અંડર 19 એશિયા કપ : છેક છેલ્લા બૉલે ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રૉફી કઈ રીતે જીતી?

ઇમેજ સ્રોત, X/BCCI
ભારતે અંડર-19 એશિયા કપ પોતાના નામે કર્યો છે. ભારતની ટીમે 9 વિકેટના ભોગે 339 રનનો સ્કૉર કર્યો હતો. મૅચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી અને છેલ્લા બૉલે ભારતનો વિજય થયો હતો.
આ પહેલાં પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 337 રન બનાવ્યા હતા. મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં પાકિસ્તાને તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ભારતે ઇશાન સૂદના સ્થાને સી. વેંકટને સ્થાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ અંડર-19 ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.
ભારતની આઠ વિકેટ પડી ગઈ હતી, એ પછી એવું લાગતું હતું કે ભારતીય ટીમ ડગમગી જશે. એવામાં માહિત ઉલ્વા તથા મનલ ચૌહાણ ટીમને જીતના દરવાજા સુધી દોરી ગયા હતા. મોહિત 10મા ક્રમે બેટિંગ કરવા માટે આવ્યા હતા.
મૅચ છેક છેલ્લા બૉલ સુધી રોમાંચક બની રહી હતી. છેલ્લી ઓવરમાં આઠ રનની જરૂર હતી. ભારતે સહજ ઇનિંગ રમી હતી અને છેલ્લા બૉલે ચોગ્ગો મારીને જીત નોંધાવી હતી.
પાકિસ્તાનની આક્રમક બેટિંગ

ઇમેજ સ્રોત, ACC
પાકિસ્તાન વતી ઓપનર ઉસ્માન ખાને 107 રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે 111 બૉલમાં આ જુમલો ખડક્યો હતો. પોતાની ઇનિંગ્સમાં ઉસ્માને 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
આ સિવાય અબ્દુલ કાદિરે 54 બૉલમાં આક્રમક 80 રનનો ફાળો આપ્યો હતો. અબ્દુલે પોતાની ઇનિંગ્સમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગા માર્યા હતા, જેના આધારે તેમણે કેટલી આક્રમક ફટકાબાજી કરી હશે તેનો અંદાજ મેળવી શકાય છે.
ફરહાન યુસુફે 60 બૉલમાં 63 રનનું (4 ચોગ્ગા, 3 છગ્ગા) પ્રદાન આપ્યું હતું. આ સિવાય હયામ ખાને (23 બૉલમાં 21 રન), અહમદ હુસૈને (20 બૉલમાં 17 રન), હમઝા ઝહૂરે (10 બૉલમાં 10 રન), હુસૈન અબ્બાસ ડારે (4 બૉલમાં 2 રન), મોહમ્મદ શયામે (7 બૉલમાં 7 રન), નકીબ શફીકે (9 બૉલમાં 11 રન) બનાવીને આઉટ થયા હતા. રિઝવાનુલ્લાહ 3 બૉલમાં 4 રન બનાવીને, જ્યારે અલી રઝા 1 બૉલમાં શૂન્ય રને અણનમ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૂળ ગુજરાતના મહેસાણાના બૉલર કાવ્ય પરેશ પટેલે ચાર વિકેટ લીધી હતી. તેમણે આક્રમક બેટિંગ કરનારા ઓપનર ઉસ્માન ખાન તથા તેમને જોડીદાર હયામ ખાનને પેવોલિયન ભેગા કર્યા હતા.
કાવ્યે ફેંકેલા બૉલ પર હમઝા ઝહુર તથા નિકાબ શફિક આઉટ થયા હતા.
બૅટ દ્વારા ખાસ પ્રદર્શન નહીં કરનારા અર્જુન રાજપૂતે આ મૅચમાં અબ્દુલ કાદીરની વિકેટ લીધી હતી.
ભારતની સંતુલિત અને જવાબદારીપૂર્ણ ઇનિંગ

ઇમેજ સ્રોત, ACC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
338 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતની ટીમ શરૂઆતથી જ દબાણ હેઠળ હતી. એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, શરૂઆતના 6 બૅટ્સમેનોમાંથી માત્ર અર્જુન રાજપૂત જ છગ્ગા ફટકારી શક્યા હતા.
અર્જુને 18 બૉલમાં 16 રન બનાવ્યા હતા, જેમાં 2 છગ્ગા સામેલ હતા; તેમણે એક પણ ચોગ્ગો માર્યો નહોતો. કૅપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ 80 રનની (5 ચોગ્ગા) જવાબદારીપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જેના માટે તેમણે 101 બૉલ રમ્યા હતા.
6થી ઉપરની રનરેટથી રમવાનું હોય ત્યારે શરૂઆતમાં જ આટલા બૉલના ભોગે ધીમી રમત પાછળના બૅટ્સમેનો પર દબાણ વધારતી હતી.
આર્યવીર સેહવાગે 61 બૉલમાં 58 રનનો ફાળો આપ્યો હતો, તેમણે 9 ચોગ્ગા માર્યા હતા. વી. કે. વિનીતે 24 રન (21 બૉલ, 3 ચોગ્ગા), યશવર્ધન ચૌહાણે (9 બૉલમાં 9 રન) અને અન્વય દ્રવિડે (12 બૉલમાં 19 રન)નું પ્રદાન આપ્યું હતું.
મન ચૌહાણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને ભારતીય ટીમ પરનું દબાણ હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે 32 બૉલમાં 47 રન ફટકાર્યા હતા. આ સિવાય સી. વેંકટે છેલ્લી વિકેટ માટે 2 ચોગ્ગા સાથે 8 બૉલમાં 11 રન કર્યા હતા. જોકે, મોહિત ઉલ્વાનને મૅચને ભારત તરફ વાળવાનો શ્રેય આપી શકાય, તેમણે 26 બૉલમાં 49 રન કર્યા હતા.
ફાઇનલની મહત્ત્વપૂર્ણ મૅચમાં પસંદગીકારોએ ઇશાન સૂદના સ્થાને સી વેંકટને તક આપી હતી. તેમણે બૉલિંગ દ્વારા પોતાની પસંદગીને સાર્થક ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.
વેંકટે પાકિસ્તાનની ટીમને મોટા સ્કૉર તરફ દોરી રહેલા ફરહાન યૂસુફને આઉટ કર્યા હતા. આ સિવાય હુસનૈન ડાર અને અહમદ હુસૈનની પણ વિકેટો લીધી હતી.
ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન 'ડિફેન્ડિંગ ચેમ્પિયન' છે. તેણે ટુર્નામેન્ટની તમામ મૅચો જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ચેમ્પિયનને છાજે તેવી રમત દાખવી હતી.
બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને પાકિસ્તાને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 6એક દિવસ પહેલાં ભારતની ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાનની ટીમે બ્લૂ જર્સીધારીઓને હાર આપી હતી, જે આ ટુર્નામેન્ટમાં ભારતની એકમાત્ર હાર હતી.
અફઘાનિસ્તાનને હરાવીને ભારતે ફાઇનલમાં સ્થાન હાંસલ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























