અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ભારતમાં અવોકાડોની ખેતીમાં થતી વૃદ્ધિ વચ્ચે શું સંબંધ છે?

ઇમેજ સ્રોત, Cottanad Plantations
- લેેખક, પ્રીતિ ગુપ્તા
- પદ, બિઝનેસ રિપોર્ટર
- દ્વારા રિપોર્ટિંગ, મુંબઈ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
મધુ બોપૈયા યાદ કરે છે કે પંદર વર્ષ પહેલાં ભારતમાં અવોકાડોનું લગભગ કોઈ માર્કેટ નહોતું.
તેઓ જણાવે છે કે, પાકાં ફળ ઝાડ પરથી ખરી પડતાં અને કૂતરાં તે ફળ ખાઈ જતાં, જેના લીધે અવોકાડોને 'ડૉગ ફ્રૂટ' જેવું અરુચિકર નામ મળ્યું હતું.
બોપૈયા છેલ્લાં 26 વર્ષથી ભારતના વાવેતર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હાલમાં તેઓ કોટ્ટનાડ પ્લાન્ટેશન્સમાં ગ્રૂપ મૅનેજર છે, જે દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં વાયનાડની ટેકરીઓમાં કોકો, રબ્બર, કૉફી અને અવોકાડો સહિતનાં ફળો ઉગાડે છે.
તેઓ કહે છે, "અમે કદીયે અવોકાડોનું અમારા મુખ્ય પાક તરીકે વાવેતર કર્યું ન હતું. અમે કૉફીના વાવેતર માટે છાંયડો આપનારા વૃક્ષ તરીકે તે વાવવાનું શરૂ કર્યું હતું, પણ પછીથી અમને સમજાયું કે, આ એક નફાકારક વ્યવસાય બની શકે છે."
તેમના જણાવ્યા પ્રમાણે, આ સ્થિતિમાં વળાંક 2011ની આસપાસ આવ્યો, જ્યારે બોલીવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, તેઓ તેમની ત્વચાની સંભાળ માટે અવોકાડોનો ઉપયોગ કરે છે.
"એ પછી રાતોરાત ભાવ બેવડાઈ ગયા અને ત્યારથી તે સતત વધી રહ્યા છે," એમ તેઓ કહે છે.
કોટ્ટનાડ કંપનીએ 40 એકર જમીન પર અવોકાડોનાં ઝાડ વાવી તે માગનો પ્રતિસાદ આપ્યો છે. ગયા વર્ષે તેમણે 10થી 15 ટન ફળોની ઊપજ મેળવી હતી. ત્રણથી ચાર વર્ષમાં તેઓ ઊપજ વધારીને 40થી 50 ટન જેટલી કરવાની અપેક્ષા સેવે છે.
આ પ્રક્રિયામાં ઘણું શીખવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતો પાસેથી શીખ્યા પછી અવોકાડોનું વાવેતર કરવાની અમારી રીત સંપૂર્ણપણે બદલી નાખી. આજે અમે ઊંચા ક્યારા, વધુ અંતર અને વાવેતરની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે અવોકાડોનાં મૂળ બીમારીઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે," એમ બોપૈયા જણાવે છે.
ભારતીય ખેડૂતો માટે ઉત્પાદન વધારવાની અઢળક તકો રહેલી છે.
ભારતના અવોકાડો ઉદ્યોગને વેગ આપવા માટે મદદ પૂરી પાડી રહેલા મણિલાલ મલ્લિયથ જણાવે છે, "જ્યારે અમે બજારનો અભ્યાસ કર્યો, ત્યારે અમને માગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. ભારત દર વર્ષે આશરે 15,000 ટન અવોકાડોની આયાત કરે છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન માત્ર 8,000-9,000 ટન જેટલું છે."
ખાસ કરીને પરંપરાગત પાકોને નુકસાન થઈ રહ્યું છે, તેવા સમયે તેઓ ખેડૂતો માટે મોટી તક જોઈ રહ્યા છે.
"આબોહવાની બદલાતી સ્થિતિને લીધે કૉફી અને મરીના પાકને નુકસાન થયું છે. આથી, ખેડૂતો માટે વૈવિધ્યીકરણ જરૂરી બન્યું છે."

ઇમેજ સ્રોત, Hunger Inc. Hospitality
ભારતમાં માગ વધી રહી છે, પણ તે માગ કાયમ સ્થાનિક ધોરણે ઉગાડવામાં આવતાં ફળો માટેની નથી હોતી.
"ભારતમાં ઊગેલાં અવોકાડોની ગુણવત્તા સુધરી રહી છે અને કેટલાક ખેડૂતો સ્થાનિક વેરાયટી પર કામ કરી રહ્યા છે, પરંતુ ફળની ગુણવત્તા અને પ્રાપ્યતાનો આધાર મોટા પાયે સિઝન અને પ્રદેશ પર રહે છે," એમ હંગર ઇન્ક હૉસ્પિટાલિટીના એક્ઝિક્યુટિવ શૅફ હુસૈન શહઝાદ જણાવે છે.
આ ગ્રૂપ મુંબઈમાં વેરોનિકાઝ અને ધ બૉમ્બે કૅન્ટીન સહિત ચાર રેસ્ટોરાં ધરાવે છે.
તેઓ આગળ કહે છે, "અમે ભારતમાં ઉપલબ્ધ અવોકાડોની જુદી-જુદી વૅરાયટી ચકાસી છે, પણ હાલમાં આયાતી અવોકાડો સ્વાદ, કદ, બનાવટ અને પાકવાની બાબતમાં અમને જોઈતી સુસંગતતા પૂરી પાડે છે."
પરંતુ, કેટરિંગ ઉદ્યોગના અન્ય ઘણા લોકોની માફક, તેઓ પણ સ્થાનિક સ્તર પર સામગ્રી મેળવવાનું પસંદ કરશે.
"અમે હંમેશાં બહેતર સ્થાનિક ઉત્પાદનો વિકસે, તેમ-તેમ તેમને શોધવામાં રસ ધરાવીએ છીએ. ભારતીય કૃષિ ક્ષેત્રને સહાય કરવી અને સ્થાનિક સામગ્રી સાથે કામ કરવું એ આહાર પ્રત્યેના અમારા અભિગમનું મુખ્ય કેન્દ્ર છે."

ઇમેજ સ્રોત, Ajay Rajput
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આયાતી ફળની ગુણવત્તા તથા સુસંગતતા (સ્થિરતા)ને અનુરૂપ થવું એ કેટલાક ભારતીય ઉદ્યોગસાહસિકોનું લક્ષ્ય છે.
હર્ષિત ગોધા મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલી ઇન્ડો-ઇઝરાયલ અવોકાડો નર્સરીના સ્થાપક છે.
ઇઝરાયલમાં આ ઉદ્યોગ વિશે એક મહિના સુધી શિક્ષણ લીધા બાદ તેમણે 2021માં આ નર્સરી બિઝનેસની સ્થાપના કરી હતી.
ત્યારથી લઈને આ વ્યવસાય સુપેરે આગળ ધપી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગોધાએ દેશભરના ખેડૂતોને અવોકાડોના આશરે 18,000 છોડ પૂરા પાડ્યા છે.
એ તમામ રોપા 'હાસ' અને 'પિન્કર્ટન' જેવી આંતરરાષ્ટ્રીય વૅરાયટી (જાતો)નાં છે.
ગોધા કહે છે, "વર્ષના આઠ મહિના સુધી લગભગ નહિવત્ વરસાદ ધરાવતો ટચુકડો દેશ ઇઝરાયલ અંદાજે 13,000 હેક્ટર જમીન પર અવોકાડો ઉગાડે છે. આ કારણસર જ ઇઝરાયલની અવોકાડો ટૅક્નૉલૉજી વિશ્વમાં સૌથી અદ્યતન છે."
વ્યાપારી બગીચો બનાવવો અને ચલાવવો એ સરળ કામ નથી. ભારતમાં અન્ય પાકો સાથે છાંયડા માટે અવોકાડો ઉગાડવાની પરંપરાગત પદ્ધતિ કરતાં આ ઘણું અલગ કામ છે.
પ્રથમ તો, બીજમાંથી વૃક્ષ ઉગાડી શકાતું નથી. વ્યાપારી વૃક્ષમાં એક રૂટસ્ટોક (સ્થાનિક સ્થિતિને સહન કરવાની ક્ષમતા માટે પસંદ કરાયેલો મૂળનો ભાગ) હોય છે, જેને ઉપલા ભાગ પર કલમ કરવામાં આવે છે, જેના પરથી ફળ કેવું થશે, તે નક્કી થાય છે.
એક વખત આ પ્રક્રિયા થયા પછી વૃક્ષની ઘણી માવજત કરવી પડે છે.
"જ્યારે તમે એક વ્યાવસાયિક બગીચો વાવો છો, ત્યારે તમારે તેના પ્રૂનિંગ (કાપણી-છાંટણી)ની પદ્ધતિ જાણવી પડે છે. એક વૃક્ષ છથી સાત વર્ષમાં 25 ફૂટ જેટલું વધી શકે છે અને 25 ફૂટની ઊંચાઈ પરથી ફળ તોડવું લગભગ અશક્ય છે," એમ ગોધા કહે છે.
મજૂરો સાનુકૂળ ઊંચાઈ પરથી લણણી કરી શકે, તે માટે "સક્રિય" ધોરણે ડાળીઓની છાંટણી (પ્રૂનિંગ) કરવી જરૂરી છે.
વળી, અવોકાડોનું વૃક્ષ પોતાની મેળે સરળતાથી પરાગનયન (પૉલિનેટ) કરી શકતું નથી. ફળ મેળવવા માટે અવોકાડો ઝાડની બે જુદી-જુદી વૅરાયટી નજીક-નજીકમાં વાવવાની રહે છે. એક વૅરાયટી (જાત) માદા તરીકે જે સમયે ખૂલે, એ જ સમયે બીજી જાત નર વૃક્ષ તરીકે પરાગરજ છોડે, એ જરૂરી છે."
"જો ખેડૂતના વાવેતરના આ પ્રમાણમાં ભૂલ થાય, તો ગમે તેટલી અદ્યતન સિંચાઈ પદ્ધતિની હાજરીમાં પણ વૃક્ષો ફળો આપશે નહીં. વનસ્પતિશાસ્ત્રની આ એક નાની અમથી વિગત અત્યંત નફાકારક, ઊંચી ઊપજ આપતા બગીચાને કાગળ પર ઉત્તમ દેખાતા પણ વાસ્તવિકતામાં નિષ્ફળ જતા બગીચાથી અલગ પાડે છે," એમ ગોધા ઉમેરે છે.

ઇમેજ સ્રોત, IIHR, Bengaluru
લોકપ્રિય વિદેશી જાતનો ઉપયોગ કરવો એ ભારતના અવોકાડો ઉદ્યોગને આધુનિક સ્વરૂપ આપવાનો એક માર્ગ છે. બીજો ઉપાય પેઢીઓથી ભારતમાં અસ્તિત્વ ધરાવતાં વૃક્ષોને સુધારવાનો છે.
આઇસીએઆર-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ (આઇઆઇએચઆર), બૅંગલુરુ ખાતે પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડૉક્ટર ગણેશન કરુણાકરન કહે છે, "ભારતમાં અવોકાડોનાં વૃક્ષોની સૌથી મોટી સમસ્યા એ છે કે, પાછળના વાડામાં ઊગેલું દરેક વૃક્ષ જિનેટિકલી (આનુવંશિક રીતે) ભિન્ન હોય છે."
"આથી જ ભારતીય બજારો વિવિધ ગુણવત્તા ધરાવતાં મિશ્રિત ફળોથી ઊભરાઈ રહ્યાં છે. જો આપણે વિશ્વાસપાત્ર વ્યાવસાયિક બજાર ઇચ્છતા હોઈએ, તો સ્ટાન્ડર્ડ વૅરાયટી હોવી આવશ્યક છે."
છેલ્લાં 25 વર્ષથી તેઓ એક બ્રીડિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જેણે સ્થાનિક વૃક્ષો પર આધારિત બે વૅરાયટી (જાત) રજૂ કરી છે.
કરુણાકરન કહે છે, "અમારો હેતુ ખેડૂતોને હજારો વિવિધ અનામી વૃક્ષો આપવાને બદલે એકસમાન, ઊંચી ઊપજ આપતી, ગુણવત્તાયુક્ત રોપણીની સામગ્રી પૂરી પાડવાનો છે."
આ ઉપરાંત તેઓ ઓળખ વિનાના કે બીમાર છોડ વેચનારી અનિયંત્રિત નર્સરીઓ વિશે પણ ચિંતિત છે.
તેમના મતે, "ખેડૂતો અજાણતા બીમાર છોડ ખરીદી લે, એ સંભવ છે. શરૂઆતમાં વૃક્ષો તંદુરસ્ત જણાતાં હોય, પણ પાંચ કે સાત વર્ષ પછી તે અચાનક મરી શકે છે, જેના લીધે મોટો નાણાકીય ફટકો પડે છે."
વિવિધ પડકારો છતાં ખેડૂતો અવોકાડોની ખેતી તરફ વળવામાં સંભવિતતા જોઈ રહ્યા છે.
શિજુ સેબેસ્ટિયન તેને અપનાવનારા પ્રારંભિક ખેડૂતોમાંના એક હતા. આઠ વર્ષ પહેલાં તેમણે કેરળના વાયનાડમાં આવેલા તેમના ખેતરની બે એકર જમીન આ પાક માટે ફાળવી હતી.
તેઓ કહે છે, "ખેડૂતો અવોકાડો ઉગાડવા માગે છે, પણ તેમને યોગ્ય માર્ગદર્શન અને ખાતરીપૂર્ણ બજારો મળે, એ જરૂરી છે."
આ વર્ષે તેઓ 3,500 કિલોગ્રામ ફળોની લણણી કરી રહ્યા છે, જેનું વેચાણ બૅંગલુરુ શહેરમાં થાય છે.
"અવોકાડો તમને કદીયે નિરાશ નહીં કરે. તે સુંદર અને ગમી જાય એવું ફળ છે. હું આ ફળના પ્રેમમાં પડી ગયો છું. હું બીજી ત્રણ એકર જમીનમાં માત્ર અવોકાડોનું વાવેતર કરવાની યોજના કરી રહ્યો છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























