ગુજરાતમાં પાંચ વર્ષમાં ખેતીયોગ્ય જમીન 2.28 લાખ હેક્ટરનો ઘટી, શું છે સંભવિત કારણો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આજકાલ ખેડૂતો અને ખેતી, આ બે મુદ્દા વારંવાર ચર્ચામાં આવી રહ્યા છે.

ક્યારેક અનિયમિત વરસાદથી રાજ્યમાં ખેતીને થયેલ અસર તો ક્યારેક પોતાની માગો સાથે રસ્તા પર ઊતરતા ખેડૂતો આ મુદ્દાના જાણે વાહક બની રહ્યા છે.

પરંતુ લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલી ગુજરાતમાં ખેતીને લગતી વધુ એક માહિતી ને જાણકારો 'ચિંતાજનક' ગણાવી રહ્યા છે.

આ માહિતી છે રાજ્યમાં ખેતીલાયક જમીનમાં વર્ષ 2020થી વર્ષ 2024-25 સુધીનાં પાંચ વર્ષ દરમિયાન થયેલા ઘટાડાના તાજેતરમાં લોકસભામાં પ્રશ્ન પુછાયા બાદ જાહેર કરાયેલા આંકડા.

આ આંકડા અંગે વાત કરીએ તો રાજ્યમાં 2020-21ની સરખામણીમાં રાજ્યમાં રહેલી કુલ ખેતીલાયક જમીનના વિસ્તારમાં વર્ષ 2024-25 સુધી 2,28,000 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે.

લોકસભામાં ચોમાસું-સત્ર દરમિયાન ગત 11 ઑગસ્ટના રોજ જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ સુનીલકુમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ આ જવાબ લોકસભામાં રજૂ કર્યો હતો.

આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાતા સ્ટેટિસ્ટિકલ ઍબ્સ્ટ્રેક્ટ ઑફ ગુજરાત સ્ટેટ 2024 રિપોર્ટ અનુસાર વર્ષ 2018-19ના પ્રાથમિક આંકડા મુજબ રાજ્યમાં કાયમી ગોચર માટેની જમીન 8,03,400 હેક્ટર હતી, જે ઘટીને વર્ષ 2022-23ના પ્રોવિઝનલ આંકડા પ્રમાણે ઘટીને 7,86,800 હેક્ટર રહી ગઈ હતી.

આમ, લેટેસ્ટ સરકારી આંકડા પ્રમાણે પાંચ વર્ષોમાં 16,600 હેક્ટર જમીન ઘટી છે.

બીબીસી ગુજરાતીએ આ આંકડા ગુજરાતમાં ખેતી અને પશુપાલનની સ્થિતિ અંગે શું જણાવે છે એ અંગે જાણવા માટે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

તેમજ આ સ્થિતિ પાછળનાં કારણો અંગે જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ખેતીયોગ્ય જમીનના પ્રમાણમાં ઘટાડો શું સૂચવે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારમાંથી સંયુક્ત ખેતી નિયામક પદેથી નિવૃત્ત થયેલા મધુભાઈ ધોરાજિયા ગુજરાતમાં ખેતીયોગ્ય જમીનમાં આવેલા ઘટાડા અંગે વાત કરતાં કહે છે કે, "એક દૃષ્ટિએ જોવામાં આવે તો આ આંકડા રાજ્યમાં ઔદ્યોગિકીકરણની ગતિમાં વધારો અને ખેતીની પ્રવૃત્તિનો જોઈએ તેટલો વિકાસ ન થવાનું વલણ સૂચવે છે."

"જેના કારણે ઉદ્યોગપતિઓ તો વધે, પરંતુ ખેડૂતો ઘટતા જાય. આ ઉપરાંત આ આંકડા રાજ્યમાં ખેતીને લગતી પ્રવૃત્તિઓથી ખેડૂતો અને તેમના પરિવાર ધીરે ધીરે દૂર થતા જઈ રહ્યા હોવાનું વલણ પણ જોવા મળે છે."

મધુભાઈ ધોરાજિયા આગળ કહે છે, "આ સિવાય આ આંકડા ગામડાંમાંથી શહેરો તરફના સ્થળાંતરનું વલણ પણ સૂચવે છે. "

"આ ઉપરાંત આ આંકડા ખેડૂતોની આવક નહીં, પરંતુ દેવું વધી રહ્યું હોવાની સંભાવના વ્યક્ત કરે છે."

"ખેડૂતોની આવકની વાત કરીએ તો રાજ્યમાં ખેડૂતોની આવક જોઈએ તેવી ગતિથી ન વધી હોવાની વાતની ઝલક પણ અહીં દેખાય છે."

"આ ઉપરાંત ખેતી કેટલીક વખત ખેડૂતો માટે 'ખોટનો સોદો' સાબિત થતી હોવાની પણ અહીં જોવા મળે છે."

બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૃષિ નિષ્ણાત વિશાલ કુંડલિયા 2015થી 2022 સુધી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રિસર્ચ ઍસોસિયેટ રહી ચૂક્યા છે, તેઓ કહે છે કે, "આ આંકડા સૂચવે છે કે ગુજરાતમાં ખેતીના વ્યવસાયને રોજગારી રળવા માટેનું સાધન બનાવવા માટેની અનિચ્છાનું વલણ વધતું જઈ રહ્યું છે."

"આ ઉપરાંત એક સ્થળાંતર તરફી વલણ પણ વધતું જઈ રહ્યું હોવાની વાત અહીં દેખાય છે."

"ગામડાના ખેડૂતમાં મોટા ભાગે પોતાનાં સંતાન પણ ખેતીના વ્યવસાયમાં જ જોડાય એવી પ્રાથમિકતા ઓછી થતી જઈ રહી હોવાનું વલણ દેખાઈ રહ્યું છે."

તેઓ ગુજરાતમાં ખેતીયોગ્ય જમીનનું પ્રમાણ ઘટવા પાછળનાં કારણોની છણાવટ કરતાં કહે છે, "ગુજરાતમાં ખેતી હજુ પણ કુદરત આધારિત છે અને તેમાં આવક કે અન્ય જાતની કોઈ નિશ્ચિતતાઓ નથી, જેથી ઘણા ખેડૂતના દીકરા માટે પણ ખેતી એટલો આકર્ષક વિકલ્પ નથી રહી. જેનું પ્રતિબિંબ ખેતીયોગ્ય જમીનના પ્રમાણમાં હવે દેખાવા લાગ્યું છે."

ધોરાજિયા કહે છે, "રાજ્યમાં શહેરોની આસાપાસની ખેતીયોગ્ય જમીનોનો ઝડપથી આવાસીય અને ઉદ્યોગ-વેપાર અર્થે 'બિનખેતીની જમીન' તરીકે હેતુફેર થવું એ કારણ જવાબદાર છે."

"એ સિવાય ઘણી ખરી ખેતીયોગ્ય જમીન રોડ-રસ્તાના બનાવવા માટેના કામ માટે પણ ઉપયોગમાં લેવાઈ છે."

"આ ઉપરાંત ગુજરાતમાં ધોલેરાથી શરૂ કરીને છેક ભાવનગર સુધીનો એક મોટો વિસ્તાર જેમાં પહેલાં ખેતી થતી તે હવે મીઠાના અગરોમાં ફેરવાઈ ગયો છે."

"આ લગભગ 50-60 હજાર હેક્ટર જેટલો વિસ્તાર હતો. આ ફેરફારને કારણે સમુદ્રનાં પાણી અંદર આવતાં આ વિસ્તારની આસપાસની જમીનોનાં પાણીનાં તળ પણ ખારા થઈ ગયાં."

ધોરાજિયા આગળ કહે છે કે, "આ ઉપરાંત કચ્છમાં પણ મોટા પાયે સોલાર ફાર્મ અને ઔદ્યોગિકીકરણે ગતિ પકડી છે, જેના કારણે ત્યાં ખેતી હેઠળની જમીનો ઓછી થઈ છે."

કાયમી ગોચરની જમીનમાં થયેલા આ ઘટાડા અને સમાજ પર તેની અસરો અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પશુપાલન નિષ્ણાત સાથે વાત કરી હતી.

સ્વાવલંબી સમાજના સશક્તીકરણ માટે કામ કરતી સંસ્થા સહજીવનના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશભાઈ ભટ્ટીએ રાજ્યમાં ઘટતી જતી ગોચરની જમીનના આંકડા અંગે કહ્યું કે, "આનાં ચોક્કસ પરિણામો અને કારણો છે. ગોચરની જમીન મર્યાદિત થવાને કારણે પશુપાલનની પ્રવૃત્તિથી મળતી દૂધ સહિતની પેદાશોના જથ્થામાં પાછલાં અમુક વર્ષોથી વધારો થયો નથી."

"કચ્છ એ બાબતનું સારું ઉદાહરણ છે. આવું થાય તો પશુપાલન પર નભતા લોકો અને પશુઓની સંખ્યા ઘટવાનો પણ ભય રહે છે. આ વલણ કેટલીક જગ્યાએ જોવા પણ મળ્યું છે."

તેઓ આનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "રાજ્યમાં કચ્છ સહિત ઘણાં સ્થળે વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે અને ઉદ્યોગો માટે ઘણી જમીનો ફાળવાઈ છે, જેની સીધી અસર ગોચર અને પશુપાલન પર પડી છે, આ ઉપરાંત પહેલાં માલધારીઓ જંગલની જમીન સહિતની જમીનો પર પોતાનાં પશુઓને ચરાવવા લઈ જતા, પરંતુ હવે જંગલમાં મોટા ભાગની જમીનો સંરક્ષિત કૅટેગરીમાં મૂકી દેવાતાં આ પ્રવૃત્તિ લગભગ બંધ થઈ ગઈ છે, એક તરફ ગોચરમાં ઘટાડો અને બીજી તરફ જંગલ સહિતની જમીનો પરનાં નિયંત્રણ અને સરકારી-ઔદ્યોગિક પ્રોજેક્ટોને કારણે સમસ્યા હાલ વિકટ બની છે."

આંકડામાં બીજું શું શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભામાં રજૂ થયેલા આ આંકડાની વધુ વાત કરવામાં આવે તો વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2024-25માં સમગ્ર ભારતમાં ખેતીયોગ્ય જમીનના પ્રમાણમાં 8 .38 લાખ હેક્ટર જેટલો ઘટાડો થયો છે.

જેમાં ગુજરાત સૌથી વધુ ઘટાડો થયેલાં રાજ્યોની યાદીમાં ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં આ પાંચ વર્ષોમાં 2.93 લાખ હેક્ટર ખેતીયોગ્ય જમીન ઘટી છે, જ્યારે ગુજરાત બાદ ત્રીજા ક્રમે 2.23 લાખ હેક્ટર જમીન સાથે મણિપુર છે.

તેમજ મિઝોરમમાં 2.02 લાખ હેક્ટર જમીન ઘટી છે અને મહારાષ્ટ્રમાં 1.38 લાખ હેક્ટર જમીન ઘટી છે. મિઝોરમ અને મહારાષ્ટ્ર આ યાદીમાં અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.

બીબીસી ગુજરાતીએ આ અહેવાલમાં નિષ્ણાતોએ વ્યક્ત કરેલાં મત અને ચિંતાઓ સામે સરકારનો પક્ષ જાણવા માટે ગુજરાત સરકારના કૃષિ મંત્રી જિતુ વાઘાણીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના બંને મોબાઇલ નંબર સ્વિચ-ઑફ આવ્યા હતા. તેમનો સંપર્ક કરવાના પ્રયાસના ભાગરૂપે અમે તેમના મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મૅસેજ કરવાની સાથોસાથ કૃષિ મંત્રાલયને ઇમેઇલ પણ મોકલ્યો હતો.

રાજ્યમાં ગોચરની જમીનોમાં આવેલા ઘટાડા મામલે સરકારી પ્રયાસો અંગે જાણવા માટે અમે રાજ્ય સરકારના રેવન્યૂ વિભાગને પણ મેઇલ કર્યો હતો.

આ તમામ પ્રયાસો બાદ પણ આ અહેવાલ લખાય છે ત્યાં સુધી ઉપરોક્ત સરકારી વિભાગો પાસેથી કોઈ જવાબ નથી મળ્યો. તેમનો જવાબ મળ્યે આ અહેવાલ અપડેટ કરાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન