શું લૉર્ડ્ઝમાં રમાનારી મૅચ રોહિત શર્માની કારકિર્દીની આખરી મૅચ બની રહેશે?

શું લૉર્ડ્ઝમાં રમાનારી મૅચ રોહિત શર્માની કારકિર્દીની આખરી મૅચ બની રહેશે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર અપડેટ સ્પૉર્ટ્સ ક્રિકેટ શુભમન ગિલ ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

14મી જુલાઈના રોજ ઍજબેસ્ટન ખાતે ઇંગ્લૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં રોહિત શર્મા 21 બૉલમાં 11 રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. આ 21 બૉલમાંથી પણ 15 ડૉટ બૉલ હતા.

એ પછી ગુરુવારે કાર્ડિફમાં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની જ બીજી વન-ડેમાં રોહિત શર્માએ 47 બૉલમાં 26 રન કર્યા હતા. તે 47માંથી 31 બૉલ ડૉટ્સ હતા.

આઉટ થયા પછી રોહિત શર્મા ધીમી ગતિએ પેવિલિયન તરફ પાછા વળ્યા હતા. આ બે ઇનિંગ પછી ભારતીય માધ્યમોમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, રવિવારે લૉર્ડ્ઝમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચ કદાચ રોહિત શર્માની કારકિર્દીની આખરી મૅચ હોઈ શકે છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં લખ્યું છે કે, બીસીસીઆઇની વરિષ્ઠ પસંદગી સમિતિએ શર્માને તેના આયોજનની જાણ કરી દીધી છે.

અખબારે લખ્યું હતું, "સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોચ ગૌતમ ગંભીર સાથે પસંદગી સમિતિએ ગયા અઠવાડિયે રોહિત શર્મા સાથે આ અંગે ચર્ચા કરી હતી. પસંદગીકારો યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને તક આપવા ઇચ્છે છે, જેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ સમિતિએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, 2027ના વર્લ્ડકપની તૈયારીમાં તેઓ રોહિત શર્મા માટે કોઈ ભૂમિકા જોઈ રહ્યા નથી."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું, "અમને મળેલી માહિતી પ્રમાણે, પસંદગી સમિતિએ નક્કી કર્યું છે કે, હાલની ઇંગ્લૅન્ડ શ્રેણી પછી રોહિત શર્મા વન-ડે ટીમમાં ઓપનિંગ બૅટ્સમૅન માટેની પહેલી પસંદગી નહીં રહે. વર્તમાન પરિસ્થિતિને જોતાં રવિવારે લૉર્ડ્ઝ ખાતે રમાનારી ત્રીજી વન-ડે 39 વર્ષના ખેલાડીની ભારત માટેની છેલ્લી મૅચ હોઈ શકે છે."

ક્રિકેટનાં બે ફૉર્મેટ્સમાંથી અગાઉથી જ નિવૃત્તિ


રોહિત શર્મા ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે

રોહિત શર્મા ટી20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી અગાઉથી જ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. 29મી જૂન, 2024ના રોજ ટી20 વર્લ્ડકપમાં ભારતની જીતના ગણતરીના કલાકો બાદ જ તેમણે ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

તે પછી સાતમી મે, 2025ના રોજ ઇંગ્લૅન્ડની ટૂર પહેલાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાની જાહેરાત કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા વર્ષે, પસંદગી સમિતિએ રોહિત શર્માને વન-ડેની કૅપ્ટન્સીમાંથી હટાવી દીધા હતા અને તેમના સ્થાને શુભમન ગિલને કપ્તાન બનાવ્યા હતા. વન-ડેના કૅપ્ટન તરીકે રોહિત શર્માએ 2023ના વર્લ્ડકપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે પછીના વર્ષે ભારત તેમની કપ્તાની હેઠળ 2024નો ટી20 વર્લ્ડકપ પણ જીત્યું હતું.

રોહિત શર્મા વિશેના આ અહેવાલોની વચ્ચે, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક સિંઘવીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, "કેટલાક ખેલાડીઓને તેમણે કરેલા સ્કોર બદલ યાદ કરવામાં આવે છે, પણ બહુ ઓછા, ગણ્યા-ગાંઠ્યા એવા વિરલ ખેલાડીઓ હોય છે, જેમને સમગ્ર દેશે તેમના ઉપર મૂકેલા ભરોસા માટે યાદ કરવામાં આવે છે. રોહિત શર્મા તે ચુનીંદા ખેલાડીઓમાંના એક છે. મહાન ખેલાડીઓ ક્રિકેટમાંથી નિવૃત્ત થાય છે, લોકોની સ્મૃતિમાંથી નહીં."

તો, સ્પૉર્ટ્સ પત્રકાર વિક્રમ ગુપ્તાએ ઍક્સ પર લખ્યું હતું, "વન-ડે અને ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલી માટે રોહિત શર્મા એ જ હતા, જે ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકર માટે રાહુલ દ્રવિડ હતા. તેઓ મર્યાદિત ઓવરોના ક્રિકેટના સર્વકાલીન શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે."

જોકે, આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માએ પણ આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી. એવું કહેવાઈ રહ્યું છે કે, હવે આખરી નિર્ણય ખુદ રોહિત શર્માના હાથમાં છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ સ્રોતે સમાચાર સંસ્થા પીટીઆઇને જણાવ્યું કે, બોર્ડમાંથી કોઈપણ રોહિત શર્માને નિવૃત્તિ લેવાનું દબાણ કરવા નથી માગતું. પરંતુ, પસંદગીકારો 2027ના વન-ડે વર્લ્ડકપ માટેની તૈયારીઓ તથા આગામી વર્ષની મૅચોનાં આયોજનોને ધ્યાનમાં રાખીને યશસ્વી જયસ્વાલને સતત તકો આપવા માગે છે.

રોહિતના પર્ફોર્મન્સને લઈને થતા સવાલો

રોહિત શર્મા રવિવારે લોર્ડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ત્રીજી વનડે મૅચ રમશે બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર સ્પૉર્ટ્સ ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ શુભમન ગિલ શ્રેયસ અય્યર લૉર્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા રવિવારે લૉર્ડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ત્રીજી વન-ડે મૅચ રમશે

તાજેતરના મહિનાઓમાં રોહિત શર્માના પર્ફોર્મન્સે પણ તેમના ભવિષ્ય વિશે થઈ રહેલા સવાલોને વેગ આપ્યો છે.

રોહિત શર્માએ તેમની છેલ્લી આઠ વન-ડે ઇનિંગમાં માત્ર 241 રન જ કર્યા છે. આ ગાળા દરમિયાન તેમની એવરેજ માત્ર 30 કરતાં થોડી વધારે રહી છે અને તેમનો સ્ટ્રાઇક રેટ 90 કરતાં નીચે રહ્યો છે. આ ગાળા દરમિયાન તેમણે એક જ અડધી સદી ફટકારી છે, જેના લીધે ટીમમાં તેમના સ્થાનને લઈને ઊઠી રહેલા સવાલો વધુ ઘેરા બન્યા છે.

ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડે મૅચે તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. રોહિતે 47 બૉલમાં 26 રન ફટકાર્યા હતા. તેઓ સહજ નહોતા જણાતા અને આખરે વિલ જૅક્સે તેમની વિકેટ ઝડપી લીધી. નવા બૉલ સામે તેમની ધીમી બેટિંગ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરના પરફોર્મન્સથી સાવ અલગ હતી, જેઓ ભારતના પરાજય છતાં ઘણા લયમાં જણાતા હતા.

અંગ્રેજી દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડે તેના અહેવાલમાં લખ્યું છે કે, રોહિત શર્મા વિના આગળ વધવાની તરફેણમાં સૌથી મજબૂત દલીલ યશસ્વી જયસ્વાલનો ઝડપી ઉદય ગણાઈ રહી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડે આગળ લખ્યું હતું, "આ યુવાન ડાબોડી બૅટ્સમૅનને જ્યારે પણ તેમને તક મળી, ત્યારે પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં જ તેમણે ત્રણ ઇનિંગમાં બે સેન્ચ્યુરી ફટકારી હતી, જેના કારણે પસંદગીકારોની એ માન્યતા વધુ મજબૂત બની હતી કે, તેમને છૂટીછવાઈ નહીં, બલ્કે અવિરત તકો મળવી જોઈએ. ભારતીય ટીમ મૅનેજમેન્ટનું માનવું છે કે, જો ટીમમાં જયસ્વાલના નિયમિત સમાવેશને હજુ વધુ સમય સુધી પાછો ઠેલવામાં આવશે, તો તેઓ 2027ના વર્લ્ડકપ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ શકશે નહીં."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, "ચૅમ્પિયન્સ ટ્રૉફી બાદ રોહિત શર્માની બેટિંગની શૈલી સાવ બદલાઈ ગઈ છે. હવે તેઓ વધુ સતર્કતા અને વધુ સંયમ સાથે બેટિંગ કરી રહ્યા છે. ટીમ મૅનેજમેન્ટને લાગે છે કે, તેમને કોઈપણ શ્રેણીમાં તેમની લય પાછી મેળવવા માટે ઓછામાં ઓછી ત્રણ મૅચની જરૂર પડે છે."

"આ પડકાર રોહિત માટે અગાઉથી જ નિશ્ચિત હતો, કારણ કે, તેઓ બીજાં બંને ફૉર્મેટ્સમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ ઘરેલુ ક્રિકેટ પણ ખૂબ ઓછું રમે છે. ગઈ સિઝનમાં વિજય હઝારે ટ્રૉફીમાં તેઓ ફક્ત બે જ મૅચો રમ્યા હતા, જેમાંની એક મૅચ સિક્કિમ સામે હતી. તેમને તેમનું ફૉર્મ પાછું મેળવવા માટે વધારે સમયની જરૂર પડે છે. પસંદગીકારોએ પોતાનો અભિપ્રાય તેમને જણાવ્યો છે. હવે, આગળ શું કરવું, તેનો નિર્ણય રોહિત અને બોર્ડે સાથે મળીને કરવો પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન