દ્વારકાના 21 ટાપુ પર લોકો નહીં જઈ શકે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસ આવેલા 21 ટાપુ પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ તમામ ટાપુઓ નિર્જન છે એટલે કે ત્યાં માનવ વસાહતો નથી.
જોકે, કેટલાક ટાપુઓ પર ધાર્મિકસ્થાનો આવેલાં છે. હવે સ્થાનિક તંત્રએ આ ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશવાની મનાઈ કરી દીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ સરહદે આવેલો છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ધરાવે છે.
આ જિલ્લાની આસપાસ 24 ટાપુઓ છે, જેમાંથી માત્ર 2 જ ટાપુઓ પર માનવ વસવાટ છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાથી શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. પરંતુ તંત્રના કહેવા પ્રમાણે સુરક્ષા એજન્સીઓને આ સ્થળોનો ઉપયોગ દૂરપયોગ થવાની આશંકા છે.
જેથી જન સલામતી અને જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે આ ટાપુઓ પર જવા માટે પ્રાંત અધિકારી અથવા સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ પ્રતિબંધ 23 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



