નોટબંધીનાં 10 વર્ષ : પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લીધી હતી એનાથી કોઈ ફાયદો થયો?

નોટબંધીના 10 વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લીધી તેનાથી કોઈ ફાયદો થયો
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

"બહેનો અને ભાઈઓ, દેશને ભ્રષ્ટાચાર અને કાળા ધનરૂપી ઉધઈથી મુક્ત કરાવવા માટે વધુ એક સખત પગલું લેવું જરૂરી બન્યું છે. આજે મધ્યરાત્રિ, એટલે કે 8 નવેમ્બર, 2016ની રાતે 12 વાગ્યાથી વર્તમાનમાં જારી 500 રૂપિયા અને 1000 રૂપિયાની કરન્સી નોટો લીગલ ટેન્ડર રહેશે નહીં."

"આ ચલણ કાયદેસર રીતે અમાન્ય રહેશે. 500 અને 1000ની જૂની નોટો દ્વારા લેવડ-દેવડની વ્યવસ્થા આજે મધરાતથી ઉપલબ્ધ રહેશે નહીં. ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી નોટોના કારોબારમાં લિપ્ત દેશવિરોધી અને સમાજવિરોધી તત્ત્વો પાસે હાજર 500 અને 1000ની નોટો હવેથી માત્ર કાગળના ટુકડાની જેમ રહી જશે."

10 વર્ષ અગાઉ 8 નવેમ્બરની રાતે બરાબર 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર આવીને દેશને સંબોધન કર્યું હતું.

શરૂઆતમાં તેમણે કાળું નાણું એ દેશ માટે કેટલી વિકટ સમસ્યા છે અને તેની વિરુદ્ધ સરકારે કેવાં-કેવાં પગલાં લીધાં છે તેની વાત કરી હતી.

ભાષણમાં લગભગ 15 મિનિટ પછી તેમણે એવી જાહેરાત કરી, જેણે દેશને હચમચાવી મૂક્યો.

મોદીએ રાષ્ટ્રીય ટીવી પર કહ્યું કે, આજે મધરાતથી જ 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવામાં આવશે.

આ નોટો લીગલ ટેન્ડર રહેશે નહીં. માત્ર 1, 5, 10, 20, 50 અને 100ની નોટો ચલણમાં રહેશે.

આ ઘટનાનાં 10 વર્ષ પછી એ યાદ કરવાનો પ્રયાસ કરીએ કે, તે દિવસે શું થયું હતું, ત્યાર પછી કેટલાય મહિનાઓ સુધી લોકોને કેવી તકલીફો પડી અને નોટબંધી તેના લક્ષ્યમાં સફળ ગણાય કે નહીં?

નોટબંધીના 10 વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લીધી તેનાથી કોઈ ફાયદો થયો
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગર એક ગામની બૅન્કમાંથી જૂની નોટ બદલીને 2000 રૂપિયાની નોટ મેળવી હતી.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાને 500 અને 1000 રૂપિયાની નોટો અચાનક ચલણમાંથી ખેંચી લેવાની જાહેરાત કરી, તેના કારણે સામાન્ય લોકોથી લઈને નાના-મોટા ઉદ્યોગોને ભારે તકલીફ પડી હતી. વડા પ્રધાનની એક જાહેરાત સાથે અર્થતંત્રમાંથી 86 ટકા ચલણી નાણાં બહાર ખેંચાઈ ગયાં.

લોકો પાસે રૂપિયા હોવા છતાં તેઓ ખર્ચ કરી શકતા નહોતા અને બૅન્ક ખાતામાં રહેલાં નાણાં ઉપાડી શકતા નહોતા. તેમની પાસે પહેલેથી જે 500 અને 1000ની નોટો હતી તેને બૅન્કમાં જમા કરાવવા માટે લાઈનો લાગી; સાથે-સાથે રૂપિયા ઉપાડવા માટે એટીએમની બહાર લાંબી લાઈનો લાગતી હતી અને તેમાં પણ માત્ર 2,000 રૂપિયા ઉપાડવાની મર્યાદા હતી.

નોટ ઉપાડવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાના કારણે લોકોનાં મૃત્યુ થયાં હોય તેવી ઘટનાઓ પણ બહાર આવી હતી.

નોટબંધી પછી રિઝર્વ બૅન્કે 500 રૂપિયાની નવી નોટો બહાર પાડી અને 2,000 રૂપિયાની નોટ પણ રજૂ કરી હતી. પરંતુ લોકોને 2,000 રૂપિયાની નોટ વટાવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. 100 રૂપિયાની નોટની ભારે અછત પેદા થઈ હતી.

ખાસ કરીને જે લોકો હજુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નહોતા કરતા અથવા જે ઉદ્યોગોમાં મોટા ભાગે રોકડથી કામ ચાલતું હતું, ત્યાં લોકોને ખાસ્સી પરેશાની વેઠવી પડી હતી.

હૉસ્પિટલમાં સારવાર કરાવવી હોય, પ્રવાસ કરવો હોય કે નાની-મોટી મજૂરી કે ધંધો કરતા લોકોને રોકડની સખત જરૂર હતી, જે સમયસર પૂરી થઈ શકી નહોતી.

નોટબંધી પાછળના હેતુ અંગે કેવા સવાલો થયા?

નોટબંધીના 10 વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લીધી તેનાથી કોઈ ફાયદો થયો
ઇમેજ કૅપ્શન, નોટબંધી વખતે કરોડો ભારતીયોએ જૂની નોટો જમા કરાવવા અને નવી ચલણી નોટો લેવા માટે બૅન્કોમાં આ રીતે લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું.

નોટબંધીની જાહેરાત થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નોટબંધીને ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી જ્યારે વિરોધપક્ષોએ તેને અર્થતંત્ર માટે ફટકો ગણાવ્યો હતો.

નોટબંધી પછીના વર્ષે આર્થિક વિશ્લેષક વિવેક કૌલે બીબીસી પર એક લેખમાં જણાવ્યું કે "છુપી સંપત્તિને બહાર લાવવાનો ભારતનો પ્રયાસ સફળ નથી રહ્યો."

રિઝર્વ બૅન્કના વાર્ષિક રિપોર્ટને ટાંકીને તેમાં જણાવાયું હતું કે, "નોટબંધી નિષ્ફળ હતી. નોટબંધી પછી લોકોએ બૅન્કમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા કરાવવાની હતી અને આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે 30 જૂન, 2017 સુધીમાં નોટબંધી થયેલી લગભગ 99 ટકા રોકડ રકમ બૅન્કમાં પાછી જમા થઈ ગઈ હતી. એટલે કે, સરકાર જેને બ્લેક મની તરીકે ઓળખાવતી હતી તે નાણાં પકડાયાં નહોતાં. બેહિસાબી નાણાં ધરાવતા લોકોએ બીજા લોકોનાં બૅન્ક ખાતાનો ઉપયોગ કરીને રૂપિયા બૅન્કમાં જમા કરાવી દીધા હતા."

રિઝર્વ બૅન્કના અહેવાલ પ્રમાણે એપ્રિલ 2016થી માર્ચ 2017 વચ્ચે 500 અને 1000 રૂપિયાની 24 અબજ કરતાં વધુ નોટો ચલણમાંથી પાછી ખેંચાઈ હતી, જેમાંથી માત્ર 5.37 લાખ નકલી નોટો પકડાઈ હતી. એટલે કે, લગભગ શૂન્ય ટકા ચલણી નોટો પકડાઈ હતી. તેનાથી અગાઉના વર્ષમાં કોઈ પણ જાતની નોટબંધી વગર 4.04 લાખથી વધારે ચલણી નોટો પકડાઈ હતી. આ આંકડા ટાંકીને વિવેક કૌલે કહ્યું હતું કે, નોટબંધીનાં મુખ્ય લક્ષ્યો સિદ્ધ થયાં નહોતાં.

નોટબંધીનાં 10 વર્ષ પછી વિરોધ પક્ષ તેને યાદ કરીને સરકારને સવાલો પૂછી રહ્યો છે. કૉંગ્રેસના નેતા જયરામ રમેશે અખબાર 'ધ હિંદુ'ના ઇકોનૉમિક્સ અને બિઝનેસ એડિટરની એક પોસ્ટ શૅર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "આ 8 નવેમ્બર, 2016ની રાતે વડા પ્રધાને ટીવી પર જોરશોરથી એક અત્યંત તઘલખી નિર્ણયની જાહેરાત કરી હતી, તેનાં શાનદાર તથ્યો અને આંકડા સાથેનું વિશ્લેષણ છે."

તેઓ લખે છે કે, "આ નિર્ણયથી કોઈ મુખ્ય હેતુ સિદ્ધ ન થયો. ઊલટાની કરોડો લોકોની આજીવિકા બરબાદ થઈ ગઈ. તે લાગુ થતાં જ સ્પષ્ટ થયું કે, આ એક એવી આફત સાબિત થવાની હતી જેની ભવિષ્યવાણી પહેલેથી કરી શકાય તેમ હતી."

2000ની નોટ આવી અને જતી રહી, પછી શું થયું?

નોટબંધીના 10 વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લીધી તેનાથી કોઈ ફાયદો થયો
ઇમેજ કૅપ્શન, રિઝર્વ બૅન્કે નોટબંધી પછી 2000 રૂપિયાની નોટો બહાર પાડી હતી, થોડા સમય પછી તેને પણ ચલણમાંથી પાછી ખેંચી લીધી.

નોટબંધી વખતે ચલણની સખત તંગી હતી ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 2,000 રૂપિયાની ગુલાબી નોટો બહાર પાડી હતી.

આરબીઆઈ ઍક્ટની કલમ 24(1) હેઠળ 2016માં નવી 2,000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી હતી. નોટબંધીનો ઉદ્દેશ્ય ચલણની સંગ્રહખોરી રોકવાનો હોય ત્યારે 2,000ની નોટથી સંગ્રહખોરી વધવાની શક્યતા હતી, તેથી તેને એક વિરોધાભાસ તરીકે જોવામાં આવે છે.

2,000 રૂપિયાની નોટ આવી ત્યારે સૌથી પહેલાં તો છૂટા રૂપિયાની તકલીફ પડી. આ ઉપરાંત દરેક એટીએમની બહાર લાંબી લાઈનો જોવા મળતી હતી. બૅન્કમાં 500 અને 1,000ની નોટો જમા કરાવવા માટે પણ ચોક્કસ સમય અપાયો હતો, તેથી બૅન્કોમાં ભારે ભીડ જોવા મળતી હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ લોકોની જૂની-ફાટેલી નોટો લેવા માટે બૅન્કો તૈયાર નહોતી, જેના કારણે બૅન્કોમાં વિવાદ પણ થતા હતા.

ત્યાર પછી મે, 2023માં રિઝર્વ બૅન્કે 2,000ની નોટો પાછી લેવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ કહ્યું કે, લોકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી 2,000ની નોટો પોતાના ખાતામાં જમા કરાવી શકશે અથવા બદલી શકશે. આ માટે વધુમાં વધુ 20,000 રૂપિયાની મર્યાદા રાખવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન