સોનિયા ગાંધીએ વડાં પ્રધાનપદ શા માટે નકાર્યું અને રાહુલ ગાંધી તેમની કઈ વાતથી નારાજ થયા હતા?

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP via Getty Images
મે 2004માં, જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે ડૉ. મનમોહનસિંહને સરકાર રચવાની મંજૂરી આપી, ત્યારે દેશની રાજનીતિમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો હતો.
કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ઍક્સ પર એક પોસ્ટમાં પોતાના નવા પુસ્તક 'બિલૉન્ગિંગ: એ જર્ની ઑફ લવ' નો ઉલ્લેખ કરતાં લખ્યું હતું, "મારા મનમાંથી અચાનક શંકાનો છેલ્લો અંશ પણ દૂર થઈ ગયો. મેં મારી પોતાની જાતને કહ્યું, 'સોનિયા, પોતાની સાથે ઇમાનદાર રહો. તું હંમેશાંથી આ વાત જાણે છે. હવે તેને છોડીને આગળ વધ.'"
તેમણે પોતાની પુસ્તકમાં તે સમયના અનેક પ્રસંગો યાદ કર્યા છે, જેઓ અંગે આજે પણ ખૂબ ચર્ચા થાય છે.
વાસ્તવમાં, વર્ષ 2004માં મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા પછી દેશના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો હતો.
તે સમયે સોનિયા ગાંધી કૉંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યાં હતાં અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે, સોનિયા ગાંધી દેશનાં આગામી વડાં પ્રધાન બની શકે છે.
તે સમયે કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ તેમને વડાં પ્રધાન તરીકે જોવાની ઇચ્છા રાખતા હતા. બીજી તરફ, સત્તામાંથી બહાર થયેલી ભાજપ અને તેના ઘણા નેતાઓ તેમનાં વડાં પ્રધાન બનવાનો વિરોધ કરી રહ્યા હતા.
વડાં પ્રધાનપદનો ઇન્કાર કર્યા પછી પણ સોનિયા ગાંધીએ તે સમયે કહ્યું હતું કે, તેમણે આ નિર્ણય "અંતરાત્માના અવાજ"ને અનુસરીને લીધો હતો.
જો કે, મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા પછી પણ ભાજપ અને તે સમયના વિપક્ષના ઘણા નેતાઓ આરોપ લગાવતા રહ્યા કે, યુપીએ સરકારનું સંચાલન 10 જનપથ, એટલે કે સોનિયા ગાંધીના નિવાસસ્થાનેથી થઈ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ કાર્યરત યુપીએ સરકાર દરમિયાન સોનિયા ગાંધી યુપીએ અધ્યક્ષ હતાં.
તે સમયગાળા દરમિયાન સામાજિક અને આર્થિક વિકાસ સંબંધિત કાર્યો અને નીતિઓ અંગે માર્ગદર્શન આપવા માટે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ ની રચના પણ કરવામાં આવી હતી, જેનાં અધ્યક્ષપદે સોનિયા ગાંધી હતાં.
પરંતુ સોનિયા ગાંધીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે, સરકારના રોજબરોજના કામકાજમાં તેમનો કોઈ હસ્તક્ષેપ હતો.
અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર, સોનિયા ગાંધીએ પોતાની પુસ્તક 'બિલૉન્ગિંગ: એ જર્ની ઑફ લવ' માં તે સમયની સત્તાકીય વ્યવસ્થાઓ અંગે લખતાં જણાવ્યું છે કે, તેમને ક્યારેય કોઈ સરકારી ફાઇલ બતાવવામાં આવી નહોતી.
'ફાઇલો મંગાવવાના આરોપો ખોટા હતા'

ઇમેજ સ્રોત, RAVEENDRAN/AFP via Getty Images
'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર, સોનિયા ગાંધીએ પોતાની સ્મૃતિઓમાં લખ્યું છે કે યુપીએના સમયમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન હતું. મનમોહનસિંહ સરકાર ચલાવી રહ્યા હતા અને તેઓ કૉંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યાં હતાં.
કૉંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (CPP)નાં અધ્યક્ષા તરીકે તેમણે લખ્યું છે કે, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)ના કાર્યકાળ દરમિયાન તેમને ક્યારેય સરકારી ફાઇલો બતાવવામાં આવી નહોતી.
તેમણે જણાવ્યું કે, સરકાર રચતી વખતે તેમણે પોતાનાં સૂચનો આપ્યાં હતાં જેથી વર્ષોથી પક્ષની સેવા કરનારા લોકોને યોગ્ય સ્થાન મળી શકે.
પરંતુ તેમનું કહેવું છે કે, પીએમઓમાંથી ફાઇલો મંગાવવાના આરોપો "ખોટા ઇરાદાથી લગાવવામાં આવ્યા હતા અને સંપૂર્ણપણે અસત્ય હતા."
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના જણાવ્યા મુજબ, તેમણે પુસ્તકમાં એ પણ લખ્યું છે કે. 2004ની લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થાય તેના કેટલાક મહિનાઓ પહેલાં જ તેમણે પોતાનાં બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડરા સાથે નક્કી કરી લીધું હતું કે તેઓ ક્યારેય વડાં પ્રધાન બનશે નહીં. તેમનાં બાળકો સુરક્ષાના કારણોસર આ નિર્ણય પર ભાર મૂકી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, સોનિયા ગાંધીએ લખ્યું, "ચૂંટણીના કેટલાક મહિના પહેલાં મેં અને મારાં બાળકોએ મારા વડાં પ્રધાન બનવાના પ્રશ્ન પર ચર્ચા કરી હતી. તેમાંનાં એકે મને સીધો પ્રશ્ન પૂછ્યો કે, જો અમારી પાર્ટી જીતશે તો શું હું આ પદ સ્વીકારીશ? મેં કહ્યું, 'બિલ્કુલ નહીં.' મેં લગભગ ગુસ્સાથી આ જવાબ આપ્યો હતો."
"તેમણે પૂછ્યું, 'શું તમને ખરેખર ખાતરી છે?' મેં દૃઢતાથી કહ્યું કે હું સંપૂર્ણપણે સ્પષ્ટ છું. ન તો રાહુલ અને ન જ પ્રિયંકા ઇચ્છતાં હતાં કે હું વડાં પ્રધાન બનું. તેઓ પોતાની દાદીની હત્યા અને પોતાના પિતાની નિર્દયી હત્યાના આઘાતમાંથી પસાર થયાં હતાં. તેમના મનમાં આ પદ વધેલા જોખમ સાથે જોડાયેલું હતું. તેઓ રાહત અનુભવી રહ્યાં હતાં અને હું પણ હળવાશ અનુભવી રહી હતી, કારણ કે મેં પહેલી વાર આ પ્રશ્ન પર પોતાનો નિર્ણય ખુલ્લેઆમ વ્યક્ત કર્યો હતો."
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, સોનિયા ગાંધીએ વધુમાં લખ્યું, "આખી ચૂંટણી દરમિયાન જ્યારે પણ મને જાહેર મંચ પરથી પૂછવામાં આવતું કે વડા પ્રધાન કોણ બનશે, ત્યારે હું કોઈ સ્પષ્ટ જવાબ આપતી નહોતી. પરંતુ અંદરથી મને ખબર હતી કે અગાઉની કૉંગ્રેસ સરકારોની વારસાગત પરંપરાને આગળ વધારવા માટે એવો વ્યક્તિ જોઈએ જેને શાસનનો લાંબો અનુભવ હોય અને જેના પ્રામાણિકતા અંગે કોઈ સવાલ ન હોય."
2004ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી શું બન્યું?

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર, સોનિયા ગાંધીએ જુલાઈ 2003માં શિમલામાં યોજાયેલી કૉંગ્રેસની એક તણાવપૂર્ણ બેઠકનો પણ ઉલ્લેખ કર્યો છે.
તે સમયે અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા મુદ્દે પક્ષની અંદર મતભેદો હતા. આ ચર્ચા દરમિયાન તેમણે પોતાને ચર્ચાથી અલગ જોયાં.
તેઓ લખે છે, "મેં પૂછ્યું કે તમે શું ચર્ચા કરી રહ્યા છો? થોડા સંકોચ સાથે મને જવાબ મળ્યો કે તેઓ ચર્ચા કરી રહ્યા હતા કે ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે."
સોનિયા ગાંધી કહે છે કે, તેમને દુઃખ થયું કે તેમના જ સાથીદારો તેમને જાણે બહારની વ્યક્તિ તરીકે જોઈ રહ્યા હતા, અને આખરે સંદેશ એવો આપ્યો કે કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ તેઓ જ કરશે.
જો કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની હારથી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તે સમયે એનડીએ સરકારે 'ઇન્ડિયા શાઇનિંગ' અને 'ફીલ ગુડ' જેવાં સૂત્રો આપ્યાં હતાં. આ સૂત્રોની વચ્ચે જ લોકસભા ચૂંટણી નક્કી સમય કરતાં લગભગ છ મહિના પહેલાં યોજાઈ હતી.
ભાજપનો આ દાવ નિષ્ફળ રહ્યો, પરંતુ હવે કસોટી કૉંગ્રેસ અને તેમનાં અધ્યક્ષા સોનિયા ગાંધીની હતી. એક તરફ ભાજપ તેમના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવી રહી હતી, બીજી તરફ કૉંગ્રેસ તેમના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત ફરીથી કેન્દ્રની સત્તાની નજીક પહોંચી હતી.
પરિણામો બાદનું દબાણ

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP via Getty Images
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, 2004ની લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદની સ્થિતિનું વર્ણન કરતાં સોનિયા ગાંધી લખે છે, "હવે હું દ્વિધામાં હતી. એક તરફ તે કાર્યકર્તાઓ હતા જેઓ મારા ઇન્કારથી દુઃખી અને નિરાશ થશે, અને બીજી તરફ તેઓ લોકો હતા જેમણે અમને મત આપ્યો હતો. મારી લાગણીઓ ક્ષણે ક્ષણે બદલાઈ રહી હતી. એક પળે હું સ્પષ્ટ હતી, બીજી પળે મૂંઝવણમાં પડી જતી હતી."
"ગઠબંધનના નેતાઓ સાથે બેઠક નક્કી થઈ હતી. તેઓ બીજા દિવસે બપોરે મારા ઘરે આવવાના હતા. તેમણે મારા સહયોગી નેતાઓને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ મને મનાવી લેશે."
તેઓ આગળ લખે છે: "મારા ઘરે રાજીવ ગાંધીના કૉન્ફરન્સ રૂમમાં બેઠક ચાલી રહી હતી. તેઓ મને પોતાનો પ્રસ્તાવ સ્વીકારવા માટે સમજાવી રહ્યા હતા. ચર્ચા પૂર્ણ થતાં મેં હિંમત ભેગી કરીને મારી વાત કહી."
"હંગામો મચી ગયો. તેઓ ઊભા થઈ મારી તરફ આવ્યા. હું પણ ઊભી થઈ. તેમણે મને ઘેરી લીધી. એકે કહ્યું, 'અમે આ સ્વીકારીશું નહીં.' બીજાએ કહ્યું, 'મૅડમ, તમે આ નિર્ણય લઈ જ નથી શકતાં.'"
"તેમનો સ્વર કડક અને લગભગ ગુસ્સાભર્યો હતો. 'અમે માનીશું નહીં.' હું હચમચી ગઈ. મને લાગ્યું કે મારા પર કોઈ હાવી થઈ રહ્યું છે. મેં ધીમેથી કહ્યું, 'બરાબર.'"
"એકત્ર થયેલા નેતાઓ મારી વાત પૂરી સાંભળ્યા વગર જ મને અભિનંદન આપવા લાગ્યા. કોઈ બોલ્યા, 'તેઓ માની ગયાં... તેઓ માની ગયાં.' હું માત્ર ઊભી રહી ગઈ. કંઈ બોલી શકી નહીં. નેતાઓ સંતોષ સાથે ચાલ્યા ગયા."
રાહુલ ગાંધી કેમ નારાજ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, સોનિયા ગાંધીએ ત્યારબાદ રાહુલ અને પ્રિયંકાની પ્રતિક્રિયા અંગે લખ્યું છે.
તેઓ લખે છે, "રાહુલ ગુસ્સે બોલ્યા, 'તમે હા કહી દીધી?' મેં જવાબ આપ્યો, 'તેઓ મારી વાત સાંભળશે નહીં. હું આ કરવું નથી ઇચ્છતી. તને ખબર છે કે હું નથી ઇચ્છતી. મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું.'"
"તેમણે પૂછ્યું, 'તમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે, અને અમારું શું?' તે ગુસ્સાભરેલા ચહેરા સાથે ત્યાંથી ચાલ્યા ગયા."
તેમણે આગળ લખ્યું, "પ્રિયંકાએ કહ્યું, 'જુઓ મા, તમે આ બાબતમાં હંમેશાં સ્પષ્ટ રહ્યાં છો. દબાણમાં ન આવો. તમે જે નક્કી કર્યું છે તે જ કરો.' તેમની આંખો લાલ હતી અને મને પણ રડી પડવાનું મન થઈ રહ્યું હતું."
વડાં પ્રધાનપદ ન સ્વીકારવાનું અંતિમ કારણ
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, સોનિયા ગાંધીએ લખ્યું, "મારા મનમાં વારંવાર આ વિચાર આવી રહ્યો હતો કે મારા નિર્ણયનાં દૂરગામી પરિણામો આવશે, માત્ર મારી પાર્ટી માટે નહીં પરંતુ આખા ભારત માટે. આપણને મજબૂત અને સક્ષમ સરકારની જરૂર હતી, જેથી ભારતને 'વિભાજનકારી રાજકારણ'થી દૂર રાખી શકાય. કોઈપણ બીજી વસ્તુ કરતાં વધુ, આપણને વિકાસ અને પ્રગતિની જરૂર હતી."
તેમણે વધુમાં લખ્યું, "રાજકારણમાં મારો પ્રવેશ એ માન્યતાથી થયો હતો કે જો આરએસએસ અને તેના કેટલાંક કટ્ટરપંથી જૂથોથી પ્રેરિત ભાજપ સત્તામાં આવશે તો તે સમુદાયો વચ્ચે મતભેદો વધારશે અને બંધારણને નુકસાન પહોંચાડશે."
સોનિયા ગાંધી લખે છે, "મને બહુ સારી રીતે ખબર હતી કે જો હું વડાં પ્રધાનપદ સ્વીકારી લઉં, તો ચૂંટણી અભિયાન દરમિયાન મારા વિદેશી મૂળને લઈને જે હોબાળો મચાવવામાં આવ્યો હતો તે બંધ થવાનો નહોતો. ભાજપ અને તેના સાથીઓ ચોક્કસપણે આ મુદ્દાને વધુ ઉછાળશે. ભાવનાઓને ઉશ્કેરવામાં આવશે અને એવી પરિસ્થિતિ ઊભી થશે કે જે ભૂતકાળ અને ભવિષ્યની દરેક સારી બાબતને ઢાંકી દેશે. હું વડાં પ્રધાનપદ સ્વીકારવા માટે કેવી રીતે તૈયાર થઈ શકું? નહીં, ક્યારેય નહીં."
પ્રણવ મુખરજી વિશે શું લખ્યું?
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને તેમનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજી અગાઉ પણ સંકેત આપી ચૂક્યા હતાં કે ગાંધી પરિવાર તેમને વડા પ્રધાન બનાવવા બાબતે સંકોચ અનુભવતો હતો, જ્યારે તેઓ યુપીએ મંત્રિમંડળના સૌથી વરિષ્ઠ મંત્રી હતા.
'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર, સોનિયા ગાંધીએ પોતાની પુસ્તકમાં લખ્યું છે કે 2010માં, યુપીએ બીજી વખત સત્તામાં આવ્યા પછીના એક વર્ષ બાદ, પ્રણવ મુખરજીએ તેમને વડા પ્રધાન બદલવાની સલાહ આપી હતી.
તેઓ લખે છે, "તેમણે મને આશ્ચર્યમાં મૂકી દીધી જ્યારે તેમણે સૂચન કર્યું કે કદાચ હવે ટોચના પદ પર પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે. મેં તેને તેમના લાંબા સમયથી રહેલા વડા પ્રધાન બનવાની અભિલાષાના સંકેત તરીકે જોયું. મેં ખૂબ નમ્રતાથી વાતનો વિષય બદલી નાખ્યો. શક્ય છે કે તેઓ નિરાશ થયા હોય, પરંતુ તેમણે ક્યારેય મને એવું અનુભવવા દીધું નહીં કે તેમના મનમાં મારા પ્રત્યે કોઈ કડવાશ હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























