ઈરાન પર બૉમ્બમારો કરવાની ધમકી આપનારા ટ્રમ્પે હવે યુદ્ધવિરામ કેમ લંબાવ્યો?

ઇમેજ સ્રોત, Win McNamee/Getty Images
સારાહ સ્મિથ, નોર્થ અમેરિકા ઍડિટર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામ વધારવાનો લીધેલો નિર્ણય, તેમના થોડા કલાકો અગાઉનાં નિવેદનોથી મોટો યૂ-ટર્ન માનવામાં આવે છે.
આ ઘોષણા કરતાં થોડા જ કલાકો પહેલાં ટ્રમ્પે સીએનબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું કે "મને આશા છે કે અમે (ઈરાન પર) બૉમ્બમારો કરીશું."
આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાની સેના તેના માટે "સંપૂર્ણ રીતે તૈયાર" છે.
ટ્રમ્પ આ પહેલાં પણ ઈરાનની અંદરના દરેક પુલ અને પાવર પ્લાન્ટ્સને ઉડાવી દેવાની ધમકી આપી ચૂક્યા છે.
પરંતુ હાલના યુદ્ધવિરામને પૂર્ણ થવામાં માત્ર થોડા કલાકો બાકી હતા ત્યારે જ ટ્રમ્પે સંઘર્ષને અનિશ્ચિત સમય માટે રોકવા પર સંમતિ આપી દીધી. તેમનું કહેવું છે કે આ નિર્ણય તેમણે પાકિસ્તાન સરકારના અનુરોધ પર લીધો છે.
આ સમગ્ર સંઘર્ષ દરમિયાન ટ્રમ્પે આક્રમક અને ધમકીભર્યાં નિવેદનો દ્વારા ઈરાની શાસનને દબાણમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેઓ ખરેખર ફરી એકવાર ઈરાન પર હુમલો શરૂ કરવા માંગતા નથી.
આંતરિક દબાણ?

ઇમેજ સ્રોત, Leigh Vogel/Getty Images for About Face: Veterans Against The War
બર્ન્ડ ડિબશમૅન જુનિયર, વ્હાઇટ હાઉસ રિપોર્ટર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામની જાહેરાત અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે અને આવનારા દિવસોમાં વાતચીતની શક્યતાઓ વિશે સંકેત આપે છે.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી એ બાબતનો ઇશારો મળે છે કે હાલ તેમને પણ સ્પષ્ટ સમજ નથી કે ઈરાનની તરફથી આપવામાં આવેલો પ્રસ્તાવ વાસ્તવમાં શું છે અને ઈરાનની સરકારમાં અંતિમ નિર્ણય કોણ લઈ રહ્યું છે?
આ વાત એ જ દાવાને મજબૂત કરે છે, જે ટ્રમ્પ વારંવાર કરતા આવ્યા છે કે ઈરાનનું નેતૃત્વ ઘણું નબળું પડી ગયું છે અને આંતરિક નિર્ણય પ્રક્રિયામાં ભારે અવ્યવસ્થા છે.
આ જાહેરાતથી એ પણ સ્પષ્ટ થાય છે કે હવે ટ્રમ્પ ઈરાન સામે અગાઉ જેટલી વ્યાપક સ્તરે ફરી યુદ્ધ શરૂ કરવા માગતા નથી.
અમેરિકાની આંતરિક રાજનીતિ અને ઑઇલની કિંમતો પર પડતી અસરને જોતા, ફરી યુદ્ધ છેડવું ટ્રમ્પ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.
ધ્યાન આપવાની બાબત એ છે કે ટ્રમ્પે યુદ્ધવિરામ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી, એટલે સમાધાન શોધવા માટે કોઈ 'ડેડલાઇન' મૂકવામાં આવી નથી. આ વ્યૂહરચનાથી તેમને સિદ્ધાંતરૂપે વધારે લવચીકતા મળે છે.
જોકે ઈરાનનાં બંદરો પર અમેરિકી નાકાબંદી હજુ પણ યથાવત્ છે. ઈરાન તેને યુદ્ધની કાર્યવાહી તરીકે જુએ છે અને આવનારી કોઈપણ ચર્ચામાં આ મોટો અવરોધ બની શકે છે.
આ સ્થિતિમાં ઈરાન ઈચ્છે તો તણાવ વધારી શકે છે અથવા ફારસની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સીમિત સ્તરે સંઘર્ષ ઊભો થઈ શકે છે.
શું ટ્રમ્પને ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવામાં રસ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
ડૅનિયલ બુશ, વૉશિંગ્ટન સંવાદદાતા
ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારનો નિર્ણય લઈ પોતાના માટે થોડો વધુ સમય મેળવી લીધો છે.
આ પહેલાં તેઓ સતત ઈરાનને ચેતવણી આપતા હતા કે "સમજૂતી કરો, નહીં તો બુધવારથી ફરી યુદ્ધ શરૂ થશે."
પરંતુ આવી ચેતવણી આપ્યા બાદ જ તેમણે અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામ વધારવાનો નિર્ણય લઈ લીધો.
આ રીતે ટ્રમ્પે હાલ ઈરાન સામે મોટા હવાઈ હુમલા ફરી શરૂ કરવાની પોતાની ધમકી અમલમાં ન લાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, સાથે જ એ પણ નિશ્ચિત થયું છે કે આવનારા દિવસો અથવા અઠવાડિયાંમાં તેમને ફરી આવો જ નિર્ણય લેવો પડી શકે છે.
આ નિર્ણય ક્યારે લેવાશે તે હજી સ્પષ્ટ નથી. ટ્રમ્પે એટલું જ કહ્યું છે કે તેઓ ઈરાનને યુદ્ધ સમાપ્ત કરવા માટે 'એકસૂત્રીય પ્રસ્તાવ' રજૂ કરવા માટે વધુ સમય આપી રહ્યા છે.
છેલ્લાં બે અઠવાડિયાંમાં આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પ યુદ્ધ વધારવાની ધમકીમાંથી પાછળ હટ્યા છે.
આથી સંકેત મળે છે કે તેઓ હવે આ સંઘર્ષને ધીમે ધીમે સમાપ્ત કરવા વધુ રસ દાખવી રહ્યા છે.
ઈરાન યુદ્ધના મુદ્દાઓ જે હજુ ઉકેલાયા નથી

ઇમેજ સ્રોત, Majid Saeedi/Getty Images
ગૅરી ઑડોન્યુ, નોર્થ અમેરિકા સંવાદદાતા
અમેરિકા અને સમગ્ર દુનિયામાં આ બાબતને એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. ટ્રમ્પે હાલ ઈરાનમાં વધુ બૉમ્બમારો અને વિનાશ કરવાનીની શક્યતાઓમાંથી હાલ એક ડગલું પાછળ ખેંચ્યું છે.
રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પ ઈરાનની વિખરાયેલી નેતૃત્વ વ્યવસ્થાનો ઉલ્લેખ કરી રહ્યા છે. આથી લાગે છે કે અમેરિકી પ્રતિનિધિમંડળ હજી એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે વાસ્તવમાં વાતચીત કોની સાથે કરવી અને કઈ જાતનો પ્રસ્તાવ રાખવો.
અમેરિકાના મુદ્દા સ્પષ્ટ છે –
• હોર્મુઝ સામુદ્રધુનીને ફરી ખોલવી
• ઈરાનની યુરેનિયમ ઍનરિચમેન્ટ ક્ષમતાને નિયંત્રિત કરવી
આ અંગે શંકા પણ વ્યક્ત થઈ રહી છે કે ભલે ઈરાન કહે છે કે તે પરમાણુ બૉમ્બ નથી ઇચ્છતું, પરંતુ તે ભવિષ્યમાં બૉમ્બ બનાવવાનો વિકલ્પ પોતાના હાથમાં રાખવા માગે છે.
બન્ને પક્ષો વચ્ચે હજી પણ અનેક અત્યંત મહત્ત્વના અને જટિલ મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે.
જ્યારે યુદ્ધવિરામ સમાપ્ત થવાનો સમય આવી રહ્યો હતો અને ફરી બૉમ્બમારો શરૂ થવાનાં વાદળો ઘેરાયાં હતાં, ત્યારે અમેરિકી પ્રશાસને થંભીને એક પગલું પાછું લીધું છે. હવે આગળ શું થાય છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
હાલના યુદ્ધવિરામની મુખ્ય શરતો

ઇમેજ સ્રોત, U.S. Navy via Getty Images
યુદ્ધવિરામના મુખ્ય મુદ્દા સંક્ષેપમાં જોઈએ:
- 8 એપ્રિલે ઈરાન અને અમેરિકા વચ્ચે શરતો સાથે બે અઠવાડિયાંનો યુદ્ધવિરામ થયો હતો, જે બુધવારે પૂર્ણ થવાનો હતો.
- ટ્રમ્પના જણાવ્યા મુજબ, સમજૂતી એ શરતે થઈ હતી કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલશે, જે ઑઇલ અને અન્ય નિકાસ માટે અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે.
- ઈરાને બે અઠવાડિયાંના સમય માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવાની મંજૂરી આપી હતી, જેના પર ઈરાની સેનાની દેખરેખ હતી.
- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ શાંતિ વાટાઘાટોના પ્રથમ તબક્કા માટે પાકિસ્તાન ગયા હતા, પરંતુ થોડા કલાકોની વાતચીત બાદ કોઈ સ્પષ્ટ પરિણામ વિના વૉશિંગ્ટન પરત ફર્યા હતા.
- કોઈ સમજૂતી ન થવાના કારણે અમેરિકા દ્વારા ઈરાન સામે નૌસેનિક નાકાબંદી શરૂ કરવામાં આવી અને આર્થિક દબાણ પણ વધારવામાં આવ્યું, જેમાં વિદેશી બૅન્કો પર સેકન્ડરી પ્રતિબંધોની ચેતવણી સામેલ હતી.
બીજા મોરચે (ઇઝરાયેલ–લેબનોન) સાથે જોડાયેલી શરતો
- લેબનોન (જ્યાં હિઝ્બુલ્લાહ સક્રિય છે) અને ઇઝરાયેલ વચ્ચે પણ યુદ્ધવિરામની ઘોષણા થઈ છે.
- 16 એપ્રિલે ટ્રમ્પે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો, જે 1993 પછી બંને દેશો વચ્ચે થયેલી પહેલી સીધી વાતચીત બાદ થયો હતો.
- ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે "લેબનોનમાં યુદ્ધવિરામ બાદ" હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકા દ્વારા નાકાબંદી ન હટાવાતા ઈરાને બીજા જ દિવસે તેને ફરી બંધ કરી દીધો હતો.
- કરાર મુજબ, ઇઝરાયેલને દરેક સમયે આત્મરક્ષામાં જરૂરી તમામ પગલાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે – ભલે હુમલાની આશંકા હોય કે હુમલો ચાલી રહ્યો હોય.
- આમાં આ પણ સામેલ છે કે લેબનોનને હિઝ્બુલ્લાહ અને અન્ય "ગેર-રાજ્ય (નોન-સ્ટેટ) સશસ્ત્ર સંગઠનો"ને ઇઝરાયેલ પર હુમલો કરવા રોકવા માટે ઠોસ પગલાં ભરવાં પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























