પીએમ મોદી બોલ્યા : 'બ્રિક્સ સમૂહ કોઈની વિરુદ્ધ નથી' – ન્યૂઝ અપડેટ

પીએમ મોદીએ ઍક્સ પર ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથેની આ તસવીર પોસ્ટ કરી છે

ઇમેજ સ્રોત, X/Narendramodi

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ ઍક્સ પર ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથેની આ તસવીર પોસ્ટ કરી છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બ્રિક્સે વૈશ્વિક મંચ પર પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે અને આ સમૂહ કોઈની વિરુદ્ધ નથી.

નવી દિલ્હીના ભારત મંડપમમાં રવિવારે બપોરે યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતાં પીએમ મોદીએ આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું, "છેલ્લાં 20 વર્ષમાં બ્રિક્સે વૈશ્વિક મંચ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અમે એકબીજાના દૃષ્ટિકોણનું સન્માન કરીએ છીએ અને સર્વસંમતિથી આગળ વધીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી એકતા અને સહમતિને વૈશ્વિક મંચ પર નક્કર પરિણામોમાં બદલીએ."

આ ઉપરાંત તેમણે વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારા માટે 10 મુદ્દાનો રોડમેપ પણ રજૂ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે વિવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ગ્લોબલ સાઉથને માત્ર નિયમોનું પાલન કરનાર જ નહીં, પરંતુ નિયમો બનાવનાર પણ બનવું પડશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સુધારાની હવે વધુ રાહ ન જોઈ શકીએ.

મોદીએ કહ્યું, "આજે ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંકટોની પ્રથમ હરોળમાં ઊભું છે, પરંતુ નિર્ણય પ્રક્રિયામાં તેનું સ્થાન પાછળ છે. આપણે આ 'વિશેષાધિકાર ધરાવતા પિરામિડ'ને 'ભાગીદારીના મંચ'માં બદલવું પડશે, જ્યાં દરેક દેશનો અવાજ હોય, દરેક સભ્યની ભાગીદારી હોય અને માનવ વિકાસ દરેક પ્રયાસના કેન્દ્રમાં હોય."

મોદીએ આ વાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહીમ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની હાજરીમાં કહી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહોંચ્યા દિલ્હી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહોંચ્યા દિલ્હી, બ્રિક્સ શિખર સંમેલનમાં લેશે ભાગ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI Video Grab

ઇમેજ કૅપ્શન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલન 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચી ગયા છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલન 2026માં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. જિનપિંગનું વિમાન દિલ્હીના પાલમ ઍરબેઝ પર ઉતર્યું.

શી જિનપિંગ આ પહેલાં 2019માં ભારત આવ્યા હતા. તે દરમિયાન ચેન્નાઈ નજીક મામલ્લાપુરમમાં બંને દેશોના નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર વાટાઘાટો યોજાઈ હતી.

આ દરમિયાન, ભારતમાં ચીનના રાજદૂત શુ ફેહૉંગે શુક્રવારે મોડી રાત્રે ઍક્સ પર લખ્યું હતું કે ચીન અને ભારત રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તૈયારીઓમાં વ્યસ્ત છે.

જિનપિંગના પહોંચતા થોડા સમય પહેલાં જ 'ચાઇના સધર્ન ઍરલાઇન્સ'એ છ વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચેની સીધી ઉડાન સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર, ઍરલાઇને શનિવારે જણાવ્યું કે 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ અને નવી દિલ્હી વચ્ચેની ઉડાનો ફરી શરૂ થશે.

ઉત્તરાખંડ : પૂર્વ સીએમ હરીશ રાવતે કૉંગ્રેસનાં તમામ પદો પરથી આપ્યું રાજીનામું

તાજેતરમાં પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ હરીશ રાવતના સહયોગી ચંદનસિંહ જીનાનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Keshav Singh/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ હરીશ રાવતના સહયોગી ચંદનસિંહ જીનાનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પાર્ટીનાં તમામ મહત્ત્વનાં પદો પરથી રાજીનામું આપી દીધું છે.

રાવતે ઉત્તરાખંડ પ્રદેશ કૉંગ્રેસ કમિટીની કાર્યકારિણીના સભ્ય અને કૉંગ્રેસ કાર્યસમિતિના સ્થાયી આમંત્રિત સભ્યપદેથી હઠવાનો નિર્ણય કર્યો છે.

હરીશ રાવતે શુક્રવાર-શનિવારની મધરાત્રિએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક લાંબી પોસ્ટ દ્વારા પોતાના નિર્ણયની માહિતી આપી હતી.

વાસ્તવમાં, તાજેતરમાં પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ તેમના સહયોગી ચંદનસિંહ જીનાનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા.

હરીશ રાવતે જણાવ્યું કે ટીવી પર એવા સમાચાર ચાલી રહ્યા છે કે તેમના સહયોગીના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. રાવતે કહ્યું કે આ મામલાની સત્યતા ટૂંક સમયમાં સામે આવી જશે.

હરીશ રાવતે ઍક્સ પર લખ્યું, "કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસના કાર્યકરો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગઠિત થઈને લડી રહ્યા છે. રાહુલ ગાંધીજી રાષ્ટ્રીય સ્તરે 'વિદ્યાર્થીઓની ગૂંજ' કાર્યક્રમ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આવા સમયે હરીશ રાવતનાં કોઈપણ કૃત્યથી જો પાર્ટીના સંઘર્ષમાં કોઈ કમજોરી આવે, તો હું એવું બિલકુલ ઇચ્છીશ નહીં."

રાવતે લખ્યું, "મેં હમણાં મારા ઇષ્ટ દેવતાનું સ્મરણ કરીને એક મોટો નિર્ણય લીધો છે કે હું કોઈ સરકારી પદ પર તો નથી કે જેમાંથી રાજીનામું આપું! હું ઉત્તરાખંડ પ્રદેશ કૉંગ્રેસ કમિટીની કાર્યકારિણીનો સભ્ય છું અને રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસ કાર્યસમિતિનો સ્થાયી આમંત્રિત સભ્ય છું અને હું ખૂબ વિનમ્રતાપૂર્વક આ બંને પદોથી હઠવા માંગું છું, કારણ કે પાર્ટીના સંઘર્ષમાં મારા કારણે કોઈ કમજોરી આવવી જોઈએ નહીં."

ઉલ્લેખનીય છે કે હરીશ રાવતનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

સાઉદી અરેબિયા પર થયેલા હુમલાઓને લઈને મુસ્લિમ વર્લ્ડ લીગે શું કહ્યું?

સાઉદી અરેબિયા પર થયેલા હુમલાઓને લઈને મુસ્લિમ વર્લ્ડ લીગે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Handout/Houthi Media Center via Getty Images

ઇમેજ કૅપ્શન, મુસ્લિમ વર્લ્ડ લીગે જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓ તમામ ધાર્મિક મૂલ્યોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. (પ્રતીકાત્મક તસવીર)

મુસ્લિમ વર્લ્ડ લીગે સાઉદી અરેબિયાના રિયાધ અને મદીના વિસ્તારોમાં આવેલી ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન પર થયેલા ડ્રૉન હુમલાઓની નિંદા કરી છે.

સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ)ના અનુસાર, મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ શેખ ડૉ. મોહમ્મદ અલ-ઈસાએ આ હુમલાઓને 'વિશ્વાસઘાતી અને ગુનાહિત કાર્યવાહી' ગણાવી છે.

તેમણે જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓ તમામ ધાર્મિક મૂલ્યોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.

અલ-ઈસાએ મુસ્લિમ વર્લ્ડ લીગ અને તેનાં તમામ એકમોની તરફથી સાઉદી અરેબિયા પ્રત્યે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.

તેમણે કહ્યું, "સાઉદી અરેબિયા પોતાની સુરક્ષા અને સંપ્રભુતાની રક્ષા માટે જે પણ પગલાં લેશે, મુસ્લિમ વર્લ્ડ લીગ તેનું સમર્થન કરશે. સાઉદી અરેબિયાને હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અને પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સંપૂર્ણ અધિકાર છે."

જૉર્ડને પણ સાઉદી અરેબિયા પર થયેલા હુમલાની નિંદા કરી છે. ત્યાંના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ હુમલો 'આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન' છે.

નોંધનીય છે કે સાઉદી અરેબિયા પર ઇરાકી વિસ્તાર તરફથી ડ્રૉન હુમલાઓ થયા હતા. ઇરાક આ મામલાની તપાસ કરી રહ્યું છે અને સાઉદીએ તેના પ્રયાસોને સમર્થન આપ્યું છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હી માટે રવાના, બ્રિક્સ શિખર સંમેલનમાં લેશે ભાગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત માટે રવાના થઈ ગયા છે (ફાઇલ ફોટો).

ઇમેજ સ્રોત, Mohamed Abd El Ghany / POOL / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત માટે રવાના થઈ ગયા છે (ફાઇલ ફોટો).

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શનિવારે 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બેઇજિંગથી ભારત માટે રવાના થઈ ગયા. ચીની મીડિયા આઉટલેટ 'ગ્લોબલ ટાઇમ્સે' આ માહિતી આપી છે.

અહેવાલ મુજબ, શી જિનપિંગ સાથે ભારત આવી રહેલા પ્રતિનિધિમંડળમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી પણ સામેલ છે.

આ દરમિયાન, ભારતમાં ચીનના રાજદૂત શુ ફેહૉંગે શુક્રવારે મોડી રાત્રે ઍક્સ પર લખ્યું કે ચીન અને ભારત રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તૈયારીઓમાં વ્યસ્ત છે.

ચીની રાજદૂતે કહ્યું કે ચીન ભારત સાથે સંવાદ વધારવા, સહકારને મજબૂત કરવા અને મતભેદોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા પર ભાર મૂકશે.

શુ ફેહૉંગે કહ્યું કે ચીન અને ભારતે સારા પડોશી અને એવા ભાગીદાર તરીકે આગળ વધવું જોઈએ, જે એકબીજાની સફળતામાં સહયોગ આપે.

નોંધનીય છે કે શી જિનપિંગ આ પહેલાં 2019માં ભારત આવ્યા હતા. તે દરમિયાન ચેન્નાઈ નજીક મામલ્લાપુરમમાં બંને દેશોના નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર વાટાઘાટો થઈ હતી.

મહિલા એશિયા કપ : શ્રીલંકાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે થશે મુકાબલો

મહિલા એશિયા કપ 2026ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાનો સામનો ભારતીય ટીમ સાથે થશે.

ઇમેજ સ્રોત, Sameera Peiris/Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા એશિયા કપ 2026ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાનો સામનો ભારતીય ટીમ સાથે થશે.

શ્રીલંકાએ સતત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

દુબઈમાં શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું. હવે ફાઇનલમાં શ્રીલંકાનો મુકાબલો ભારતીય મહિલા ટીમ સાથે થશે.

પાકિસ્તાને પહેલા બૅટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 130 રન બનાવ્યા. કપ્તાન ફાતિમા સનાએ 36 બૉલમાં 47 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી. શવાલ જુલ્ફિકારે 24 અને ગુલ ફિરોઝાએ 21 રન બનાવ્યા.

શ્રીલંકા તરફથી કપ્તાન ચમારી અથાપટ્ટુ અને ચામુદી પ્રબોદાએ 2-2 વિકેટ લીધી, જ્યારે નીલાક્ષિકા અને સુગંધિકાને 1-1 સફળતા મળી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી. ફાતિમા સનાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને શ્રીલંકા પર દબાણ ઊભું કરી દીધું.

ટીમે 40 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી. કવિશાએ 33 અને હર્ષિતાએ 36 રન બનાવ્યા. નીલાક્ષિકાએ 18 અને ઇમેશા દુલાનીએ 24 રનનું યોગદાન આપ્યું.

શ્રીલંકાએ 18.4 ઓવરમાં 6 વિકેટે 134 રન બનાવી મુકાબલો પોતાના નામે કર્યો. પાકિસ્તાન માટે ફાતિમા સનાએ 4 વિકેટ લીધી.

ભારત પહેલેથી જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. તેણે પહેલી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ 13 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

સાઉદી અરેબિયાએ હુમલા બાદ ઇસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇન બંધ કરી, ઇરાકી ક્ષેત્રમાંથી થયો હુમલો

સાઉદી અરેબિયાએ હુમલા બાદ ઇસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇન બંધ કરી, ઇરાકી ક્ષેત્રમાંથી થયો હુમલો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Handout/Houthi Media Center via Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે અને પાઇપલાઇનને પણ નુકસાન પહોંચ્યું છે (પ્રતીકાત્મક તસવીર).

સાઉદી અરેબિયાએ શુક્રવારે જાહેરાત કરી કે તેણે સાવચેતીના ભાગરૂપે ઇસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ જ પાઇપલાઇન પર ગુરુવારે અનેક ડ્રૉન હુમલાઓ થયા હતા.

સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને પાઇપલાઇનને પણ નુકસાન થયું છે.

સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ)એ ઊર્જા મંત્રાલયના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે 10 સપ્ટેમ્બરની સવારે ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન પર અનેક હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોઈ મોટા નુકસાનને રોકવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇપલાઇનને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવી હતી.

સાઉદી વિદેશ મંત્રાલયના અનુસાર, હુમલામાં માનવીય નુકસાન તો થયું જ છે, પરંતુ તેની સાથે થયેલા અન્ય નુકસાનની મરામત અને પુનઃસ્થાપનનું કામ પણ ચાલી રહ્યું છે.

મંત્રાલયે હુમલાની કડક નિંદા કરતાં જણાવ્યું કે પાઇપલાઇનને નિશાન બનાવનારા અનેક ડ્રૉનોનું પ્રક્ષેપણ ઇરાકી ક્ષેત્રમાંથી કરવામાં આવ્યું હતું.

જોકે, સાઉદી અરેબિયાનું કહેવું છે કે તે હાલ કોઈ જવાબી કાર્યવાહી કરશે નહીં.

સાઉદી વિદેશ મંત્રાલયે જણાવ્યું, "ઇરાકના વડા પ્રધાને સાઉદી અરેબિયાને અપીલ કરી છે કે ઇરાકી સરકારને પોતાના દેશમાંથી થતા આવા હુમલાઓને રોકવા માટે જરૂરી પગલાં ભરવાનો સમય આપવામાં આવે."

આ જ વિનંતીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ હાલ જવાબી કાર્યવાહી ન કરવાનો અને ઇરાકી સરકારના પ્રયાસોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે, સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સંપ્રભુતા અને સુરક્ષાની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવાનો અધિકાર પોતાની પાસે રાખે છે.

નોંધનીય છે કે ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન સાઉદી અરેબિયાની એક મહત્ત્વપૂર્ણ ઑઇલ પાઇપલાઇન છે. તે દેશના પૂર્વીય ભાગમાં આવેલાં તેલ ક્ષેત્રોને પશ્ચિમ કાંઠા સાથે જોડે છે. પાઇપલાઇન પર આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સાઉદી અરેબિયા અને યમનના હૂતી બળવાખોરો વચ્ચે તણાવ વધ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન