અમરેલી : અન્નક્ષેત્રમાં જમવા ગયેલા દલિતનું 'ભોજન બગાડવા' બદલ માર માર્યા બાદ 'મોત', શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
એક ખાનગી શાળામાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ રાઠોડ નામના એક દલિત યુવાન અમરેલી શહેરમાં આવેલ શાંતાબા જનરલ હૉસ્પિટલના કૅમ્પસમાં ચાલતા એક અન્નક્ષેત્રમાં 17 એપ્રિલના રોજ જમવા ગયા.
જમ્યા બાદ મહેશભાઇની થાળીમાં થોડાં દાળ-ભાત વધતાં તે બાબતે અન્નક્ષેત્રના સંચાલક અને તે યુવાન વચ્ચે બોલાચાલી થઈ.
બોલાચાલી બાદ અન્નક્ષેત્રના સંચાલક અને હૉસ્પિટલના બે ચોકીદારો સહિત સાત લોકોએ લોકોએ કથિત રીતે દલિત યુવાન પર હુમલો કર્યો.
કથિત હુમલામાં મહેશભાઈને ડાબા હાથમાં હાડકાનું ફ્રૅક્ચર થઈ જતા તેને તે જ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને પોલીસે અન્નક્ષેત્રના સંચાલક સહિત સાત માણસો સામે મારામારીનો એક કેસ નોંધ્યો.
સારવાર દરમિયાન 20 એપ્રિલે મહેશભાઈનું મૃત્યુ થઈ જતા તેના પરિવારે આક્ષેપ કર્યો કે 'અન્નક્ષેત્રમાં મારવામાં આવેલા મારના કારણે તેનું મોત થયું' છે.

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
પરિવારે માંગણી કરી છે કે હવે અન્નક્ષેત્રના સંચાલક અને અન્ય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે. પરિવારે જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ કેસમાં હત્યાની કલમ નહીં ઉમેરવામાં આવે ત્યાં સુધી તેઓ મહેશભાઈનો મૃતદેહ સ્વીકારશે નહીં.
24 વર્ષના મહેશભાઈના મોત બાદ પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરવા માટે અમરેલીની એક સ્થાનિક અદાલતમાં અરજી કરી છે.
બુધવારે તે અરજી પર સુનાવણી કર્યા બાદ અદાલતે સૂચના આપી છે કે આ કેસમાં વધારે તપાસ કરી યુવાનના મૃત્યુ બાબતે વધારે માહિતી પૂરી પાડવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન યુવાનના પરિવારે બુધવારે બપોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેઓ તેમની માંગણી મામલે કોઈ સમાધાન કરશે નહીં. તેમણે હૉસ્પિટલના સંચાલકો સામે દેખાવો ચાલુ રાખ્યા હતા.
ભોગ બનનારા દલિતના પરિવારજનોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
મહેશભાઈ પર 17 એપ્રિલે બપોરે શાંતાબા હૉસ્પિટલના કૅમ્પસ પર ચાલતા 'દર્દીનારાયણ સેવા કેન્દ્ર' નામના અન્નક્ષેત્રમાં કથિત રીતે હુમલો થયા બાદ મહેશ રાઠોડે અમરેલી શહેર પોલીસમાં એક ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે એક એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર 24 વર્ષના મહેશભાઈ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામના રહેવાસી હતા અને આર્ટસમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હતા. તેઓ ગોપાલગ્રામ નજીકના ધારી ગામે આવેલ એક ખાનગી નિવાસી શાળાની હૉસ્ટેલમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હતા.
બીબીસી ગુજરાતી સાથે બુધવારે ટેલિફોનિક વાત કરતાં મહેશભાઈના પિતા પ્રેમજીભાઈ રાઠોડે જણાવ્યું, "મારો દીકરો ભણેલો હતો. તે ધારીની શાળામાં નોકરી કરતો હતો અને શાપરાડાની એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરવા માટે તૈયારી કરતો હતો. તે પી.એસ.આઇની ભરતી માટે તૈયારી કરતો હતો. તે સરકારી શિક્ષકની ભરતી માટેની પરીક્ષા પણ આપવાનો હતો. પરંતુ અન્નક્ષેત્રના કેટલાક લોકોએ તેને માર મારીને બેભાન કરી નાખ્યો. જેને કારણે તેને ગભરામણ થઈ અને મૃત્યુ થઈ ગયું."
દલિત યુવાન અન્નક્ષેત્રમાં જમવા કેમ ગયા?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસની તપાસ કરી રહેલા અમરેલીના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, ચિરાગ દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભરતભાઈ આચાર્ય નામની વ્યક્તિ શાંતાબા જનરલ હૉસ્પિટલના પટાંગણમાં 'દર્દીનારાયણ સેવા કેન્દ્ર' નામનું અન્નક્ષેત્ર ચલાવે છે.
તેમણે ઉમેર્યું કે "ભરતભાઈ એક નિવૃત્ત બૅન્ક અધિકારી છે અને વર્ષોથી અમરેલીમાં અન્નક્ષેત્ર ચલાવી જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન પીરસે છે."
ચિરાગ દેસાઈ ઉમેર્યું કે કાળુભાઈ નામની વ્યક્તિ ભરતભાઈને હૉસ્પિટલના પટાંગણવાળું અન્નક્ષેત્ર ચલાવવામાં મદદ કરે છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મહેશભાઈના પિતાના કૌટુંબિક ભાઈ તેવા અમરાભાઈ રાઠોડને તાત્કાલિક સારવારની જરૂર પડતા મહેશભાઈ અને તેમના પિતરાઈ ભાઈ હરેશભાઈ 17 એપ્રિલે અમરભાઈને શાંતાબા જનરલ હૉસ્પિટલમાં સારવાર માટે લાવ્યા.
ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે, તે દિવસે બપોરે આશરે સાડા બારથી એક વાગ્યા વચ્ચે મહેશભાઈ અને હરેશભાઈ હૉસ્પિટલની પાછળ આવેલા 'દર્દીનારાયણ સેવા કેન્દ્ર' અન્નક્ષેત્રમાં જમવા ગયા. હરેશભાઇ તેમનું ભોજન ઝડપથી પતાવીને અન્નક્ષેત્રમાંથી નીકળી ગયા પરંતુ મહેશભાઇ તેમનું ભોજન પૂરું ન કરી શક્યા.
અન્નક્ષેત્રમાં મારામારી કેમ થઈ?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જમતાં જમતાં મહેશભાઈને ઊલટી જેવું લાગતાં તેઓ તેમની થાળીમાં પીરસવામાં આવેલાં દાળ-ભાત પૂરેપૂરાં ખાઈ ન શક્યા. વધેલાં દાળ-ભાત સાથે તેઓ જયારે થાળી ધોવા ચોકડી તરફ વધ્યા ત્યારે અન્નક્ષેત્રના સંચાલક ભરતભાઈએ મહેશભાઈને કથિત રીતે રોક્યા અને બંને વચ્ચે બોલાચાલી થઈ.
મહેશભાઈએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું, "હું થાળી મૂકવા જતો હતો ત્યારે આ અન્નક્ષેત્રના સંચાલક ભરતભાઈ આચાર્યએ મને ઊભો રાખી કહ્યું હતું કે આ તારી થાળીમાં બાકી રહ્યું છે, તે જમી લે અથવા દંડ ભર... જેથી મેં કહ્યું કે મારાથી ખવાય તેમ નથી. મને ઊલટી જેવું લાગે છે. હું દંડ ભરી દેવા તૈયાર છું. તો તેમણે કહ્યું હતું કે પચાસ રૂપિયાનો દંડ છે. તો મેં કહ્યું હતું કે તમે દંડ વસૂલ કરતા હોય તો એવું બોર્ડ પર લખાવો. અને મેં તેમને પાંચસોની નોટ આપેલ હતી..."
"બાદમાં મેં થાળી ધોઈ ભરતભાઈ પાસેથી બાકીના પૈસા પરત માગ્યા હતા. પરંતુ આ ભરતભાઈએ પૈસા આપવાની ના પાડી અને પૂછ્યું કે તું કેવો છે? જેથી મેં કહ્યું કે હું દલિત છું. અને મારા ગામ વિશે પૂછ્યું હતું જેથી મેં ગોપાલગ્રામ ગામ હોવાનું જણાવ્યું હતું... અને આ ભરતભાઈએ ત્રણ જણાને બોલાવી કહ્યું હતું કે આને લઈ લો અને વ્યવસ્થિત રીતે ઠમઠોરો (મારો)."
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ત્યાર બાદ ભરતભાઈ, કાળુભાઈ, હીરાભાઈ ખુમાણ અને ચતુરભાઈ દાફડાએ મહેશભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો.
"મેં મારો બચાવ કરતા આ ભરતભાઈ આચાર્યએ બીજા ત્રણ લોકોને બોલાવેલા હતા... આ સાતેય લોકોએ ભેગા થઇ મને પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હતો અને મને ડાબા હાથના કાંડાની ઉપરના ભાગે, જમણા હાથે અંગુઠાની આંગળીમાં તથા માથામાં પાઇપ લાગતા ઈજા થઈ હતી," પોતાની ફરિયાદમાં મહેશભાઈએ લખાવ્યું હતું.
પોલીસ અધિકારીઓ કહે છે કે હીરાભાઈ ખુમાણ અને ચતુરભાઈ દાફડા શાન્તાબા જનરલ હૉસ્પિટલમાં ફરજ બજાવતા ચોકીદારો છે.
છેવટે મહેશભાઈના પિતા, હરેશભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને મહેશભાઈને બચાવી લઇ શાન્તાબા જનરલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા તેવો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં છે.
ચાર દિવસ બાદ દલિત યુવાનનું કેવી રીતે મોત થયું?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
શાંતાબા જનરલ હૉસ્પિટલમાં ડૉ. ભાર્ગવ શિંગાળાના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરોએ મહેશભાઇની સારવાર કરી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. શિંગાળાએ જણાવ્યું કે જયારે મહેશભાઈને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને થયેલી ઈજાઓ "ગંભીર પ્રકારની" જણાતી ન હતી.
ડૉ. શિંગાળાએ કહ્યું, "તેમને આંગળીમાં ફ્રૅક્ચર થયું હતું પરંતુ ઈજાઓ દેખીતી રીતે ગંભીર કહી શકાય તેવી ન હતી. દર્દી ભાનમાં હતા અને હાલી-ચાલી શકતા હતા. માથામાં લાકડી વડે માર મરાયાની ફરિયાદ દર્દીએ કરી હતી, તેથી અમે તેના માથાનું સીટી-સ્કૅન કરાવ્યું હતું. રિપોર્ટમાં મગજમાં કોઈ ઈજા કે હૅમરેજ દેખાયું ન હતું. તેની છાતીનો ઍક્સ-રે પણ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ કોઈ ઈજા જોવા મળી નહોતી. તેથી, દર્દીને ટૅબ્લેટ ફૉર્મમાં દવા આપીને અમે સારવાર કરતા હતા અને કોઈ ઇન્જેક્શનની જરૂરિયાત પણ જણાતી ન હતી."
ડૉ. શિંગળાના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેશભાઈ બાથરૂમ બહાર અચાનક ઢળી પડ્યા અને અમુક ક્ષણોમાં જ 'મૃત્યુ' પામ્યા.
તેમણે કહ્યું, "દર્દી વૉશરૂમ ગયા હતા અને વૉશરૂમમાંથી બહાર આવ્યા ત્યારે અચાનક ઢળી પડ્યા. સારવાર દરમિયાન આ પહેલાં તેમને આવું ક્યારેય નહોતું થયું. અમે તેમને તાત્કાલિક બેડ(પથારી) પર શિફ્ટ કર્યા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું."
હત્યાની કલમ ઉમેરાશે?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
અમરેલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંજય ખરાતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મહેશભાઈનું મૃત્યુ થઇ જતા પોલીસે કોર્ટને તેની જાણ કરી આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 ઉમેરવા માટે અરજી કરી દીધી છે.
તેમણે કહ્યું, "મહેશભાઈએ આપેલી ફરિયાદ અનુસાર પોલીસે 17 એપ્રિલે જ એફઆઈઆર દાખલ કરી હતી અને તેની જાણ કોર્ટને કરી હતી. એક વાર એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ તેમાં કોઈ ફેરફાર કરવાની સત્તા કોર્ટને જ છે. તેથી, આ કેસમાં કલમ 103 ઉમેરવા માટે અમે કોર્ટમાં અરજી કરી છે અને કોર્ટ જે હુકમ કરશે તે મુજબ આગળની તાપસ કરીશું."
એસપી સંજય ખરાતે ઉમેર્યું કે મહેશભાઈના મૃત્યુનું કારણ જાણવા માટે મહેશભાઈના મૃતદેહનું ડૉક્ટરોની એક પૅનલ દ્વારા ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરાવવું જરુરી જણાતા મહેશભાઈના મૃતદેહને સોમવારે જ ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી જનરલ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
"ડૉક્ટરોની પૅનલે પોસ્ટમૉર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આપી દીધો છે. તેમાં મહેશભાઈના મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ દર્શાવાયું નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મહેશભાઈના વિસરાનાં સૅમ્પલને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી), ગાંધીનગર મોકલવામાં આવશે અને તેના રિપોર્ટ આવતા વીસેક દિવસ લાગે તેમ છે," એમ સંજય ખરાતે જણાવ્યું હતું.
સંજય ખરાતે કહ્યું કે નિયમ મુજબ મારામારીના કેસમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ થઇ ન શકતી હોવાથી પોલીસે ભરતભાઈ, કાળુભાઈ, હીરાભાઈ ખુમાણ અને ચતુરભાઈ દાફડાને સમન્સ પાઠવી તેમનાં નિવેદનો નોંધ્યાં છે.
તેમણે કહ્યું, "મહેશભાઈ બાથરૂમની બહાર પડી ગયા તેનાં સીસીટીવી ફૂટેજ છે. દેખીતી રીતે તેમને હાર્ટઍટેક આવી ગયો હોઈ શકે. પડી જવાથી તેમને કોઈ ઈજા થઈ અને તેનાથી તેમનું મૃત્યુ થયું કે તેમને માર મારવાથી થયેલી ઈજાને કારણે મૃત્યુ થયું તે તપાસનો વિષય છે."
આરોપી પક્ષનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
આ બાબતે બીબીસી ગુજરાતીએ ભરતભાઇનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
જોકે, ભરતભાઇના નાના ભાઈ પરેશભાઈ આચાર્યએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમના ભાઈની આ કેસમાં કોઈ ભૂમિકા નથી.
પરેશભાઈએ જણાવ્યું, "ભરતભાઈ 40 વર્ષથી પોતાના ખર્ચે અમરેલીમાં બે જગ્યાએ અન્નક્ષેત્ર ચલાવી ગરીબોને જમાડે છે. હૉસ્પિટલમાં સોમવારે અને શુક્રવારે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા અન્ય દિવસો કરતાં બમણી રહે છે. કથિત બનાવ બન્યો તે શુક્રવાર હતો. થાળીમાં જમવાનું પડ્યું રહ્યું તો બીજા બે-ચાર જણ ભૂખ્યા રહે. તેથી તે વ્યક્તિની થાળીમાં જમવાનું પડ્યું રહેતા ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી. તેવામાં હૉસ્પિટલના ગાર્ડ આવી જતા યુવાન અને ગાર્ડ વચ્ચે કથિત મારામારી થઈ. તેમાં ભરતભાઈ તો માત્ર મૂક પ્રેક્ષક બની રહ્યા. તેઓ 71 વર્ષના છે અને બનાવમાં તેમની કોઈ ભૂમિકા નથી. આ તો ધરમ કરતા ધાડ પડી છે."
ભરતભાઈએ ચોકીદારોને બોલાવ્યા હતા તેવા ફરિયાદમાં કરાયેલા દાવા વિષે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો પરેશભાઈએ કહ્યું, "ભરતભાઈનું ચરિત્ર કેવું છે તે આખું અમરેલી ઓળખે છે. જે ફરિયાદમાં લખાવ્યું છે તે વંચાય છે."
શાંતાબા જનરલ હૉસ્પિટલના વહીવટદાર ભરત ધડુકે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હૉસ્પિટલના પાછળના ભાગે ભરતભાઈ છેલ્લાં 30 વર્ષથી રામ-રોટી ચલાવે છે અને દર્દીઓ અને તેમના સગાને જમાડે છે. એ અન્નક્ષેત્રમાં આ બનાવ બનેલ છે અને હવે તે પોલીસ તપાસનો વિષય છે. તેમાં અમારા સિક્યૉરિટી ગાર્ડનાં નામ છે પણ પોલીસ તેની તપાસ કરશે. અમે અમારા ચોકીદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















