વ્હાઇટ હાઉસે ઈરાન સાથેના યુદ્ધવિરામની ડેડલાઈનને લઈને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ આગળ વધારવાની ઘોષણા કરી હતી. પરંતુ ડેડલાઇનને લઈને તેમણે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. હવે વ્હાઇટ હાઉસે તેના પર પ્રતિક્રિયા આપી છે.
વ્હાઇટ હાઉસે બુધવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે પ્રસ્તાવ આપવાની કોઈ સમયસીમા નક્કી નથી કરી.
વ્હાઉટ હાઉસનાં પ્રવક્તા કૅરોલીન લેવિટે પત્રકારોને કહ્યું, "રાષ્ટ્રપતિએ ઈરાનથી કોઈ પ્રસ્તાવ મેળવવા માટેની સમયસીમા નક્કી નથી કરી. જેવું કે આજે કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું. આખરે સમયસીમા નક્કી કરવાનો અધિકાર કમાન્ડર-ઇન-ચીફની પાસે છે."
અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા માગતું હતું, બીજા તબક્કાની વાતચીત માટે ઇસ્લામાબાદમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ઈરાને વાતચીતમાં સામેલ થવા મામલે કોઈ સંકેત આપ્યા નહોતા.
આ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે યુદ્ધવિરામનો સમય આગળ વધારી દીધો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો.
ટ્રમ્પે મહિલા પ્રદર્શનકારીઓની ફાંસી રદ કરવા બદલ ઈરાનના કર્યા વખાણ, ઈરાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, truthsocial/@realDonaldTrump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જે આઠ ઈરાની મહિલા પ્રદર્શનકારીઓને ફાંસી આપવાની હતી, તેમને હવે ફાંસી નહીં આપવામાં આવે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું કે આ મહિલાઓને ફાંસી આપવાનો તેનો કોઈ ઇરાદો નહોતો.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઘણા સારા સમાચાર આવી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું કે એ તમામ આઠ મહિલા પ્રદર્શનકારીઓને નહીં મારવામાં આવે. તે પૈકી ચારને તો તરત જ છોડી મૂકવામાં આવશે અને બાકીની ચારને એક મહિના સુધી જેલમાં રહેવું પડશે. હું ઈરાન અને તેના નેતાઓની આ માટે સરાહના કરું છું કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની મારી અપીલ માનીને આ મહિલાઓની ફાંસીની સજા રદ કરી."
ટ્રમ્પે મંગળવારે ઈરાની શાસનને આ મહિલાઓ મામલે પૂછ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મહિલાઓને છોડવામાં આવશે તો 'આપણી વાતચીતની સારી શરૂઆત' થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું ત્યારે થયું જ્યારે સમાચાર આવી રહ્યા હતા કે જાન્યુઆરીમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં સામેલ આ મહિલાઓને ઈરાનમાં ફાંસી આપવામાં આવી રહી છે.
બીબીસી અરબી પ્રમાણે, ઈરાની ન્યાયપાલિકા સાથે જોડાયેલી મિજાન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું, "ટ્રમ્પને જૂઠી ખબરોએ ગેરમાર્ગે દોર્યા, જે વિરોધી મીડિયા ચૅનલોએ ફેલાવી હતી. કેટલીક મહિલા પહેલાં જ છોડી મૂકવામાં આવી છે. બાકીની પર એવો આરોપ છે કે તેમને ફાંસીની સજા ન થઈ શકે."
યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને 12થી વધુ લોકોને ફાંસીની સજા આપી છે. તે પૈકી કેટલાક પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો અને કેટલાક પર આ વર્ષની શરૂઆતમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેવાનો આરોપ હતો.
ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેની વાતચીતને લઈને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Iranian Presidency / Handout/Anadolu via Getty Images
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે ઈરાન વાતચીતનું સ્વાગત કરે છે, પરંતુ તેમાં ધમકી અવરોધ બની રહી છે.
મસૂદ પેઝેશ્કિયાને આ વાત એ સમયે કહી છે જ્યારે અમેરિકા બીજા ચરણની વાતચીત ઇચ્છે છે.
ઈરાની રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ઈરાન વાતચીત અને સમજૂતીનું સ્વાગત કરે છે અને આગળ પણ કરશે. વચનોનું તોડવું, તેના પર રોક લગાવવી અને ધમકી આપવી એ તેમાં અવરોધક બને છે."
તેમણે લખ્યું, "દુનિયા તમારી ન સમાપ્ત થનારી બેવડાં ધોરણો ધરાવતી વાતો, દાવાઓ અને કામો વચ્ચેનો ફરક જોઈ રહી છે."
ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદમાં થનારી વાતચીત રદ કરી દેવામાં આવી છે કારણકે ઈરાને તેમાં દિલચસ્પી દેખાડી નહોતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























