ગોધરાકાંડ : સુપ્રીમ કોર્ટે દોષિત ઇરફાન સિરાજ પાડાને સ્વાસ્થ્ય કારણસર જામીન આપ્યા - ન્યૂઝ અપડેટ

27 ફેબ્રુઆરી, 2002ના રોજ બનેલી આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ જઈ રહેલી સાબરમતી ઍક્સપ્રેસના એસ-6 કોચમાં આગ ચાંપી દેવાઈ હતી અને તેમાં 58 લોકોનાં મોત થયાં હતાં
ઇમેજ કૅપ્શન, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી ઍક્સપ્રેસના એસ-6 કોચમાં આગ ચાંપી દેવાઈ હતી અને તેમાં 58 લોકોનાં મોત થયાં હતાં (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

સુપ્રીમ કોર્ટે 23 નવેમ્બર ગોધરાકાંડ ટ્રેન કેસના દોષિતોમાંના એક ઇરફાન સિરાજ પાડાની સજા સ્થગિત કરી છે. કોર્ટે તેમની ગંભીર તબીબી સ્થિતિ અને 17 વર્ષથી વધુ સમયથી જેલમાં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તબીબી આધાર પર જામીન મંજૂર કર્યા છે.

લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ઇરફાન ગંભીર હૃદય અને રક્તવાહિની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા છે.

રાજ્ય સરકાર તરફથી પણ તેમની તબીબી સ્થિતિ અંગે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ બનેલી આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ જઈ રહેલી સાબરમતી ઍક્સપ્રેસના એસ-6 કોચમાં આગ ચાંપી દેવાઈ હતી અને તેમાં 58 લોકોનાં મોત થયાં હતાં.

ગોધરાની આ ઘટનાના પછી ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 11 લોકોને ફાંસીની સજા અને 20 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 63 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

ત્યાર બાદ વર્ષ 2017માં ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને અન્ય 20 દોષિતોની આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી.

ઘરે કે ઑફિસમાં વૉટ્સઍપ વેબ વાપરતા લોકો માટે શું ચેતવણી અપાઈ?

અજાણ્યા અથવા જાહેર કમ્પ્યુટરોનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ છે
ઇમેજ કૅપ્શન, અજાણ્યા અથવા જાહેર કમ્પ્યુટરોનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ છે

ઘરે કે ઑફિસમાં વૉટ્સઍપ વેબ વાપરતા લોકો માટે એક ચેતવણી અપાઈ છે અને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની સાયબર વિંગે આ ચેતવણી આપી છે.

નૅશનલ સાયબર ક્રાઇમ થ્રેટ ઍનાલિટિક્સ યુનિટ (એનસીટીએયુ) અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર (I4C)એ નોંધ્યું છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં પ્રમાણિત વૉટ્સઍપ વેબ સેશનનો દુરુપયોગ કરીને કોઈ વ્યક્તિ અન્યના વૉટ્સઍપ એકાઉન્ટમાં બિનઅધિકૃત પ્રવેશ મેળવી શકે છે.

માર્ગદર્શિકામાં ચેતવણી અપાઈ કે આવા બિનઅધિકૃત પ્રવેશથી કોઈ વ્યક્તિ તમારા સંદેશા વાંચી શકે છે, તમારી ઓળખનો ઉપયોગ કરીને સંદેશાઓ મોકલી શકે છે, તમારા સંપર્કો અને ગ્રૂપ ચેટ્સની માહિતી મેળવી શકે છે, તેમજ છેતરપિંડી, ફિશિંગ, સોશિયલ ઍન્જિનિયરિંગ અથવા અન્ય દૂષિત પ્રવૃત્તિઓ માટે તમારા વિશ્વસનીય ડિજિટલ પરિચયનો દુરુપયોગ કરી શકે છે.

આથી વૉટ્સઍપ વપરાશકારોને ખાસ કરીને ઑફિસના કમ્પ્યુટરો, શૅર કરેલી સિસ્ટમો, જાહેર કમ્પ્યુટરો અથવા અન્ય લોકોની પહોંચ ધરાવતાં ઉપકરણો પર વૉટ્સઍપ વેબનો ઉપયોગ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

શું સાવધાની રાખવી જોઈએ?

વૉટ્સએપ વેબ પર સત્તાવાર અથવા સંવેદનશીલ કાર્ય ટાળો

સરકારી, સંસ્થાકીય, નાણાકીય, ગોપનીય અથવા અન્ય સંવેદનશીલ માહિતીની આપ-લે શક્ય હોય ત્યાં સુધી કમ્પ્યુટર પરના વૉટ્સએપ વેબ સેશનથી ન કરવી

વૉટ્સઍપ વેબમાં સતત લૉગ-ઇન ન રહો

ખાસ કરીને ઑફિસ અથવા શૅર કરાયેલાં કમ્પ્યુટરો પર જરૂર ન હોય ત્યારે સક્રિય વૉટ્સઍપ વેબ સેશન ખુલ્લું ન રાખો.

દરેક ઉપયોગ પછી લૉગ-આઉટ કરવાનું ભૂલશો નહીં

કામ પૂર્ણ થયા પછી વૉટ્સઍપ વેબમાંથી મેન્યુઅલી લૉગ-આઉટ કરવાની ટેવ પાડો. માત્ર બ્રાઉઝરની વિન્ડો અથવા ટૅબ બંધ કરવી એ લૉગ-આઉટ ગણાતું નથી

માર્ગદર્શિકામાં ચેતવણી અપાઈ કે આવા બિનઅધિકૃત પ્રવેશથી કોઈ વ્યક્તિ તમારા સંદેશા વાંચી શકે છે, તમારી ઓળખનો ઉપયોગ કરીને સંદેશાઓ મોકલી શકે છે
ઇમેજ કૅપ્શન, માર્ગદર્શિકામાં ચેતવણી અપાઈ કે આવા બિનઅધિકૃત પ્રવેશથી કોઈ વ્યક્તિ તમારા સંદેશા વાંચી શકે છે, તમારી ઓળખનો ઉપયોગ કરીને સંદેશાઓ મોકલી શકે છે

ઉપયોગ અનિવાર્ય હોય ત્યારે Incognito અથવા Private Browsing મૉડનો ઉપયોગ કરો

વૉટ્સઍપ વેબનો અસ્થાયી ઉપયોગ કરવો જ પડે તો વિશ્વસનીય કમ્પ્યુટર પર Incognito/Private Browsing મૉડનો ઉપયોગ કરો અને બ્રાઉઝર બંધ કરતાં પહેલાં મેન્યુઅલી લૉગ-આઉટ કરો.

અજાણ્યા અથવા જાહેર કમ્પ્યુટરોનો ઉપયોગ ટાળો

સાયબર કૅફે, જાહેર કિઓસ્ક, હોટલના બિઝનેસ સેન્ટર, ઉધાર લીધેલાં કમ્પ્યુટરો અથવા અન્ય અવિશ્વસનીય સિસ્ટમો પર વૉટ્સઍપ વેબમાં લૉગ-ઇન ન કરો.

એકાઉન્ટમાં અસામાન્ય પ્રવૃત્તિઓ પ્રત્યે સાવચેત રહો

તમારા ઍકાઉન્ટમાંથી અણધાર્યા સંદેશા મોકલાવા, સંપર્કો તરફથી અસામાન્ય જવાબો મળવા અથવા અન્ય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તેને ગંભીરતાથી લો

તમારું ઉપકરણ સુરક્ષિત રાખો

ઑપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સુરક્ષા સૉફ્ટવૅરને અપડેટ રાખો. શંકાસ્પદ ડાઉનલોડ, અજાણી ફાઇલો, ક્રૅક કરેલું સૉફ્ટવૅર અને અવિશ્વસનીય ઍપ્લિકેશનોનો ઉપયોગ ટાળો.

દિલ્હી ઍરપૉર્ટ પર મને બ્રિટન જતાં અટકાવવામાં આવ્યો: સીજેપીના સૌરવ દાસનો દાવો

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સહ-સંયોજક સૌરવ દાસે સોમવારે આરોપ લગાવ્યો કે તેમને બ્રિટન જતાં રોકવામાં આવ્યા
ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સહ-સંયોજક સૌરવ દાસે સોમવારે આરોપ લગાવ્યો કે તેમને બ્રિટન જતાં રોકવામાં આવ્યા (ફાઇલ ફોટો)

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સહ-સંયોજક સૌરવ દાસે સોમવારે આરોપ લગાવ્યો કે તેમને બ્રિટન જતાં રોકવામાં આવ્યા.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સૌરવ દાસને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં 'ક્રૉકોચ આંદોલન' વિષય પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમને રાત્રે એક વાગ્યાની લંડન જતી ફ્લાઇટમાં બેસતાં પહેલાં દિલ્હી ઍરપૉર્ટ પર ઇમિગ્રેશન તપાસ દરમિયાન રોકવામાં આવ્યા હતા.

દાસે કહ્યું, "મોદી સરકારે કાયરતાભર્યો અભિગમ અપનાવીને મને દિલ્હી ઍરપૉર્ટ પરથી લંડન જતાં રોક્યો. મારે ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા જવાનું હતું."

આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતાં સીજેપીના સ્થાપક અભિજિત દીપકે આરોપ લગાવ્યો કે સત્તામાં બેઠેલી કોઈ વ્યક્તિને દાસને ઑક્સફૉર્ડ યુનિવર્સિટી તરફથી મળેલા આમંત્રણથી ઈર્ષ્યા થઈ રહી છે.

દીપકેએ ઍક્સ પર પોસ્ટમાં લખ્યું, "સૌરવને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં યોજાનારા એક પરિસંવાદમાં વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એવું લાગે છે કે સત્તામાં બેઠેલી કોઈ અભણ અને ગમાર વ્યક્તિ, જેને પોતે દુનિયાભરમાં ફરવું ગમે છે, તે સૌરવને ઑક્સફોર્ડ તરફથી મળેલા આમંત્રણની ઈર્ષ્યા કરી રહી છે."

એનવીડિયાની ઑફિસે પરત ફર્યા જેનસન હુઆંગ, કર્મચારીઓ પાસે શા માટે માગી માફી?

હુઆંગે ત્યાં હાજર ડઝનો કર્મચારીઓને કહ્યું, "મને બીજી તક આપવા બદલ તમારો બધાનો આભાર."
ઇમેજ કૅપ્શન, હુઆંગે ત્યાં હાજર ડઝનો કર્મચારીઓને કહ્યું, "મને બીજી તક આપવા બદલ તમારો બધાનો આભાર."

એનવીડિયાના મુખ્યાલયમાં પરત ફરેલા જેનસન હુઆંગનું કર્મચારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની વાપસીના વીડિયો પણ ઑનલાઇન શૅર કરવામાં આવ્યા હતા.

આ વીડિયોમાં કંપનીના સહ-સ્થાપક હુઆંગના સ્વાગત માટે કર્મચારીઓ ખુશી વ્યક્ત કરતા અને તેમનું નામ બોલાવતા જોવા મળે છે.

હુઆંગે ત્યાં હાજર ડઝનો કર્મચારીઓને કહ્યું, "મને બીજી તક આપવા બદલ તમારો બધાનો આભાર."

કર્મચારીઓ વારંવાર તેમનું નામ બોલાવી રહ્યા હતા. તેના જવાબમાં હુઆંગે કહ્યું, "બીજી વખત હું વધુ સારો સીઇઓ બનીશ."

તેમણે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કર્મચારીઓને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તે બદલ તેમની માફી પણ માગી.

મજાકમાં હુઆંગે કહ્યું કે કામ પર પાછા ફર્યા પછી કંપનીનો આઇટી વિભાગ તેમને નવું કમ્પ્યુટર આપશે.

તેમની વાત પૂરી થતાં જ એક મહિલા કર્મચારી દોડી આવ્યાં અને તેમને ગળે મળ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન