'ધરતી પરનું નરક': ટ્રમ્પના વારંવાર થતા હુમલાઓ પર ભારત કેમ આક્રામક જવાબ નથી આપતું?

 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક એવી પોસ્ટ શેર કરી કે જેમાં ભારતને 'નરક જેવી જગ્યા' કહેવામાં આવી હતી.

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ મુદ્દે શેર કરાયેલી આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં ભારતે કહ્યું કે આ યોગ્ય નથી, અને બંને દેશોના મજબૂત સંબંધોને અનુરૂપ પણ નથી.

હકીકતમાં તો અમેરિકામાં દક્ષિણપંથી રેડિયો હોસ્ટ માઇકલ સૅવેજે પોતાના રેડિયો ટૉક શોના એક એપિસોડમાં આવી ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે ગુરુવારે એ જ પોસ્ટને કોઈ ટિપ્પણી કર્યા વગર પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શેર કરી હતી.

સૅવેજે આ ટિપ્પણીમાં કહ્યું હતું, "અહીં કોઈ બાળક જન્મે કે તરત જ તેને નાગરિકતા મળી જાય છે, અને પછી તે ચીન, ભારત કે પૃથ્વીના અન્ય કોઈ નરકમાંથી આખો પરિવાર અહીં લઈ આવે છે."

જે પોસ્ટ ટ્રમ્પે શેર કરી તેમાં આગળ એવું કહેવામાં આવ્યું હતું કે, "આજે આવતા પ્રવાસીઓમાં આ દેશ પ્રત્યે લગભગ કોઈ વફાદારી નથી, પહેલાં આવું નહોતું. તેઓ આજના યુરોપિયન અમેરિકનો અને તેમના પૂર્વજો જેવા નથી."

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણમાં ફેરફાર કરીને જન્મના આધારે મળતી નાગરિકતાનો કાયદો ખતમ કરવા માંગે છે.

ટ્રમ્પના આ નિર્ણયને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ જ સંદર્ભે તેમણે સૅવેજની પોસ્ટ શેર કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત અને ચીનને 'નરક' કહેતી પોસ્ટ શેર કરતા ભારતમાં રાજકીય વિવાદ ઊભો થઈ થયો છે. વિપક્ષે મોકો જોઈને આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું.

આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલને પત્રકારોએ આ વિશે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, "મેં આવા અહેવાલો જોયા છે."

જોકે ભારત સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું.

ગુરુવારે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે સ્પષ્ટ કહ્યું કે, "આ ટિપ્પણીઓ અજ્ઞાનથી ભરેલી, અનુચિત અને નિમ્ન સ્તરની છે. આ ટિપ્પણીઓ ભારત-અમેરિકાના સંબંધોની સાચી તસવીર બિલકુલ બતાવતી નથી. બંને દેશોના સંબંધો હંમેશાં પરસ્પર સન્માન અને સામૂહિક હિતો પર ટક્યા છે."

બીજી તરફ સમાચાર એજન્સી રૉઇટર્સના મત મુજબ, નવી દિલ્હીમાં આવેલા અમેરિકન દૂતાવાસે કહ્યું છે, "રાષ્ટ્રપતિએ કહ્યું છે કે 'ભારત એક મહાન દેશ છે, જ્યાં મારા એક ખૂબ સારા મિત્ર કેન્દ્ર સ્થાને છે.'"

ભારતની નરમ પ્રતિક્રિયાનું કારણ શું છે?

 ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતે ટ્રમ્પની ટિપ્પણી પર આક્રમક જવાબ આપ્યો નથી, પરંતુ માત્ર ઔપચારિક નારાજગી વ્યક્ત કરી છે.

વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની આક્રમક ટિપ્પણી પર ભારતે સમજણભરી અને સંતુલિત પ્રતિક્રિયા આપી છે.

વિશ્લેષકોના મત મુજબ તેનું મુખ્ય કારણ એ છે કે ભારત અત્યારે અમેરિકા સાથે કોઈ સીધા વિવાદમાં ઊતરવા માંગતું નથી.

વિશ્લેષકો ભારતની આ પ્રતિક્રિયાને અમેરિકા સાથે ચાલી રહેલી મુક્ત વેપાર નીતિ સંબંધી વાતચીત સાથે જોડે છે.

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના જાણકાર ડૉ. હર્ષ પંત કહે છે, "ભારતની હાલની જરૂરિયાત અમેરિકા સાથેની મુક્ત વેપાર નીતિને અંતિમ રૂપ આપવાની છે. આ એક મોટો મુદ્દો છે અને હજી સુધી અટકેલો છે."

"ટ્રમ્પ ગમે ત્યારે કંઈ પણ બોલી જાય છે. તેની પર પ્રતિક્રિયા આપીને ભારત પોતાની પ્રાથમિકતાઓથી ભટકવા માંગતું નથી."

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અલગઅલગ પ્રકારનાં નિવેદનોમાં આપ્યાં છે. વિશ્લેષકો તેમની તાજેતરની આ ટિપ્પણીને અમેરિકાના આંતરિક રાજકારણ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અમેરિકન અભ્યાસ વિભાગમાં ઍસોસિયેટ પ્રોફેસર ઉમા પુરુષોત્તમન કહે છે, "અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણી આવવાની છે. ટ્રમ્પના સમર્થકો માટે પ્રવાસીઓ એ બહુ મોટો મુદ્દો છે."

"મને એવું લાગે છે કે તેમની આ ટિપ્પણીનું નિશાન ભારત કરતાં તેમના પોતાના દેશના મતદાતાઓ પર વધારે છે."

"તેમનું રેટિંગ ઘટી રહ્યું છે. આવાં નિવેદનો તથા હેડલાઇન્સ દ્વારા તેઓ ફરીથી પોતાના સમર્થકોનું ધ્યાન ખેંચવા માંગે છે."

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે તેમાં ચીનનું નામ પણ છે અને તેને પણ 'નરક જેવી જગ્યા' તરીકે વર્ણવવામાં આવ્યું છે. ચીને આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.

ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિનએ ઍક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની 'પૃથ્વી પર નરક' પોસ્ટની ટીકા કરી છે. તેમણે ચીન અને અમેરિકાના વીડિયો શેર કરીને બંને દેશોની તુલના કરી છે.

યુ જિન ઍક્સ પર લખ્યું, "એક દેશ દર વર્ષે ક્યારેય ન સમાપ્ત થતાં યુદ્ધો પર એક ટ્રિલિયન ખર્ચ કરે છે. તેથી આપણે આપણા લોકો માટે વધુ સારું જીવન બનાવવા માટે એક ટ્રિલિયન ખર્ચ કરીએ છીએ. જો આ જીવનને 'નરક' કહેવામાં આવે, તો આપણે તે નરકને કાયમ માટે સહન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ."

જોકે ટ્રમ્પનાં અગાઉનાં નિવેદનોને ધ્યાનમાં લેતા ડૉ. હર્ષ પંત કહે છે કે, "ચીન પણ આ મુદ્દે શાંત છે. આંતરરાષ્ટ્રીય સમુદાય હવે ટ્રમ્પનાં નિવેદનો પર બહુ પ્રતિક્રિયા આપતો નથી, કેમકે તેમનાં નિવેદનો બદલાતાં રહે છે."

તેઓ કહે છે કે, "ટ્રમ્પનું પ્રશાસન કોઈ ચોક્કસ વિઝન સાથે કામ નથી કરતું. તે બહુ અનિશ્ચિત અને અસ્થિર છે. આજ તે કંઈક કહે છે, કાલે બીજું કંઈક કહે છે. આવી સ્થિતિમાં કુટનિતિજ્ઞ તરીકે તેમની દરેક ટિપ્પણીનો જવાબ આપવામાં સમજદારી નથી."

ટ્રમ્પે માત્ર ભારત જ નહીં, પરંતુ પશ્ચિમી સહયોગી દેશો પર પણ છેલ્લા થોડાક મહિનાઓમાં અનેક ટિપ્પણીઓ કરી છે.

ઉમા પુરુષોત્તમન કહે છે, "મને લાગે છે કે હવે ભારત અને દુનિયાના બીજા દેશો સમજી ગયા છે કે ઘણી વાર મૌન રહેવામાં જ લાભ હોય છે. વારંવાર આગમાં ઘી નાખવાનો કોઈ લાભ નથી."

ડૉ. ઉમા પુરુષોત્તમન માને છે કે અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખવા ભારત માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી ભારતના વ્યૂહાત્મક હિતો મજબૂત બને છે.

તેઓ કહે છે, "ભારતે પોતાની રણનીતિક સ્વતંત્રતા જાળવી રાખવી પડશે, કારણ કે ટ્રમ્પના શાસનમાં અમેરિકા એક અસ્થિર અને અનિશ્ચિત શક્તિ બની ગયું છે, અને ટ્રમ્પ પોતે તો એનાથી પણ વધારે અનિશ્ચિત છે."

"આવી સ્થિતિમાં ભારતે દરેક પગલું ખૂબ જ સાવધાનીથી ભરવું પડશે અને દરેક સંભવિત પરિસ્થિતિ માટે પહેલેથી તૈયાર રહેવું પડશે."

કૉંગ્રેસનો નરેન્દ્ર મોદી પર આકરો પ્રહાર

કૉંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસે 'નરક જેવી જગ્યા' ટિપ્પણીને 'અતિશય અપમાનજનક અને ભારત વિરોધી' ગણાવી છે.

કૉંગ્રેસે ઍક્સ (સોશિયલ મીડિયા) પર કહ્યું કે, "આ ટિપ્પણી દરેક ભારતીયને દુઃખ પહોંચાડે એવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિનો કડક વિરોધ કરવો જોઈએ."

એક નિવેદનમાં કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "નરેન્દ્ર મોદીના મિત્ર અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને નરક-જહન્નમ કહ્યું છે."

"આટલું જ નહીં, તેમણે ત્યાં કામ કરતા ભારતીયોને 'લૅપટોપ સાથેના ગેંગસ્ટર્સ' પણ કહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી અને તેમની સરકારમાં એટલી હિંમત પણ નથી કે તેઓ અમેરિકાન પ્રમુખને એમ કહી શકે કે અમારા દેશનું અપમાન કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ?"

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રણનીતિજ્ઞ રામ માધવે ગુરુવારે અમેરિકામાં આયોજિત હડસન ઇન્સ્ટિટ્યૂટના સંમેલન 'ધ ન્યૂ ઇન્ડિયા કૉન્ફરન્સ'માં ટ્રમ્પની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આનાથી ભારતીય સમુદાય ચિંતિત છે.

ભારતીય સમુદાયની ચિંતા દર્શાવતા તેમણે કહ્યું, "આજે વિદેશમાં રહેતા ભારતીયો (ડાયસ્પોરા)માં પણ ઘણો ભય અને ગભરાટ છે, તેને ગંભીરતાથી લેવાની જરૂર છે."

"એટલે કે જ્યારે 'હેલ હોલ' (નરક) જેવી વાતો કે પછી 'લૅપટોપ વિથ ગંગસ્ટર' જેવી ટિપ્પણીઓ કોઈ સમુદાય પર કરવામાં આવે ત્યારે તે સમુદાય માટે ચિંતાનો વિષય થઈ જાય છે."

રામ માધવે બંને દેશો વચ્ચેના સંબંધોના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદારી છે.

રામ માધવ કહે છે કે, "હુંં આ આશા રાખું છું કે આપણે ભારતને 'હેલ હોલ' કહેનારી ટિપ્પણીઓને અલગ રાખી શકીએ. આવી વાતો આપણા મનમાં પ્રશ્નો અને શંકાઓ જન્માવે છે કે ભારત અને અમેરિકાના સંબંધો કેટલા લાંબા ટકશે."

આ જ કૉન્ફરન્સમાં હાજર પ્રિયંકા ચતુર્વેદીએ પણ 'હેલહોલ' ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, "જ્યારે હું અહીં હડસન ઇન્સ્ટિટ્યૂટ આવી રહી હતી ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી કેટલીક અત્યંત તીખી ટિપ્પણીઓ આવી રહી હતી."

"મેં તેને ટ્રુથ સોશિયલ પર વાંચી, પરંતુ હું આશા રાખું છું કે આપણે તેને હાલ માટે એક તરફ રાખી શકીએ, ખાસ કરીને ભારતને 'નરક જેવી જગ્યા' કહેતી ટિપ્પણી બાબતે."

ભારત સરકારના આંકડા મુજબ અમેરિકામાં લગભગ 55 લાખ ભારતીય મૂળના લોકો રહે છે.

ભારતીય-અમેરિકન અને ચાઇનીઝ-અમેરિકન, અમેરિકામાં એશિયન મૂળના બે સૌથી મોટા સમુદાયો છે.

ટ્રમ્પે જે ટિપ્પણી શેર કરી તેમાં આ જ સંદર્ભે ચીનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પ વારંવાર ભારત પર નિશાન સાધતા રહ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 25 ફેબ્રુઆરી 2020એ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 25 ફેબ્રુઆરી 2020એ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી (ફાઇલ ફોટો)

અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી.

તેમના પહેલા કાર્યકાળ દરમિયાન જુલાઈ 2019માં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે.

ભારત કાશ્મીર મુદ્દે કોઈ પણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ હંમેશાં નકારતું આવ્યું છે.

ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં ભારતીય પર્યટકો પર હુમલો થયા પછી ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.

તે સમયે ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે જ બંને દેશો પર દબાણ લાવીને આ સંઘર્ષ અટકાવ્યો હતો. ટ્રમ્પે આ દાવો અલગ-અલગ નિવેદનોમાં અનેક વખત દોહરાવ્યો હતો.

ભારતે ટ્રમ્પના આ દાવા પર જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નહોતી, પરંતુ વારંવાર એમ કહ્યું હતું કે યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચેની સીધી વાતચીત બાદ થયો હતો.

જુલાઈ 2025માં ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ અને ભારત દ્વારા રશિયામાંથી તેલ ખરીદવા પર વધારાનો 25 ટકા દંડાત્મક ટેરિફ પણ લાગુ પાડ્યો હતો.

તેના આગળના જ મહિને ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાડનારા દેશોમાંનો એક છે. જ્યારે ફેબ્રુઆરી 2025માં તેમણે ફરીથી ભારતને 'ટેરિફ કિંગ' કહ્યું હતું.

જો કે, ટ્રમ્પે ઘણી વખત ભારતને એક સુંદર દેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર પણ ગણાવ્યા છે.

ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશે અનેક વાર આકરી ટિપ્પણીઓ કરી છે

ઇમેજ સ્રોત, T. Narayan/Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશે અનેક વાર આકરી ટિપ્પણીઓ કરી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર ટ્રમ્પને પોતાના સારા મિત્ર ગણાવી ચૂક્યા છે.

સપ્ટેમ્બર 2019માં નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ટ્રમ્પ સાથે હાજર રહ્યા હતા.

અમેરિકાના ચૂંટણી અભિયાન દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 50 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું હતું, "અબકી બાર ટ્રમ્પ સરકાર."

નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન તેમના અને મોદીના સંબંધો ખૂબ જ ઉષ્માભર્યા હતા.

પરંતુ ગયા વર્ષે ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ બાદ સંબંધો ઠંડા પડી ગયા છે. ટ્રમ્પે ગયા વર્ષે લાદેલા કેટલાક ભારે ટેરિફ આ વર્ષે પાછા ખેંચી લીધા છે.

હાલમાં ભારત અને અમેરિકા મુક્ત વેપાર નીતિ પર કામ કરી રહ્યા છે. તેનો મુખ્ય હેતુ નવા ટેરિફવધારાને અટકાવવાનો અને બંને દેશો વચ્ચેના વેપારને 500 અબજ ડૉલર સુધી લઈ જવાનો છે.

આ ટ્રેડ ડીલ વિશે સંકેત આપતા રામ માધવે હડસન ઇન્સ્ટિટ્યૂટના સંમેલનમાં કહ્યું કે, "અમે ટ્રેડ ડીલ તરફ જોઈ રહ્યા છીએ અને અમને આશા છે કે તે આગામી મહિને પૂરી થઈ જશે. આ કરાર અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે."

જોકે અમેરિકાના પ્રમુખ દ્વારા વચ્ચે-વચ્ચે આવતાં આવાં નિવેદનો અને પ્રતિક્રિયાઓ ભારતના મનમાં પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે.

જેમ કે રામ માધવે કહ્યું, "અમને સમજાતું નથી કે અત્યારે અમેરિકન સરકારની પ્રાથમિકતાઓ શું છે. માત્ર અમે જ નહીં, નાટો પણ સમજી શકતું નથી, ઈ.યુ. પણ નથી સમજી શકતું અને ક્વાડ પણ સમજી શકતું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન