લોકસભાની બેઠકો વધારીને 850 કરવાનો અને 33% મહિલા અનામતનો પ્રસ્તાવ, આનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, શુભાંગી મિશ્રા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
કેન્દ્ર સરકારે મંગળવારે સાંસદોને મોકલવામાં આવેલા ત્રણ ડ્રાફ્ટ બિલમાં આ બે સીમાચિહ્નરૂપ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પહેલો, લોકસભાના સાંસદોની 543થી વધારીને મહત્તમ 850 કરવી અને બીજો, નીચલા ગૃહ તથા રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી.
આ બિલ 16થી 18 એપ્રિલ દરમિયાન યોજનારા સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ ત્રણ બિલ છે-
કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારો) 2026
બંધારણ (131મો સુધારો) બિલ 2026
સીમાંકન બિલ 2026 (ડિલિમિટેશન બિલ 2026)
આ ખરડાઓ 2023માં પસાર કરવામાં આવેલા નારી શક્તિ વંદન અધિનિયમ પર આધારિત છે, જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરાઈ હતી, પરંતુ તેના અમલીકરણને ભવિષ્યની વસ્તીગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવી હતી.
આ જ કારણસર 2023નો પ્રસ્તુત કાયદો સંસદમાં લગભગ સર્વસંમતિથી પસાર થયો હતો, પરંતુ અનામતના અમલીકરણમાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે, તેવી ચિંતા ઘણા લોકોએ વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ખરડાઓ પસાર થઈ જશે તો તેનાથી 2029માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીનો માર્ગ મોકળો થઈ જશે.
જોકે, વિપક્ષી નેતાઓએ આ ત્રણેય ખરડાઓની મંગળવારે ટીકા કરી હતી. પશ્ચિમ બંગાળ અને તામિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં મહિલા મતદારોને આકર્ષવા સરકાર તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
લોકસભાનું કદ 850 બેઠકો સુધી વિસ્તારવાના પ્રસ્તાવની પણ આકરી ટીકા થઈ છે. બેઠકોના પુનઃવિતરણના માપદંડથી દક્ષિણનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે, એવી ચિંતા ઘણા વિપક્ષી નેતાઓએ વ્યક્ત કરી હતી.
આ ત્રણેય ખરડાઓ અને તેની સાથે સંકળાયેલા વિવાદોને સમજીએ.
લોકસભામાં બેઠકની સંખ્યા 850

ઇમેજ સ્રોત, ANI
નીચલા ગૃહમાં મહત્તમ 850 બેઠકો (815 રાજ્યોમાંથી અને 35 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી)નો પ્રસ્તાવ બંધારણ (131મો સુધારો) 2026 ખરડામાં મૂકવામાં આવ્યો છે. હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા 543ની છે અને તેની બંધારણીય મર્યાદા 550 બેઠકો સુધીની છે.
1971ની વસ્તીગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા સ્થિર કરતી જોગવાઈને દૂર કરવા માટે બંધારણના અનુચ્છેદ 81મા સુધારો કરવાનો પ્રસ્તાવ પણ આ ખરડામાં છે. કલમ 81ની જોગવાઈને કારણે લોકસભાનું કદ 1976થી યથાવત્ રહ્યું છે.
સવાલ એ છે કે લોકસભાના વર્તમાન કદનો આધાર 1971ની વસ્તીગણતરી હોત તો વિસ્તૃત નીચલા ગૃહ માટેનું સંદર્ભ બિંદુ શું હોત?
આ પ્રશ્નનો જવાબ સીમાંકન ખરડા 2026માં છે. આ ખરડો પણ સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ ખરડાના ઉદ્દેશ સંબંધી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સીમાંકન કવાયત "નવીનતમ પ્રકાશિત વસ્તીગણતરી" પર આધારિત હશે, જે 2011માં હાથ ધરવામાં આવેલી વસ્તીગણતરી છે.
દક્ષિણનાં રાજ્યો આ મુદ્દે ઘટતા પ્રતિનિધિત્વ અંગે ચિંતિત

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં વસ્તી વૃદ્ધિમાં વર્ષોથી વિસંગતતા જોવા મળી છે, જેમાં દક્ષિણનાં રાજ્યો જન્મ નિયંત્રણમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે. અભ્યાસો દર્શાવે છે કે વર્તમાન પરિસ્થિતિના પ્રમાણ અનુસાર સમાન માપદંડ લાગુ કરવામાં આવશે તો દક્ષિણનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે.
રાજકીય વિશ્લેષક અદિતિ ફડનીસે બીબીસીને કહ્યું હતું, "પ્રગતિશીલ મનાતાં દક્ષિણનાં રાજ્યોએ કુટુંબ નિયોજનની નીતિનું સભાનપણે પાલન કર્યું છે અને નાના કુટુંબના કદને પ્રોત્સાહિત કરવાના સભાન પ્રયાસો કર્યા છે. તેથી દક્ષિણનાં રાજ્યોને એવું લાગશે કે વસ્તી વૃદ્ધિને રોકવાના સભાન પ્રયાસથી તેમને ગેરલાભ થશે."
સરકારે વારંવાર ખાતરી આપી છે કે સંસદની રચનામાં રાજ્યોના પ્રમાણસર હિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે તે હાલમાં અસ્તિત્વમાં છે, પરંતુ ચૂંટણી વિશ્લેષક અને રાજકીય કાર્યકર યોગેન્દ્ર યાદવે મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે આવું સુનિશ્ચિત થાય તેવું ત્રણેય ખરડાઓમાં કશું નથી.
દક્ષિણનાં રાજ્યોના નેતાઓએ પણ પોતપોતાની ચિંતા મંગળવારે વ્યક્ત કરી હતી.
તામિળનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને એક વીડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા વિના સીમાંકનને આગળ ધપાવવાનો પ્રયાસ "લોકશાહી પરનો હુમલો" છે.
તેમણે ઉમેર્યું હતું, "વસ્તી વૃદ્ધિ રોકવા, પરિવારો નાના રાખવા અને કુટુંબ નિયોજનનાં પગલાં લેવાની વિનંતી કેન્દ્ર સરકારે અમને કરી ત્યારે અમે (તામિળનાડુએ) તેનું પાલન કર્યું હતું. અમને જે કહેવામાં આવ્યું હતું તેના શિસ્તબદ્ધ પાલનની આ સજા છે?"
બેઠકો વધારવાના "પ્રો-રેટા મૉડલ"ના પ્રતિકાર માટે દક્ષિણ રાજ્યો સાથે સંકલિત પ્રયાસમાં જોડાવાની વિનંતી તેલંગણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુને એક પત્ર લખીને કરી હતી.
રાજ્યોમાં પ્રસ્તાવિત 850 બેઠકોના પુનર્ગઠનનું ચોક્કસ માળખું હજુ સ્પષ્ટ નથી.
ખરડામાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના વડપણ હેઠળના સીમાંકન પંચ દ્વારા તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. એ પંચમાં સભ્ય તરીકે વડા ચૂંટણી કમિશનર અને રાજ્યોના ચૂંટણી કમિશનરો હશે.
ભવિષ્યમાં સીમાંકનના આધાર તરીકે કઈ વસ્તીગણતરી ધ્યાનમાં લેવી તે નક્કી કરવા માટે સંસદમાં સરળ બહુમતીનો પ્રસ્તાવ પણ આ ખરડામાં છે. આ માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. તેથી બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે.
મહિલાઓ માટે 33 ટકા અનામત

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની માગ મહિલા સંસ્થાઓ અને મહિલા સાંસદો દાયકાઓથી કરતાં રહ્યાં છે. હાલ નીચલા ગૃહમાં 78 અને ઉપલા ગૃહમાં 42 મહિલા સાંસદો છે. આ પ્રમાણ તેમની કુલ સંખ્યાના અનુક્રમે માત્ર 14 ટકા અને 18 ટકા જ છે.
સેન્ટર ફૉર સોશિયલ રિસર્ચની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ પ્રતિનિધિત્વ 27.2 ટકાની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણું જ ઓછું છે.
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત સુનિશ્ચિત કરતો કાયદો 2023માં પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ વસ્તીગણતરી અને ત્યાર બાદ સીમાંકન પછી જ કરવાનો હતો.
મંગળવારના પ્રસ્તાવિત બંધારણ (131મા સુધારા) ખરડા 2026માં નોંધવામાં આવ્યું છે કે તે "આપણી લોકશાહી રાજનીતિમાં મહિલાઓની અસરકારક અને સમર્પિત ભાગીદારીમાં વિલંબ કરશે." તેમાં એવો પ્રસ્તાવ છે કે "વસ્તીગણતરીના તાજા પ્રકાશિત આંકડાઓના આધારે" બેઠકોના પુનર્ગઠન (સીમાંકન)નો ક્વોટા લાગુ કરવામાં આવશે. અહીં 2011ની વસ્તીગણતરીનો સંદર્ભ છે.

ઇમેજ સ્રોત, Getty Images
અનામત મતવિસ્તારોમાં સીમાંકન ચક્ર ફરતું રહેશે. પ્રસ્તુત અનામત 15 વર્ષ માટે માન્ય હશે અને તેની સમયાવધિમાં સંસદ દ્વારા લંબાવવાનો પણ સમાવેશ થાય છે.
આ જોગવાઈના પરિણામ બાબતે સર્વસંમતિ હોય એવું લાગે છે ત્યારે પ્રસ્તુત ખરડો રજૂ કરવાના સમય બાબતે વિપક્ષી નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે. રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં આ મહિનાના અંતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સાંસદ સાકેત ગોખલેએ લખ્યું હતું કે સરકાર "સીમાંકનના તેના વાસ્તવિક એજન્ડાને આગળ ધપાવવા માટે મહિલાઓનો ઉપયોગ કરી રહી છે." તેમણે જણાવ્યું હતું કે તેમના પક્ષના કુલ સાંસદોમાં 39 ટકા મહિલાઓ છે.
તેમણે લખ્યું હતું, "2023માં ખરડો પસાર કરવામાં આવ્યો ત્યારે વિરોધ પક્ષોએ અનામત તત્કાળ લાગુ કરવાની માગ કરી હતી, પરંતુ અમારી માગણીની અવગણના કરવામાં આવી હતી. અચાનક સીમાંકનનો વિચાર, જે આધારવિહોણો છે, દેશને ગળે ઉતારવો શક્ય નથી."
પારદર્શિતા અધિકાર કર્મશીલ અંજલિ ભારદ્વાજે પણ મંગળવારે નવી દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં આવી જ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "આ ખરડો (નારી શક્તિ વંદન અધિનિયમ) 2023માં પસાર થયો ત્યારે તેના અમલીકરણમાં વિલંબ અને તેને વસ્તીગણતરી તથા સીમાંકન સાથે જોડવા પાછળનાં કારણો મહિલા સંસ્થાઓએ સરકારને પૂછ્યા હતા, પરંતુ વસ્તીગણતરી અને સીમાંકન વિના મહિલા અનામત અમલી બનશે નહીં, તેવી જોગવાઈ કાયદામાં હતી. સરકારે થોડા મહિનાઓમાં જ યૂ-ટર્ન લીધો છે. હવે સરકાર કહી રહી છે કે તે તેને વસ્તીગણતરી અને સીમાંકનથી અલગ કરવા માગે છે. પારદર્શકતાના આગ્રહનો અર્થ એ નથી કે અમે સંસદમાં મહિલાઓ માટે અનામતની વિરુદ્ધ છીએ."
રાજકીય વિશ્લેષક રાહુલ વર્માએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ પગલાથી રાજ્યની ચૂંટણીઓમાં કદાચ ફાયદો મેળવવા ઇચ્છે છે.
તેમણે કહ્યું હતું, "આનાથી (ખરડાથી) તેમને થોડો ફાયદો થશે. આ પગલાથી નજીવો ફરક પડે, મહિલાઓના 10 ટકા મત ઝૂકે તો તે એક મોટો ફાયદો છે. ચૂંટણી ત્રણ-ચાર ટકાના માર્જિનથી જીતી શકાતી હોય ત્યારે તમે એક કે બે ટકા વધારાના મત મેળવી શકો તો તમારી જીત પાક્કી થઈ જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































