સાત વર્ષની બાળકીના મોત પાછળ મેલેરિયાની ગોળીઓનો ઓવરડોઝ જવાબદાર? ખરેખર શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
પોલવરમ જિલ્લાના એટપાકા મંડળના ગોલ્લાગુપ્પામાં મેલેરિયાના નિવારણ માટે આપવામાં આવેલી ક્લૉરોક્વિનની ગોળીઓ લીધા બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હોવાના આરોપ લાગી રહ્યા છે, જ્યારે અન્ય 53 લોકો બીમાર પડ્યા છે.
બીમાર પડેલા લોકોમાં મોટાં ભાગનાં બાળકો છે.
તમામને ભદ્રાચલમની એરિયા હૉસ્પિટલ તેમજ લક્ષ્મીપુરમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
જિલ્લા અધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે કે હાલમાં આ ઘટના તપાસ હેઠળ છે. આ ઉપરાંત બાળકીનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવી રહ્યું છે, તેમજ દવાઓની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પણ શું બાળકીનું મોત ખરેખર ક્લૉરોક્વિન ગોળીઓની અસરને કારણે થયું? ગોળીઓના ડોઝમાં કોઈ ગરબડ થઈ હતી? કે પછી બાળકી સ્વાસ્થ્યને લગતી કોઈ અન્ય બીમારીથી પીડાતી હતી?
આખરે શું બન્યું હતું?
ગોલ્લાગુપ્પામાં તાજેતરમાં મેલેરિયાના કેસ નોંધાયા હતા. એટલે ફીવર સર્વેલન્સના ભાગરૂપે મંગળવારે ગામમાં તબીબી શિબિર યોજવામાં આવી હતી. આ ગામની કુલ વસ્તી 253 લોકોની છે.
મેલેરિયા નિવારણ માટે લેવાયેલાં પગલાંના ભાગરૂપે ગામના 71 લોકોને ક્લૉરોક્વિન ગોળીઓ આપવામાં આવી હતી એમ પોલવરમ જિલ્લાના તબીબી અધિકારી વિષ્ણુ ચૈતન્યે બીબીસીને જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે, તબીબી કર્મચારીઓએ ગામની શાળા અને આંગણવાડી કેન્દ્રોમાંનાં બાળકોને પણ ગોળીઓ આપી હતી.
"ક્લૉરોક્વિન લીધા પછી 53 લોકો બીમાર પડ્યા હતા. આ તમામને ભદ્રાચલમની એરિયા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 46 તો બેથી દસ વર્ષની વયનાં બાળકો હતાં, જ્યારે બાકીના સાત પુખ્ત વયના હતા. ગોળીઓ લીધા બાદ ઘણા લોકો બીમાર થયા હતા જેમાં ગોલ્લાગુપ્પાની સાત વર્ષની મડિવી જમુના પણ હતી. જમુનાને ઊલટીઓ થતાં તેને લક્ષ્મીપુરમની હૉસ્પિટલ લઈ જવામાં આવી. જોકે, તબીબોએ તપાસ બાદ તેનું ત્યાં પહોંચતાં પહેલાં જ મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું," એમ વિષ્ણુ ચૈતન્યે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેલેરિયાની બે ગોળી કે ત્રણ ગોળી આપી?

ઇમેજ સ્રોત, UGC
"જમુનાને ત્રણ ગોળી આપવામાં આવી હતી એવા પરિવારજનોના આક્ષેપો મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે. આ ખોટું છે. તેના વજન અને ઉંમર પ્રમાણે તેને બે જ ગોળી આપવામાં આવી હતી," એમ તેમણે જણાવ્યું હતું.
જોકે, સંપૂર્ણ વિગતો તો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે, એમ તેમણે કહ્યું હતું.
જમુના સ્થાનિક સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતી હતી. આ બાળકી ઉપરાંત અન્ય કેટલાંક બાળકો અને પુખ્ત વયના લોકોમાં પણ બીમારીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
ક્લૉરોક્વિનની ગોળીઓ લીધી હોય એવા 53 લોકોને ભદ્રાચલમની એરિયા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલ સારવાર લઈ રહેલા લોકોની તબિયત સ્થિર હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું છે. ભદ્રાચલમની એરિયા હૉસ્પિટલમાં વિશેષ તબીબી ટીમો દર્દીઓની દેખરેખ રાખી રહી છે અને કાકીનાડા, રાજમહેન્દ્રવરમ, વિજયવાડા સહિતના વિવિધ વિસ્તારોમાંથી પણ તબીબી ટીમોને બોલાવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમે યોગ્ય માત્રામાં દવા આપી હતી : કલેક્ટર

ઇમેજ સ્રોત, UGC
બાળકોને ક્લૉરોક્વિનની ગોળીઓનો વધુ ડોઝ આપવામાં આવ્યો હોવાના આક્ષેપો અંગે જિલ્લા વહીવટીતંત્રે પ્રતિક્રિયા આપી છે.
પોલવરમ જિલ્લાના કલેક્ટર કે. દિનેશકુમારે બીબીસીને જણાવ્યું હતું- "અમે તબીબી અને આરોગ્ય વિભાગના પ્રોટોકૉલ મુજબ ક્લૉરોક્વિનની ગોળીઓ આપી હતી. દવાઓની ગુણવત્તા અંગે કરવામાં આવેલાં ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણોમાં કોઈ સમસ્યા જોવા મળી નથી."
જોકે, વધુ સ્પષ્ટતા માટે, વિતરણ થયેલી ક્લૉરોક્વિનની ગોળીઓની બૅચમાંથી નમૂનાઓ વિશાખાપટ્ટનમની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગોલ્લાગુપ્પામાં આવી બીજી ઘટના પણ બહાર આવી છે, કારણ શું છે?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કલેક્ટર દિનેશકુમારના કહેવા મુજબ આ વિસ્તારમાં મેલેરિયાની બીમારી સામાન્ય છે. હાલમાં મેલેરિયાના ચાર કેસ નોંધાયા છે. જોકે, તેમાંથી કોઈનું મૃત્યુ થયું નથી.
મેલેરિયાના કેસ વધી રહ્યા હોવાથી ક્લૉરોક્વિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
"ગોલ્લાગુપ્પામાં બાળકોનાં સતત મોત થઈ રહ્યાં હોવાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે, પરંતુ આ માહિતી સાચી નથી," એમ કલેક્ટરે જણાવ્યું હતું.
"ગોલ્લાગુપ્પામાં તાજેતરમાં રોજા નામની અન્ય એક 11 વર્ષની બાળકીનું મોત થયું છે. જોકે, તેના મોતને જમુનાના મોત સાથે કોઈ સંબંધ નથી," એમ દિનેશકુમારે જણાવ્યું હતું.
"રોજા ગયા શુક્રવારે પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે હૉસ્પિટલ ગઈ હતી. તેને અપાયેલી ક્લૉરોક્વિન દવાના કારણે તેનું મોત થયું નથી. તે અચાનક ઢળી પડી હતી અને તપાસમાં તેનું ગ્લુકોઝનું સ્તર વધી ગયેલું જણાયું હતું. એ બાળકીનું મોત અલગ કારણસર થયું હતું. જ્યારે જમુના ક્લૉરોક્વિનની ગોળીઓ લીધા બાદ બેભાન થઈ ગઈ હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની તપાસમાં ગ્લુકોઝનું સ્તર ઘટેલું જણાયું હતું. આ બંને ઘટનાઓ અલગ-અલગ છે," એવું કલેક્ટરનું કહેવું છે.
અન્ય બે વિદ્યાર્થીઓને પણ ઊલટીની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્થિર હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
આ કેસોમાં ફૉરેન્સિક અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમાંની વિગતોના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ કલેક્ટરે જણાવ્યું હતું.
તો પછી જમુનાનું મૃત્યુ શાથી થયું?

ઇમેજ સ્રોત, UGC
હાલ મુખ્ય સવાલ આ જ છે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, ક્લૉરોક્વિનની ગોળીઓ લીધા બાદ જમુનાની તબિયત બગડી હતી. તબીબોએ તેના લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટી ગયેલું હોવાનું નોંધ્યું હતું. જોકે, તેને અગાઉથી હૃદય સંબંધિત કોઈ સમસ્યા હતી કે કેમ, ક્લૉરોક્વિનની કોઈ અસર થઈ હતી કે પછી અન્ય કોઈ કારણસર તેનું મોત થયું હતું, તે હજી સ્પષ્ટ થવાનું બાકી છે.
ક્લૉરોક્વિનની અસરને કારણે જમુનાના હૃદયના ધબકારાના લયમાં ફેરફાર થયો હતો એવું હજી સુધી નિર્ધારિત થયું નથી, એમ જિલ્લા તબીબી અધિકારીએ જણાવ્યું હતું. પોસ્ટમૉર્ટમ, હિસ્ટોપૅથૉલૉજી અને ફૉરેન્સિક પરીક્ષણોના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે, એમ વિષ્ણુ ચૈતન્યે જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરના કહેવા મુજબ, બાળકીના પરિવારમાં કે આનુવંશિક રીતે તેને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હતી કે કેમ તે અંગેના રિપોર્ટની પણ સાથે સાથે રાહ જોવાઈ રહી છે.
મૃતક જમુનાના મોટા કાકા મસૈયાએ બીબીસી સાથે વાત કરી હતી.
"તબીબી કર્મચારીઓએ જમુનાને મેલેરિયાની ત્રણ ગોળીઓ આપી એટલે જ તેનું મોત થયું," એવો તેમણે આક્ષેપ કર્યો હતો.
આ અંગે બીબીસીએ જિલ્લા તબીબી અધિકારી વિષ્ણુ ચૈતન્યને પૂછતાં તેમણે કહ્યું, "જમુનાને ત્રણ ક્લૉરોક્વિનની ગોળીઓ આપવામાં આવી હોવાનું પરિવારજનો કહી રહ્યા હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા છે. જોકે, તેની ઉંમર અને વજનના આધારે અમે તેને માત્ર બે ગોળી આપી હતી. તેને અગાઉથી કોઈ હૃદય સંબંધિત સમસ્યા હતી કે કેમ, તે પણ અમારે તપાસવું પડશે. ગોળીઓ લીધા બાદ તેની તબિયત લથડી હતી, એ વાત સાચી છે. જોકે, તેના મોતનું ખરું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે."
તેમણે જણાવ્યું હતું કે પ્રોટોકૉલ મુજબ, સાત વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને એક ગોળી, જ્યારે 10 વર્ષ સુધીની ઉંમરનાં બાળકોને બે ગોળીઓ આપી શકાય છે.
'વિશેષ તબીબી શિબિર ચાલુ રહેશે'
ગોલ્લાગુપ્પામાં મેલેરિયાના કેસ નોંધાઈ રહ્યા હોવાથી ફીવર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ગોળીઓનું વિતરણ કરતાં પહેલાં ગામમાં પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેમાં કેટલાક લોકો મેલેરિયા પૉઝિટિવ હોવાનું જણાયું હતું.
આથી આ ઘટનામાં અહીં લેવાયેલાં મેલેરિયા નિવારણનાં પગલાંનાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ થવી જરૂરી છે જેમ કે, દવાના વિતરણની પદ્ધતિ, દવાનો ડોઝ, દવાઓની ગુણવત્તા તેમજ અસરગ્રસ્ત લોકોની વ્યક્તિગત સ્વાસ્થ્ય-સ્થિતિ.
આ ઘટના અંગે મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ તબીબી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલવરમ જિલ્લાના કલેક્ટર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
કલેક્ટર કે. દિનેશકુમારે જણાવ્યા અનુસાર, ગામમાં વિશેષ તબીબી શિબિર ચાલુ રહેશે અને હૉસ્પિટલમાં પણ નિષ્ણાતોની દેખરેખ હેઠળ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે.
આઇટીડીએ પ્રોજેક્ટ ઑફિસર શુભમ નોકવાલે જણાવ્યું હતું કે કાકીનાડા, રાજમહેન્દ્રવરમ, પાડેરુ અને વિજયવાડાથી વિશેષ તબીબી નિષ્ણાતોની ટીમો ભદ્રાચલમ પહોંચી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















