ગુજરાતમાં આ તારીખ સુધી અતિભારે વરસાદની શક્યતા, અડધા રાજ્યમાં રૅડ ઍલર્ટની ચેતવણી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી આગામી 3થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત બાદ હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ જે સિસ્ટમ ગુજરાતની પાસેથી પસાર થવાની છે તે મજબૂત થઈ ગઈ છે અને તે લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવામાન વિભાગ પ્રમાણે તે પશ્ચિમ અને દક્ષિણ તરફ નમેલો છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
હજી આ સિસ્ટમ ગુજરાત પર ત્રણથી ચાર દિવસ સુધી અસર કરશે અને લગભગ 30 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે.
આજે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



