હરદીપસિંહ પુરીની તસવીરને લઈને રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યા આ પ્રશ્નો – ન્યૂઝ અપડેટ

હરદીપસિંહ પુરીની તસવીરને લઈને રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યા આ પ્રશ્નો – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની અમેરિકાના ન્યાય વિભાગની વેબસાઇટ પર જાહેર થયેલી એક તસવીર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની મુંબઈ મુલાકાતને લઈને પ્રતિક્રિયા આપી છે.

કૉંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ ખાનગી મુલાકાતે વિયેતનામ ગયા છે અને તેને લઈને ભાજપ તેમની ટીકા કરી રહી છે.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, "રુબિયો મુંબઈ પહોંચ્યા, યુએસડીઓજે (અમેરિકા ન્યાય વિભાગ)એ ઍપ્સ્ટીન અને પુરીની તસવીર જાહેર કરી. પ્રિય ભાજપ અને આરએસએસ કાર્યકરો, તમને શું લાગે છે, તેઓ કયા દેશવિરોધી ગદ્દારને બ્લૅકમેલ કરી રહ્યા છે?"

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ન્યાય વિભાગની વેબસાઇટ પર એક તસવીર ઉપલબ્ધ છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. આ તસવીરમાં ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રી હરદીપસિંહ પુરી અને જૅફ્રી ઍપ્સ્ટીનને જોઈ શકાય છે. જોકે તસવીર સાથે કોઈ કૅપ્શન આપવામાં આવી નથી અને તેના પ્રકાશનની તારીખ પણ ઉપલબ્ધ નથી.

આ તસવીર સાથે જોડાયેલા આરોપોને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જૅફ્રી ઍપ્સ્ટીન એક અમેરિકન ફાઇનાન્સિયર અને યૌન અપરાધી હતો, જેના પર સગીર યુવતીઓના યૌન શોષણ અને સેક્સ ટ્રાફિકિંગના ગંભીર આરોપો હતા. વર્ષ 2019માં જેલમાં તેની શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ થયું હતું. ગયા જાન્યુઆરીમાં અમેરિકાએ 'ઍપ્સ્ટીન ફાઇલ્સ' જાહેર કરી હતી.

હરદીપસિંહ પુરીની તસવીરને લઈને રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યા આ પ્રશ્નો – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, હરદીપસિંહ પુરીની ફાઇલ તસવીર

ઍપ્સ્ટીનને એકાંતમાં ન મળ્યાના દાવા પર પ્રશ્નો

ઍપ્સ્ટીન મુદ્દે હરદીપસિંહ પુરી અગાઉ એક નિવેદન આપી ચૂક્યા છે. તેમણે મીડિયાને કહ્યું હતું કે તેમની જૅફ્રી ઍપ્સ્ટીન સાથે માત્ર ત્રણ અથવા વધુમાં વધુ ચાર વખત મુલાકાત થઈ હતી. આ મુલાકાતો કોઈ વ્યક્તિગત ક્ષમતામાં નહોતી, પરંતુ ઇન્ટરનૅશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ અથવા આઈસીએમના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે થઈ હતી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ સોમવારે મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ઍક્સ પર ટ્વીટ કરીને હરદીપસિંહ પુરીને પ્રશ્ન પૂછ્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું, "હેલો હરદીપસિંહ પુરી, શું તમે આ રૂમને ઓળખો છો? શું તમારી કહેવાતી 'ડિજિટલ ઇન્ડિયા' સંબંધિત બેઠકો જૅફ્રી ઍપ્સ્ટીન સાથે આ જ રૂમમાં થઈ હતી? તમે દાવો કર્યો હતો કે તમે તેમને ક્યારેય એકાંતમાં મળ્યા નહોતા. થોડી શરમ કરો અને ઓછામાં ઓછું હવે તો કૅબિનેટની બેઠકોમાં હાજરી આપવાનું બંધ કરો."

શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ ઍક્સ પર હરદીપ પુરી સાથે જોડાયેલી તસવીરને લઈને પ્રતિક્રિયા આપી હતી.

તેમણે લખ્યું, "મોદીજી, એક મંત્રી હરદીપ પુરી જૅફ્રી ઍપ્સ્ટીનને એકાંતમાં મળી રહ્યા છે? તેઓ કોનો સંદેશ લઈને મળ્યા હતા? આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થવાનું છે?"

આ પોસ્ટમાં તેમણે આગળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સત્તાવાર હૅન્ડલને ટૅગ કરીને લખ્યું, "રેજીમ ચેન્જ થશે! જય હિંદ!"

નોંધનીય છે કે એક દિવસ પહેલાં દશેરાના અવસરે આરએસએસ મુખ્યાલયમાં મોહન ભાગવતે "રૅજીમ ચેન્જ" અંગે થયેલી કેટલીક ટિપ્પણીઓની ટીકા કરી હતી.

આ મામલે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ પણ ઍક્સ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, "શું પુરીએ એવો દાવો કર્યો નહોતો કે તેમની ઍપ્સ્ટીન સાથે ક્યારેય કોઈ વ્યક્તિગત મુલાકાત થઈ નહોતી?"

આ મામલે એનસીપી (એસપી)ના પ્રવક્તા અનીશ ગવાંડેએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે પ્રશ્ન પૂછ્યો, "આ તસવીરો ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એ સમજાવવું જોઈએ કે તેઓ જૅફ્રી ઍપ્સ્ટીનને શા માટે મળી રહ્યા હતા, ભલે તેઓ રાજદૂત તરીકેની ભૂમિકામાં કેમ ન હોય."

અમેરિકામાં રિફાઇનરીમાં રિલાયન્સના રોકાણ અંગે અમેરિકી રાજદૂતે શું કહ્યું?

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જામનગર મુલાકાતની આ તસવીર ઍક્સ પર પોસ્ટ કરી છે.
ઇમેજ કૅપ્શન, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જામનગર મુલાકાતની આ તસવીર ઍક્સ પર પોસ્ટ કરી છે.

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ બુધવારે ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઑઇલ રિફાઇનરીની મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન રુબિયો સાથે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર રહ્યા હતા. તેમણે ઍક્સ પર મુલાકાતની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ દેખાઈ રહ્યાં છે.

સાથે જ ગોરે પોતાની પોસ્ટમાં લખ્યું, "મને માર્કો રુબિયો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીની મુલાકાત લેવાનું સન્માન મળ્યું. ગયા એક વર્ષમાં ભારતના અમેરિકા પરથી એલપીજી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. તે 10 ટકાથી વધીને 67 ટકા સુધી પહોંચી ગઈ છે."

"આ સાથે અમેરિકા ભારતનો સૌથી મોટો એલપીજી પુરવઠાકર્તા બની ગયો છે. અમેરિકામાં છેલ્લાં 50 વર્ષમાં બનનારી પ્રથમ નવી તેલ રિફાઇનરીમાં રિલાયન્સનું પ્રસ્તાવિત રોકાણ પણ એક મોટી તક છે. તે અમેરિકાના ઊર્જા ઉત્પાદનને વધારવામાં અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદરૂપ થઈ શકે છે."

ઉલ્લેખનીય છે કે ભારતના પશ્ચિમ કિનારે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં રશિયા અને વેનેઝુએલા સહિત અનેક દેશોમાંથી કાચા તેલની આયાત થાય છે. ત્યારબાદ તેનું શુદ્ધિકરણ કરીને તૈયાર ઈંધણ વૈશ્વિક બજારોમાં મોકલવામાં આવે છે.

આ વ્યવસ્થા મધ્યપૂર્વમાં સર્જાતા સંકટોના સમયમાં પણ ઈંધણનો પુરવઠો જાળવી રાખવામાં મદદ કરે છે.

ટ્રમ્પ પ્રશાસન વૈશ્વિક સ્તરે ડીઝલની વધતી કિંમતોને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ઈરાનમાં યુદ્ધ અને હોર્મુઝ જળમાર્ગમાં અવરોધોને કારણે ઈંધણની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે.

આવતા મહિને યોજાનારી અમેરિકાની મિડટર્મ ચૂંટણી પહેલાં ઈંધણની વધતી કિંમતો એક મહત્ત્વપૂર્ણ રાજકીય મુદ્દો બની ગઈ છે.

સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કરવાનો કોર્ટે આપ્યો આદેશ

કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસને બુધવારે અદાલતે જામીન આપી દીધા.
ઇમેજ કૅપ્શન, આશુતોષ રાંકા અને સૌરવ દાસે પોતાની હિરાસત વધવા મામલે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેમને ફરીથી એસઈએમ કોર્ટ જવાનું કહ્યું હતું.

કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસને બુધવારે અદાલતે જામીન આપી દીધા.

બંનેને જંતર-મંતર પર નિષેધાજ્ઞાના ઉલ્લંઘનના આરોપ હેઠળ હિરાસતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને પાંચ દિવસ માટે તિહાર જેલ મોકલવામાં આવ્યા હતા.

પાંચ દિવસ પૂર્ણ થયા બાદ તેમને સ્પેશિયલ ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને જામીન મળ્યા નહોતા.

આ નિર્ણય વિરુદ્ધ બંનેએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, દિલ્હી હાઇકોર્ટે તેમને જામીન માટે ફરીથી એસઈએમ કોર્ટમાં જવાની સૂચના આપી હતી.

બુધવારે એસઈએમે તેમના મુચલકા સ્વીકારી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલાં બંને નેતાઓએ પોતાની ન્યાયિક હિરાસતને પડકારનારી આરજી હાઇકોર્ટમાંથી પરત લઈ લીધી હતી.

દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીની સુનાવણી દરમિયાન અદાલતે રાંકા અને દાસના વકીલોને સલાહ આપી હતી કે તેઓ બુધવારે સ્પેશિયલ ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સામે થનારી સુનાવણીની રાહ જુએ.

જો તેમને ત્યાર પછી પણ ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવે, તો તેઓ સીધા હાઇકોર્ટમાં રિટ અરજી કરવાને બદલે સેશન કોર્ટમાં અપીલ કરી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ વધતા ગ્રૅપ-1 લાગુ, કોને થશે અસર?

21 ઑક્ટોબરે એક્યુઆઈ 244 થતાં ગ્રૅપ-1 લાગુ કરવામાં આવ્યો છે.
ઇમેજ કૅપ્શન, 21 ઑક્ટોબરે એક્યુઆઈ 244 થતાં ગ્રૅપ-1 લાગુ કરવામાં આવ્યો છે.

દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધ્યા બાદ બુધવારે ગ્રૅપ-1 લાગુ કરવામાં આવ્યો છે.

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગના જારી આદેશ મુજબ, 20 ઑક્ટોબરે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 179 હતો, જે 'મૉડરેટ' શ્રેણીમાં આવે છે. પરંતુ માત્ર એક દિવસ બાદ તે વધીને 244 પર પહોંચી ગયો, જેના કારણે હવાની ગુણવત્તા 'પુઅર' શ્રેણીમાં નોંધાઈ છે.

ગ્રૅપનું પ્રથમ ચરણ એક્યુઆઈ 201 થી 300, એટલે કે 'ખરાબ' સ્તર પર પહોંચે ત્યારે લાગુ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે ગ્રૅપનું સંપૂર્ણ નામ 'ગ્રૅડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન' છે. દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે આ તબક્કાવાર આપાતકાલીન પગલાંઓની યોજના છે, જે પ્રદૂષણના સ્તર (એક્યુઆઈ) અનુસાર અમલમાં મૂકવામાં આવે છે. તેને સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ દ્વારા લાગુ કરવામાં આવે છે.

આયોગે એ પણ જણાવ્યું છે કે, 'ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)'ના અંદાજ મુજબ આવનારા દિવસોમાં પણ દિલ્હી-એનસીઆરની વાયુ ગુણવત્તા 'પુઅર' શ્રેણીમાં જ રહી શકે છે.

નોંધનીય છે કે 20 ઑક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં રાવણનાં પૂતળાં દહન કરવામાં આવ્યાં હતાં અને આતશબાજી પણ કરવામાં આવી હતી.

આ બાબતો પર પ્રતિબંધ રહેશે

ગ્રૅપ-1 પ્રદૂષણના પ્રારંભિક સ્તરે અમલમાં મૂકાતી એક પ્રતિરોધાત્મક વ્યવસ્થા છે, જેથી હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાથી રોકી શકાય. તેનો હેતુ પ્રદૂષણને વધતું અટકાવવાનો અને ધૂળ, વાહનો તથા ઔદ્યોગિક સ્ત્રોતોમાંથી થતા ઉત્સર્જનને ઘટાડવાનો છે.

કચરો, પાંદડાં અને અન્ય કચરાને ખુલ્લામાં સળગાવવા પર પ્રતિબંધ.

ઢાબા, રેંકડી અને વ્યાવસાયિક રસોડાંમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ.

ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ, માત્ર આપાતકાલીન પરિસ્થિતિઓમાં છૂટ.

વધુ ધુમાડો છોડતાં વાહનો સામે દંડ અથવા જપ્તીની કાર્યવાહી.

દિલ્હીમાં 10 વર્ષથી જૂનાં ડીઝલ અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનો પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત આજે રશિયન રાષ્ટ્રપતિને મળશે, એજન્ડા શું છે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત આજે રશિયન રાષ્ટ્રપતિને મળશે, એજન્ડા શું છે?
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (ફાઇલ ફોટો)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ બુધવારે સૅન્ટ પીટર્સબર્ગમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરશે.

બંને રશિયા-યુક્રેન વચ્ચે ઘણાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટેના પ્રસ્તાવો અંગે ચર્ચા કરશે.

આ વાતચીત તે મુલાકાતના એક દિવસ બાદ થઈ રહી છે, જેમાં વિટકૉફે નૉર્વેની રાજધાની ઑસ્લોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. એક અમેરિકી અધિકારીએ આ બેઠકને "સકારાત્મક અને રચનાત્મક" ગણાવી હતી.

યુક્રેન અગાઉ અમેરિકા પર ગુપ્તચર માહિતી શૅર કરવામાં સહકાર ન આપવાનો આરોપ મૂકી ચૂક્યું છે. અમેરિકાએ આ આરોપને "આશ્ચર્યજનક" ગણાવ્યો હતો.

મંગળવારે ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયન મિસાઇલ હુમલાઓ સંબંધિત ગુપ્તચર માહિતી અંગે અમેરિકા સાથેનો સહકાર હવે ફરી શરૂ થઈ ગયો છે.

ઝેલેન્સ્કી અને તેમના યુરોપિયન સહયોગીઓનું કહેવું છે કે, હવે તેઓ ઑસ્લોમાં નક્કી કરાયેલા પ્રસ્તાવો પર રશિયાના જવાબની રાહ જોઈ રહ્યા છે.

ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ ઍલેક્ઝાન્ડર સ્ટબ, જે મંગળવારે ઑસ્લોમાં થયેલી ચર્ચામાં હાજર હતા, તેમણે કહ્યું કે, શાંતિ સ્થાપિત કરવા માટેના પ્રસ્તાવો અંગે "વાસ્તવિક પ્રગતિ" થઈ છે. જોકે, તેમણે તેના વિશે વધુ માહિતી આપી નહોતી. તેમણે એ પણ કહ્યું કે, આ પ્રક્રિયામાં ધીરજ રાખવાની જરૂર પડશે.

નોંધપાત્ર વાત એ છે કે, વિટકોફ ચર્ચા બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહ્યા નહોતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જૅરેડ કુશ્નર વીડિયો લિંક મારફતે બેઠકમાં જોડાયા હતા.

પછી એક અમેરિકી અધિકારીએ આ ચર્ચાને "ખૂબ ઉપયોગી અને રચનાત્મક" ગણાવી હતી. તેમણે કહ્યું કે, "આગળનાં પગલાં" અંગે અમેરિકા, યુક્રેન અને યુરોપિયન દેશો વચ્ચે નોંધપાત્ર વ્યવહારૂ સહમતી બની છે.

ભારત સાથેની ટ્રેડ ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે
ઇમેજ કૅપ્શન, અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરારને અંતિમ રૂપ આપવાની ઘણા નજીક છે.

ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઑફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "ભારત કરાર કરવા માગે છે. અમે પણ કરાર કરીશું. અમે તેની ખૂબ નજીક છીએ."

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે હતા.

આ મહિનાની શરૂઆતમાં ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીયર સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારનાં વિવિધ પાસાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકાની ટેરિફ નીતિઓમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે.

ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા

ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા
ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનો પર કોઈ રોક હોવી ન જોઈએ

ભારતમાં તાજેતરમાં થયેલાં વિરોધપ્રદર્શનો સામે પોલીસની સખત કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલય પ્રમાણે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના અધિકારનું સન્માન કરવા, તેમનું રક્ષણ કરવા અને માનવાધિકાર ભંગના મામલામાં ન્યાય કરવાની અપીલ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ સભા પર અયોગ્ય પ્રતિબંધ લગાવવા, વધારે પડતા બળનો ઉપયોગ કરવા, ફાવે તેમ અટકાયત કરવી અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવા જેવા મામલે પહેલાં પણ ચેતવવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે અહેવાલો મુજબ "રેલીમાં સાદા કપડામાં આવેલા પોલીસ કર્મચારીઓએ નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ રાઇટ્સ અને મજૂરોના અધિકારો માટે કામ કરતા 10 કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને 24 કલાક કરતા વધુ સમય સુધી કોઇનો સંપર્ક કરવા દેવાયો ન હતો. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, ધમકાવાયા, દબાણ કરવામાં આવ્યું અને બળજબરીથી નિવેદનો લેવાયાં તેવા આરોપ છે. ત્યાર પછી અદાલતે તેમને મુક્ત કરી દીધા હતા."

એશિયન પૅરા સ્પૉર્ટ્સ 2026માં ભારતે નવ ગોલ્ડ મેડલ જીત્યા

એશિયન પેરા સ્પોર્ટ્સ 2026માં ભારતે નવ સુવર્ણ પદક જીત્યા
ઇમેજ કૅપ્શન, સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટી12 શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત 2026 એશિયન પૅરા ગેમ્સના બીજા દિવસના અંત સુધીમાં ભારતે કુલ 35 મેડલ જીત્યા છે.

તેમાં 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રૉન્ઝ મૅડલ સામેલ છે.

ભારતે પુરુષોના ડિસ્કસ થ્રો (F43/F44/F62/F64 શ્રેણીઓ)માં ક્લીન સ્વિપ કર્યું છે. દેવેન્દ્રકુમારે ગોલ્ડ, રાકેશે સિલ્વર અને પ્રદીપકુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

પૅરા ઍથ્લેટિક્સમાં સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટી12 શ્રેણીમાં 24.80 સેકન્ડના રેકૉર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

તેમની સાથે જ પ્રીતિ પૉલ, મનીષ નરવાલ અને પૅરા પાવરલિફ્ટર અશોકકુમાર મલિકે પણ સિલ્વર મેડલ જીત્યા છે.

હોકાટો હોટોજે, પ્રવીણ શર્મા, આયુષ વર્મા અને નિરંજન મુકુંદને બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. ભારતીય ઍથ્લીટ્સે પેરા ટેબલ ટેનિસ અને શૂટિંગમાં પણ પદક મેળવ્યા છે.

મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને છે, જ્યારે ચીન 149 મેડલ સાથે ટોચ પર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન