વિયેતનામમાં 32 ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી બોટ પલટી, 15નાં મોત - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

વિયેતનામના ફૂ ક્વૉક દ્વીપ પાસે ભારતીય પર્યટકોના એક સમૂહને લઈ જઈ રહેલી સ્પીડબોટ પલટી ગઈ, આ દુર્ઘટનામાં 15 લોકોનાં મૃત્યુ થઈ ગયાં.

વિયેતનામમાં ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

અધિકારીઓ મારફતે મળેલી પ્રારંભિક જાણકારી પ્રમાણે, 32 પર્યટકો, કેટલાક ચાલક દળના સભ્યો અને ફ્લાઇટ એટેન્ડેન્ટને લઈને જઈ રહેલી સ્પીડબોટ 11 જુલાઈની બપોરે લગભગ એક વાગ્યે પલટી.

તુઓઈ ત્રે અખબાર પ્રમાણે, 23 લોકોને કાંઠે લવાયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રજિસ્ટ્રેશન નંબર એજી 26751વાળી આ સ્પીડબોટ મિન્હ હુઈ ફૂ ક્વૉક ટ્રેડિંગ ઍન્ડ ટૂરિઝમ કંપની લિમિટેડની છે.

હોનમાં રુટ ન્ગોઆઇથી લગભગ 400 મીટર આગળ વધ્યા બાદ સ્પીડબોટમાં અચાનક ખરાબી આવી ગઈ અને એ પલટી ગઈ, જેનાથી તમામ મુસાફરો અને ચાલક દળના સભ્યો સમુદ્રમાં પડી ગયા.

એક વીડિયોમાં અકસ્માતવાળી જગ્યાએ ઝડપી પવન ફૂંકાતો અને ઊંચાં મોજાં ઊઠતાં દેખાઈ રહ્યાં છે. બચાવ દળ પાણીમાં મોજૂદ લોકોની તરફ લાઇફગાર્ડ ફેંકી રહ્યા છે, જ્યારે જેટ સ્કી બચાવેલા લોકોને કાંઠા સુધી લાવવામાં જોતરાયેલી છે.

સીમા સુરક્ષા બળે બચાવ અભિયાનમાં બે બોટ અને 35 જવાન તહેનાત કર્યા.

આ અભિયાનમાં નૌસેના, તટરક્ષક બળ અને બીજી સંબંધિત એજન્સીઓએ સાથે મળીને કામ કર્યં.

આ અકસ્માત હોનમાં રુટ દ્વીપ પર થયો, જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ખ્યાત છે અને ફૂ ક્વૉકના સૌથી સારાં કોરલ રીફ ડાઇવિંગ સ્થળો પૈકી એક મનાય છે.

આ જગ્યા સુધી પહોંચવા માટે પર્યટક સામાન્યપણે બોટનો ઉપયોગ કરે છે, જેમાં લગભગ 20-40 મિનિટનો સમય લાગે છે.

વિયેતનામસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે અસરગ્રસ્ત પરિવારોને જાણકારી અને સહાય પૂરી પાડવા માટે હો ચી મિન્હ સિટીસ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસમાં એક કંટોલ રૂમ સ્થાપિત કરાયો છે.

દૂતાવાસે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414

આ નંબરો પર પરિવારના સભ્ય સંપર્ક કરીને પોતાના પરિવારજનો અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

તેમજ, હનોઈમાં પણ એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરાયો છે, જેની સાથે +84 91 308 9165 પર સંપર્ક સાધી શકાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, 'જો મારી હત્યાની કોશિશ કરી તો...'

Donald Trump, US, Iran, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Win McNamee/Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સરકારને ધમકી આપી છે કે જો ઈરાન કોઈ કાર્યવાહી કરે છે અથવા તેમની હત્યાની કોશિશ કરી તો અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરશે.

તેમણે સોશિયલ પ્લૅટફૉર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, "હજાર મિસાઇલો તૈયાર છે અને ઈરાન તરફ નિશાન તાકેલી છે."

"જો ઈરાની શાસનની ધમકી અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે કે મારી હત્યાની કોશિશ કરે તો તુરંત હજારો મિસાઇલથી હુમલો કરવામાં આવશે."

ટ્રમ્પે લખ્યું કે, "જરૂરી આદેશ આપવામાં આવ્યા છે અને અમેરિકાની સેના તૈયાર છે..ઈરાનના બધા વિસ્તારોને એક વર્ષમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવાશે, તેને આગળ પણ વધારી શકાય છે."

ઇઝરાયલી ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઈરાન ટ્રમ્પની હત્યાનું નવું કાવતરું કરી રહ્યું છે. આ રિપોર્ટ બાદ અમેરિકાએ ધમકી આપી છે.

જ્યારે ઈરાનના અધિકારીઓએ પહેલાં જ ટ્રમ્પની હત્યાના કોઈ પણ કાવતરાથી ઇનકાર કર્યો છે.

ઈરાન સાથે ફરી વાતચીત કરતાં પહેલાં અમેરિકાએ મૂકી આ માંગ

Donald Trump, US, Iran, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ ઈરાન સાથે શનિવારના પ્રસ્તાવિત વાટાઘાટો પહેલાં હોર્મુઝ સામુદ્રધુનીને લઈને સાર્વજનિક આશ્વાસન આપવાની માંગ કરી છે.

અમેરિકન વહીટવટી તંત્રની માંગ છે કે ઈરાન આધિકારિક રીતે જાહેરાત કરે કે હોર્મુઝ સામુદ્રધુની ખુલ્લી છે અને ત્યાં કૉમર્શિયલ જહાજો પર ગોળીબાર નહીં કરે.

સીબીએસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસ ઇચ્છે છે કે ઈરાન સાર્વજનિક રીતે સ્વીકાર કરે કે કૉમર્શિયલ જહાજો પર ગોળીબાર કરવો પણ 'એક ભૂલ' હતી.

અમેરિકન મીડિયાએ અજ્ઞાત અધિકારીઓને ટાંકતા દાવો કર્યો કે ઈરાનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારો સાથે ખાનગી વાતચીતમાં સ્વીકાર્યું કે જહાજો પર ગોળીબાર 'એક ભૂલ' હતો.

જોકે, ઈરાને આના માટે પોતાના જ એક વિદ્રોહી જૂથને જવાબદાર ઠેરવ્યું છે.

જૂન મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારમાં ઈરાને કૉમર્શિયલ જહાજોને સુરક્ષિત માર્ગ આપવાનો વાયદો કર્યો હતો.

સીબીએસ ન્યૂઝ અનુસાર, વરિષ્ઠ અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે ઈરાનનું કહેવું છે કે કટ્ટરપંથીઓના એક વિદ્રોહી જૂથ કૉમર્શિયલ જહાજો પર ગોળીબાર કરીને બંને દેશો વચ્ચે ચાલતી વાટાઘાટોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

એક અમેરિકન અધિકારીને ટાંકતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "તે (ઈરાન) ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવે અને કહે કે અમારાથી ભૂલ થઈ ગઈ અને વાતચીત ચાલુ રાખો."

વાવાઝોડાથી ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન, 15નાં મોત

હાલમાં બાવી વાવાઝોડું પેસિફિક મહાસાગરને પાર કરીને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હાલમાં બાવી વાવાઝોડું પેસિફિક મહાસાગરને પાર કરીને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે

દક્ષિણ ફિલિપાઇન્સમાં આવેલા બાવી વાવાઝોડાને કારણે થયેલા ભૂસ્ખલનમાં કમસે કમ 15 લોકો માર્યા ગયા છે, જ્યારે પૂર્વ એશિયાના કેટલાક ભાગો વાવાઝોડું ત્રાટકી શકે છે.

ફિલિપાઇન્સમાં આવેલું આ વાવાઝોડું દાયકાઓના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક માનવામાં આવે છે.

હાલમાં બાવી વાવાઝોડું પેસિફિક મહાસાગરને પાર કરીને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે.

શનિવારે દક્ષિણ-પૂર્વ ચીનમાં ત્રાટકતાં પહેલાં તાઇવાનના ઉત્તર અને પૂર્વ અને દૂરના જાપાની ટાપુઓ પર વરસાદ પડવાની ધારણા છે.

આ વાવાઝોડાને કારણે ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર પ્રદેશમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે.

વાવાઝોડા પહેલાં રહેવાસીઓ પુરવઠાનો સ્ટોક કરી રહ્યા છે.

વાવાઝોડાને કારણે ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર ભૂસ્ખલન થયું અને રાતોરાત અનેક પરિવારો દટાઈ ગયા છે અને બચાવકારો હજુ પણ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સપ્તાહના અંતે દેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.

ટાપુના સંરક્ષણ મંત્રાલય અનુસાર, રાહતકાર્યમાં મદદ માટે અંદાજે 29,000 સૈનિકોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

અગાઉ સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જોરદાર પવન, મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂર અંગે ચેતવણી આપી હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

પીએમ શહબાઝ શરીફે જણાવ્યું કે તેમણે પેઝેશ્કિયાન સાથે ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે શાંતિ જાળવી રાખવા માટે કૂટનીતિ જરૂરી છે

ઇમેજ સ્રોત, Arif Hudaverdi Yaman/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ શહબાઝ શરીફે જણાવ્યું કે તેમણે પેઝેશ્કિયાન સાથે ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે શાંતિ જાળવી રાખવા માટે કૂટનીતિ જરૂરી છે

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આની માહિતી આપી છે.

પીએમ શહબાઝ શરીફે જણાવ્યું કે તેમણે પેઝેશ્કિયાન સાથે ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે શાંતિ જાળવી રાખવા માટે કૂટનીતિ જરૂરી છે.

શહબાઝ શરીફે શુક્રવારે મોડી રાતે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે "આજે મેં મારા ભાઈ અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી છે. અમે બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી અને એ વાત પર ભાર મૂક્યો કે હાલના મહિનાઓમાં મળેલી શાંતિ જાળવી રાખવા માટે સંયમ, વાતચીત અને કૂટનીતિ જરૂરી છે."

તેમણે લખ્યું, "મેં ફરી કહ્યું કે પાકિસ્તાન કાયમી શાંતિ માટે ઈમાનદાર અને સાચા મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવવા તૈયાર છે. અમે એ પણ નક્કી કર્યું કે ઇસ્લામાબાદની હાલની યાત્રા દરમિયાન દ્વિપક્ષીય સહયોગના એજન્ડાને આગળ વધારાશે."

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા અને યુદ્ધને સંપૂર્ણ રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન