ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો કેમ ફ્લાઇટો બંધ કરી રહી છે, જાણો કારણ

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા ઇન્ડિગો ઍરલાઇન વિમાન પ્રવાસ ફ્લાઇટ જેટ ફ્યુઅલ

ઇમેજ સ્રોત, Prakash Singh/Bloomberg via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

મધ્યપૂર્વની અશાંતિની અસર ભારતમાં હવે દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે, જેમાં હવે વિમાનોની ઉડાન પણ ખોરવાઈ રહી છે.

દેશની સૌથી મોટી બે ઍરલાઇનો - ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ઇંધણના વધતા ભાવ વચ્ચે ત્રણ મહિના સુધી કેટલીક ડૉમેસ્ટિક ઉડાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

તેના કારણે ભારતમાં વિમાન પ્રવાસીઓની તકલીફ વધી જાય તેવી શક્યતા છે. વિમાનભાડાંમાં તાજેતરમાં મોટો વધારો થયો છે, ત્યારે હવે વિમાન પ્રવાસ વધુ મોંઘો થવાની શક્યતા છે.

ઍર ઇન્ડિયા, ઇન્ડિગો અને ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે આગામી મહિનાઓ માટે તેમની ડૉમેસ્ટિક ઉડાનની સંખ્યામાં 22 ટકા સુધી કાપ મૂકવાનું નક્કી કર્યું છે.

ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા ત્યાર પછી તરત દેશમાં એલપીજી ગૅસની અછત શરૂ થઈ હતી જે હજુ પણ યથાવત છે.

સરકારે કૉમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો કરી દીધો છે. ત્યાર પછી મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ચાર વખત વધારો કરવામાં આવ્યો છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે ઍરલાઇન્સને હવે ઈંધણ મોંઘું પડે છે અને ટ્રાવેલની ડિમાન્ડ પણ ઘટી ગઈ છે.

ઈરાન યુદ્ધના કારણે ઍરસ્પેસને લગતા અવરોધ પણ વધી ગયા છે જેના કારણે ઍરલાઇન્સનો ઑપરેશનલ ખર્ચ વધ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક ઍરલાઇનો ડૉમેસ્ટિક રૂટમાં કાપ મૂકી રહી છે.

ફ્લાઇટની સંખ્યામાં મોટો કાપ કેમ મૂકવામાં આવ્યો

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા ઇન્ડિગો ઍરલાઇન વિમાન પ્રવાસ ફ્લાઇટ જેટ ફ્યુઅલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અચાનક ફ્લાઇટ રદ થવાના કારણે પ્રવાસીઓએ ઊંચા દરે નવી ટિકિટ ખરીદવી પડે તેવી શક્યતા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોટી ઍરલાઇનોએ ફ્લાઇટની સંખ્યામાં ત્રણ મહિના સુધી પાંચ ટકાથી લઈને 22 ટકા સુધી કાપ મૂક્યો છે.

સંખ્યાની રીતે જોવામાં આવે તો બે ઍરલાઇનોએ ડૉમેસ્ટિક રૂટ પર રોજની લગભગ 250થી વધુ ફ્લાઇટ બંધ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે ઍર ઇન્ડિયાની ડૉમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા 22 ટકા સુધી ઘટાડવામાં આવશે. જ્યારે ઇન્ડિગોએ જૂનથી ઑગસ્ટ સુધી ફ્લાઇટમાં પાંચથી સાત ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગો ઍરલાઇને તેની ઇન્ટરનૅશનલ કૅપેસિટી પણ 17 ટકા ઘટાડવાનું નક્કી કર્યું છે.

રૉઇટર્સના અહેવાલ મુજબ ઇન્ડિગોએ ફ્લાઇટની સંખ્યામાં સાતથી 10 ટકા સુધી કાપ મૂક્યો છે.

ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો સૌથી મોટો બજારહિસ્સો ધરાવતી ઍરલાઇનો છે જેમાં ઍર ઇન્ડિયા લગભગ 4400 સાપ્તાહિક ફ્લાઇટ ઑપરેટ કરે છે, જેમાંથી લગભગ 3600 ડૉમેસ્ટિક અને 800 ઇન્ટરનૅશનલ ફ્લાઇટ હોય છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આ આંકડાના આધારે કહી શકાય કે ઍર ઇન્ડિયા 790થી વધારે વીકલી ફ્લાઇટની સંખ્યા ઘટાડશે.

ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ 3000 સાપ્તાહિક ફ્લાઇટ ઑપરેટ કરે છે જેમાંથી લગભગ 2400 ડૉમેસ્ટિક ફ્લાઇટ હોય છે. ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ ભારત અને મધ્યપૂર્વના દેશો વચ્ચે 500 સાપ્તાહિક ફ્લાઇટ ઑપરેટ કરે છે.

ઇન્ડિગો ઍરલાઇન 15,400 સાપ્તાહિક ફ્લાઇટ ઉડાવે છે જેમાંથી લગભગ 13,000 ડૉમેસ્ટિક ફ્લાઇટ હોય છે. તેની ફ્લાઇટની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થાય તેનો અર્થ એવો થયો કે લગભગ 2000 ફ્લાઇટમાં કાપ મૂકવામાં આવશે.

વિમાન કંપનીઓ આર્થિક ભીંસમાં કેવી રીતે આવી?

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા ઇન્ડિગો ઍરલાઇન વિમાન પ્રવાસ ફ્લાઇટ જેટ ફ્યુઅલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં સૌથી વધારે માર્કેટહિસ્સો ધરાવતી ઍરલાઇનોએ તેમની ફ્લાઇટની સંખ્યામાં કાપ મૂક્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઍરલાઇનો અલગ અલગ કારણોથી નાણાકીય ભીડ અનુભવી રહી છે.

ઉદાહરણ તરીકે ઍર ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2026માં લગભગ 2.80 અબજ ડૉલર (લગભગ 28,400 કરોડ રૂપિયા)ની ખોટ નોંધાવી છે જે એક રેકૉર્ડ છે.

ટાટા ગ્રૂપે 2022માં ઍરલાઇનનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું ત્યાર પછી આ સૌથી મોટી ખોટ છે.

પાકિસ્તાને પોતાની ઍરસ્પેસમાં ભારતીય ઍરલાઇનોના પ્રવેશ પર મૂકેલા પ્રતિબંધ અને ડૉલરના ભાવમાં થયેલા વધારાના કારણે ઍરલાઇનોનો ખર્ચ વધી રહ્યો છે.

ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે જૂનથી ઑગસ્ટનો સમયગાળો ઍરલાઇન માટે સામાન્ય રીતે નબળો ગણવામાં આવે છે કારણ કે આ ગાળામાં ચોમાસું હોય છે અને ઉનાળુ વૅકેશન પૂરું થયા પછી ટ્રાવેલ ડિમાન્ડ ઘટી જાય છે.

જોકે, આ વખતે જેટ ઈંધણના ભાવમાં થયેલો વધારો એ મુખ્ય કારણ છે.

ઍર ઇન્ડિયાએ તાજેતરમાં દિલ્હીથી શિકાગો અને નેવાર્ક જેવાં અમેરિકન સ્થળોની ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કો, ન્યૂ યૉર્ક અને ટોરન્ટો જેવાં શહેરોની ફ્લાઇટની સંખ્યામાં પણ કાપ મૂક્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ ટાળવા અપીલ કરી ત્યાર પછી તરત ઍર ઇન્ડિયા તરફથી આ જાહેરાત થઈ હતી.

જેટ ઈંધણનો ભાવ હજુ વધશે?

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા ઇન્ડિગો ઍરલાઇન વિમાન પ્રવાસ ફ્લાઇટ જેટ ફ્યુઅલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાન કંપનીઓ માટે ઑપરેશનલ ખર્ચમાં 40 ટકા હિસ્સો ઈંધણનો હોય છે.

કેટલાક અહેવાલ પ્રમાણે ઑઇલ કંપનીઓએ તાજેતરમાં ચાર વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા તેના પગલે જેટ ઈંધણના ભાવમાં પણ પહેલી જૂનથી વધારો થઈ શકે છે.

પહેલી મેએ સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે જેટ ઈંધણના ભાવમાં પાંચ ટકાનો મોટો વધારો કર્યો હતો, જ્યારે ડૉમેસ્ટિક ઍરલાઇન્સ માટે એટીએફનો ભાવવધારો ટાળ્યો હતો.

જેટ ઈંધણનો ભાવ વધારો એ ઍરલાઇન માટે સૌથી મોટી ચિંતાનું કારણ હોય છે કારણ કે ઍરલાઇનના કુલ ઑપરેશનલ ખર્ચમાં ઈંધણનો ખર્ચ લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે જેના કારણે ઍરલાઇનોએ બિનનફાકારક ફ્લાઇટ બંધ કરવાની ફરજ પડે છે.

રૉઇટર્સના અહેવાલ પ્રમાણે ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે "ચોક્કસ ડૉમેસ્ટિક રૂટ પર ઍર ઇન્ડિયાએ પોતાની કામગીરીને કામચલાઉ ધોરણે રેશનલાઇઝ કરી છે. ઈંધણના ઊંચા ભાવ અને એકંદર કામગીરીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયા છે. ઍર ઇન્ડિયા ડિમાન્ડ અને ઑપરેટિંગ પરિસ્થિતિ પર બારીક નજર રાખશે."

ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે "આ ફેરફારથી અસર પામેલા પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટમાં જગ્યા ઑફર કરાશે, તેમને કૉમ્પલીમેન્ટરી ડેટ ચેન્જ કરી અપાશે અથવા ફુલ રિફંડ આપવામાં આવશે."

ભારતમાં હવાઈ મુસાફરી મોંઘી થશે?

બીબીસી ગુજરાતી ઍર ઇન્ડિયા ઇન્ડિગો ઍરલાઇન વિમાન પ્રવાસ ફ્લાઇટ જેટ ફ્યુઅલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાન પ્રવાસીઓએ ઍર ટિકિટના દરમાં મોટા આંચકાની તૈયારી રાખવી પડે તેવી શક્યતા છે.

ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો પાસે ભારતીય ઉડ્ડયન સેક્ટરમાં લગભગ 90 ટકા હિસ્સો છે. આ બંનેની ફ્લાઇટ ઘટવાના કારણે વિમાન ટિકિટના દરમાં તીવ્ર ઉછાળાની શક્યતા છે.

અમદાવાદસ્થિત ટ્રાવેલ ઑપરેટર મહેશ દુદાકિયાએ જણાવ્યું કે "હાલમાં વેકેશનની સીઝન સમાપ્ત થવાની તૈયારીમાં છે તેથી જે પર્યટકો ઘરે પરત જઈ રહ્યા છે તેઓ પરેશાન થઈ જશે."

"આ ઉપરાંત સામાન્ય પ્રવાસીઓને પણ મોટી અસર થવાની છે કારણ કે જે ઍર ટિકિટ તેમણે બે મહિના અગાઉ આઠ-દશ હજાર રૂપિયામાં બૂક કરાવી હોય તે ફ્લાઇટ રદ થાય તો નવી ટિકિટ ઘણી ઊંચા ભાવે ખરીદવી પડશે."

તેમણે કહ્યું કે "છેલ્લા કેટલાક સમયથી ઍરલાઇનો માટે એક પછી એક સમસ્યા આવી જ રહી છે. આવામાં ડોમેસ્ટિક હવાઈ પ્રવાસ પણ હવે સસ્તો રહ્યો નથી."

ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલા મનીષ શર્માએ કહ્યું કે "હાલમાં સ્પાઇસજેટ ઍરલાઇન ડચકા ખાઈ રહી છે તેવામાં ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી ઍરલાઇનોની ફ્લાઇટ ઘટે તો ટ્રાવેલ ઉદ્યોગને મોટો ફટકો પડશે."

તેમણે કહ્યું કે "વડા પ્રધાને તાજેતરમાં લોકોને વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ કરી હતી, પરંતુ આવી રીતે ફ્લાઇટો બંધ થાય અને તેના કારણે ઍર ટિકિટના દર વધી જાય તો લોકો દેશની અંદર પણ પ્રવાસ નહીં કરી શકે."

તેઓ કહે છે કે, "હાલમાં કાશ્મીર, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, ગુવાહાટી સહિતનાં સ્થળોની ફ્લાઇટના દર 50 હજાર રૂપિયાથી ઉપર જતા રહ્યા છે."

"એક સમયે અમદાવાદથી યુરોપના જે ભાડા હતા તેવા ભાડા હવે ડૉમેસ્ટિક રૂટના થઈ ગયા છે. આવામાં દેશમાં હવાઈ પ્રવાસ કરવો બહુ મુશ્કેલ બની જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન