આશા ભોંસલેનું અવસાન: જીદ અને ટૅલેન્ટના બળે પોતાનાં જ બહેન લતા મંગેશકરના સિંહાસનને ટક્કર આપી

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, યાસિર ઉસ્માન
- પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી હિંદી માટે
- વાંચવાનો સમય: 10 મિનિટ
વિખ્યાત ગાયિકા આશા ભોસલેનું રવિવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ ખાતે અવસાન થયું છે.
હૉસ્પિટલના તબીબોએ બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. આશા ભોંસલેને કાર્ડિયાક અરૅસ્ટ આવ્યા બાદ શનિવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
'નયા દૌર'થી લઈને 'તીસરી મંઝિલ', 'હરે રામા હરે કૃષ્ણા'થી માંડીને 'ઉમરાવ જાન' અને 'ઇજાજત'થી થઈને 'રંગીલા' સુધી....સમય બદલ્યો, પરિદૃશ્ય બદલ્યું, પેઢીઓ બદલી, પડદા ઉપરની નાયિકાઓ બદલાઈ, પરંતુ આશા ભોંસલેનો અવાજ હંમેશાં જવાન રહ્યો.
અવાજમાં નટખટતા અને રમતિયાળ ગીતોની ચર્ચા તો થાય છે, પરંતુ તેમના લાંબા અને કપરા સંઘર્ષની વાત બહુ થોડી થાય છે.
સત્ય તો એ છે કે પોતાની વિલક્ષણ પ્રતિભા હોવા છતાં, આશા ભોંસલેએ 'બીજા નંબર'થી જ સંતોષ માનવો પડ્યો, કારણ કે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'અવ્વલ નંબર' ઉપર તેમનાં જ મોટાં બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકર હતાં.
હિંદી પ્લૅબૅક સિંગિંગના ક્ષિતિજ ઉપર જ્યારે લતા મંગેશકરનું નામ સૂરજની જેમ ચમકી રહ્યું હતું, એવા સમયે આશા ભોંસલેમાં અલગ ચીલો ચાતરવાની જીદ હતી.
એ સમયે આ વાત અશક્ય જેવી લાગતી, પરંતુ પોતાની જીદ અને અજોડ પ્રતિભાના સહારે આશા તેમનાં મોટાં બહેનની આભામાંથી બહાર આવ્યાં અને સંગીતની ક્ષિતિજ ઉપર પોતાનું સ્થાન પાક્કું કર્યું.
આશા ભોંસલેનો વારસો અને સંઘર્ષની શરૂઆત

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આશા ભોંસેલના પિતા દીનાનાથ મંગેશકર શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા અને મરાઠી રંગમંચની સન્માનિત વ્યક્તિ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે લતા, મીના, આશા, ઉષા અને દીકરા હૃદયનાથનો સૂરો અને સરગમ સાથેનો નાતો બાળપણથી જોડાય ગયો હતો.
આશા જ્યારે નવ વર્ષનાં હતાં, ત્યારે પિતા દીનાનાથનું નિધન થયું.
પિતાના નિધન બાદ મંગેશકર પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધી. એટલે મંગેશકર પરિવાર પુણે અને કોલ્હાપુર થઈને વર્ષ 1945માં બૉમ્બે (હાલનું મુંબઈ) આવી ગયો.
14 વર્ષની ઉંમરે લતાએ સમગ્ર પરિવારની જવાબદારી ઊઠાવી લીધી અને ફિલ્મ દુનિયાના મુશ્કેલ માર્ગે ચાલવાનું શરૂ કર્યું.
વર્ષ 1948માં ફિલ્મ 'ચુનરિયા' દ્વારા આશાએ પાર્શ્વગાયનની દુનિયામાં ડગ માંડ્યાં. તેમણે ગીતા દત્ત અને શમશાદ બેગમની સાથે પોતાનું પહેલું ગીત 'સાવન આયા રે...' ગાયું.
વર્ષ 1949માં ફિલ્મ 'રાત કી રાની'માં આશાને પહેલું સોલો (એકલ) ગીત મળ્યું. આ વર્ષે લતાની કૅરિયરમાં પણ મોટો વળાંક આવ્યો.
ફિલ્મ 'મહેલ'નાં ગીત 'આયેગા આનેવાલા...'એ લતા મંગેશકરને રાતોરાત શિખર ઉપર પહોંચાડી દીધાં અને એ પછી તેમની આગેકૂચ યથાવત્ રહી.
નૌશાદ, સી. રામચંદ્ર, શંકર જયકિશન અને એસડી બર્મન જેવા દિગ્ગજ કલાકારો માટે લતા મંગેશકર પહેલી પસંદ બની ગયાં હતાં.
લતાનું કદ અને આશાનો સંઘર્ષ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંદી પાર્શ્વગાયન ક્ષેત્રે લતા એકાધિકાર સ્થાપી રહ્યાં હતાં. બીજી બાજુ, તનતોડ મહેનત કરવા છતાં આશાને પોતાનું સ્થાન નહોતું મળી રહ્યું.
એ સમયગાળા દરમિયાન આશાને મોટાભાગે બી-ગ્રેડ અથવા ઓછા બજેટવાળી ફિલ્મોમાં જ ગાવાની તક મળતી હતી.
એસ. આર. કુરૈશી, સજ્જાદ હુસૈન અને સરદાર મલિક જેવા સંગીતકારો સાથે આશા કામ કરી રહ્યાં હતાં, પરંતુ મોટા સંગીતકાર અને મોટા બેનરની ફિલ્મો હજુ તેમની પહોંચથી દૂર હતા.
આશા ભોંસલેનું જીવનચરિત્ર લખનારા ફિલ્મ ઇતિહાસકાર રાજૂ ભારતને આશા ભોંસલેના પ્રારંભિક દિવસોને યાદ કરતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "પ્રારંભિક દિવસો દરમિયાન આશા માત્ર 'સ્ટ્રગલર' હતાં, તેમને કોઈ 'કરિશ્મા' તરીકે નહોતું જોતું. મેં તેમને કામ માટે સંઘર્ષ કરતાં જોયાં છે. જો કોઈ નિર્માતા લતાને ન લઈ શકે, તો તેમની પસંદ ગીતા દત્ત કે શમશાદ બેગમ રહેતાં."
"એ લિસ્ટમાં આશાનું નામ ક્યાંય નહોતું આવતું. એટલે આશાને જે કંઈ મળતું, તેઓ ગાતાં હતાં. આશાની એક સમસ્યા 'મરાઠી-મિશ્રિત હિંદી' અને તેમના 'ઉચ્ચારણ' પણ હતા."
"બહેન લતાની જેમ આશાએ પોતાની ઉર્દૂ સુધારવા માટે એટલું કામ નહોતું કર્યું. આ સિવાય આશાનું વ્યક્તિગત અને લગ્નજીવન પણ ખૂબ જ ચઢાવ-ઉતાર અને મુશ્કેલીઓ ભરેલું રહ્યું."

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA
એક ઘટનાનો ઉલ્લેખ રાજુ ભારતને કર્યો હતો. એ સમયે આશા માત્ર સોળ વર્ષનાં હતાં, ઘરમાંથી ભાગી જઈને આશાએ 31 વર્ષના ગણપતરાવ ભોંસેલે સાથે લગ્ન કરી લીધાં.
પરિવારની મરજીની વિરુદ્ધ જઈને આશાએ આ પગલું લીધું, જેણે લતા અને આશાની વચ્ચે પહેલી ખાઈ ઊભી કરી, જે વર્ષો સુધી નહોતી ભરાઈ.
આશા ભોંસલેએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું હતું, "લતાદીદી આ લગ્નનાં ભારે વિરોધી હતાં. એક એવો સમય આવ્યો કે જ્યારે અમારા સંબંધ ખૂબ જ કડવા થઈ ગયા અને વર્ષો સુધી અમારી વચ્ચે અબોલા રહ્યા."
ગણપતરાવ ભોંસલે સાથેનું લગ્નજીવન આશાનાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનની મુશ્કેલીઓ કરતાં ઓછું ન હતું, પણ બહાર કોઈને આ વાતનો અણસાર સુદ્ધા ન આવતો.
તણાવ અને ઊથલપાથલભર્યાં વર્ષો દરમિયાન આશાની કારકિર્દીમાં ખાસ કોઈ પ્રગતિ ન થઈ. જ્યારે આ વર્ષો દરમિયાન લતા સફળતાનાં શિખરે પહોંચી ગયાં હતાં.
ઓપી નૈયર અને એસડી બર્મનનો સાથ

ઇમેજ સ્રોત, PUNNET KUMAR
બિમલ રૉયની 'પરિણીતા' (1953) અને રાજ કપૂરની ફિલ્મ 'બૂટ પૉલિશ'નાં ગીતો દ્વારા આશાના કૅરિયરનો શરૂઆતનો પાયો મજબૂત બન્યો.
સંગીતકાર ઓ.પી. નૈયર સાથેની મુલાકાત બાદ આશાનાં જીવનમાં નવો વળાંક આવ્યો. નૈયર માનતા હતા કે તેઓ લતા વિના સુપરહિટ ગાયનો આપી શકાય છે. લતા પણ તેમની સાથે કામ નહોતાં કરતાં.
શરૂઆતનાં વર્ષો દરમિયાન ગીતા દત્ત જ સંગીતકાર નૈયરની પહેલી પસંદ હતાં. જોકે, ફિલ્મ 'સી.આઈ.ડી.' પછી નૈયરના સંગીતમાં આશાએ સ્થાન લીધું.
નૈયરે આશાના નીચેના સૂરોની ઊંડાઈને પારખી અને 'નયા દૌર' (1957) દ્વારા ઇતિહાસ રચી નાખ્યો. 'ઉડે જબ-જબ ઝુલ્ફેં તેરી...' અને 'માંગ કે સાથ તુમ્હારા....' જેવા ગીતો દ્વારા આશા પહેલી વખત ફિલ્મની મુખ્ય અભિનેત્રીનો અવાજ બન્યા. આ સાથે જ આશાને બી. આર. ચોપડા જેવા મોટા મોટા કૅમ્પમાં સ્થાન મળ્યું.
વર્ષ 1957માં સંગીતકાર એસડી બર્મન અને લતા મંગેશકર વચ્ચે મતભેદ થયા, જેના કારણે આશા માટે સફળતાના નવા દરવાજા ખૂલ્લી ગયા. આગામી પાંચ વર્ષ સુધી એસડી બર્મને લતા સાથે કામ ન કર્યું. ત્યારે આશા તેમના મુખ્ય ગાયિકા બની રહ્યાં.
ફિલ્મી વર્તુળો અને પત્રિકાઓમાં એ સમયગાળા દરમિયાન વ્યાપક ચર્ચા હતી કે આ વાતથી પણ લતા તેમનાં બહેન આશાથી ખૂબ જ નારાજ છે. જોકે, આ પાંચ વર્ષના ગાળામાં આશાએ પોતાની પ્રતિભાને પ્રસ્થાપિત કરી દીધી હતી.
એસડી બર્મન, કિશોર કુમાર, આશા ભોસલે તથા ગીતકાર મજરૂહ સુલતાનપુરીની ચોકડીએ હળવા અને રમતિયાળ ગીતોનો નવો યુગ શરૂ કર્યો.
'હાલ કૈસા હૈ જનાબ કા...' (ચલતી કા નામ ગાડી), 'આંખો મેં ક્યા જી...' અને 'છોડ દો આંચલ...' (પેઇંગ ગેસ્ટ) તથા 'દીવાના મસ્તાના હુઆ દિલ' (બંબઈ કા બાબૂ) જેવા યાદગાર ગીતો આજે પણ લોકોને યાદ છે.
આશાના અવાજની ઊંડાઈને એસડી બર્મને કંડારી. ફિલ્મ 'કાલા પાની'માં 'અચ્છા જી મેં હારી...' જેવું મસ્તીવાળું રૉમેન્ટિગ ગીત હતું અને 'નજર લાગી રાજા તોરે બંગલે પર.....' જેવું ઠુમરીના અંદાજવાળું ગીત પણ હતું.
બીજી બાજુ, 'સુજાતા' અને 'લાજવંતી' જેવી ફિલ્મોમાં આશા પાસે ખૂબ જ ધીરગંભીર ગીતો ગવડાવીને સાબિત કરી દીધું કે આશા તમામ રંગોમાં નિપુણતા ધરાવે છે.
નૈયર સાથે નિકટતા અને નવી ઓળખ

ઇમેજ સ્રોત, SIRAJ KHAN
નૈયર અને બર્મન સાથેનો આ સમય આશા માટે કામ માત્રનો ન હતો. આ સમય પોતાની આગવી ઓળખને કંડારવાનો પણ હતો. આશા સામેની ચમકની પાછળ વ્યક્તિગત અંધકાર પણ હતો.
1960માં આશાનું લગ્નજીવન એક દુખદ વળાંક ઉપર તૂટ્યું. એ સમયે તેઓ ત્રણ સંતાનોનાં માતા હતાં.
આ ગાળામાં આશા અને સંગીતકાર ઓ.પી. નૈયર વચ્ચેની નિકટતા વધી, જેણે ફિલ્મી વર્તુળોમાં હલચલ પેદા કરી દીધી.
આશા અને નૈયરના રસ્તા અલગ-અલગ હતા, એટલે જ્યારે નૈયર અને આશાની વચ્ચે નિકટતા વધી, ત્યારે બંને બહેનો વચ્ચેની કડવાશ પણ વધી જવા પામી. જોકે, કૅરિયરની દૃષ્ટિએ આશા માટે આ સારો સમય સાબિત થયો.
આ જોડીએ હિંદી ફિલ્મ સંગીતને 'આઇયેં મહેરબાન....' (હાવડા બ્રિજ), 'આઓ હુજુર તુમકો...' અને 'કજરા મોહબ્બત વાલા' (કિસ્મત) તથા 'યે હૈ રેશ્મી ઝુલ્ફો કા અંધેરા' (મેરે સનમ) જેવા કાળજયી ગીતો આપ્યાં.
લતા મંગેશકરના પડછાયામાંથી બહાર કાઢીને આશાને 'બૉલ્ડ' તથા અલગ અંદાજવાળાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત કરવાનો ખરો શ્રેય ઓ.પી. નૈયરને જાય છે.
આશા ભોંસલેએ ઓ.પી. નૈયરની સાથે મળીને 60 ફિલ્મમાં 324 ગીત આપ્યાં. મતલબ કે દરેક ફિલ્મમાં સરેરાશ પાંચથી વધુ ગીત.
બે બહેન, બે પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આશાનાં સફળ ગીતોની યાદી લંબાઈ રહી હતી. આશાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાને પ્રસ્થિપાત કરી લીધાં હતાં, આમ છતાં હિંદી પ્લૅબૅક સિંગિંગની દુનિયા ઉપર લતા મંગેશકરનું એકચક્રી શાસન હતું.
આશાનું જીવનચરિત્ર લખનારા રાજૂ ભારતાન કહે છે કે 1950 અને '60ના દાયકા દરમિયાન સંગીતની દુનિયામાં લતાનો દબદબો હતો. તેઓ એક ગીત ગાવા માટે રૂ. 500 લેતાં, જ્યારે આશાએ રૂ. 100-150થી સંતોષ માનવો પડતો.
લતા પાસે કોનું ગીત ગાવું તથા કોના માટે, તે પસંદ કરવાની સ્વતંત્રતા હતી, જોકે, આશા પાસે આવો કોઈ વિકલ્પ ન હતો. આશાને આ ભેદભાવ અંદરખાને ડંખતો.
બહેનની અવગણના અને ટેકાના અભાવે તેમની વચ્ચેનું અંતર વધતું ગયું. આશાએ આ બાબતને પડકાર તરીકે લીધી અને પોતાને ખુદના જોરે સાબિત કરી દેખાડવાનો નિર્ધાર કર્યો.
બંને બહેનો વચ્ચેના પરસ્પરના ટકરાવ અને ઇર્ષ્યાની ગૂંજ રૂપેરી પડદે પણ સાંભળવા મળી.
એવું માનવામાં આવે છે કે દિગ્દર્શિકા સઈ પરાંજપેની ફિલ્મ 'સાઝ'એ (1997) બે બહેનોની આ કહાણીને રૂપેરી પડદે ઉતારી.
પંચમ અને આશા

ઇમેજ સ્રોત, Pancham Unmixed
આશા જ્યારે સચીન દેવ બર્મન સાથે કામ કરી રહ્યાં હતાં, ત્યારે તેમની મુલાકાત એસડી બર્મનના દીકરા રાહુલ દેવ બર્મન સાથે થઈ.
ઉંમરમાં નાના એવા આરડી બર્મન 'પંચમ' પોતાના પિતાના વારસાની વચ્ચે પોતાના માટે રસ્તો શોધી રહ્યા હતા.
એ સમયે કોઈને અંદાજ પણ નહીં હોય કે વર્ષો પછી આ જોડી સુરીલાં ગીતોનો નવો ઇતિહાસ રચી દેશે.
1966માં નાસિર હુસૈનની ફિલ્મ 'તીસરી મંઝિલ' આવી, આ સાથે જ આરડી અને આશાની વચ્ચે વ્યવસાયિક સંબંધ પ્રસ્થાપિત થયો. જેણે સર્જનાત્મક અને હળવા રૉમેન્ટિક જોડીનો પાયો નાખ્યો. આ જોડીએ હિંદી ફિલ્મ સંગીતની તાસીર બદલી નાખી.
એક તરફ 'ઓ મેરે સોના રે...'માં રૉમેન્ટિક મધૂરતા હતી, તો બીજી તરફ 'ઓ હસીના ઝુલ્ફોં વાલી...'માં તોફાની લય હતો. આશાએ પોતાના શ્વાસ ઉપર જાદુઈ નિયંત્રણ દાખવ્યું અને તેને સૂરમાં ઢાળ્યો. આ ગીત સાંભળીને બધા ચકિત થઈ ગયા.
પંચમ હિંદી ફિલ્મ સંગીતમાં જાઝ, ફંક, કૅબરે, રૉક-ઍન-રૉલ અજમાવવા માંગતા હતા. આ માટે તેમને જોખમ લઈ શકે તેવા લવચીક અવાજની જરૂર હતી. આ અવાજ આશા બન્યાં.
પંચમે પોતાના સંગીતમાં પશ્ચિમી મિજાજ વણ્યો, તો આશાના અવાજે એ સંગીતમાં બિન્દાસતા અને મુક્ત વિચારના રંગ પૂર્યા.
પંચમની નજર માત્ર ધમાલિયા સંગીત પૂરતી મર્યાદિત ન હતી, તેમણે આશાના અવાજના વિસ્તારને પણ પારખ્યો. આશાનો એ અવાજ 'સાંભળ્યો-ન સાંભળ્યો' કરી નાખ્યો હતો.
'પિયા તુ અબ તો આજા...' (કારવા) તથા 'દમ મારો દમ'એ (હરે રામા હરે કૃષ્ણા) આશાને 'કૅબરે ક્વીન' અને આધુનિક 'વૅસ્ટર્ન વાઇબ' વાળાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત કરી દીધાં.
બીજી બાજુ, 'ઇજાજત'માં (1987) આ જોડીએ 'મેરા કુછ સામાન...' તથા 'ખાલી હાથ શામ આઈ હૈ...' જેવા ગીતો દ્વારા સબિત કરી આપ્યું કે તેઓ કવિતાનાં દર્દને કેટલી સૌમ્યતાથી વર્ણવી શકે છે.
ખાસ કરીને 'મેરા કુછ સામાન....' જેવા ગદ્ય-સમાન ગીતને આશાએ કોઈપણ જાતની પૂર્વનિર્ધારિત લય વગર જે રીતે ગાયું, તે આજે પણ ગાયન શીખવા માટે સ્કૂલ સમાન માનવામાં આવે છે.
પંચમ સાથેની જુગલબંધીમાં આશાએ પોતાને દરેક બીબાંમાં ઢાળ્યાં, ચાહે તે કૅબરેની મસ્તી હોય, ગઝલનો અટકાવ કે શાસ્ત્રીય ધૂનોની જટિલતા. આશાએ અવાજના રંગ બદલવાની ક્ષમતાને સંગીતની દુનિયામાં સાબિત કરી.
જ્યારે આશા બન્યાં 'ઉમરાવ જાન'

ઇમેજ સ્રોત, UMRAO JAAN
આશાની કૅરિયરમાં એક પડકાર આવ્યો, જેણે આશાના અવાજનો કાયાકલ્પ કરી નાખ્યો અને તેમને ગાયિકામાંથી દંતકથારૂપ બનાવી દીધાં.
એ સમયે હિંદી ફિલ્મોમાં ગઝલનો અર્થ એટલે માત્ર લતા મંગેશકર એવો થતો.
સંગીતકાર ખય્યામે ફિલ્મ 'પાકિઝા'નું સંગીત આપ્યું હતું. એ પછી તેઓ મુઝ્ઝફર અલીની ફિલ્મ 'ઉમરાવ જાન' માટે સંગીત આપી રહ્યા હતા.
ખય્યામ સામે 'પાકિઝા'ના વારસાને આગળ ધપાવવાનો તથા પોતાની જ લીટી લંબાવવાનો પડકાર હતો. આ તબક્કે ખય્યામે એક સાહસપૂર્ણ નિર્ણય લીધો.
તેમણે આશા ભોંસલેને પસંદ કર્યા, સાથે જ કડક શરત મૂકી: "અમને ગીતોમાં 'આશા' નથી જોઈતી."
આનો સ્પષ્ટ અર્થ એ હતો કે આશાએ તેમની આગવી ઓળખ સમાન મસ્તીભરી ગાયકી છોડીને શાંત અને સૌમ્ય શાસ્ત્રીય ગાયકીને અપનાવવી પડશે.
ખય્યામ ઇચ્છતા હતા કે આશા પોતાના અવાજને દોઢ સૂર (સ્કેલ) નીચે લઈ જાય. આશા માટે આટલા નીચા સૂરે ગાવું એ નવો અને ડરામણો અનુભવ હતો.
આશા ભોંસલેએ આઠ દિવસ રિયાઝ કર્યો, એ પછી રેકૉર્ડિંગ શરૂ થયું. એક તબક્કે આશાની હિંમત જવાબ દઈ ગઈ. તેમને લાગતું હતું કે તેઓ ગાઈ નહીં શકે.
પરંતુ જ્યારે રેકૉર્ડિંગ પૂરું થયું અને આશાએ પોતાને જ સાંભળ્યાં, ત્યારે તેઓ પણ ચકિત થઈ ગયાં.
'દિલ ચીઝ ક્યા હૈ...', 'ઇન આંખો કી મસ્તી કે...' તથા 'યે ક્યા જગહ હૈ દોસ્તો...' જેવી કાલજયી ગઝલોએ વિશ્વને આશાના અવાજના મખમલી અને ગંભીર પાસાને દેખાડ્યો. લોકો હજુ સુધી તેનાથી અજાણ હતા.
તેનું પરિણામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ફિલ્મ 'ઉમરાવ જાન' માટે ખય્યામ તથા આશા ભોસલે બંનેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
વર્ષનું પૈડું ફરતું રહ્યું અને સંગીતના વાદ્યો બદલાતાં રહ્યાં. જોકે, આશાના અવાજની ઊર્જા જળવાય રહી.
એ પછીના વર્ષો દરમિયાન એઆર રહમાન સાથે આશાએ 'રંગીલા', 'લગાન' અને 'તાલ' જેવી ફિલ્મો દ્વારા ફરીથી સાબિત કરી આપ્યું કે તેમના અવાજ ઉપર ઉંમરની અસર નથી.
જૂના ગાયક સંગીતનાં બદલાતાં સ્વરૂપ અને રિમિક્સથી નારાજ થઈ જતાં, એવામાં આશાએ ખુલ્લા દિલે નવા સમયનું સ્વાગત કર્યું. તેમણે પોતાના જૂના ગીતોનું રિમિક્સ આલ્બમ બહાર પાડ્યું અને નવી પેઢીને એ જાદુઈ સંગીતનો રસાસ્વાદ કરાવ્યો.
આશાની લાંબી સફર કાંટાળી રહી. પોતાની જ બહેનની વિશાળા આભામાંથી બહાર નીકળવાનો સંઘર્ષ. છેવટે આશાની જીદ જીતી.
આશાએ વિશ્વને દેખાડી દીધું કે તેઓ દરેક અવાજમાં ઢળી જાય તેવા કલાકાર છે. એક એવો અવાજ, જે ગઈકાલે યુવાન હતો, જેનો રૉમાન્સના દરેક કાલખંડમાં આત્માને સ્પર્શશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































