ખાવડા સોલાર પાર્કમાંથી વીજળીના વહન માટેની વીજલાઇનનો કચ્છ બાદ હવે સુરેન્દ્રનગરના ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?

    • લેેખક,
    • પદ, BBC Gujarati journalist
    • દ્વારા રિપોર્ટિંગ, કોંઢ (સુરેન્દ્રનગર)થી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાના ખેતરમાંથી વીજલાઇન પસાર થાય તેની સામે ખેડૂતો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમનો વિરોધ તેમને આપવામાં આવી રહેલા વળતર સામે છે. અગાઉ પણ કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામના ખેડૂતોએ અદાણી ગ્રૂપની હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની દ્વારા કરવામાં આવતી આવી જ કામગીરીનો વિરોધ કર્યો હતો. આ સમગ્ર મામલો શું છે તે સમજીએ.

હવે, દેશમાં વધતી જતી વીજળીની માગ અને ઓછા કાર્બન ઉત્સર્જન સાથે ગ્રીન ઍનર્જી એટલે કે સ્વચ્છ ઊર્જાના ઉત્પાદન માટે કચ્છ જિલ્લાના ખાવડામાં એક મેગા હાઇબ્રિડ ઍનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પાર્કમાં સોલર ઍનર્જી એટલે કે સૂર્યઊર્જા અને વિન્ડ ઍનર્જી એટલે કે પવનઊર્જા જેવી પુનઃપ્રાપ્ય ઊર્જા(અંગ્રેજીમાં Renewable-રિન્યૂએબલ ઍનર્જી)નું વીજળીમાં રૂપાંતર કરી 30,000 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવાનું આયોજન છે.

સરકાર કહે છે કે આ પ્રકારનો દુનિયાનો આ સૌથી મોટો પાવર પ્લાન્ટ છે.

ખાવડા હાઇબ્રીડ રીન્યૂએબલ ઍનર્જી પાર્કમાં ઉત્પન્ન થતી વીજળીનું વહન કરી તેને વીજવહનના રાષ્ટ્રીય નૅટવર્ક એટલે કે નૅશનલ ગ્રીડ સુધી પહોંચાડવા માટે ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી અને હળવદથી અમદાવાદ જિલ્લાના વટામણ સુધી નવી વીજલાઇનો ઊભી કરાઈ રહી છે.

આ વીજલાઇનો ખાવડામાં ઉત્પન્ન થનાર 30,000 મેગાવૉટ વીજળીમાંથી 7,000 મેગાવૉટ વીજળીનું વહન (અંગ્રેજીમાં Transmission -ટ્રાન્સમિશન) કરશે.

ગત વર્ષે ચોમાસા દરમિયાન કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામના ખેડૂતોએ અદાણી ગ્રૂપની હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની દ્વારા ખાવડા-હળવદ લાઇનની કામગીરીનો લાંબા સમય સુધી વિરોધ કર્યો હતો અને વધારે વળતરની માંગણી કરી હતી.

તેમણે તેમની વાડીઓમાં વીજલાઇન માટેના થાંભલા ઊભા કરવાની કામગીરી પણ અટકાવી હતી.

હવે વાંઢીયા જેવાં જ વિરોધનાં દૃશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે જોવા મળી રહ્યાં છે.

રવિવારથી પાવરગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની હળવદ-વટામણ ટ્રાન્સમિશન લાઇન માટેના થાંભલાના પાયા ખોદવાની કામગીરી શરૂ કરવાની કોશિશ કરી રહી છે અને ખેડૂતો તે કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

આ વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવે છે કે સોમવારે 44 ખેડૂતો અને મંગળવારે એક ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી.

ખેડૂતોના વિરોધને ખાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાવરગ્રીડ કૉર્પોરેશને થાંભલા ઊભા કરવાની કામગીરી શરુ કરી છે.

સુરેન્દ્રનગરના ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?

પાવરગ્રીડ કૉર્પોરેશનના અધિકારીઓએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે હળવદ-વટામણ ટ્રાન્સમિશન લાઇન માટે કોંઢ ગામના ખેડૂતોની જમીનોમાં આશરે 30 જેટલા થાંભલા એટલે કે ટાવર ઊભા કરવાના છે.

તેમણે કહ્યું કે 170 કિલોમીટર લાંબી આ લાઇનના ટાવર ઊભા કરવાની કામગીરી કોંઢ ગામને બાદ કરતાં અન્ય બધી જગ્યાએ લગભગ પૂરી થઇ ગઇ છે.

પરંતુ કોંઢ અને કોંઢ ગામમાંથી અલગ થયેલા કલ્યાણપુર ગામના ખેડૂતોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભારત સરકારની માલિકીની પાવરગ્રીડ કૉર્પોરેશન કંપનીએ ટ્રાન્સમિશન લાઇન માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા બદલ ખેડૂતોને મળવાપાત્ર વળતર જાહેર કર્યું છે તે ઘણું ઓછું છે.

કોંઢ ગામના આગેવાનોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમના ગામની વસ્તી અંદાજે 13000 છે અને ધ્રાંગધ્રા તાલુકાનું સૌથી મોટું ગામ છે.

તેઓ જણાવે છે કે ગામની સીમ આશરે આઠ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે.

કોંઢ ગામના કેટલાક રહીશોએ કલ્યાણપુર નામે અલગ ગામ વસાવ્યું છે પરંતુ ખેતીની જમીનો કોંઢ ગામના સર્વે નંબરો સાથે સરકારી ચોપડે નોંધાયેલી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કલ્યાણપુર ગામના સરપંચ રઘુભાઈ ચૌહાણે કહ્યું કે કોંઢ-કલ્યાણપુર ગામના આશરે 300 જેટલા ખેડૂતોની જમીનમાંથી આ વીજલાઇન લાઇન પસાર થવાની છે અને અંદાજે ત્રીસ ટાવર ઊભા કરવાના છે.

તેમણે કહ્યું કે ખેડૂતોનો વિરોધ વળતર બાબતે છે.

કલ્યાણપુર ગામના સરપંચ રઘુભાઈ ચૌહાણે કહ્યું, "સામે સાપકડા ગામ છે. અમારા ગામની સીમ પુરી થાય એટલે સાપકડાની સીમ આવે છે. 2011ના જંત્રી રેટ મુજબ સાપકડામાં જંત્રી રેટ 24 રૂપિયા (પ્રતિ ચોરસ મીટર) હતા પરંતુ કંપનીએ ત્યાં 879 રૂપિયાનું વળતર આપ્યું છે. જયારે કોંઢમાં 2011 મુજબ જંત્રી રેટ 83 રૂપિયા હતો પરંતુ વળતર 382 રૂપિયા ચૂકવે છે."

"અમારી યોગ્ય વળતર માટેની આ લડત છે. લાઇન અમારી વાડીઓમાંથી પસાર થાય તેનો વિરોધ નથી. 24 રૂપિયા અને 83 રૂપિયા મુજબનું વળતર અમને ચૂકવી દે અને અમારી વાડીઓમાંથી વીજલાઇન પસાર થાય તો અમને કોઈ વાંધો નથી," એમ તેમનું કહેવું હતું.

કોંઢના ખેડૂત અર્જુનસિંહ ઝાલાએ કહ્યું કે તેમના ગામની ખેતીની જમીનોને બિનપિયત ખેતીની જમીનો તરીકે વર્ગીકૃત કરાતા તેમને વળતર ઓછું મળી રહ્યું છે.

બીબીસી સાથે વાત કરતાં અર્જુનસિંહે જણાવ્યું, "અમે વળતરની જ માંગણી કરી રહ્યા છીએ. શરૂઆતમાં અમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો હતો કે કે 22-05-2025 ના રોજ ડીએલવીસી (ડીસ્ટ્રીકટ લૅન્ડ વૅલ્યૂએશન કમિટી એટલે કે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ)એ જમીનોનાં મૂલ્યાંકન કર્યાં તેમાં કોંઢની જમીનનું ઓછામાં ઓછું મૂલ્ય નક્કી કર્યું છે."

તેમણે મૂલ્યાંકન પર સવાલ પૂછતા કહ્યું, "છ-સાત કિલોમીટર દૂર આવેલાં સાપકડા અને હળવદના અન્ય ગામોની સરખામણીએ તે ઘણું ઓછું છે... અમારા ગામની જમીન પિયતની સુવિધાવાળી છે પરંતુ તેને બિનપિયતમાં નાંખી છે. ડીએલવીસીએ કયા આધારે મૂલ્યાંકન કર્યું છે? "

અર્જુનસિંહે ઉમેર્યું કે આ બાબતે ખેડૂતોએ મુખ્ય મંત્રી સુધી રજૂઆતો કરી છે. પરંતુ તેમને સંતોષકારક જવાબો મળ્યા નથી.

' પોલીસ ઢોરને પાણી પાવા માટે પણ જવા દેતી નથી'

મંગળવારે બીબીસી ગુજરાતીએ કોંઢ-કલ્યાણપુરની મુલાકાત લીધી ત્યારે કેટલાય ખેડૂતોએ પોલીસ વધારે પડતું કડક વલણ દાખવી રહ્યાની ફરિયાદો કરી.

ગજેન્દ્રસિંહ ટાંક નામના ખેડૂતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "છેલ્લા આઠ દિવસથી પાવરગ્રીડ કંપની ખેડૂતોને હેરાન કરે છે. તેનું વર્ણન થઇ શકે તેમ નથી. ચાર દિવસ પહેલા કંપની પોલીસ સુરક્ષા સાથે આવી ત્યારે પોલીસનો સ્ટાફ અઢીસોથી ત્રણસોનો હતો. ત્યારે ખેડૂતોનું સંખ્યાબળ વધારે જોઈ પોલીસે લેખિતમાં બાહેંધરી આપી હતી કે કોઈ કામ કરવાનું નથી, માત્ર સર્વે કરવા દો."

"અમારી સંમતિ વગર સર્વે કર્યો અને સોમવારે સવારે સીધા પોલીસનાં ધાડે ધાડાં ઉતારી દેવાયાં. જાણે કોઈ આતંકવાદીની ધરપકડ કરવાની હોય તેમ. કોઈ ખેડૂતોને વાડીયે જવા દેવામાં આવતા નથી. અત્યારે અમારે તલની કાપણી કરવાની અને મગફળી વાવવાની સિઝન ચાલી રહી છે પુરજોશમાં. પણ પોલીસવાળા ગાયોને પાણી પાવા પણ વાડીએ જવા દેતા નથી. કોઈ માણસ વાડીએ જાય તો તેની સીધી અટકાયત કરીને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન લઇ જાય છે અને રાત્રે 10 વાગ્યે છુટા કરે છે," ગજેન્દ્રસિંહે કહ્યું હતું.

ગજેન્દ્રસિંહે કહ્યું કે હાલારી સીમમાં આવેલી તેમની વાડીમાં તેમણે ત્રણ વર્ષ અગાઉ જામફળીનું વાવેતર કર્યું હતું.

તેમના જણાવ્યા પ્રમાણે તે જગ્યાએ થાંભલો ઊભો કરવા માટે પાવરગ્રીડ કૉર્પોરેશને પાયાનું ખોદકામ શરું ક્રર્યું છે.

તેમણે દાવો કર્યો કે પાવરગ્રીડ કૉર્પોરેશને વળતર બાબતે તેમને કોઈ માહિતી આપી નથી.

ગજેન્દ્રસિંહે કહ્યું, "અમારા પડા ચોમાસાના વાવેતર માટે તૈયાર કરેલા છે તેમાં હિટાચી, જેસીબી મશીન પોલીસનો સ્ટાફ માથે બેસીને ચલાવે છે અને મન ફાવે તેમ વર્તન કરી અમને વાડીએ જવા દેતા નથી. આજે (મંગળવારે) અમારી વાડીમાં તલ કાઢવા માટે થ્રેશર ચાલતું હતું. પરંતુ પોલીસે મને અને અન્ય ત્રણ લોકોને પકડી લીધા. પછી સરપંચે રજુઆત કરી ત્યારે અમને બપોરે છોડી મૂકયા."

યશપાલસિંહ ટાંક નામના ખેડૂતે જણાવ્યું કે તેમની વાડીમાં પણ બે દિવસથી ટાવરના પાયાનું કામ ચાલુ કર્યું છે.

તેમણે કહ્યું, "પાવરગ્રીડવાળા સાહેબો અમારી વાડીમાં ગમે ત્યાંથી નીકળી જાય છે... રેઢીયાર ઢોર ન આવી જાય તે માટે મેં વાડી ફરતે જાળી કરી હતી. તેમણે તે તોડી નાખી. જેને કારણે રેઢિયાળ ખૂંટિયા ગઈ કાલે મારી વાડીમાં ઘૂસી ગયેલા અને આજે પણ આવી ગયા છે. અમે તેમને રજૂઆત કરીએ કે સાહેબ આમ ન કરો તો પોલીસ અમને પકડીને સીધા ડબ્બામાં બેસાડી દે છે."

ગુજરાત સરકાર શું કહે છે?

સુરેન્દ્રનગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર કે.આર. પટેલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે કોંઢ ગામમાં ખેડૂતોને નિયમ મુજબ વળતર આપવાની જાહેરાત થઇ છે. તેમણે કહ્યું, "ખેડૂતોને નિયમ પ્રમાણે વળતર અપાયું છે. છતાં તેમને ગ્રિવન્સ (અસંતોષ) હોય તો આ વળતર સામે તેઓ અપીલ કરી શકે છે અને વધારે વળતર માંગી શકે છે અને આવા દવાઓમાં કોર્ટ યોગ્ય ન્યાય કરતી હોય છે."

લેન્ડ વેલ્યુશન કમિટીના નિર્ણયને પણ નિવાસી અધિક કલેક્ટરે કાયદા અનુરૂપ ગણાવ્યો. તેમણે કહ્યું, "લેન્ડ વેલ્યુશન કમિટીમાં જે બાબતો રેકોર્ડ પર હતી તેના આધારે જમીનની કિંમતો નક્કી થઇ છે. જો ખેડૂતોને તે અમાન્ય હોય તો તેની સામે અપીલ કરી શકીએ છે."

પોલીસ બંદોબસ્તની કામગીરી સંભાળી રહેલ લીંબડી ડિવિઝનના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીવાયએસપી) વિશાલ રબારીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને "સરકારી કામ" થઇ શકે તે માટે કોંઢમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વિશાલ રબારીએ કહ્યું, "આ ગામની અંદર પાવરગ્રીડની લાઇન માટે અલગ અલગ સ્થળે કામ ચાલુ કરવાનું હતું. ત્યાં વિવિધ કારણોસર વિઘ્ન આવતું હતું. કામ કરવા માટે લોકો જતા હતા, તેમને સ્થાનિક લોકો એકઠા થઈને અડચણરૂપ થતા હતા તેવી ફરિયાદો મળી હતી. તેથી અત્યારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે."

વિશાલ રબારીએ વધુમાં જણાવ્યું, "છેલ્લા બે દિવસથી બંદોબસ્ત ચાલુ છે. ત્રણ ડીવાયએસપી, 12 પીઆઇ (પોલીસ ઇન્સ્પેક્ટર) સહિત ચારસોએક જેટલા પોલીસના માણસો આઠ સ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવી રહ્યા છે. આ કામ પૂરું થાય ત્યાં સુધી આ બંદોબસ્ત ચાલુ રહેશે. જેથી કરીને કોઈ ઘર્ષણ ન થાય અને સ્થાનિક લોકોની માંગણી છે તે પણ શાંતિપૂર્ણ રીતે યોગ્ય ફૉરમ સુધી પહોંચે અને સાથે સાથે સરકારી કામ છે તે પણ થઇ શકે."

વિશાલ રબારીએ ખેડૂતોને દમનના આક્ષેપોને પણ નકારી કાઢ્યા.

તેમણે કહ્યું, "બંદોબસ્ત માત્ર ને માત્ર જે કામગીરી ચાલુ છે તેમાં કોઈ વિઘ્ન ન થાય તે માટે અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે છે. બાકી જે પણ ખેડૂત છે અથવા તો ખેતી સાથે સંકળાયેલા તેમના ભાગીયા કે મજૂર જે પણ હોય તેઓ મુક્ત રીતે હરી-ફરી શકે છે. અમે વાડીઓની અવારનવાર મુલાકાત લઈએ છીએ અને જો ત્યાં પણ કોઈ રજૂઆત હોય તો મહેસુલ ખાતાના અધિકારીઓ અને પાવરગ્રીડ કૉર્પોરેશનના અધિકારીઓને કરતા રહીએ છીએ."

તેમણે ખેડૂતોના એ આરોપને ફગાવ્યો કે તેમના પર જવા-આવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

તેમણે કહ્યું કે "કોઈ પ્રતિબંધ નથી, જો તેઓ આ પ્રકારનો દાવો કરતા હોય તો તેમાં તથ્ય નથી."

સ્થળ પર હાજર પાવરગ્રીડ કૉર્પોરેશનના અધિકારીઓએ આ મુદ્દે કોઇ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન