આ દેશની એક રેસ્ટોરાંમાં મીઠાઈને સજાવવા માટે અમેરિકા અને થાઇલૅન્ડથી આયાત કરાયેલી કીડીઓ ભભરાવાતી હતી, પછી શું થયું?

બીબીસી ગુજરાતી વ્યંજન કીડી રાણી સાઉથ કોરિયા કોલંબિયા રેસ્ટોરન્ટ અધિકારીઓ કહે છે કે, રેસ્ટોરાંએ ચાર વર્ષના ગાળામાં તેની વિવિધ વાનગીઓમાં લગભગ 49,000 જેટલી કીડીઓનો તેના પર ભભરાવવા માટે ઉપયોગ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અધિકારીઓ કહે છે કે, રેસ્ટોરાંએ ચાર વર્ષના ગાળામાં તેની વિવિધ વાનગીઓમાં લગભગ 49,000 જેટલી કીડીઓનો તેના પર ભભરાવવા માટે ઉપયોગ કર્યો હતો.
    • લેેખક, કેલી એનજી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

સ્થાનિક માધ્યમોના અહેવાલ પ્રમાણે, દક્ષિણ કોરિયાના સરકારી વકીલોએ મિષ્ટાન્નમાં ગાર્નિશિંગ માટે કીડીઓનો ઉપયોગ કરવા બદલ એક મિશેલિન-સ્ટાર રેસ્ટોરાંના માલિકને એક વર્ષની જેલની સજા ફટકારવાની માગણી કરી હતી.

આ દેશના કાયદા હેઠળ માનવ વપરાશ માટે માન્યતાપ્રાપ્ત 10 જીવજંતુઓની પ્રજાતિમાં કીડીઓનો સમાવેશ થતો નથી. માન્યતા ધરાવતી યાદીમાં તીતીઘોડા, મશરૂમ અને તમરાં સહિતનાં જંતુઓનો સમાવેશ થાય છે.

સરકારી વકીલોએ સોમવારે બે મિશેલિન સ્ટાર્સ ધરાવનારી રેસ્ટોરાંને 20 મિલિયન કોરિયન વૉન (13,510 ડૉલર, 10,100 પાઉન્ડ)નો દંડ ફટકારવાની પણ માગણી કરી હતી.

માલિકે કીડીઓ પીરસતા હોવાની વાત કબૂલી હતી, પણ સામે એવી દલીલ પણ કરી હતી કે, રેસ્ટોરાંના 15 કૉર્સના મૅનૂના "એક નાના ભાગમાં" જ સોર્બેના ટૉપિંગ તરીકે કીડીનો ઉપયોગ થતો હતો. વળી, ગ્રાહકોને કીડી વિનાના ટૉપિંગનો વિકલ્પ પણ આપવામાં આવતો હતો.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે મિનિસ્ટ્રી ઑફ ફૂડ ઍન્ડ ડ્રગ સેફ્ટીના અધિકારીઓએ આ રેસ્ટોરાંના ઑનલાઇન રિવ્યૂ જોયા, જેમાં ગ્રાહકોએ કીડીઓ ભભરાવેલી ડિશોના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

વિવિધ ડિશમાં કીડીઓનો ઉપયોગ

બીબીસી ગુજરાતી વ્યંજન કીડી રાણી સાઉથ કોરિયા કોલંબિયા રેસ્ટોરન્ટ

ઇમેજ સ્રોત, Peter Yeung

ઇમેજ કૅપ્શન, કોલંબિયામાં લોકો રાણી કીડીના શરીર પરથી પાંખો ઉતારીને તેની વાનગી બનાવે છે.

તપાસકર્તાઓના અંદાજ પ્રમાણે, છેલ્લાં ચાર વર્ષોમાં અમેરિકા તથા થાઇલૅન્ડથી આયાત કરવામાં આવેલી અંદાજે 49,000 જેટલી કીડીઓનો વિવિધ ડિશોમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય અધિકારીઓને એમ પણ જાણવા મળ્યું હતું કે, રેસ્ટોરાં જે કીડીઓનો ઉપયોગ કરતી હતી, તે કીડીઓ "સામાન્ય ખાદ્ય જંતુ કરતાં 55 ગણી વધુ ભારે ધાતુઓ ધરાવતી હતી," એમ ધ ચોસુન ડેઇલીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દક્ષિણ કોરિયાના સત્તાધિકારીઓ જંતુઓને ખોરાક તરીકે મંજૂરી આપી શકાય કે કેમ, તે નક્કી કરતી વખતે અમુક માપદંડોને ધ્યાન પર લે છે. તેમાં ખાદ્ય સુરક્ષાને લગતાં જોખમો, ઝેરી તત્ત્વો, પોષણ મૂલ્ય અને તે જંતુઓને આરોગ્યપ્રદ રીતે ઉછેરી અને પ્રોસેસ કરી શકાય છે કે નહીં - વગેરેનો સમાવેશ થાય છે.

રેસ્ટોરાંના માલિકે પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે, કુલ પૈકીના ફક્ત 60 ટકા ગ્રાહકોએ જ કીડીઓવાળી વાનગી અજમાવવી હતી, જ્યારે બાકીના ગ્રાહકોને આથેલા વિનેગર અને ખાઈ શકાય એવાં ફૂલો જેવા વિકલ્પો પીરસવામાં આવ્યા હતા.

સ્વાદિષ્ટ વ્યંજન તરીકે કીડી

બીબીસી ગુજરાતી વ્યંજન કીડી રાણી સાઉથ કોરિયા કોલંબિયા રેસ્ટોરન્ટ

ઇમેજ સ્રોત, Peter Yeung

ઇમેજ કૅપ્શન, વટાણાના આકારના તળિયાવાળી આ શેકેલી, તળેલી અથવા મીઠું ભભરાવેલી રાણી કીડીઓને કોલંબિયામાં કૅવિઅર માનવામાં આવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ઉમેર્યું હતું કે, ઑસ્ટ્રેલિયા, ડૅનમાર્ક અને બ્રિટન જેવા અન્ય દેશોની રેસ્ટોરાં પણ કીડીઓનો સામગ્રી તરીકે ઉપયોગ કરે છે.

અદાલતના દસ્તાવેજોમાં રેસ્ટરોરાં કે તેના માલિકનું નામ પ્રગટ કરવામાં આવ્યું ન હતું. દક્ષિણ કોરિયાની દસ રેસ્ટોરાં - જે તમામ દેશની રાજધાની સિઓલમાં આવેલી છે - તેમને બે મિશેલિન સ્ટાર્સ આપવામાં આવ્યા છે.

મિશેલિન ગાઇડ સામગ્રીની ગુણવત્તા, સ્વાદમાં માસ્ટરી, રસોઈની તકનીક, શૅફના વ્યક્તિત્વ તથા સાતત્યપૂર્ણતાના આધારે હોટેલોને ત્રણ સ્ટાર સુધીનું રેટિંગ આપે છે.

મિશેલિનના માપદંડ મુજબ, બે સ્ટારનો અર્થ એ કે, રેસ્ટોરાં "ઉત્કૃષ્ટ રસોઈ બનાવે છે" અને "તે મુલાકાત લેવા યોગ્ય" છે.

અદાલત આ મામલે તેનો ચુકાદો બીજી સપ્ટેમ્બરે સંભળાવશે.

ઉલ્લેખનીય છે કે, અમુક એશિયન, આફ્રિકન તથા લેટિન અમેરિકન સંસ્કૃતિઓમાં કીડીઓને ખાવામાં આવે છે અને કેટલીક વખત તેમને સ્વાદિષ્ટ વ્યંજન તરીકે પણ ગણવામાં આવે છે. થાઇ તથા કમ્બોડિયન રસોઈકળામાં વણકર કીડીઓ (વેવર ઍન્ટ્સ) અને તેમનાં ઈંડાનો ઉપયોગ થાય છે, જ્યારે કોલમ્બિયામાં રાણી કીડીઓને કેવિયર (માછલીનાં ઈંડાંની મોંઘી વાનગી) જેટલી જ મોંઘી માનવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન