ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ઓવૈસીએ કહ્યું, "આ યુવાનોના સંઘર્ષ અને બલિદાનની જીત છે".
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રીપદથી રાજીનામું આપવા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓમાં પદ નહીં, પરંતુ દેશ મહત્ત્વપૂર્ણ છે.
લાઇવ કવરેજ
સોનમ વાંગચુકે કહ્યું, 'શિક્ષણ પહેલાં મીડિયામાં સુધારની જરૂર'
ઇમેજ સ્રોત, Getty Images
સોનમ વાંગચુકનાં પત્ની ડૉ ગીતાંજલિ અંગમોએ કહ્યું કે શિક્ષણ પહેલાં મીડિયામાં સુધારની જરૂર છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ડૉ. ગીતાંજલિ અંગમોએ લખ્યું કે, "બધા શિક્ષણમાં સુધારની માંગ કરી રહ્યા છે. આ એક સારો વિચાર છે. પરંતુ શું આપણે મીડિયામાં સુધાર સાથે શરૂઆત કરી શકીએ?"
તેમણે કહ્યું, "જે દેશને દરરોજ પ્રચાર અને પ્રોપેગંડા પીરસવામાં આવે, તેને શિક્ષિત ન કરી શકાય. તેને માત્ર એક ચોક્કસ વિચારસરણી અનુસાર ઢાળી શકાય છે."
તેઓ કહે છે કે, "આજે સૌથી વધારે પ્રભાવિત કરનાર કોઈ શિક્ષક નહીં પરંતુ ટીવી સ્ટુડિયો, વૉટ્સઍપ ફૉરવર્ડ, યુટ્યૂબ ચૅનલ અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા લોકો છે. આમાંથી કેટલાક અમને સમજતા પહેલાં નફરત કરવા, વિચારતા પહેલાં પ્રતિક્રિયા આપવા અને સચ્ચાઈને બદલે ચોક્કસ કહાણીઓ પર ભરોસો કરવાનું શીખવે છે."
તેમણે આગળ કહ્યું, "ભલે આપણે પોતાને અંધભક્ત કહીએ અથવા કોઈ અન્ય રાજનીતિક ઓળખ સાથે જોડો, આપણને બધા કોઈ હદ સુધી પક્ષપાતી અને સંકીર્ણ વિચારસરણી બનાવવા માટે પ્રભાવિત કરવામાં આવ્યા છે."
તેઓ આગળ કહે છે કે શિક્ષણ સુધારની વાત પછી કરીએ, પહેલાં મીડિયામાં સુધાર કરીએ.
પીએમ મોદીનો ઇન્સ્ટાગ્રામ પર વધુ એક વીડિયો : પેપર લીક મુદ્દે વડા પ્રધાને કરી ટાસ્ક ફોર્સની જાહેરાત, શું કહ્યું
ઇમેજ સ્રોત, @narendramodi
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનૉલૉજી ક્ષેત્રમાં જાણીતા નંદન નીલેકણીના નેતૃત્વમાં એક હાઇ પાવર ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમના રિપોર્ટના આધારે જ પરીક્ષાઓની વિશ્વસનીયતાને સનિશ્ચિત કરવા માટે જલ્દીમાં જલ્દીમાં પગલાં લેવામાં આવશે.
મોદીએ કહ્યું, "જે લોકોએ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે રમત કરી છે તેઓ જેલમાં સડી રહ્યા છે. અમે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવી ચૂક્યા છીએ. અમે કાલે પણ પાર્લિયામેન્ટમાં કઠોર કાયદાકીય જોગવાઈ સાથે નવા કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ."
"પરંતુ આપણે ભવિષ્ય વિશે વિચારવાનું છે. અમારી પરીક્ષા પદ્ધતિ વિશ્વસનીય હોય, પારદર્શી હોય, અમારી પરીક્ષા પદ્ધતિમાં સૌથી વદારે ટેકનિકનો ઉપયોગ હોય, આ બધી વાતોને ધ્યાનમાં રાખતાં વિશ્વપ્રસિદ્ધિ ટેકનૉલૉજી ઍક્સપર્ટ નંદન નીલેકણીજીના નેતૃત્વમાં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે."
તેમણે કહ્યું કે, "આ પરીક્ષા સુધાર તરફ ફોકસ કરશે અને જલ્દીમાં જલ્દી આવનારી પરીક્ષાઓની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરવાનું કામ આ રિપોર્ટના આધારે કરવામાં આવશે."
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું છે કે, "અમે અમારી આગામી સ્ટ્રૅટેજી જલદી જ જાહેર કરીશું. આંદોલન હજી ગઈકાલે જ ખતમ થયું છે, અમે થોડો સમય આપો..."
શિક્ષણ મંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના જંતર-મંતર પર ચાલતું આંદોલન શનિવારે ખતમ થઈ ગયું હતું. ત્યાર બાદ સીજેપીના ભવિષ્ય મામલે ચર્ચા ચાલી રહી છે.
પંજાબમાં ભાજપે કથિત પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા છે. આ મામલે અભિજિત દીપકેએ કહ્યું કે, "અમે તેના વિશે પણ વાત કરીશું, અમે તેના માટે યોજના બનાવી રહ્યા છીએ."
સરકાર સાથે વાતચીત મુદ્દે અભિજિત દીપકેએ કહ્યું કે, "જે કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેના વિશે વાત કરીશું. વિદ્યાર્થીઓ સામે કોઈ કેસ ન થવા જોઈએ."
પ્રહ્લાદ જોશીએ શિક્ષણ મંત્રાલયનો પદભાર સંભાળ્યો, કહ્યું- 'મારા માટે આ નવું ક્ષેત્ર છે'
ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રહ્લાદ જોશી પાસે હવે ત્રણ મંત્રાલયોની જવાબદારી આવી ગઈ છે
ધર્મેન્દ્ર પ્રધાનના કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પદથી રાજીનામું બાદ પ્રહ્લાદ જોશીએ રવિવારે મંત્રાલયે પદભાર સંભાળી લીધો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે વાત કરતાં નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે , "માનનીય વડા પ્રધાને મારી પર વિશ્વાસ વ્યક્ત કરતાં મને મોટી જવાબદારી સોંપી છે. હું કાલ રાત્રે કર્ણાટકમાં હતો. આજે સવારે અહીં આવીને મેં પદભાર સંભાળી લીધો છે."
પ્રહ્લાદ જોશી હાલ ઉપભોક્તા બાબત, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી છે અને તેમની પાસે નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય પણ છે. પ્રહ્લાદ જોશી પાસે હવે ત્રણ મંત્રાલયોની જવાબદારી થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે મંત્રાલય અને તેના નિર્ણયો સાથે જોડાયેલી બધી માહિતી સમજવા માટે તેમણે બેઠકોમાં ભાગ લીધો છે.
તેમણે કહ્યું કે , "આ મારા માટે નવું ક્ષેત્ર છે માટે હું વધુમાં વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યો છું અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વાત કરી છે. આ મોટું મંત્રાલય છે. એટલે મારી પહેલાં પ્રાથમિકતા આને સંપૂર્ણ રીતે સમજવાની રહેશે, ત્યાર બાદ હું આગળનાં કામ અને પરિણામો પર ધ્યાન આપીશ."
સંસદની વેબસાઇટ અનુસાર , પ્રહ્લાદ વેંકટેશ જોશી કર્ણાટકથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારવાડ લોકસભા સીટથી સતત છ વખત સાંસદ છે.
રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખીને કરી આ બે માંગ
ઇમેજ સ્રોત, Arvind YadavHindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રદર્શન કરી રહેલા લોકોની સુરક્ષા કરવી અને વાતચીતથી તેમની ફરિયાદો દૂર કરવી સરકારની જવાબદારી છે. (ફાઇલ ફોટો)
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર
થયેલા બળપ્રયોગને લઈને જવાબદારી નક્કી કરવાની માગ કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રદર્શન કરી રહેલા લોકોની સુરક્ષા કરવી અને
વાતચીતથી તેમની ફરિયાદો દૂર કરવી સરકારની જવાબદારી છે.
તેમણે પત્રમાં લખ્યું કે, "આપણા વિદ્યાર્થીઓ
એક નિષ્પક્ષ અને જવાબદાર શિક્ષણ વ્યવસ્થાની માગ કરી રહ્યા હતા. તેમની વાત સાંભળવાની
જગ્યાએ, સુરક્ષા દળોએ તેમની પર બળપ્રયોગ કર્યો હતો જેમાં ઘાતક હથિયાર અને આંસુ ગૅસ
પણ સામેલ હતો."
"સૈંકડો વિદ્યાર્થી ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મહિલા વિદ્યાર્થીઓ પર
પણ પોલીસકર્મીઓએ હુમલો કર્યો છે, જેમાં તેમના પ્રાઇવેટ પાર્ટ્સને જાણીજોઈને નિશાન
બનાવવું પણ સામેલ છે."
રાહુલ ગાંધીએ લખ્યું, "સૌથી ચોંકાવનાર વાત ઘાતક પૅલેટ ગનનો
ઉપયોગ છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં આવેલા સમાચારમાં સ્પષ્ટ દખાય છે કે કેટલાક
લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં એક પત્રકાર પણ સામેલ છે."
"હું 19 વર્ષના સાહિલ
લોચાબને મળ્યો, જે બહુ દર્દમાં છે અને તેમની એક આંખ જવાની સંભાવના છે, કારણ કે
તેમને પૅલેટ ગનથી ગોળી મારવામાં આવી હતી."
રાહુલ ગાંધીએ કહ્યું કે, "દિલ્હીમાં તહેનાત સુરક્ષા બળ ગૃહમંત્રીને
રિપોર્ટ કરે છે."
તેમણે પત્રમાં બે પ્રશ્ન પૂછ્યા છે, તેમણે કહ્યું, "શું
ગૃહમંત્રી તરીકે તમે વિદ્યાર્થીઓ પર પૅલેટ ગન સહિત ઘાતક દળના ઉપયોગને મંજૂરી આપી
હતી?"
"જો નહીં, તો તેની
મંજૂરી કોણે આપી? શું સાદાં કપડાંમાં વિદ્યાર્થીઓને લાઠીઓથી મારતા દેખાતા લોકો પોલીસકર્મી
છે કે સ્વયંસેવક? તેમની તહેનાતીની મંજૂરી કોણે આપી?"
તેમણે કહ્યું, "આ પ્રકારની હિંસા દર નિયમ અને મર્યાદાને
ખતમ કરી દે છે અને આનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે."
તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય માનવામાં આવતા યુવાનો અને વિદ્યાર્થીઓ
તથા જવાબદારી નક્કી કરવાની માગ કરી રહ્યા છે. અને તેમનો અવાજ સાંભળવો જોઈએ.
‘સીજેપી આંદોલનની સફળતા એ વિપક્ષની નિષ્ફળતા, દેશનો નેતાઓ પરથી ભરોસો ઊઠ્યો’, ઉદ્ધવ ઠાકરેએ આવું કેમ કહ્યું?
ઇમેજ સ્રોત, shahid shaikh
ઇમેજ કૅપ્શન, મુંબઈમાં ઠાકરે બંધુઓ (ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) તરફથી રવિવારે સંયુક્ત ‘તિરંગા વિજય જલ્લોષ રેલી’ આયોજીત કરવામાં આવી હતી.
મુંબઈમાં ઠાકરે બંધુઓ (ઉદ્ધવ ઠાકરે
અને રાજ ઠાકરે) તરફથી રવિવારે સંયુક્ત ‘તિરંગા વિજય જલ્લોષ રેલી’ આયોજીત કરવામાં આવી હતી.
આ રેલી દેશભરમાં નીટ પેપરલીક તથા
પરીક્ષામાં કથિત અનિયમિતતાઓની સામે થયેલા વિદ્યાર્થીઓના આંદોલનની સફળતાની ઉજવણી
મનાવવા માટે થઈ હતી.
આ પહેલાં ઠાકરે બંધુઓએ 26મી જુલાઈએ
જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધપ્રદર્શનના સમર્થનમાં મુંબઈમાં ‘તિરંગા મોરચા’ કાઢવાની ઘોષણા કરી હતી.
જોકે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાને 25મી જુલાઈએ રાજીનામું આપતા કાર્યક્રમનું સ્વરૂપ બદલાયું અને
હવે તેને ‘તિરંગા વિજય જલ્લોષ રેલી’ નામ આપવામાં આવ્યું.
પાર્ટીના સાંસદ અને ‘સામના’ના કાર્યકારી સંપાદક સંજય રાઉતને
આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ વખાણવા લાયક છે કે હવે લોકોમાં
જેલ કે બંદૂકનો ડર નથી રહ્યો. તેમણે કહ્યું કે જનતાનું ભયમુક્ત થઈને રસ્તા પર
ઉતરવું સત્તારૂઢ પાર્ટી માટે ખતરનાક સંકેત છે.
ઠાકરેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(આરએસએસ) દ્વારા આંદોલનથી અળગા રહેવાને લઈને પણ સવાલ ઊઠાવ્યા. તેમણે કહ્યું, “સીજેપીનું આંદોલન માત્ર સત્તારૂઢ
દળની જ નહીં પરંતુ વિપક્ષની વિફળતા છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે દેશનો ભરોસો
નેતાઓ પરથી ઊઠી ગયો છે.”
ભાજપના
નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા ઠાકરેએ કહ્યું હતું કે સરકાર પૂર્ણ
પ્રકારે ‘વિફળ’ રહી છે અને તેણે દેશને ‘બરબાદ’ કરી નાખ્યો છે.
'ધર્મેન્દ્ર પ્રધાન તો પહેલાંથી જ રાજીનામું આપવા માંગતા હતા', કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન
ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી અને ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય (ફાઇલ ફોટો)
મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી અને ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે
ધર્મેન્દ્ર પ્રધાને આંદોલનની શરૂઆત થતાં જ પાર્ટી અધ્યક્ષને રાજીનામાની ઑફર કરી
હતી.
કૈલાશ વિજયવર્ગીયએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "હું ધર્મેન્દ્ર
પ્રધાનને વિદ્યાર્થી પરિષદના સમયથી જાણું છું અને તેમની પ્રશંસા કરીશ. તેમને જે પણ
કામ સોંપવામાં આવે છે, તે તેઓ સંપૂર્ણ ઇમાનદારી
અને લગનથી કરે છે."
વિજયવર્ગીયે કહ્યું, "આંદોલનના પ્રથમ દિવસથી જ તેમણે પાર્ટી અધ્યક્ષને કહ્યું હતું કે જો તમને લાગે
કે મને રાજીનામું આપવું જોઈએ, તો હું આપી દઇશ. પાર્ટી અધ્યક્ષે ના પાડી અને કહ્યું કે બેસીને વાત કરીશું, ત્યાં સુધી તમે
રાજીનામું નહીં આપો."
તેમણે કહ્યું, "પણ જ્યારે પરિસ્થિતિ એવી બની કે પાર્ટીએ નક્કી કર્યું કે ધર્મેન્દ્ર પ્રધાને
રાજીનામું આપવું જોઈએ, ત્યારે તેમણે પળભરમાં
રાજીનામું આપી દીધું. આ જ એક સારા પાર્ટી કાર્યકરની ઓળખ છે. તેમના રાજીનામાએ તે
તમામ વિદેશી શક્તિઓની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી, જે દેશમાં હિંસા ભડકાવવા માંગતી હતી."
ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાલી રહેલાં પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે રાજીનામું આપી દીધું હતું.
મોદી સરકારના એ શિક્ષણમંત્રીઓ જેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, 2014થી અત્યાર સુધી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વ હેઠળ શિક્ષણ મંત્રાલયે નવી શિક્ષણ નીતિ, સંસ્થાકીય ફેરફારો અને વૈચારિક ચર્ચાઓના અનેક તબક્કા જોયા છે.
વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનો બાદ કેન્દ્રીય
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. આ સાથે તેઓ મોદી સરકારના
શિક્ષણ મંત્રાલયમાં પોતાના પૂર્વ મંત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેઓ પોતાના
કાર્યકાળ દરમિયાન વિવાદોમાં રહ્યા હતા અને પછી સમય પહેલાં જ હટાવી દેવામાં આવ્યા
હતા.
ભારતની શિક્ષણ વ્યવસ્થાને લઈને જંતર-મંતરથી શરૂ
થયેલા પ્રશ્નોએ એક અઠવાડિયામાં જ દેશવ્યાપી યુવા પ્રદર્શનનું સ્વરૂપ ધારણ કરી
લીધું, જેના સમાપનની
જાહેરાત કૉક્રોચ જનતા પાર્ટીની માંગણીઓ સ્વીકારી લેવામાં આવ્યા બાદ કરવામાં આવી
છે.
પરંતુ આ આંદોલને ભારતની શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પ્રણાલી
અને સરકારની પ્રાથમિકતાઓ અંગે એક નવી ચર્ચા શરૂ કરી છે. પ્રશ્ન માત્ર વર્તમાન
શિક્ષણમંત્રી અંગે નથી, પરંતુ મોદી સરકાર દરમિયાન શિક્ષણ મંત્રાલયની સમગ્ર દિશા અંગે પણ ઊઠી રહ્યા છે.
2014થી અત્યાર સુધી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વ
હેઠળ શિક્ષણ મંત્રાલયે નવી શિક્ષણ નીતિ, સંસ્થાકીય ફેરફારો અને વૈચારિક ચર્ચાઓના અનેક તબક્કા જોયા
છે.
મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સ્મૃતિ ઈરાની
અને પ્રકાશ જાવડેકરે માનવ સંસાધન વિકાસ મંત્રાલય સંભાળ્યું હતું. મોદી 2.0માં આ જવાબદારી
રમેશ પોખરિયાલ ‘નિશંક’ને મળી હતી.
પરંતુ 2021માં થયેલા કૅબિનેટ ફેરફાર દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાનને
કેન્દ્રીય શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા, જેમના રાજીનામાની માંગને લઈને એક મહિના સુધી કૉક્રોચ જનતા
પાર્ટીના સમર્થકો જંતર-મંતર પર બેઠા રહ્યા અને અંતે કેન્દ્ર સરકાર દબાણમાં આવી.
એવા સમયમાં વર્તમાન વિવાદે ફરી એકવાર પ્રશ્ન
ઊભો કર્યો છે કે મોદી યુગના ચારેય શિક્ષણ મંત્રીઓની ભૂમિકા અને વારસાને કયા
દૃષ્ટિકોણથી જોવામાં આવવું જોઈએ.
મોદી સરકારનાં 12 વર્ષમાં શિક્ષણ મંત્રાલય જ એવું મુખ્ય મંત્રાલય રહ્યું છે, જેની કમાન ચાર અલગ-અલગ મંત્રીઓએ સંભાળી. જ્યારે ગૃહ, વિદેશ, નાણાં, સંરક્ષણ અને આરોગ્ય
જેવાં મંત્રાલયોમાં તુલનાત્મક રીતે સ્થિરતા જળવાઈ રહી.
મહત્ત્વની વાત એ છે કે ધર્મેન્દ્ર પ્રધાન
પહેલાંના ત્રણેય પૂર્વ શિક્ષણ મંત્રીઓ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ થોડાં વર્ષોમાં
અલગ-અલગ કારણોસર તેઓ કેન્દ્રીય કૅબિનેટમાંથી પણ ગાયબ થઈ ગયા.
હાલમાં, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી શિક્ષણ મંત્રાલયનો હવાલો પ્રહ્લાદ જોશીને સોંપવામાં આવ્યો છે. આમ પ્રહ્લાદ જોશી એ મોદીના શાસનકાળમાં પાંચમા શિક્ષણ મંત્રી છે.
‘વિરોધ કરે એ વિદ્યાર્થીઓની ધરપકડ થાય છે, 30-40 દિવસ સુધી જામીન નથી મળતા’
ઇમેજ સ્રોત, NLIU Bhopal
ઇમેજ કૅપ્શન, જસ્ટિસ ઉજ્જલ ભુયને શનિવારે ભોપાલમાં નૅશનલ લૉ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન દરમિયાન ભારતમાં અસહમતિ માટે ઘટતા જતા દાયરા અંગે ચિંતા વ્યક્ત કરી.
સુપ્રીમ કોર્ટના
જસ્ટિસ ઉજ્જલ ભુયને શનિવારે કહ્યું કે ભારતમાં અલગ-અલગ વિચારો માટેની વ્યવસ્થા સતત
ઓછી થતી જઈ રહી છે.
તેમણે કહ્યું કે
પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પોતાના અધિકારો માટે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને
ધરપકડ કરી લેવામાં આવે છે અને તેમને જામીન પણ મળતા નથી. જો જામીન મળી પણ જાય, તો અદાલતો એવી કડક શરતો મૂકે છે, જે તેમની સ્વતંત્રતાને ગંભીર રીતે
મર્યાદિત કરી દે છે.
તેમનું આ નિવેદન એવા
સમયે આવ્યું હતું, જ્યારે કૉક્રોચ જનતા પાર્ટીનાં વિરોધપ્રદર્શનો બાદ
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, જેના પછી દિલ્હીના જંતર-મંતર પર ચાલુ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં
આવી.
લગભગ એક મહિના સુધી
ચાલેલાં પ્રદર્શનોમાં 20 જુલાઈએ ‘સંસદ માર્ચ’ દરમિયાન મોટા પાયે
હિંસા જોવા મળી હતી, જેમાં ઘણા પ્રદર્શનકારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ
થયા હતા.
જસ્ટિસ ભુયનના
નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને લોકો
તેને ભારતમાં અસહમતિના અવાજોને મર્યાદિત કરવામાં આવી રહ્યા હોવાની પુષ્ટિ તરીકે
જોઈ રહ્યા છે.
વાસ્તવમાં, જસ્ટિસ ભુયને કહ્યું કે 'અસહમતિ વ્યક્ત કરવાની વૈધ રીતોને
પણ હવે ગુનો' બનાવી દેવામાં આવે છે.
તેમણે સામાન્ય રીતે
જામીન ન આપવાની અને જામીન આપ્યા બાદ પણ સ્વ-સેન્સરશિપ લાદવાની પ્રથાને લઈને ચિંતા
વ્યક્ત કરી.
તેમણે ગંગા નદીના
મધ્યમાં હોડીમાં ઇફ્તાર પાર્ટી કરનારા કેટલાક યુવાનોને જામીન ન મળવાના મુદ્દે પણ
પ્રશ્નો ઉઠાવ્યા.
જંતર-મંતર પર પ્રદર્શન સમાપ્ત થયા બાદ આજે સવારે કેવો છે માહોલ, જુઓ તસવીરોમાં
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર ચાલી રહેલું પ્રદર્શન હવે પૂર્ણ થઈ ગયું છે અને પ્રદર્શનકારીઓ પોતાનાં ઘરે પરત ફર્યા છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી
ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામા બાદ કૉક્રોચ જનતા પાર્ટીએના નેતૃત્વમાં દિલ્હીના
જંતર-મંતર પર ચાલી રહેલું આંદોલન શનિવારે સમાપ્ત થયું.
જોકે, રવિવારે સવારે
પણ પોલીસ અહીં તહેનાત છે અને બૅરિકેડ્સ લાગેલાં છે. પોલીસ પહેલાંના સરખામણીએ ઓછી
છે, જ્યારે પ્રદર્શનકારીઓ પોતાનાં ઘરે પરત ફરી ચૂક્યા છે.
રવિવાર સવારની
જંતર-મંતરની કેટલીક તસવીરો
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય શિક્ષણમંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં દિલ્હીસ્થિત જંતર-મંતર પર આંદોલન સમાપ્ત થઈ ગયું છે.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, સીજેપીના નેતૃત્વમાં ચાલેલા આ આંદોલનમાં પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ જોડાયા હતા. તેમણે 26 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, આ આંદોલન અંતર્ગત 20 જુલાઈએ સંસદ માર્ચનું આયોજન થયું હતું, જે દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓની માગ હતી કે 20 જુલાઈ, 2026ના રોજ દિલ્હીમાં થયેલી સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી અને તે મામલે દાખલ કરવામાં આવેલા કેસ પરત લેવામાં આવે. સરકારે તેમની માગ માની લીધી હતી.
કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી ધર્મેન્દ્ર
પ્રધાનના રાજીનામા બાદ આ પદભાર પ્રહ્લાદ જોશીને મળ્યો છે. નવી જવાબદારી મળવા પર
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કર્યો.
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું, “મને ખબર મળી છે કે વડા
પ્રધાને મને આ જવાબદારી સોંપી છે. હું આ જવાબદારીને કર્તવ્ય અને વિનમ્રતાથી
સ્વીકારું છું અને વડા પ્રધાનનો આભાર વ્યક્ત કરું છું.”
તેમણે આગળ કહ્યું, “મોદી સરકારે છેલ્લાં 12 વર્ષમાં ઘણી ઐતિહાસિક ઉપલબ્ધિઓને
હાંસલ કરી છે. હું પીએમના માર્ગદર્શનમાં પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાની
કોશિશ કરીશે.”
પ્રહ્લાદ જોશીએ પોતાના ઍક્સ હૅન્ડલ પર કરવામાં
આવેલી એક પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાન જીની રાજનીતિક
સફર ઘણા દશકો સુધી ચાલી છે. દેશના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા હંમેશાં યાદ
રાખવામાં આવશે.”
તેમણે લખ્યું, “તેમના (ધર્મેન્દ્ર પ્રધાન)
કાર્યકાળમાં નવી શિક્ષણ નીતિ (એનઈપી) 2020ને સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી. તેની
સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં 100થી વધુ નાના મોટા સુધારાઓ કરવામાં આવ્યા. દેશહિતને
સૌથી ઉપર રાખીને પ્રધાન જીનો પદ છોડવાનો નિર્ણય, દેશના વિકાસમાં તેમના યોગદાનને
કોઈ નહીં રોકી શકે.”
તેમણે લખ્યું, “દેશના વિકાસના રસ્તા પર અમારી
મુલાકાત ફરી થશે.”
ઉલ્લેખનીય છે કે પ્રહ્લાદ જોશી પાસે હાલ ગ્રાહકોનો મામલો,
ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વ્યવસ્થાનો પદભાર છે. તેમની પાસે નવીન અને નવીકરણીય
ઊર્જા મંત્રાલય પણ છે.
'ભાજપ કાર્યકર્તા માટે પદ નહીં પરંતુ દેશ મહત્ત્વપૂર્ણ છે', અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળના વખાણ કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણમંત્રીપદેથી રાજીનામું આપવા મામલે
પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓમાં પદ નહીં, પરંતુ દેશ
મહત્ત્વપૂર્ણ છે.
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે
રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે મોદી સરકાર દેશના યુવાનોની
ભાવનાઓનું સન્માન કરે છે અને પેપરલીકની સામે જરૂરી સુધારા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે લખ્યું, “ભાજપના કાર્યકર્તાઓ
માટે પદથી વધુ મહત્ત્વપૂર્ણ દેશ, અમારી યુવાન પેઢી અને વિદ્યાર્થી છે. આજે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જીએ પોતાના પદથી જે રાજીનામું
આપ્યું છે તે એ દર્શાવે છે.”
“મોદી સરકાર દેશના
યુવાનોની ભાવનાનું સન્માન કરે છે અ પેપરલીકના વિરોધમાં જરૂરી સુધારા માટે કટિબદ્ધ
છે. પેપરલીકના દોષિતોને કઠોર દંડ મળે, તેના માટે મોદી જી દ્વારા લેવામાં આવેલા
નિર્ણયો આવકારદાયક છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પગલાંથી નીટ પરીક્ષામાં સફળ
થયેલા વિદ્યાર્થીઓ સાથે પૂર્ણ ન્યાય મળશે.”
તેમણે આગળ લખ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનજી
પોતાના કારય્કાળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રભાવી ક્રિયાન્વયન, માતૃભાષાઓમાં
પરીક્ષાઓની વ્યવસ્થા, પીએમ શ્રી વિદ્યાલયોના વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન,
કૌશલ વિકાસ તથા ઉદ્યોગ-ઍકેડેમિક સમન્વયને સુદૃઢ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સુધાર
કર્યા છે. પરીક્ષા પ્રણાલીને વધુ સમાવેશી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાની
દિશામાં તેમના પ્રયાસો ઉલ્લેખનીય છે.
તેમનો કાર્યકાળ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પ્રત્યે તેમના સમર્પણનો સાક્ષી
છે.”
ઉલ્લેખનયી છે કે દેશભરમાં થયેલા પ્રદર્શનો વચ્ચે ધર્મેન્દ્ર
પ્રધાને શનિવારે કેન્દ્રીય શિક્ષણમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો છે. મોદી સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલયનો ભાર પ્રહ્લાદ
જોશીને સોંપવામાં આવ્યો હતો.