકીય ગતિવિધિઓની વચ્ચે હવે એ સવાલ જોરશોરથી ઊઠી રહ્યો છે કે, શું ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા એ મોદી સરકાર માટે એટલું મુશ્કેલ કાર્ય છે?

મોદી સરકારની રણનીતિ શું છે?

અભિજિત દીપકે, સોનમ વાંગચુક, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્હી જંતર મંતર પ્રદર્શન, સીજેપી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 21 જુલાઈના દિવસે પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થયેલા વિદ્યાર્થી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોદી સરકારમાં સામેલ ઘણા મંત્રીઓનાં રાજીનામાંની માગણી અગાઉ પણ ઊઠી ચૂકી છે. પરંતુ, ભાજપ સરકાર આ માગણીઓને નજર અંદાજ કરીને તેમના મંત્રીઓનાં રાજીનામાંના મુદ્દા પર અડગ રહેતું આવ્યું છે.

વરિષ્ઠ પત્રકાર અને રાષ્ટ્રીય રાજકીય વિશ્લેષક વિજય ત્રિવેદી કહે છે કે, જો આપણે 2014થી લઈને મોદી સરકારની રાજકીય શૈલી પર નજર કરીએ, તો જાણવા મળે છે કે, રાજકીય દબાણ હેઠળ મંત્રીઓએ રાજીનામું આપ્યું હોવાનાં ઘણાં ઓછાં ઉદાહરણો મોજૂદ છે.

અત્યાર સુધીમાં એકમાત્ર રાજ્યકક્ષાના પ્રધાન એમ. જે. અકબરના અપવાદને બાદ કરતાં ભાગ્યે જ કોઈ મંત્રીએ નૈતિક જવાબદારીના આધાર ઉપર રાજીનામું આપ્યું છે.

વિજય ત્રિવેદી જણાવે છે, "કોરોના મહામારી દરમિયાન આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનના રાજીનામા માટેની માગણી ઊઠી હતી."

"ઍપ્સ્ટીન ફાઇલ કેસ પછી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગણી કરવામાં આવી હતી. ખેડૂતોના આંદોલન દરમિયાન, નરેન્દ્રસિંહ તોમર પાસે રાજીનામું માગવામાં આવ્યું હતું."

"ટ્રેન અકસ્માત પછી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગણી પણ કરવામાં આવી હતી, પરંતુ આમાંથી કોઈએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપ્યું ન હતું. એકંદરે જોતાં, એવું લાગે છે કે, આ સરકાર રાજકીય દબાણને તાબે થવા તૈયાર નથી."

કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા જૂન, 2025માં કરવામાં આવેલું નિવેદન પણ આ વિચારસરણીનું જ સમર્થન કરે છે.

તે સમયે, એક પત્રકાર પરિષદમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, વિપક્ષી કૉંગ્રેસ પક્ષ એનડીએ સરકારના કેટલાક મંત્રીઓનાં રાજીનામાંની માગણી કરી રહ્યો છે.

તેનો તેમણે જવાબ આપ્યો હતો, "અહીં કોઈ રાજીનામાં નથી થતાં, ભાઈ. આ એનડીએ સરકાર છે, યુપીએની સરકાર નથી."

વિજય ત્રિવેદીનું માનવું છે કે, પક્ષની અંદર ધર્મેન્દ્ર પ્રધાનનો રાજકીય દરજ્જો પણ એક મહત્ત્વનું કારણ છે.

તેઓ કહે છે, "ધર્મેન્દ્ર પ્રધાનનો પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે લાંબા સમયથી જોડાયેલો છે. તેમણે તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે કર્યો હતો."

"તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિકટવર્તી ગણાય છે. રાજકીય દબાણ હેઠળ આવી જઈને આટલા મોટા નેતાને હટાવી દેવા એ એક પ્રકારે સરકાર માટે રાજકીય હાર ગણાઈ શકે છે."

નવી દિલ્હી સ્થિત સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ (સીપીઆર)ના પૉલિટિકલ સાયન્ટિસ્ટ અને ફેલો રાહુલ વર્માએ બીબીસી મરાઠીને જણાવ્યું હતું, "અગાઉ, મંત્રાલયમાં ગેરવહીવટ, ભ્રષ્ટાચારના આક્ષેપો અથવા તો જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ જવું, વગેરે જેવાં કારણોસર મંત્રીઓ રાજીનામું આપતા હતા કે તેમની પાસેથી રાજીનામાં લેવામાં આવતાં હતાં."

"પણ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન, મંત્રીઓએ રાજકીય દબાણને કારણે રાજીનામું આપ્યું હોવાના જૂજ દાખલા બન્યા છે."

"શક્ય છે કે, સરકારનું એવું મૂલ્યાંકન હોય કે, આવાં આંદોલનો તો સમય-સમય પર થતાં રહેશે અને દર વખતે તેમને રાજકીય મહત્વ આપવું જરૂરી નથી."

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી છેઃ જેમાંની સૌથી મહત્ત્વની માગણી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું.

ચૂંટણીમાં વિજય એ મુખ્ય મુદ્દો હોય છે?

અભિજિત દીપકે, સોનમ વાંગચુક, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્હી જંતર મંતર પ્રદર્શન, સીજેપી

ઇમેજ સ્રોત, Getty Images

આ સિવાય, સીજેપીની માગણીઓમાં નીટની પરીક્ષાની તૈયારી કરવા દરમિયાન આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર આપવાનો, આંદોલનકારીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા પોલીસ કેસો પાછા ખેંચી લેવાનો અને આ સમગ્ર મુદ્દા પર સંસદમાં વિગતવાર ચર્ચા કરવાનો સમાવેશ થાય છે.

આ રાજકીય ગતિવિધિની વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલી વખત સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું હતું કે, સરકાર, નીટની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના મુદ્દા પર સંસદગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર છે.

પ્રધાને લખ્યું હતું, "અમારી સરકાર સંસદગૃહમાં નીટની પરીક્ષાના મુદ્દા વિશે ચર્ચા કરવા માટે તથા યુવાનોના તમામ ઉચિત પ્રશ્નોના જવાબ આપવા માટે કટિબદ્ધ છે."

"આપણા વિદ્યાર્થીઓને ફક્ત રોષની નહીં, બલ્કે જવાબો, સુધારણા અને જવાબદારીની જરૂર છે."

જોકે, 21મી જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર વાત કરતી વખતે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાનો કોઈ સંકેત આપ્યો ન હતો.

આ મામલા અંગે બીબીસી મરાઠી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈએ કહ્યું હતું, "મંત્રીઓ નૈતિક જવાબદારી ઉઠાવીને રાજીનામું આપે, એ કદાચ મોદીના રાજકારણનો ભાગ નથી."

"તેઓ એકલા જ નેતૃત્વ કરવા માગે છે. જો મંત્રીઓ રાજીનામું આપે અથવા તો તેમની પાસેથી રાજીનામું લેવામાં આવે, તો તેના લીધે તેમના સમર્થકોમાં એવો સંદેશો જઈ શકે છે કે, સરકાર બિનઅસરકારક છે."

"મોદી સરકાર માટે નૈતિકતા કરતાં વધુ મહત્વનું કશું હોય, તો તે રાજીનામાની ચૂંટણી પર પડનારી અસર છે."

કિદવાઈ અને રાહુલ વર્મા, બંનેનું માનવું છે કે, જ્યાં સુધી જાહેર દબાણ ચૂંટણી જીતવાની ભાજપની ક્ષમતાને પ્રભાવિત નહીં કરે, ત્યાં સુધી મોદી સરકાર તેની સામે ઝૂકવાની નથી.

બીજી તરફ, રાજકીય વિશ્લેષક અને લેખક અભિષેક ચૌધરી કહે છે, "એ શક્ય છે કે, વડા પ્રધાન અત્યારે આવું એટલા માટે કરી રહ્યા છે, કારણ કે, તેમને લાગે છે કે, રાજકીય આધાર સરકી રહ્યો છે."

"જો એક મંત્રી રાજીનામું આપશે, તો ભવિષ્યમાં બીજા મંત્રીઓ સામેનું વિપક્ષનું દબાણ વધી શકે છે. કદાચ આથી જ વડા પ્રધાન તેમના મંત્રીઓ પાસેથી રાજીનામું નથી માગી રહ્યા. "

આ મુદ્દા વિશે વિગતવાર વાત કરતાં રશીદ કિદવાઈએ કહ્યું હતું, "આ આંદોલન અગાઉનાં આંદોલનો કરતાં જુદું જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં યુવાનો તેમાં જોડાયા છે."

"હવે, વિરોધ પક્ષોએ પણ તેમાં ઝંપલાવ્યું છે. જો સરકાર તેમના દબાણને વશ થઈ જાય અને મંત્રીઓનાં રાજીનામાં સ્વીકારી લે, તો દેખાવકારોનો જુસ્સો ઓર વધશે."

"આ બાબત મોદીની કેન્દ્રીકૃત તથા કડક રાજકીય શૈલી સાથે સુસંગત ગણાશે નહીં."

જોકે, વિજય ત્રિવેદી કહે છે કે, એ પણ સાચું નથી કે, મોદી સરકાર વિવાદોથી ઘેરાયેલા મંત્રીઓને કદીયે હટાવતી નથી.

તેમના મત પ્રમાણે, જ્યારે કૅબિનેટના વિસ્તરણ કે ફેરબદલનો સમય આવ્યો, ત્યારે ચૂંટણી પછી કેટલાક મંત્રીઓની જવાબદારી બદલી દેવામાં આવી હતી અથવા તો તેમને કૅબિનેટમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

પરંતુ, મોદી સરકાર સામાન્યપણે રાજકીય દબાણ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતી નથી.

શું તેના લીધે ભાજપને રાજકીય નુકસાન થશે?

અભિજિત દીપકે, સોનમ વાંગચુક, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્હી જંતર મંતર પ્રદર્શન, સીજેપી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો તેનાથી ભાજપને રાજકીય નુકસાન જશે કે નહીં, તે તો આવનારો સમય જ જણાવશે.

તેઓ કહે છે કે, કોઈપણ આંદોલન કાયમ માટે ચાલતું નથી. અત્યારે કોઈ ચૂંટણી યોજાવાની નથી. વધુમાં, આંદોલનના મુદ્દા અને ચૂંટણીના મુદ્દા ઘણી વખત અલગ-અલગ હોય છે.

રાહુલ વર્માનું એવું વિશ્લેષણ છે કે, રાજકીય પક્ષો હાલની પરિસ્થિતિનો કેટલો રાજકીય લાભ ઉઠાવી શકે છે, તે બાબત પર ઘણો મદાર રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં અમુક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે વિરોધ પક્ષો આ મુદ્દાને ત્યાં સુધી કેવી રીતે ઉઠાવે છે, એ જોવાનું રહે છે.

આ દરમિયાન, 21મી જુલાઈથી આમ આદમી પાર્ટી (આપ) સતત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કરતી રહી છે.

રશીદ કિદવાઈ કહે છે કે, આનાથી વિરોધ પક્ષોમાં એક્તાનો અભાવ ઉઘાડો પડી ગયો છે.

કિદવાઈના જણાવ્યા મુજબ, હવે એ જોવાનું રહે છે કે, આજે માર્ગો પર વિરોધ પ્રદર્શનો કરી રહેલા લોકો ચૂંટણી વખતે ફક્ત પ્રશ્નપત્ર લીક થવા મુદ્દે જ મત આપશે, કે પછી ફરી એક વખત રાજકીય અને ધાર્મિક ધ્રુવીકરણ પ્રભાવી બની રહેશે. ભારતીય રાજકારણનું બદલાયેલું પરિદૃશ્ય આ સવાલને વધુ મહત્ત્વનો બનાવે છે.

"વર્તમાન સમયમાં, રાજકીય, સામાજિક અને ધાર્મિક ધ્રુવીકરણ દેશમાં ઘણું ઊંડું છે."

"એક મજબૂત સમર્થક વર્ગ ઊભો થયો છે, જેને મોદી પર પૂરે-પૂરો વિશ્વાસ છે. તે વર્ગ તેના નેતાને કમજોર થતો નથી જોવા માગતો."

"તે એમ પણ માને છે કે, મોદી જે પણ કહે છે, તે સાચું છે. બીજી તરફ, મોદીનો વિરોધ કરનારા લોકોના વિચારો બદલવા લગભગ અશક્ય છે, ચાહે મોદી ગમે તે કરે."

મોદી સરકારે કોવિડ-19 મહામારીની સ્થિતિ જે રીતે સંભાળી, તે ઉપરાંત, નોટબંધી, પાકિસ્તાન તથા ચીન સાથેની વિદેશ નીતિ, મણિપુર હિંસા, ઍન્ટી-સીએએ દેખાવો અને અન્ય ઘણા મુદ્દાઓને લઈને વ્યાપક આલોચના સહન કરવી પડી હતી, પણ રશીદ કિદવાઈ કહે છે કે, આ મુદ્દાઓની ચૂંટણી પર અસર ઘણી સીમિત રહી હતી.

તેમણે કહ્યું હતું, "જ્યારે સરકારને લાગ્યું કે, કૃષિ કાયદા ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે વડા પ્રધાન મોદીએ તે કાયદા પાછા ખેંચી લીધા હતા. મોદી સરકારનું આ ચૂંટણીલક્ષી ગણિત અથવા તો 'જનાદેશ સિદ્ધાંત' છે."

અલબત્ત, જો સરકારને સ્હેજ પણ અણસાર આવે કે, વિદ્યાર્થી આંદોલન આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર માઠી અસર ઉપજાવી શકે છે, તો તે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવી શકે છે અથવા તો તેમનો પોર્ટફોલિયો બદલી શકે છે.

જોકે, વિજય ત્રિવેદી કહે છે કે, અત્યારે તો આવા કોઈ સંકેતો દેખાતા નથી.

મંત્રીઓ શા માટે રાજીનામું આપે છે?

 અભિજિત દીપકે, સોનમ વાંગચુક, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્હી જંતર મંતર પ્રદર્શન, સીજેપી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય વિશ્લેષક અભિષેક ચૌધરી કહે છે, "જ્યારે કોઈ વિવાદાસ્પદ મામલાની તપાસ થઈ રહી હોય, ત્યારે સંબંધિત મંત્રાલયના મંત્રીનું રાજીનામું અલ્પતમ રાજકીય ઉત્તરદાયિત્વ સ્વીકારવા બરાબર છે. જો તે મંત્રી પક્ષમાં મોટું રાજકીય મહત્ત્વ ધરાવતા હોય, તો વડા પ્રધાન પછીથી તેમને કૅબિનેટમાં ફરીથી સામેલ કરી શકે છે."

"પણ તે સમયે, રાજીનામાને સરકારની છબિ સુધારવા અને નિષ્ફળતાની જવાબદારી નક્કી કરવા માટેના ઉકેલ તરીકે જોવામાં આવે છે."

તેના ઉદાહરણ તરીકે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારનો ઉલ્લેખ કરે છે.

માર્ચ, 2001માં તહેલકા સ્ટિંગ ઑપરેશનને પગલે જ્યૉર્જ ફર્નાન્ડિઝે નૈતિક જવાબદારી સ્વીકારતાં રાજીનામું આપી દીધું હતું. વાજપેયીએ પણ આ પ્રક્રિયા શરૂ કરી હતી.

નવેમ્બર, 1956માં ટ્રેન અકસ્માતને પગલે તત્કાલીન રેલવે પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારતાં રાજીનામું આપી દીધું હતું.

તેમના આ પગલાંને આજે પણ ઉત્તરદાયિત્વના એક આદર્શ દ્રષ્ટાંત તરીકે યાદ કરવામાં આવે છે.

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકે અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે એ પણ વિગતવાર સમજાવ્યું છે કે, વર્તમાન સંજોગોમાં શા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું જરૂરી છે.

તેમણે કહ્યું હતું, "ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે રાજીનામું આપવું જોઈએ, કારણ કે, શિક્ષણ પ્રણાલીની આ ઘોર નિષ્ફળતા પાછળ આખરે તો મંત્રાલય જ જવાબદાર છે."

"પરીક્ષા પ્રણાલીની અંદર અરાજકતા, તંગદિલી અને સંબંધિત ઘટનાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. આથી, ધર્મેન્દ્ર પ્રધાન મંત્રીપદે યથાવત્ રહે, એ ઉચિત નથી."

અભિજિત દીપકે કહે છે, "આ પ્રકારનું રાજીનામું કૅબિનેટના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને પણ જવાબદાર બનાવશે."

"તેમને સમજાશે કે જો તેઓ ગંભીર ભૂલ કરશે, તો તેમને પણ તેમના હોદ્દા પરથી હટાવવામાં આવી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન